હઝકિયેલ
૯ પછી મેં તેમને મોટા અવાજે આમ બોલતા સાંભળ્યા: “શહેરને સજા કરનારાઓને બોલાવો! તે દરેક પોતાના હાથમાં વિનાશનું હથિયાર લઈને આવે.”
૨ મેં જોયું તો ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી+ છ માણસો આવતા હતા. દરેકના હાથમાં વિનાશનું હથિયાર હતું. તેઓની વચ્ચે શણનાં કપડાં પહેરેલો એક માણસ પણ હતો. તેની કમરે મંત્રીનો* શાહીનો ખડિયો હતો. તેઓ તાંબાની વેદી પાસે આવીને ઊભા રહ્યા.+
૩ ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ+ કરૂબો* ઉપરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું.+ જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે મંત્રીનો શાહીનો ખડિયો હતો, તેને ઈશ્વરે* બોલાવ્યો. ૪ યહોવાએ તેને કહ્યું: “જા, આખા યરૂશાલેમ શહેરમાં ફરી વળ. શહેરમાં થતાં નીચ કામોને+ લીધે જેઓ નિસાસા નાખે છે અને રડે છે,+ તેઓનાં કપાળ પર નિશાની કર.”
૫ હું સાંભળતો હતો અને તેમણે બીજા માણસોને કહ્યું: “તેની પાછળ પાછળ શહેરમાં જાઓ અને કતલ કરો. તમે રહેમ કરશો નહિ* અને જરાય દયા* બતાવશો નહિ.+ ૬ બધાં વૃદ્ધો, યુવાનો, છોકરીઓ, બાળકો અને સ્ત્રીઓને તમારે મારી નાખવાં.+ પણ જેનાં કપાળ પર નિશાની હોય,+ તેની નજીક પણ જવું નહિ. તમે મારા મંદિરથી શરૂઆત કરો.”+ એટલે તેઓએ મંદિર આગળના વડીલોથી શરૂઆત કરી.+ ૭ પછી તેમણે તેઓને કહ્યું: “મંદિર અશુદ્ધ કરી નાખો! એનાં આંગણાઓ લાશોથી ભરી દો!+ જાઓ, જઈને શહેરમાં કતલ ચલાવો!” એટલે તેઓ ગયા અને શહેરના લોકોનો પણ સંહાર કર્યો.
૮ તેઓ લોકોનો સંહાર કરતા હતા ત્યારે હું એકલો બચી ગયો. મેં ભૂમિ સુધી માથું નમાવ્યું અને પોકાર કર્યો: “અફસોસ! હે વિશ્વના માલિક યહોવા, શું તમે યરૂશાલેમ પર તમારો કોપ રેડતા રહેશો? શું તમે ઇઝરાયેલના બાકી રહેલા બધાનો નાશ કરી નાખશો?”+
૯ તેમણે મને કહ્યું: “ઇઝરાયેલ અને યહૂદાના લોકોનાં પાપ આસમાને ચઢ્યાં છે.+ દેશ ખૂનખરાબીથી ભરપૂર છે.+ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.+ લોકો કહે છે, ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે, યહોવા કંઈ જોતા નથી.’+ ૧૦ પણ હું રહેમ કરીશ નહિ. હું જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તેઓનાં કામોનાં ફળ તેઓએ ભોગવવાં પડે.”
૧૧ પછી જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે શાહીનો ખડિયો હતો, તેને મેં પાછો આવતો જોયો. તેણે કહ્યું: “તમે જે આજ્ઞા આપી હતી, એવું જ મેં કર્યું છે.”