નિર્ગમન
૪ પણ મૂસાએ કહ્યું: “ધારો કે તેઓ મારો ભરોસો ન કરે અને મારી વાત ન માને+ અને કહે, ‘યહોવા તારી આગળ પ્રગટ થયા નથી,’ તો મારે શું કરવું?” ૨ યહોવાએ તેને પૂછ્યું: “તારા હાથમાં શું છે?” તેણે કહ્યું: “લાકડી.” ૩ ઈશ્વરે કહ્યું: “લાકડીને જમીન પર નાખ.” તેણે એ લાકડી જમીન પર નાખી અને એ સાપ બની ગઈ.+ એ જોઈને મૂસા ત્યાંથી તરત દૂર ભાગ્યો. ૪ યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ લાંબો કરીને એની પૂંછડી પકડ.” તેણે હાથ લાંબો કર્યો અને એને પકડ્યો. એ સાપ મૂસાના હાથમાં પાછો લાકડી બની ગયો. ૫ ઈશ્વરે આગળ કહ્યું: “આમ કરીશ તો લોકો ભરોસો કરશે કે યહોવા તારી આગળ પ્રગટ થયા છે,+ જે તેઓના બાપદાદાઓના ઈશ્વર, એટલે કે ઇબ્રાહિમના ઈશ્વર, ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર છે.”+
૬ યહોવાએ ફરી મૂસાને કહ્યું: “તારો હાથ ઝભ્ભામાં નાખ.” તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો. પછી હાથ બહાર કાઢ્યો ત્યારે તેનો હાથ રક્તપિત્તને* લીધે બરફ જેવો સફેદ થઈ ગયો હતો!+ ૭ ઈશ્વરે તેને કહ્યું: “તારો હાથ ફરી ઝભ્ભામાં નાખ.” તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો. પછી તેણે હાથ બહાર કાઢ્યો ત્યારે એ સાજો થઈ ગયો હતો! ૮ તેમણે કહ્યું: “જો તેઓ તારું ન માને અથવા પહેલા ચમત્કાર પર ધ્યાન ન આપે, તો બીજા ચમત્કાર પર ચોક્કસ ભરોસો મૂકશે.+ ૯ જો તેઓ બંને ચમત્કારો* પર ભરોસો ન મૂકે અને તારી વાત ન માને, તો નાઈલ નદીમાંથી થોડું પાણી લેજે. પછી એ પાણી કોરી જમીન પર રેડી દેજે. એ પાણી જમીન પર લોહી બની જશે.”+
૧૦ મૂસાએ યહોવાને કહ્યું: “માફ કરો યહોવા, હું સારો વક્તા નથી. પહેલાં પણ ન હતો અને તમે મારી સાથે વાત કરી એ પછી પણ નથી. હું બોલવામાં ધીમો છું અને બોલતા અચકાઉં છું.”+ ૧૧ યહોવાએ કહ્યું: “માણસનું મોં કોણે બનાવ્યું છે? તેને મૂંગો, બહેરો, દેખતો અથવા આંધળો કોણ બનાવે છે? શું એ હું યહોવા નથી? ૧૨ તું વાત કરીશ ત્યારે હું તારી સાથે હોઈશ. તારે શું કહેવું એ હું તને શીખવીશ.”+ ૧૩ મૂસાએ કહ્યું: “માફ કરો યહોવા, પણ આ કામ માટે બીજા કોઈને મોકલો.” ૧૪ એટલે યહોવાનો ગુસ્સો મૂસા પર ભભૂકી ઊઠ્યો. પછી તેમણે કહ્યું: “હું જાણું છું કે લેવી* કુળનો તારો ભાઈ હારુન+ સારો વક્તા છે. તે તને મળવા આવી રહ્યો છે. તને જોઈને તેનું દિલ ખુશ થઈ જશે.+ ૧૫ તું તેની સાથે વાત કરજે અને આ બધું તેને જણાવજે.+ હું તમારા બંને સાથે હોઈશ.+ તમારે શું કરવું એ હું તમને શીખવીશ. ૧૬ હારુન તારા વતી લોકો સાથે વાત કરશે, તે તારા માટે બોલશે.* તું તેના માટે ઈશ્વર સમાન થશે.+ ૧૭ તું આ લાકડી તારા હાથમાં રાખજે અને એનાથી ચમત્કારો કરજે.”+
૧૮ પછી મૂસા પોતાના સસરા યિથ્રો+ પાસે પાછો ગયો અને તેને કહ્યું: “મને ઇજિપ્ત જવા દો, જેથી હું જોઈ શકું કે મારા ભાઈઓ સહીસલામત છે કે નહિ.” યિથ્રોએ તેને કહ્યું: “ભલે, શાંતિથી જા.” ૧૯ એ પછી યહોવાએ મિદ્યાનમાં મૂસાને કહ્યું: “જા, ઇજિપ્ત પાછો જા. જે માણસો તારો જીવ લેવા માંગતા હતા, તેઓ મરી ગયા છે.”+
૨૦ ત્યાર બાદ, મૂસાએ પોતાની પત્ની અને દીકરાઓને ગધેડા પર બેસાડ્યાં અને તેઓ ઇજિપ્ત જવા નીકળ્યાં. મૂસાએ સાચા ઈશ્વરની લાકડી પોતાના હાથમાં લીધી. ૨૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ઇજિપ્ત જઈને રાજા આગળ એ બધા ચમત્કારો કરજે, જે કરવાની મેં તને શક્તિ આપી છે.+ પણ હું રાજાનું દિલ હઠીલું બનવા દઈશ+ અને તે લોકોને જવા નહિ દે.+ ૨૨ તું રાજાને કહેજે, ‘યહોવા કહે છે: “ઇઝરાયેલ મારો દીકરો છે. હા, મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.+ ૨૩ હું તને જણાવું છું કે મારા દીકરાને મારી સેવા કરવા મોકલ. પણ જો તું તેને નહિ મોકલે, તો હું તારા દીકરાને, હા, તારા પ્રથમ જન્મેલા દીકરાને મારી નાખીશ.”’”+
૨૪ હવે માર્ગમાં ઉતારાની જગ્યાએ યહોવા*+ તેને મળ્યા અને તે તેને* મારી નાખવા માંગતા હતા.+ ૨૫ પણ સિપ્પોરાહે+ ધારદાર પથ્થરથી* પોતાના દીકરાની સુન્નત* કરી અને એ ચામડી તેના* પગ આગળ નાખી. સિપ્પોરાહે કહ્યું: “મેં એમ કર્યું, કેમ કે તમે મારા માટે લોહીના વરરાજા છો.” ૨૬ તેથી ઈશ્વરે તેને જવા દીધો. એ સમયે સુન્નતને કારણે સિપ્પોરાહે કહ્યું હતું: “લોહીના વરરાજા.”
૨૭ પછી યહોવાએ હારુનને કહ્યું: “મૂસાને મળવા વેરાન પ્રદેશમાં જા.”+ તે ગયો અને મૂસાને સાચા ઈશ્વરના પર્વત+ આગળ મળ્યો. હારુને તેને મળીને ચુંબન કર્યું. ૨૮ યહોવાએ કહેલી બધી વાતો+ અને તેમણે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતું, એ બધું મૂસાએ હારુનને જણાવ્યું.+ ૨૯ પછી મૂસા અને હારુને જઈને ઇઝરાયેલના બધા વડીલોને ભેગા કર્યા.+ ૩૦ યહોવાએ મૂસાને જે વાતો કહી હતી, એ હારુને તેઓને જણાવી. મૂસાએ લોકોના દેખતાં ચમત્કારો કર્યા.+ ૩૧ એ જોઈને લોકોએ મૂસા પર ભરોસો મૂક્યો.+ જ્યારે તેઓએ સાંભળ્યું કે યહોવાએ ઇઝરાયેલીઓ પર ધ્યાન આપ્યું છે+ અને તેઓ પર થતો જુલમ જોયો છે,+ ત્યારે તેઓએ જમીન સુધી માથું નમાવીને ઈશ્વરને નમન કર્યું.