આમોસ
૧ આ આમોસનો* સંદેશો છે. તે તકોઆ+ નગરનો ઘેટાંપાળક હતો. તેને દર્શનમાં ઇઝરાયેલ વિશે સંદેશો મળ્યો. ધરતીકંપના+ બે વર્ષ પહેલાં તેને એ સંદેશો મળ્યો. એ દિવસોમાં યહૂદા પર રાજા ઉઝ્ઝિયા+ રાજ કરતો હતો અને ઇઝરાયેલ પર યોઆશનો+ દીકરો રાજા યરોબઆમ+ રાજ કરતો હતો. ૨ આમોસે કહ્યું:
“યહોવા* સિયોનમાંથી ગર્જના કરશે,
તે યરૂશાલેમમાંથી મોટો પોકાર કરશે.
ઘેટાંપાળકોનાં ગૌચરો* શોક પાળશે
અને કાર્મેલનું શિખર સુકાઈ જશે.”+
૩ “યહોવા કહે છે,
‘“દમસ્કે વારંવાર* ગુના કર્યા છે,* એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તેણે અનાજ મસળવાના લોઢાનાં ઓજારોથી ગિલયાદને મસળી નાખ્યું છે.+
૪ હું હઝાએલના+ ઘર પર અગ્નિ મોકલીશ,
એ બેન-હદાદના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+
૫ હું દમસ્કના દરવાજાની ભૂંગળો ભાંગી નાખીશ,+
હું બિકાત-આવેનના રહેવાસીઓનો નાશ કરીશ,
બેથ-એદેનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ
અને સિરિયાના લોકોને ગુલામ* બનાવીને કીર લઈ જવામાં આવશે,”+ એવું યહોવા કહે છે.’
૬ યહોવા કહે છે,
‘“ગાઝાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તેઓ ગુલામોના આખા સમૂહને લઈ ગયા છે+ અને અદોમના હાથમાં સોંપી દીધો છે.
૭ હું ગાઝાના કોટ પર અગ્નિ મોકલીશ,+
એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.
૮ હું આશ્દોદના રહેવાસીઓનો નાશ કરીશ,+
આશ્કલોનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ,+
હું એક્રોન સામે મારો હાથ ઉગામીશ+
અને પલિસ્તના બાકી રહેલા લોકોનો નાશ થશે,”+ એવું વિશ્વના માલિક* યહોવા કહે છે.’
૯ યહોવા કહે છે,
‘તૂરે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તેઓ ગુલામોના આખા સમૂહને અદોમ લઈ ગયા છે
અને ભાઈઓનો કરાર* ભૂલી ગયા છે.+
૧૦ હું તૂરના કોટ પર અગ્નિ મોકલીશ,
એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+
૧૧ યહોવા કહે છે,
‘અદોમે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તે તલવાર લઈને પોતાના જ ભાઈની પાછળ પડ્યો+
અને તેણે દયા બતાવવાની ના પાડી દીધી.
તેણે ગુસ્સે થઈને પોતાના ભાઈઓને ક્રૂરતાથી ચીરી નાખ્યા
અને તેનો ક્રોધ હજી સુધી ઠંડો પડ્યો નથી.+
૧૨ હું તેમાન પર અગ્નિ મોકલીશ,+
એ બોસરાહના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+
૧૩ યહોવા કહે છે,
‘“આમ્મોનીઓએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેઓને સજા કર્યા વગર છોડીશ નહિ.
પોતાની સરહદ વધારવા+ તેઓએ ગિલયાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
૧૪ હું રાબ્બાહના કોટ પર અગ્નિ મોકલીશ,+
એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે,
લડાઈના દિવસે યુદ્ધનો પોકાર થશે
અને વાવાઝોડાના દિવસે ભારે પવન ફૂંકાશે.
૧૫ તેઓનો રાજા તેના અધિકારીઓ સાથે ગુલામીમાં જશે,”+ એવું યહોવા કહે છે.’