ગીતશાસ્ત્ર
મુથ-લાબ્બેન* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
א [આલેફ]
૯ હે યહોવા, હું મારા પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.
હું તમારાં બધાં અજાયબ કામો વિશે જણાવીશ.+
૨ હું તમારા લીધે આનંદ કરીશ અને હરખાઈશ.
હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામના ગુણગાન ગાઈશ.*+
ב [બેથ]
૩ મારા દુશ્મનો પાછા હટે ત્યારે,+
તમારી આગળ તેઓ ઠોકર ખાઈને પડશે અને નાશ પામશે.
૪ કારણ, તમે મારો મુકદ્દમો લડીને મારો બચાવ કરો છો,
તમે ન્યાયાસન પર બેસીને સચ્ચાઈથી ઇન્સાફ કરો છો.+
ג [ગિમેલ]
૫ તમે પ્રજાઓને ધમકાવો છો,+ દુષ્ટોનો વિનાશ કરો છો
અને સદાને માટે તેઓનું નામનિશાન મિટાવી દો છો.
૬ દુશ્મનોનો કાયમ માટે નાશ થયો છે,
તમે તેઓનાં શહેરો જડમૂળથી ઉખેડી નાખ્યાં છે.
તેઓની બધી યાદો ભૂંસાઈ જશે.+
ה [હે]
૭ પણ યહોવા હંમેશ માટે રાજગાદીએ બેઠા છે.+
ન્યાય આપવા તેમણે પોતાનું રાજ્યાસન કાયમ કર્યું છે.+
૮ પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે.+
પ્રજાઓનો તે અદ્દલ ઇન્સાફ કરશે.+
ו [વાવ]
૧૦ તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે.+
હે યહોવા, જેઓ તમને ભજે છે તેઓને તમે કદી નહિ તરછોડો.+
ז [ઝાયિન]
૧૧ યહોવાનાં ગીતો ગાઓ, તે સિયોનમાં રહે છે.
લોકોમાં તેમનાં કામો જાહેર કરો.+
૧૨ તે દીન-દુખિયાઓને યાદ રાખે છે, તેઓના લોહીનો બદલો લે છે.+
લાચાર લોકોનો પોકાર તે કદી ભૂલશે નહિ.+
ח [હેથ]
૧૩ હે યહોવા, દયા કરો. જુઓ, નફરત કરનારા મારા પર કેવો અત્યાચાર કરે છે!
તમે મને મોતના મોંમાંથી છોડાવ્યો,+
૧૪ જેથી હું સિયોનની દીકરીના દરવાજે+ તમારાં કામોની વાહ વાહ કરું
અને તમે કરેલા ઉદ્ધારનાં કામોનો આનંદ માણું.+
ט [ટેથ]
૧૫ પ્રજાઓએ ખાડો ખોદ્યો અને પોતે જ એમાં પડી,
તેઓએ જાળ બિછાવી અને તેઓનો જ પગ એમાં ફસાઈ ગયો.+
૧૬ ન્યાયચુકાદા જાહેર કરીને યહોવાએ પોતાની ઓળખ આપી છે.+
દુષ્ટ લોકોને પોતાના હાથનાં કર્યાં હૈયે વાગ્યાં છે.+
હિગ્ગાયોન.* (સેલાહ)
י [યોદ]
૧૭ બધા દુષ્ટો કબરમાં* જશે,
ઈશ્વરને ભૂલી જનારી બધી પ્રજાઓ ત્યાં જ જશે.
૧૮ પણ ગરીબો કાયમ માટે ભુલાઈ જશે નહિ.+
નમ્ર લોકોની આશાનો દીવો કદી હોલવાઈ જશે નહિ.+
כ [કાફ]
૧૯ હે યહોવા, ઊઠો! માણસને જીતવા ન દો.
તમારી આગળ બધી પ્રજાઓનો ન્યાય કરવામાં આવે.+
૨૦ હે યહોવા, તેઓમાં ભય ફેલાવી દો,+
જેથી પ્રજાઓને ભાન થાય કે તેઓ તો ફક્ત મામૂલી માણસો છે. (સેલાહ)