લેવીય
૧૦ પછી હારુનના દીકરાઓ નાદાબ અને અબીહૂએ+ પોતાનાં અગ્નિપાત્રો* લીધાં અને એમાં અગ્નિ મૂકીને એના પર ધૂપ* નાખ્યો.+ ત્યાર બાદ, તેઓએ યહોવા આગળ નિયમ વિરુદ્ધ અગ્નિ ચઢાવ્યો,+ જેના વિશે ઈશ્વરે તેઓને આજ્ઞા આપી ન હતી. ૨ એટલામાં યહોવા પાસેથી અગ્નિ ઊતરી આવ્યો અને તેઓને ભરખી ગયો.+ આમ તેઓ યહોવા આગળ માર્યા ગયા.+ ૩ પછી મૂસાએ હારુનને કહ્યું: “યહોવા કહે છે, ‘જેઓ મારી નજીક આવે છે,+ તેઓમાં હું પવિત્ર ગણાઈશ અને બધા લોકોમાં હું મહિમાવાન ઠરીશ.’” અને હારુન ચૂપ રહ્યો.
૪ પછી મૂસાએ હારુનના કાકા ઉઝ્ઝિએલના+ દીકરાઓ મીશાએલ અને અલીસાફાનને બોલાવીને કહ્યું: “અહીં આવો અને તમારા ભાઈઓનાં શબ પવિત્ર જગ્યાએથી ઉઠાવીને છાવણી બહાર લઈ જાઓ.” ૫ તેથી તેઓ આગળ આવ્યા અને મૂસાના કહ્યા પ્રમાણે નાદાબ અને અબીહૂને પહેરેલા ઝભ્ભા સહિત છાવણી બહાર લઈ ગયા.
૬ પછી મૂસાએ હારુન અને તેના બીજા દીકરાઓ એલઆઝાર અને ઇથામારને કહ્યું: “તમારાં માથાંના વાળ વિખેરાયેલા રાખશો નહિ અથવા તમારાં કપડાં ફાડશો* નહિ,+ નહિતર તમે માર્યા જશો અને બધા ઇઝરાયેલીઓ વિરુદ્ધ ઈશ્વર ગુસ્સે ભરાશે. યહોવાએ જેઓને અગ્નિથી મારી નાખ્યા છે, તેઓ માટે તમારા ભાઈઓ, એટલે કે આખું ઇઝરાયેલ શોક પાળશે. ૭ પણ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર નજીક જ રહો, નહિતર તમે માર્યા જશો, કેમ કે યહોવાએ તમને તેલથી અભિષિક્ત કર્યા છે.”+ તેથી તેઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું.
૮ પછી યહોવાએ હારુનને કહ્યું: ૯ “તું અને તારા દીકરાઓ મુલાકાતમંડપમાં આવો ત્યારે, દ્રાક્ષદારૂ કે શરાબ પીને આવશો નહિ,+ નહિતર તમે માર્યા જશો. એ નિયમ તમને પેઢી દર પેઢી હંમેશ માટે લાગુ પડે છે. ૧૦ એ નિયમ આપવાનું કારણ એ છે કે, તમે પવિત્ર અને ભ્રષ્ટ વસ્તુ વચ્ચેનો ફરક તેમજ શુદ્ધ અને અશુદ્ધ વસ્તુ વચ્ચેનો ફરક પારખી શકો+ ૧૧ તેમજ યહોવાએ મૂસા દ્વારા આપેલા બધા કાયદા-કાનૂન ઇઝરાયેલીઓને શીખવી શકો.”+
૧૨ પછી મૂસાએ હારુન અને તેના બે દીકરાઓ એલઆઝાર અને ઇથામારને કહ્યું: “યહોવા માટે આગમાં ચઢાવવાના અનાજ-અર્પણમાંથી જે બચ્યું છે, એને લો અને એમાંથી બેખમીર રોટલી બનાવીને એને વેદી નજીક ખાઓ,+ કેમ કે એ ખૂબ પવિત્ર છે.+ ૧૩ તમે એને પવિત્ર જગ્યાએ ખાઓ,+ કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણમાંથી એ તમારો અને તમારા દીકરાઓનો હિસ્સો છે. એ આજ્ઞા મને ઈશ્વરે આપી છે. ૧૪ તમે અને તમારાં દીકરા-દીકરીઓ+ હલાવવાના અર્પણની છાતીનો ભાગ અને પવિત્ર હિસ્સાના પગનો ભાગ+ શુદ્ધ જગ્યાએ ખાઓ. ઇઝરાયેલીઓએ ચઢાવેલાં શાંતિ-અર્પણોમાંથી એ તમને અને તમારા દીકરાઓને હિસ્સા તરીકે આપવામાં આવ્યા છે. ૧૫ ઇઝરાયેલીઓ આગમાં ચઢાવવાના અર્પણની ચરબી સાથે પવિત્ર હિસ્સાનો પગનો ભાગ અને હલાવવાના અર્પણની છાતીનો ભાગ લાવશે, જેથી એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવી શકાય. યહોવાએ આજ્ઞા આપી છે તેમ, તમને અને તમારા દીકરાઓને એ હિસ્સો હંમેશ માટે મળશે.”+
૧૬ મૂસાએ પાપ-અર્પણના બકરાને ખંતથી શોધ્યો+ ત્યારે, તેને જાણવા મળ્યું કે એને બાળી દેવામાં આવ્યો છે. તેથી તે હારુનના બીજા દીકરાઓ એલઆઝાર અને ઇથામાર પર ખૂબ ગુસ્સે ભરાયો. મૂસાએ તેઓને કહ્યું: ૧૭ “તમે કેમ પવિત્ર જગ્યાએ પાપ-અર્પણનું માંસ ખાધું નહિ?+ એ ખૂબ પવિત્ર છે અને એ તમને આપવામાં આવ્યું છે, જેથી તમે ઇઝરાયેલીઓના અપરાધો દૂર કરી શકો અને યહોવા આગળ તેઓ માટે પ્રાયશ્ચિત્ત કરી શકો. ૧૮ જુઓ! એનું લોહી પવિત્ર મંડપમાં* લઈ જવામાં આવ્યું નથી.+ મેં તમને આજ્ઞા આપી હતી તેમ, તમારે એ અર્પણને પવિત્ર મંડપના આંગણામાં* ખાવાનું હતું.” ૧૯ હારુને મૂસાને જવાબમાં કહ્યું: “જો! લોકોએ યહોવા આગળ પોતાનું શાંતિ-અર્પણ અને અગ્નિ-અર્પણ ચઢાવ્યું છે,+ પણ હું એ અર્પણોનું માંસ ખાઈ શક્યો નથી. આજે મારા પર જે આવી પડ્યું, એ તું સારી રીતે જાણે છે. હવે જો મેં પાપ-અર્પણનું માંસ ખાધું હોત, તો શું યહોવા એનાથી ખુશ થયા હોત?” ૨૦ એ સાંભળ્યું ત્યારે મૂસાને હારુનની વાત સમજાઈ.