નિર્ગમન
૨૨ “જો કોઈ માણસ બીજાનો બળદ કે ઘેટું ચોરે અને એને કાપે અથવા વેચી દે, તો તે એક બળદના બદલામાં પાંચ બળદ અને એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં આપીને નુકસાની ભરી આપે.+
૨ (“જો રાતે ચોર+ ચોરી કરતા પકડાય અને તેને મારી નાખવામાં આવે, તો ખૂની પર તેના લોહીનો દોષ નહિ લાગે. ૩ પણ જો સૂર્ય ઊગ્યા પછી એવું બને, તો ખૂનીને તેના લોહીનો દોષિત ગણવો.)
“ચોરે નુકસાની ભરી આપવી. જો તેની પાસે કંઈ ન હોય, તો તેણે ચોરેલી વસ્તુઓના બદલામાં પોતાને દાસ તરીકે વેચી દેવો. ૪ જો ચોર જીવતાં પશુઓ સાથે પકડાય, પછી ભલે એ બળદ કે ગધેડું કે ઘેટું હોય, તો તે બમણી નુકસાની ભરી આપે.
૫ “જો કોઈ માણસ પોતાનાં પશુઓને બીજાનાં ખેતર કે દ્રાક્ષાવાડીમાં ચરવાં છૂટાં મૂકી દે અને ત્યાં નુકસાન થાય, તો પશુઓનો માલિક પોતાના ખેતર કે દ્રાક્ષાવાડીની સૌથી ઉત્તમ ઊપજથી પેલા ખેતરના માલિકને નુકસાની ભરી આપે.
૬ “જો કોઈ આગ લગાવે અને એ આગ ઝાડી-ઝાંખરાંથી ફેલાઈને બીજાના ખેતરને કે પૂળીઓને કે પાકને ભસ્મ કરી નાખે, તો આગ લગાવનાર નુકસાની ભરી આપે.
૭ “જો કોઈ માણસ પોતાના પૈસા કે વસ્તુ પોતાના પડોશીના ઘરે સાચવવા મૂકે અને ત્યાંથી એ ચોરાઈ જાય અને ચોર પકડાઈ જાય, તો એ ચોર બમણું પાછું આપે.+ ૮ જો ચોર ન પકડાય, તો પડોશીને સાચા ઈશ્વર સામે લાવવામાં આવે,*+ જેથી તેણે એ વસ્તુઓ ચોરી* છે કે નહિ એ નક્કી થાય. ૯ કોઈ બળદ કે ગધેડું કે ઘેટું કે કપડું કે કોઈ પણ ખોવાયેલ વસ્તુ વિશે બે માણસો વચ્ચે તકરાર થાય અને એક માણસ દાવો કરે કે, ‘એ મારી છે!’ તો એ કિસ્સામાં તેઓ આમ કરે: બંને માણસો પોતાનો દાવો સાચા ઈશ્વર સામે રજૂ કરે.+ પછી ઈશ્વર જેને ગુનેગાર જાહેર કરે, તે બીજાને બમણું પાછું આપે.+
૧૦ “જો કોઈ માણસ પોતાના પડોશીને પોતાનું ગધેડું કે બળદ કે ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા આપે અને ત્યાં એ મરી જાય અથવા એને ગંભીર ઈજા પહોંચે અથવા કોઈ ચોરીછૂપીથી એને ઉપાડી જાય, ૧૧ તો પેલા પડોશીએ યહોવાને નામે સમ ખાવા કે, તેણે કોઈ પશુ પર હાથ નાખ્યો નથી. પશુના માલિકે એ વાત સ્વીકારવી અને પડોશીએ કોઈ નુકસાની ભરવાની જરૂર નથી.+ ૧૨ પણ જો પડોશી પાસેથી પશુ ચોરાયું હોય,* તો તે માલિકને નુકસાની ભરી આપે. ૧૩ જો જંગલી જાનવરે પશુને ફાડી ખાધું હોય, તો તે માલિક આગળ એનો પુરાવો રજૂ કરે. જંગલી જાનવરે ફાડી ખાધું હોય એવા કિસ્સામાં તેણે નુકસાની ભરી આપવાની જરૂર નથી.
૧૪ “જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી પશુ ભાડે લે અને એના માલિકની ગેરહાજરીમાં એ પશુને ગંભીર ઈજા થાય કે એ મરી જાય, તો પેલો માણસ એના માલિકને નુકસાની ભરી આપે. ૧૫ પણ જો પશુના માલિકની હાજરીમાં એવું બને, તો નુકસાની ભરી આપવાની જરૂર નથી. પશુ ભાડે લીધું હોવાથી ભાડું જ એની નુકસાની ગણાય.
૧૬ “જો કોઈ માણસ કુંવારી છોકરીને, જેની સગાઈ થઈ ન હોય એવી છોકરીને ફોસલાવીને તેની સાથે જાતીય સંબંધ બાંધે, તો એ માણસે કન્યા માટે ઠરાવેલી કિંમત ચૂકવીને તેની સાથે લગ્ન કરવા.+ ૧૭ જો છોકરીનો પિતા તેના લગ્ન કરાવવાની સાફ ના પાડે, તોપણ એ માણસ કુંવારી કન્યા માટે ઠરાવેલી કિંમત ચૂકવે.
૧૮ “જો કોઈ સ્ત્રી જાદુટોણાં કરતી હોય, તો તેને મારી નાખો.+
૧૯ “જો કોઈ વ્યક્તિ પ્રાણી સાથે જાતીય સંબંધ બાંધે, તો તેને મારી નાખો.+
૨૦ “જો કોઈ વ્યક્તિ યહોવા સિવાય બીજા દેવોને બલિદાન ચઢાવે, તો તેને મારી નાખો.+
૨૧ “તમારે કોઈ પરદેશી સાથે ખરાબ રીતે વર્તવું નહિ કે તેના પર જુલમ ગુજારવો નહિ,+ કેમ કે તમે પણ ઇજિપ્ત દેશમાં એક વખતે પરદેશી હતા.+
૨૨ “તમે કોઈ વિધવાને કે અનાથને* દુઃખ ન દો.+ ૨૩ જો તમે તેઓને જરાય દુઃખ દેશો અને તેઓ મને પોકાર કરશે, તો હું તેઓના નિસાસા જરૂર સાંભળીશ+ ૨૪ અને મારો ક્રોધ તમારા પર સળગી ઊઠશે. હું તમને તલવારથી મારી નાખીશ અને તમારી પત્નીઓ વિધવા થઈ જશે અને તમારાં બાળકો પિતા વગરનાં થઈ જશે.
૨૫ “જો મારા લોકોમાંથી કોઈ ગરીબને* તમે ઉછીના પૈસા આપો, તો તમે લેણદાર જેવા ન થાઓ. તમે તેની પાસેથી વ્યાજ ન લો.+
૨૬ “જો કોઈને પૈસા ઉધાર આપતી વખતે તમે તેનું વસ્ત્ર ગીરવે રાખ્યું હોય,+ તો સૂર્ય આથમતા પહેલાં એ પાછું આપી દો. ૨૭ કેમ કે પોતાનું શરીર ઢાંકવા તેની પાસે ફક્ત એ જ એક વસ્ત્ર છે. એ ઓઢ્યા વિના તે કઈ રીતે સૂઈ શકશે?+ જ્યારે તે મને પોકાર કરશે, ત્યારે હું જરૂર તેનું સાંભળીશ, કેમ કે હું કરુણા* બતાવનાર છું.+
૨૮ “તમારે ઈશ્વરને શ્રાપ આપવો* નહિ.+ તમારા મુખીઓને* પણ શ્રાપ આપવો નહિ.+
૨૯ “તમારાં ખેતરમાં પુષ્કળ ઊપજ થાય અને તમારાં તેલ અને દ્રાક્ષારસના કુંડો ઊભરાય ત્યારે, એમાંથી અર્પણ ચઢાવતા અચકાશો નહિ.+ તમારે દરેક પ્રથમ જન્મેલો દીકરો મને આપવો.+ ૩૦ પ્રથમ જન્મેલો આખલો* અને ઘેટો+ જન્મ પછી સાત દિવસ પોતાની મા પાસે રહે. પણ આઠમા દિવસે તમારે એ મને આપવો.+
૩૧ “તમે મારા પવિત્ર લોકો છો, એ સાબિત કરી આપો.+ તમે એવા કોઈ પણ પશુનું માંસ ન ખાઓ, જેને જંગલી જાનવરે ફાડી ખાધું હોય.+ તમે એને કૂતરાઓ આગળ નાખી દો.