યહોવાની જેમ કરુણા બતાવો
“યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર.”—નિર્ગ. ૩૪:૬.
૧. યહોવાએ મુસાને પોતાની ઓળખ કઈ રીતે આપી? એ શા માટે મહત્ત્વનું છે?
એક પ્રસંગે, ઈશ્વરે મુસાને પોતાનું નામ અને અમુક ગુણો જણાવીને પોતાની ઓળખ આપી. તે પોતાની શક્તિ કે ડહાપણ વિશે જણાવી શક્યા હોત. પણ એને બદલે, તેમણે પહેલા દયા અને કૃપા વિશે જણાવ્યું. (નિર્ગમન ૩૪:૫-૭ વાંચો.) મુસા માટે એ જાણવું જરૂરી હતું કે યહોવા તેમને મદદ કરશે. તેથી, યહોવાએ એ ગુણો પર ભાર મૂક્યો, જેથી મુસા જોઈ શકે કે યહોવા તેમના બધા ભક્તોને મદદ કરવા ચાહે છે. (નિર્ગ. ૩૩:૧૩) યહોવા આપણી પણ ખૂબ કાળજી રાખે છે, એ જાણીને તમે કેવું અનુભવો છો? આ લેખમાં કરુણાના ગુણ વિશે ચર્ચા કરવામાં આવશે. કરુણાનો અર્થ થાય કે બીજાઓને દુઃખી જોઈને તેઓ માટે સહાનુભૂતિ બતાવવી અને મદદ કરવાની ઇચ્છા રાખવી.
૨, ૩. (ક) માણસોમાં શા માટે જન્મથી જ કરુણાની લાગણી હોય છે? (ખ) શા માટે આપણે કરુણાના ગુણ વિશે વધારે શીખવું જોઈએ?
૨ યહોવામાં કરુણાનો ગુણ છે અને તેમણે મનુષ્યોમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. જેઓ યહોવાને ઓળખતા નથી, તેઓ પણ ઘણી વાર કરુણા બતાવે છે. (ઉત. ૧:૨૭) લોકોએ કરુણા બતાવી હોય એવા ઘણા અહેવાલો બાઇબલમાં છે. દાખલા તરીકે, સુલેમાન પાસે ન્યાય માંગવા બે સ્ત્રીઓ આવે છે. બાળકની માતા કોણ છે, એ નક્કી કરવા સુલેમાન આદેશ આપે છે કે બાળકના બે ટુકડા કરીને બંને સ્ત્રીને આપવામાં આવે. પરંતુ, અસલી માતાને પોતાના બાળક પર કરુણા આવે છે. તે રાજાને વિનંતિ કરે છે કે બાળક બીજી સ્ત્રીને આપી દેવામાં આવે. (૧ રાજા. ૩:૨૩-૨૭) ફારુનની દીકરીએ પણ કરુણા બતાવી હતી. બાળક મુસા મળે છે ત્યારે, તેને ખબર હતી કે હિબ્રૂ બાળકને મારી નાંખવાનો આદેશ છે. છતાં, “તેને તેના ઉપર દયા આવી” અને તેણે મુસાને પોતાના દીકરા તરીકે ઉછેરવાનું નક્કી કર્યું.—નિર્ગ. ૨:૫, ૬.
૩ શા માટે આપણે કરુણાના ગુણ વિશે વધારે શીખવું જોઈએ? કારણ કે યહોવા ચાહે છે કે આપણે તેમને અનુસરીએ. (એફે. ૫:૧) આપણામાં જન્મથી જ કરુણાની લાગણી છે છતાં, અપૂર્ણ હોવાથી આપણે સ્વાર્થી બની જઈએ છીએ. અમુક વાર એ નક્કી કરવું સહેલું હોતું નથી કે બીજાઓને મદદ કરીએ કે પોતાનો વિચાર કરીએ. કરુણાની લાગણી વધારે સારી રીતે બતાવવા આપણને શું મદદ કરશે? ચાલો એ માટે બે બાબતોનો વિચાર કરીએ. પહેલી, આપણે એ જોઈએ કે યહોવાએ અને બીજાઓએ કઈ રીતે કરુણા બતાવી હતી. બીજી, ઈશ્વરની કરુણાને આપણે કઈ રીતે અનુસરી શકીએ અને એમ કરવાથી શું ફાયદો થશે.
યહોવા—કરુણાનું ઉત્તમ ઉદાહરણ
૪. (ક) યહોવાએ દૂતોને શા માટે સદોમ મોકલ્યા? (ખ) લોતના કુટુંબના અનુભવ પરથી આપણે શું શીખી શકીએ?
૪ બાઇબલમાં એવા ઘણા કિસ્સા છે, જેમાં યહોવાએ કરુણા બતાવી છે. ચાલો જોઈએ કે યહોવા નેક માણસ લોત સાથે કઈ રીતે વર્ત્યા હતા. સદોમ અને ગમોરાહના અનૈતિક લોકોથી લોત ‘ત્રાસ પામતા’ હતા. (૨ પીત. ૨:૭, ૮) એ લોકોને ઈશ્વર માટે જરાય આદર ન હતો. યહોવાએ તેઓનો નાશ કરવાનું નક્કી કર્યું હતું. યહોવાએ દૂત મોકલીને લોતને જણાવ્યું કે, સદોમ અને ગમોરાહનો તે નાશ કરવાના છે અને તેમણે ત્યાંથી નાસી જવું પડશે. બાઇબલ કહે છે: ‘પણ લોત વિલંબ કરતા હતા; ત્યારે યહોવાએ તેમના પર કરુણા બતાવી. ઈશ્વરના દૂતોએ તેમનો હાથ તથા તેમની સ્ત્રીનો હાથ તથા તેમની બે દીકરીઓના હાથ પકડ્યા; અને તેઓએ તેમને કાઢીને નગરની બહાર પહોંચાડ્યા.’ (ઉત. ૧૯:૧૬) યહોવાએ લોતના સંજોગો ધ્યાનમાં લીધા. એવી જ રીતે, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણાં સંજોગો અને મુશ્કેલીઓ સમજે છે.—યશા. ૬૩:૭-૯; યાકૂ. ૫:૧૧; ૨ પીત. ૨:૯.
૫. બાઇબલ આપણને કરુણા બતાવવાનું કઈ રીતે શીખવે છે?
૫ યહોવા પોતે કરુણા બતાવે છે અને પોતાના લોકોને પણ કરુણા બતાવવાનું શીખવે છે. એ બાબત ઇઝરાયેલને આપેલા એક નિયમમાં જોવા મળે છે. જો પૈસા ધીરનાર વ્યક્તિ કોઈને ઉધાર પૈસા આપે, તો તે ઉધાર લેનારનું વસ્ત્ર રાખી શકતો હતો. એનાથી તેને ખાતરી મળતી કે તેના પૈસા પાછા મળશે. (નિર્ગમન ૨૨:૨૬, ૨૭ વાંચો.) પણ પૈસા ધીરનારે સાંજે એ વસ્ત્ર પાછું આપવું પડતું, જેથી એ વ્યક્તિ સૂતી વખતે એ વસ્ત્ર ઓઢી શકે. કોઈ વ્યક્તિમાં કરુણા ન હોય તો, તેને વસ્ત્ર પાછું આપવાનું મન ન થાય. પણ, યહોવાએ પોતાના લોકોને કરુણા બતાવવાનું શીખવ્યું હતું. એ નિયમ પાછળનો સિદ્ધાંત આપણને શું શીખવે છે? સાથી ભાઈ-બહેનોની જરૂરિયાતો પ્રત્યે કદી આંખ આડા કાન ન કરીએ. જો કોઈ ભાઈ કે બહેન મુશ્કેલીમાં હોય, તો આપણે તેમને મદદ કરવી જોઈએ.—કોલો. ૩:૧૨; યાકૂ. ૨:૧૫, ૧૬; ૧ યોહાન ૩:૧૭ વાંચો.
૬. પાપી ઇઝરાયેલીઓ માટે યહોવાએ કરુણા બતાવી, એના પરથી આપણે શું શીખી શકીએ?
૬ ઇઝરાયેલીઓ યહોવા વિરુદ્ધ પાપ કરતા ત્યારે પણ, યહોવાએ તેઓ પર કરુણા બતાવવાનું છોડ્યું નહિ. બાઇબલ જણાવે છે: ‘તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ પોતાના સંદેશવાહક મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી; કેમ કે તેમને પોતાના લોક પર તથા પોતાના નિવાસ પર દયા આવી.’ (૨ કાળ. ૩૬:૧૫) એવી જ રીતે, યહોવાને ઓળખતા નથી, તેઓ પ્રત્યે આપણે પણ કરુણા બતાવવી જોઈએ. કારણ કે, તેઓ પણ પસ્તાવો કરીને યહોવાના મિત્ર બની શકે છે. યહોવા ચાહતા નથી કે આવનાર વિનાશમાં કોઈનો પણ નાશ થાય. (૨ પીત. ૩:૯) હજુ સમય છે, એટલે બની શકે એટલા લોકોને ચેતવણીનો સંદેશો જણાવીએ. ઉપરાંત, તેઓને ઈશ્વરની કરુણાનો ફાયદો મેળવવા મદદ કરીએ.
૭, ૮. એક કુટુંબે કઈ રીતે યહોવાની કરુણાનો અનુભવ કર્યો?
૭ આજે, ઘણા ભક્તોએ યહોવાની કરુણાનો અનુભવ કર્યો છે. દાખલા તરીકે, ૧૯૯૦ના દાયકા દરમિયાન બોસ્નિયામાં જાતિભેદને લીધે કત્લેઆમ મચી હતી. ત્યાં રહેતા એક કુટુંબમાં ૧૨ વર્ષનો છોકરો હતો. આપણે તેને મિલાન નામથી ઓળખીશું. મિલાન, તેનો ભાઈ, તેનાં માબાપ અને બીજા સાક્ષીઓ બોસ્નિયાથી સર્બિયા બસમાં સફર કરી રહ્યા હતા. તેઓ સંમેલનમાં જઈ રહ્યાં હતાં, જ્યાં તેનાં માબાપ બાપ્તિસ્મા લેવાનાં હતાં. સરહદે અમુક સૈનિકોએ જોયું કે આ કુટુંબ અલગ જાતિનું છે. તરત જ તેઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં. સૈનિકોએ બીજાં ભાઈ-બહેનોને આગળ જવાં દીધાં. બે દિવસ સુધી સૈનિકોએ એ કુટુંબને રોકી રાખ્યું. પછી, એક અધિકારીએ પોતાના ઉપરીને પૂછ્યું કે એ કુટુંબનું શું કરવાનું છે. કુટુંબની સામે જ ઉપરી અધિકારીએ જવાબ આપ્યો, ‘તેઓને લઈ જાઓ અને ગોળી મારી દો.’
૮ સૈનિકો વાત કરી રહ્યા હતા એટલામાં બે અજાણી વ્યક્તિઓ આવી. તેઓએ ધીમા અવાજે કુટુંબને જણાવ્યું કે તેઓ પણ સાક્ષીઓ છે. બસમાં મુસાફરી કરતા ભાઈઓએ તેઓને બધી હકીકત જણાવી છે. તેઓએ મિલાન અને તેના ભાઈને પોતાની સાથે કારમાં આવવા જણાવ્યું. કારણ કે, સૈનિકો બાળકોનાં કાગળિયાં તપાસતા ન હતા. પછી, ભાઈઓએ માબાપને કહ્યું કે તેઓ ચોકીની પાછળના રસ્તેથી સરહદ પાર કરે અને બીજી બાજુ મળે. ડરને લીધે મિલાન સાવ મૂંઝાય ગયો હતો. તેનાં માતા-પિતાએ ભાઈઓને પૂછ્યું કે, ‘શું તમને લાગે છે કે તેઓ અમને આમ જ જવા દેશે?’ તેઓએ ચાલવાનું શરૂ કર્યું, પણ સૈનિકોએ તેઓને જોયા જ નહિ. આખું કુટુંબ સરહદની બીજી બાજુ મળ્યું અને તેઓ ભેગાં સંમેલનમાં ગયાં. તેઓને ખાતરી છે કે એ દિવસે યહોવાએ તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. બાઇબલ જણાવે છે કે યહોવા દર વખતે પોતાના ભક્તોને આ રીતે બચાવતા નથી. (પ્રે.કા. ૭:૫૮-૬૦) જોકે, પોતાના અનુભવ વિશે મિલાને જણાવ્યું: ‘મને લાગ્યું જાણે દૂતોએ સૈનિકોને આંધળા કરી દીધા અને યહોવાએ અમને બચાવી લીધા.’—ગીત. ૯૭:૧૦.
૯. લોકોને જોઈને ઈસુને કેવું લાગ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૯ કરુણા બતાવવામાં ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. જ્યારે તેમણે જોયું કે લોકો “પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર” છે, ત્યારે તેમને ખૂબ દયા આવી. એટલે, તેમણે શું કર્યું? “તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.” (માથ. ૯:૩૬; માર્ક ૬:૩૪ વાંચો.) જ્યારે કે ફરોશીઓમાં કરુણાનો છાંટોય ન હતો અને લોકોને મદદ કરવામાં તેઓને જરાય રસ ન હતો. (માથ. ૧૨:૯-૧૪; ૨૩:૪; યોહા. ૭:૪૯) ઈસુની જેમ, શું તમને પણ લોકોને મદદ કરવાની અને યહોવા વિશે શીખવવાની દિલથી ઇચ્છા થાય છે?
૧૦, ૧૧. શું આપણે બધા સંજોગોમાં કરુણા બતાવવી જોઈએ? સમજાવો.
૧૦ શું એનો અર્થ એવો થાય કે આપણે બધા સંજોગોમાં કરુણા બતાવવી જોઈએ? ચાલો રાજા શાઊલનો દાખલો જોઈએ. અમાલેકનો રાજા અગાગ ઈશ્વરના લોકોનો દુશ્મન હતો. યહોવાએ શાઊલને આજ્ઞા આપી હતી કે અમાલેકીઓ અને તેઓનાં પ્રાણીઓનો નાશ કરે. પણ, શાઊલે અગાગને માર્યો નહિ. તેણે વિચાર્યું હશે કે અગાગનો જીવ બચાવીને તે તેના પર કરુણા બતાવી રહ્યો છે. પણ, તે તો યહોવાની આજ્ઞા તોડી રહ્યો હતો. એટલે, યહોવાએ તેનો રાજા તરીકે નકાર કર્યો. (૧ શમૂ. ૧૫:૩, ૯, ૧૫) યહોવાનો ન્યાય અદ્દલ હોય છે. તે લોકોના દિલ વાંચી શકે છે અને પારખી શકે છે કે ક્યારે કરુણા ન બતાવવી. (યિ.વિ. ૨:૧૭; હઝકી. ૫:૧૧) આજ્ઞા ન પાળનારા બધા લોકો વિરુદ્ધ તે જલદી જ પોતાનો ન્યાયચુકાદો સંભળાવશે. (૨ થેસ્સા. ૧:૬-૧૦) એ સમયે યહોવા દુષ્ટો પર કરુણા બતાવશે નહિ અને તેઓનો નાશ કરશે. આમ, તે નેક લોકો પર કરુણા બતાવશે.
૧૧ યાદ રાખો, લોકોના જીવન-મરણનો ન્યાય કરવો, એ આપણું કામ નથી. એને બદલે, લોકોને મદદ કરવા આપણે પોતાનાથી બનતું બધું કરીએ. ચાલો, કરુણા બતાવવાની અમુક વ્યવહારું રીતોની ચર્ચા કરીએ.
કઈ રીતે કરુણા બતાવી શકીએ
૧૨. આપણે કઈ રીતે બીજાઓ પ્રત્યે કરુણા બતાવી શકીએ?
૧૨ રોજબરોજના જીવનમાં મદદ કરીએ. યહોવા ચાહે છે કે દરેક ઈશ્વરભક્ત પોતાનાં પડોશીઓ અને ભાઈ-બહેનો પ્રત્યે કરુણા બતાવે. (યોહા. ૧૩:૩૪, ૩૫; ૧ પીત. ૩:૮) કરુણાનો એક અર્થ થાય, ‘સાથે સહન કરવું.’ કરુણાથી પ્રેરાઈને આપણે દુઃખી અને લાચાર લોકોને મદદ કરવાની કોશિશ કરીશું. તેથી, બીજાઓને મદદ કરવાની આપણે તક શોધવી જોઈએ. કદાચ આપણે તેઓ માટે નાનાં-મોટાં કામ કરી શકીએ.—માથ. ૭:૧૨.
૧૩. કુદરતી આફતો વખતે યહોવાના લોકો શું કરે છે?
૧૩ રાહત કામમાં ભાગ લઈએ. કુદરતી આફતો આવે ત્યારે, આપણે લોકોને કરુણા બતાવવા ઇચ્છીએ છીએ. એવા સમયે બીજાઓને મદદ કરવા માટે યહોવાના લોકો જાણીતા છે. (૧ પીત. ૨:૧૭) દાખલા તરીકે, ૨૦૧૧માં જાપાનમાં આવેલી સુનામીથી એક બહેનને ઘણું નુકસાન ભોગવવું પડ્યું. બીજા દેશોમાંથી અને જાપાનના બીજા વિસ્તારોમાંથી આવેલા સ્વયંસેવકોએ ઘરો અને રાજ્યગૃહોની મરામત કરી. એ જોઈને તેમને ‘ઉત્તેજન અને દિલાસો’ મળ્યાં. તે કહે છે: ‘આ અનુભવથી મને સમજાયું કે યહોવા આપણી કાળજી રાખે છે. અને ભાઈ-બહેનો પણ એકબીજાની ઘણી કાળજી રાખે છે. વધુમાં, દુનિયા ફરતેનાં ઘણાં ભાઈ-બહેનો અમારા માટે પ્રાર્થના કરે છે, એ જાણીને દિલાસો મળે છે.’
૧૪. બીમાર અને વૃદ્ધ લોકોને તમે કઈ રીતે મદદ કરી શકો?
૧૪ બીમારો અને વૃદ્ધોને મદદ કરીએ. લોકોને બીમારી અને ઘડપણને લીધે પીડાતા જોઈને આપણને કરુણા આવે છે. આપણે ચાહીએ છીએ કે આ તકલીફોનો અંત આવે. એટલે, આપણે ઈશ્વરનું રાજ્ય આવે એ માટે પ્રાર્થના કરીએ છીએ. એ દરમિયાન બીમારો અને વૃદ્ધોની મદદ કરવા આપણે બનતું બધું કરવું જોઈએ. એક લેખકે લખ્યું, તેમની માતા ભૂલવાની બીમારીથી (અલ્ઝાઇમર) પીડાય છે. એક દિવસે તેમનાં કપડાં ગંદા થઈ ગયાં હતાં. તે કપડાં સાફ કરવાની કોશિશ કરતાં હતાં, એટલામાં કોઈએ દરવાજો ખટખટાવ્યો. તેમની નિયમિત મુલાકાત લેનાર બે સાક્ષી બહેનો બારણે ઊભાં હતાં. બહેનોએ એ સ્ત્રીને મદદ માટે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મને શરમ આવે છે પણ હા, મારે મદદ જોઈએ છે.’ બહેનોએ તેમને કપડાં સાફ કરવા મદદ કરી અને ચા બનાવી આપી. તેમની સાથે વાતચીત કરી. પોતાની માતાને મળેલી મદદને લીધે એ લેખક આભારી હતા. તેમણે જણાવ્યું, ‘સાક્ષીઓ ફક્ત કહેતા જ નથી પણ કરીને બતાવે છે.’ શું તમે પણ કરુણાથી પ્રેરાઈને બીમારો અને વૃદ્ધોને મદદ કરો છો?—ફિલિ. ૨:૩, ૪.
૧૫. આપણા પ્રચારથી બીજાઓને કઈ રીતે મદદ મળે છે?
૧૫ લોકોને યહોવાના દોસ્ત બનવા મદદ કરીએ. લોકોને મદદ કરવાની સૌથી સારી રીત છે, તેઓને ઈશ્વર અને તેમના રાજ્ય વિશે શીખવીએ. બીજી રીત છે, તેઓને એ જોવા મદદ કરીએ કે યહોવાનાં ધોરણો પાળવાથી તેઓનું ભલું થશે. (યશા. ૪૮:૧૭, ૧૮) પ્રચારકાર્ય દ્વારા આપણે યહોવાનો મહિમા કરી શકીએ છીએ અને બીજાઓને કરુણા બતાવી શકીએ છીએ. શું તમે પ્રચારમાં વધુ કરી શકો?—૧ તિમો. ૨:૩, ૪.
કરુણા બતાવવી તમારા માટે પણ સારું છે!
૧૬. કરુણા બતાવવાથી કેવા ફાયદા થાય છે?
૧૬ સ્વાસ્થ્યના નિષ્ણાતો કહે છે કે કરુણા બતાવવાથી આપણી તબિયત સુધરે છે અને બીજાઓ સાથે સંબંધ સારા થાય છે. દુઃખી લોકોને મદદ કરવાથી તમને ખુશી અને આશા મળે છે. તેમ જ, તમે એકલતા અને નિરાશા અનુભવતા નથી. આમ, કરુણા બતાવવી તમારી તંદુરસ્તી માટે ફાયદાકારક છે. (એફે. ૪:૩૧, ૩૨) પ્રેમથી પ્રેરાઈને બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ શુદ્ધ રહે છે. કારણ કે, આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે વર્તીએ છીએ. કરુણા બતાવવાથી તમને સારાં માબાપ બનવા, પ્રેમાળ લગ્નસાથી બનવા અને સાચા મિત્ર બનવા મદદ મળશે. ઉપરાંત, કરુણા બતાવનારને જરૂર પડે ત્યારે મદદ મળી રહે છે.—માથ્થી ૫:૭; લુક ૬:૩૮ વાંચો.
૧૭. આપણે શા માટે કરુણા બતાવવી જોઈએ?
૧૭ ખરું કે, કરુણા બતાવવાથી આપણને ફાયદો થાય છે. પરંતુ, કરુણા બતાવવાનું મુખ્ય કારણ છે, આપણે યહોવાને અનુસરવા ચાહીએ છીએ અને તેમને મહિમા આપવા માંગીએ છીએ. તે પ્રેમ અને કરુણાનાં ઉદ્ભવ છે. (નીતિ. ૧૪:૩૧) તેમણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેથી, ઈશ્વર જેવી કરુણા બતાવવા બનતી મહેનત કરીએ. એનાથી આપણે ભાઈ-બહેનોની નજીક જઈ શકીશું અને બીજાઓ સાથે આપણા સંબંધો સારા બનશે.—ગલા. ૬:૧૦; ૧ યોહા. ૪:૧૬.