યાકૂબનો પત્ર
૩ મારા ભાઈઓ, આપણામાંથી ઘણા લોકો શિક્ષકો ન બને, કેમ કે આપણે જાણીએ છીએ કે શિક્ષકોનો ન્યાય વધારે કડક રીતે થશે.+ ૨ કેમ કે આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.*+ જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે. તે પોતાના આખા શરીરને કાબૂમાં* રાખી શકે છે. ૩ જો આપણે ઘોડાના મોંમાં લગામ નાખીએ, તો તેને આપણી ઇચ્છા પ્રમાણે ચલાવી શકીએ છીએ અને તેના આખા શરીરને કાબૂમાં રાખી શકીએ છીએ. ૪ વહાણોનો વિચાર કરો. તેઓ ખૂબ મોટાં હોય છે અને ભારે પવનથી આગળ વધે છે, તોપણ સુકાની તેઓને એક નાનકડા સુકાનથી પોતાની મરજી હોય ત્યાં લઈ જાય છે.
૫ એ જ રીતે, જીભ શરીરનું નાનકડું અંગ છે પણ મોટી મોટી બડાશો મારે છે. જુઓ, એક નાનકડો તણખો પણ આખા જંગલમાં આગ લગાડી શકે છે! ૬ જીભ પણ આગ છે.+ આપણા શરીરનાં બધાં અંગોમાં જીભ દુષ્ટતાથી ભરેલી છે, કેમ કે એ આખા શરીરને ભ્રષ્ટ કરે છે.+ એ જીવનમાં આગ લગાડે છે અને એ ગેહેન્નાની* આગની જેમ ભસ્મ કરે છે. ૭ દરેક જાતનાં જંગલી જાનવર, પક્ષી, પેટે ચાલનાર પ્રાણી અને સમુદ્રનાં પ્રાણીને કાબૂમાં કરી શકાય છે અને મનુષ્યોએ તેઓને કાબૂમાં કર્યાં પણ છે. ૮ જોકે, કોઈ પણ માણસ પોતાની જીભને કાબૂમાં રાખી શકતો નથી. એ તો બેકાબૂ અને ખતરનાક છે, જીવલેણ ઝેરથી ભરેલી છે.+ ૯ એનાથી આપણે યહોવા* પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી જ મનુષ્યોને શ્રાપ પણ આપીએ છીએ, જેઓને “ઈશ્વર જેવા” બનાવવામાં આવ્યા છે.+ ૧૦ એક જ મોંમાંથી આશીર્વાદ અને શ્રાપ બંને નીકળે છે.
મારા ભાઈઓ, એ યોગ્ય નથી.+ ૧૧ શું એક જ ઝરણામાંથી મીઠું પાણી અને ખારું પાણી નીકળી શકે? ૧૨ મારા ભાઈઓ, અંજીરનું ઝાડ જૈતૂનનાં ફળ ઉગાડી શકતું નથી અને દ્રાક્ષાવેલો અંજીર ઉગાડી શકતો નથી, ખરું ને?+ એ જ રીતે, ખારા પાણીના ઝરણામાંથી મીઠું પાણી નીકળી શકતું નથી.
૧૩ તમારામાં બુદ્ધિશાળી અને સમજદાર કોણ છે? તે પોતાના સારા વર્તનથી બતાવી આપે કે તે બધાં કામો નમ્રતાથી કરે છે. એવી નમ્રતા બુદ્ધિને લીધે આવે છે. ૧૪ પણ જો તમારું દિલ અદેખાઈ+ અને ઝઘડાની ભાવનાથી*+ ભરેલું હોય, તો તમારી બુદ્ધિ વિશે તમે બડાઈ ન મારો+ અને સત્ય વિરુદ્ધ જૂઠું ન બોલો. ૧૫ એવી બુદ્ધિ સ્વર્ગમાંથી આવતી નથી. એ તો દુનિયાની,+ શરીરની ઇચ્છાઓ પ્રમાણે ચાલતા લોકોની અને દુષ્ટ દૂતોની પાસેથી આવે છે. ૧૬ કેમ કે જ્યાં અદેખાઈ અને ઝઘડાની ભાવના* હોય છે, ત્યાં અશાંતિ* અને દરેક પ્રકારનાં દુષ્ટ કામો પણ હોય છે.+
૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+ ૧૮ જેઓ બીજાઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે, તેઓ શાંતિ ફેલાવે છે.+ પરિણામે, તેઓ નેક કામ કરે છે.