હિબ્રૂઓને પત્ર
૫ દરેક પ્રમુખ યાજકને લોકોમાંથી પસંદ કરવામાં આવે છે અને લોકો વતી ઈશ્વરની ભક્તિ કરવા તેને નીમવામાં આવે છે,+ જેથી તે ભેટ ચઢાવે અને પાપો માટે બલિદાનો ચઢાવે.+ ૨ અજાણતાં ભૂલો કરનારા* લોકો સાથે તે દયાથી* વર્તી શકે છે, કેમ કે તેનામાં પણ નબળાઈઓ છે.* ૩ એટલે, જેમ તે બીજા લોકોનાં પાપો માટે અર્પણો ચઢાવે છે, તેમ તેણે પોતાના માટે પણ અર્પણો ચઢાવવાં પડે છે.+
૪ કોઈ માણસ પોતાની જાતે પ્રમુખ યાજક બનવાનું માન મેળવી શકતો નથી. તેને એ માન ફક્ત ઈશ્વર આપી શકે છે, જેમ તેમણે હારુનને માન આપ્યું હતું.+ ૫ એવી જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક બનવાનો મહિમા પોતે મેળવ્યો ન હતો.+ એ મહિમા ઈશ્વરે તેમને આપ્યો હતો. ઈશ્વરે તેમને કહ્યું હતું: “તું મારો દીકરો છે અને આજથી હું તારો પિતા છું.”+ ૬ એવું જ તેમણે બીજી એક જગ્યાએ કહ્યું છે, “તું મલ્ખીસદેક જેવો યાજક* છે, તું હંમેશ માટે યાજક છે.”+
૭ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને એ ઈશ્વરને કાલાવાલા કર્યા અને વિનંતીઓ કરી,+ જે તેમને મરણમાંથી બચાવી શકે છે. તે ઈશ્વરનો ડર* રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી. ૮ તે ઈશ્વરના દીકરા હતા, છતાં સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા.+ ૯ તેમને સંપૂર્ણ કરવામાં આવ્યા*+ પછી, તેમને જવાબદારી સોંપવામાં આવી કે તે આજ્ઞા પાળનારા બધા લોકોને હંમેશ માટેનું તારણ આપે.+ ૧૦ કેમ કે ઈશ્વરે તેમને મલ્ખીસદેક જેવા પ્રમુખ યાજક નીમ્યા છે.+
૧૧ અમારે ખ્રિસ્ત વિશે તો ઘણું કહેવું છે, પણ તમને એ સમજાવવું અઘરું છે, કેમ કે તમે સમજવાનો પ્રયત્ન જ કરતા નથી.* ૧૨ હમણાં સુધીમાં* તો તમારે શિક્ષકો થવું જોઈતું હતું. પણ તમારી હાલત તો એવી છે કે કોઈ તમને ફરીથી ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ શરૂઆતથી શીખવે.+ તમને ભારે ખોરાકની નહિ, પણ દૂધની જરૂર છે. ૧૩ જે કોઈ દૂધ પર જીવે છે, તે ઈશ્વરનો ખરો સંદેશો જાણતો નથી, કેમ કે તે હજી બાળક છે.+ ૧૪ પણ ભારે ખોરાક પરિપક્વ લોકો* માટે છે, જેઓ પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખ્યા છે.