કોરીંથીઓને પહેલો પત્ર
૨ ભાઈઓ, હું તમારી પાસે આવ્યો ત્યારે, મેં જ્ઞાનીઓની ભાષામાં+ કે મારી બુદ્ધિથી ઈશ્વરનું પવિત્ર રહસ્ય+ જણાવ્યું ન હતું. ૨ મેં નક્કી કર્યું હતું કે, હું ફક્ત ઈસુ ખ્રિસ્ત પર અને તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા એ હકીકત પર જ તમારું ધ્યાન દોરીશ.+ ૩ હું તમારી પાસે આવ્યો ત્યારે કમજોર હતો અને ડરથી કાંપતો હતો. ૪ મેં તમને પ્રચાર કર્યો ત્યારે તમને આકર્ષવા જ્ઞાનની મોટી મોટી વાતો શીખવી ન હતી. એને બદલે, મારી વાતોમાં પવિત્ર શક્તિનું* સામર્થ્ય દેખાઈ આવતું હતું,+ ૫ જેથી તમારો ભરોસો માણસોની બુદ્ધિ પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
૬ હવે આપણે પરિપક્વ* લોકો+ સાથે બુદ્ધિની વાતો કરીએ છીએ, પણ આ દુનિયાની બુદ્ધિ કે આ દુનિયાના નાશ થનારા શાસકોની બુદ્ધિની વાતો કરતા નથી.+ ૭ આપણે તો ઈશ્વરની બુદ્ધિની વાત કરીએ છીએ, જે એક પવિત્ર રહસ્ય છે.+ આ દુનિયાની શરૂઆત થઈ એ પહેલાં, ઈશ્વરે એ બુદ્ધિ પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું હતું, જેથી આપણને મહિમા મળે. ૮ આ દુનિયાના શાસકો એ બુદ્ધિ વિશે જાણી શક્યા નહિ.+ જો તેઓએ એ જાણ્યું હોત, તો મહિમાવંત માલિક ઈસુને મારી નાખ્યા* ન હોત. ૯ પણ જેમ લખેલું છે: “જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ માટે ઈશ્વરે જે તૈયાર કર્યું છે, એને કોઈએ પોતાની આંખે જોયું નથી અને પોતાના કાને સાંભળ્યું નથી કે પછી કોઈના દિલમાં એનો વિચાર આવ્યો નથી.”+ ૧૦ પણ ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા+ આપણને એ જણાવ્યું છે,+ કેમ કે તેમની શક્તિ બધી વાતોને, અરે, ઈશ્વર વિશેની ઊંડી વાતોને પણ જાહેર કરે છે.+
૧૧ કોઈ માણસ જાણતો નથી કે બીજા માણસના દિલમાં શું છે. ફક્ત માણસ પોતે જ જાણે છે કે તેના દિલમાં શું છે. એ જ રીતે, ઈશ્વરની શક્તિ સિવાય બીજું કોઈ જાણી શકતું નથી કે ઈશ્વરના દિલમાં શું છે. ૧૨ હવે આપણને દુનિયાનું વલણ નહિ, પણ ઈશ્વર પાસેથી શક્તિ મળી છે.+ એની મદદથી આપણે એ બધું જાણી શકીએ છીએ, જે તેમણે ઉદાર રીતે આપ્યું છે. ૧૩ આપણે એ બધું બીજાઓને પણ જણાવીએ છીએ. જોકે, આપણે બુદ્ધિશાળી માણસોએ શીખવેલી વાતો નહિ,+ પણ ઈશ્વરની શક્તિએ શીખવેલી વાતો જણાવીએ છીએ.+ આમ, આપણે ઈશ્વરની વાતો ઈશ્વરની શક્તિથી સમજાવીએ છીએ.
૧૪ પણ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે. તે એ વાતોને સમજી શકતો નથી, કેમ કે એ વાતોની પરખ પવિત્ર શક્તિની મદદથી જ કરી શકાય છે. ૧૫ જોકે, ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસ બધું પારખે છે,+ પણ એ માણસની પરખ બીજો કોઈ માણસ કરી શકતો નથી. ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+