યશાયા
૨૨ દર્શનની ખીણ* માટે ન્યાયચુકાદો:+
શું થયું, તમે બધા કેમ ધાબા પર ચઢી ગયા?
૨ શોરબકોરથી ભરપૂર શહેર,
ઘોંઘાટ કરનાર અને બડાઈ મારનાર શહેર,
તારા કતલ થયેલા લોકો તલવારથી કતલ નથી થયા,
અથવા યુદ્ધમાં નથી મર્યા.+
૩ તારા બધા જુલમી શાસકો ભેગા થઈને નાસી છૂટ્યા.+
તેઓને પકડવા એક ધનુષ્યની પણ જરૂર નથી પડી.
તેઓ દૂર દૂર ભાગી ગયા,
તોપણ તેઓ પકડાયા અને બધાને કેદ કરી લેવાયા.+
મારા પરથી તમારી નજર ફેરવી લો,
જેથી હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડું.+
૫ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી
દર્શનની ખીણમાં
મૂંઝવણ, હાર અને અંધાધૂંધીનો દિવસ આવ્યો છે.+
દીવાલ તોડી પાડવામાં આવી છે,+
પર્વત પર રડારોળ થાય છે.
કીર+ પોતાની ઢાલ તૈયાર કરે છે.
૭ તમારી મનપસંદ ખીણો
યુદ્ધના રથોથી ભરાઈ જશે.
એના દરવાજે ઘોડા* આવીને ગોઠવાઈ જશે.
૮ યહૂદા પરથી રક્ષણ હટાવી લેવામાં આવશે.
“એ દિવસે તમે એ ઇમારત*+ તરફ નજર કરશો, જ્યાં હથિયારોનો ભંડાર છે. ૯ તમે દાઉદનગરના+ કોટમાં ઘણાં ગાબડાં જોશો. તમે નીચલા તળાવનું પાણી ભેગું કરશો.+ ૧૦ તમે યરૂશાલેમનાં ઘરોની ગણતરી કરશો. તમે કોટ મજબૂત કરવા ઘરો તોડી પાડશો. ૧૧ તમે જૂના તળાવનું પાણી ભરવા બે દીવાલની વચ્ચે કુંડ બનાવશો. પણ તમે એના મહાન રચનાર તરફ નહિ જુઓ. લાંબા સમય પહેલાં એને ઘડનાર સામે નજર પણ નહિ કરો.
૧૨ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા
એ દિવસે કહેશે કે તમે રડો, શોક કરો,+
માથું મૂંડાવો અને કંતાન પહેરો.
તમે કહેશો: ‘ચાલો, ખાઈ-પીને જલસા કરીએ, કાલે તો મરવાના જ છીએ ને!’”+
૧૪ સૈન્યોના ઈશ્વર યહોવાએ પોતાના દિલની વાત મને કહી: “‘તમે લોકો મરશો ત્યાં સુધી તમારો એ અપરાધ માફ નહિ થાય,’+ એવું વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”
૧૫ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “શેબ્ના+ પાસે જા, જે મહેલની દેખરેખ રાખનાર કારભારી છે. તેને કહે કે ૧૬ ‘તારું અહીં શું છે? તને શું હક છે કે તું તારા માટે કબર બનાવડાવે છે?’ તે ઊંચી જગ્યાએ પોતાને દફનાવવાની જગ્યા ખોદાવે છે. તે ખડકમાં પોતાને માટે કબર કોતરાવે છે. ૧૭ ‘જો, યહોવા તને પકડી પાડશે અને જોરથી ફંગોળી દેશે. ૧૮ તે ચોક્કસ તને કચકચાવીને બાંધી દેશે. તને વિશાળ દેશમાં દડાની જેમ ફેંકી દેશે. ત્યાં તું મરી જશે અને તારા ભવ્ય રથો પણ ત્યાં જ રહી જશે. તું તારા માલિકના ઘરને બદનામ કરીશ. ૧૯ હું તને પદવી પરથી ઉતારી મૂકીશ, તારા સ્થાનેથી હડસેલી મૂકીશ.
૨૦ “‘એ દિવસે હું મારા સેવક એલ્યાકીમને+ બોલાવીશ, જે હિલ્કિયાનો દીકરો છે. ૨૧ હું તારો ઝભ્ભો તેને પહેરાવીશ અને તારો કમરપટ્ટો તેની કમરે બાંધીશ.+ હું તારી સત્તા તેના હાથમાં સોંપીશ. તે યરૂશાલેમના લોકોનો અને યહૂદાના લોકોનો પિતા બનશે. ૨૨ હું દાઉદના ઘરની ચાવી+ તેના ખભા પર મૂકીશ. તે જે ખોલશે એ કોઈ બંધ નહિ કરે. તે જે બંધ કરશે એ કોઈ નહિ ખોલે. ૨૩ હું તેને* મજબૂત જગ્યાએ ખીલાની જેમ બેસાડીશ. તે પોતાના પિતાના કુટુંબ માટે ભવ્ય આસન બનશે. ૨૪ જેમ નાનાં વાસણો, પ્યાલા અને મોટા કુંજા ખીલા પર ટાંગવામાં આવે, તેમ તેનાં વંશજો અને બાળકો તેના પર આધાર રાખશે. તેમ જ તેના પિતાના ઘરનું ગૌરવ તેના પર આધાર રાખશે.’
૨૫ “સૈન્યોના ઈશ્વર યહોવા જણાવે છે, ‘મજબૂત જગ્યામાં બેસાડેલો અગાઉનો ખીલો* એ દિવસે કાઢી નાખવામાં આવશે.+ હા, એ નીકળી જશે અને નીચે પડશે. એના પર લટકાવેલો બધો ભાર નીચે પડશે અને નાશ પામશે, કેમ કે યહોવા એમ બોલ્યા છે.’”