નિર્ગમન
૨૯ “તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે માટે તું આ રીતે તેઓને પવિત્ર કર: એક આખલો અને ખોડખાંપણ વગરના બે નર ઘેટા લે.+ ૨ બેખમીર રોટલી, તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી* અને તેલ ચોપડેલા બેખમીર પાપડ લે.+ એ બધું તું મેંદાથી* બનાવ. ૩ એ બધું તું ટોપલીમાં મૂક+ અને આખલો તથા બંને નર ઘેટા સાથે મારી પાસે લાવ.
૪ “તું હારુન અને તેના દીકરાઓને મુલાકાતમંડપના+ પ્રવેશદ્વાર આગળ લાવ અને તેઓને સ્નાન કરાવ.+ ૫ ત્યાર બાદ તું ચોકડીવાળો ઝભ્ભો,+ એફોદ નીચે પહેરવા બાંય વગરનો ઝભ્ભો, એફોદ અને છાતીએ પહેરવાનું ઉરપત્ર લે અને હારુનને પહેરાવ. પછી તેની કમરે એફોદનો ગૂંથેલો કમરપટ્ટો કસીને બાંધ.+ ૬ તેને પાઘડી પહેરાવ અને એના પર સમર્પણની પવિત્ર નિશાની* લગાવ.+ ૭ પછી અભિષેક કરવાનું તેલ+ લે અને હારુનના માથા પર એ રેડીને તેને અભિષિક્ત કર.+
૮ “પછી તેના દીકરાઓને આગળ લાવ અને તેઓને ઝભ્ભા પહેરાવ.+ ૯ હારુન અને તેના દીકરાઓની કમરે પટ્ટો બાંધ અને તેઓને સાફા પહેરાવ. પછી યાજકપદ તેઓનું થશે અને એ નિયમ હંમેશ માટે છે.+ આ રીતે, તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે સેવા આપવા નિયુક્ત કર.*+
૧૦ “હવે તું મુલાકાતમંડપ આગળ આખલાને લાવ. હારુન અને તેના દીકરાઓ એ આખલાના માથા પર પોતાના હાથ મૂકે.+ ૧૧ તું મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવા આગળ આખલો કાપ.+ ૧૨ આખલાનું થોડું લોહી તારી આંગળી પર લે અને એને વેદીનાં શિંગડાં* પર લગાવ.+ બાકી રહેલું લોહી વેદીને તળિયે રેડી દે.+ ૧૩ પછી આંતરડાં ફરતેની ચરબી,+ કલેજા ઉપરની ચરબી, બંને મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી લે. એ બધાંને વેદી પર આગમાં ચઢાવ.*+ ૧૪ પણ આખલાનું માંસ, એનું ચામડું અને એનું છાણ તું છાવણીની બહાર બાળી નાખ. આખલો પાપ-અર્પણ* છે.
૧૫ “પછી તું એક ઘેટો લે. હારુન અને તેના દીકરાઓ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂકે.*+ ૧૬ એ ઘેટાને કાપ અને એનું લોહી વેદીની ચારે બાજુ છાંટ.+ ૧૭ ઘેટાના ટુકડા કર, પછી એનાં આંતરડાં અને પગ ધોઈને સાફ કર.+ એ ટુકડાઓને અને માથાને વેદી પર ગોઠવ. ૧૮ તું એ આખા ઘેટાને વેદી પર આગમાં ચઢાવ. એ યહોવાને ચઢાવવાનું અગ્નિ-અર્પણ છે અને એની સુવાસથી તે ખુશ* થશે.+ એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.
૧૯ “પછી તું બીજો ઘેટો લે. હારુન અને તેના દીકરાઓ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂકે.+ ૨૦ ઘેટાને કાપ અને એનું થોડું લોહી લે. એ લોહી તું હારુન અને તેના દીકરાઓના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાવ. પછી એ લોહી વેદીની ચારે બાજુ છાંટ. ૨૧ ત્યાર બાદ વેદી પરનું થોડું લોહી અને અભિષેક કરવાનું થોડું તેલ લે.+ એને હારુન પર, તેના દીકરાઓ પર અને તેઓનાં વસ્ત્રો પર છાંટ. આમ હારુન, તેના દીકરાઓ અને તેઓનાં વસ્ત્રો પવિત્ર થશે.+
૨૨ “પછી એ ઘેટાની ચરબી, ચરબીવાળી પૂંછડી, આંતરડાં ફરતેની ચરબી, કલેજા ઉપરની ચરબી, બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી+ તેમજ ઘેટાનો જમણો પગ લે. એ ઘેટો યાજકોને નિયુક્ત કરવાની વિધિ દરમિયાન અર્પણ કરવાનો ઘેટો છે.+ ૨૩ વધુમાં બેખમીર રોટલીની ટોપલી, જે યહોવા આગળ છે એમાંથી તું એક બેખમીર રોટલી, તેલથી બનેલી એક બેખમીર રોટલી* અને એક પાપડ લે. ૨૪ એ બધું તું હારુન અને તેના દીકરાઓના હાથમાં મૂકીને આગળ-પાછળ હલાવ. આમ એ યહોવા માટે હલાવવાનું અર્પણ* ગણાશે. ૨૫ પછી તેઓના હાથમાંથી એ લઈ લે. એને વેદી પર ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.
૨૬ “પછી જે ઘેટો યાજકોને નિયુક્ત કરવાની વિધિ માટે હારુન વતી ચઢાવવામાં આવ્યો હતો, એનો છાતીનો ભાગ તું લે.+ એ ભાગને આગળ-પાછળ હલાવ. એ યહોવા માટે હલાવવાનું અર્પણ છે. એ ભાગ તારો હિસ્સો છે. ૨૭ યાજકો તરીકે હારુન અને તેના દીકરાઓને નિયુક્ત કરતી વખતે અર્પણ કરેલા ઘેટાના આ ભાગોને તું પવિત્ર કર: હલાવવાના અર્પણમાં ચઢાવેલો છાતીનો ભાગ અને પવિત્ર અર્પણમાં ચઢાવેલો પગ.+ ૨૮ એ પવિત્ર હિસ્સો છે અને એ હારુન અને તેના દીકરાઓને આપવામાં આવે. ઇઝરાયેલીઓ માટે આજ્ઞા છે કે એ હિસ્સો હંમેશાં તેઓને આપે. ઇઝરાયેલીઓએ ચઢાવેલા શાંતિ-અર્પણમાંથી એ પવિત્ર હિસ્સો યહોવા માટે છે.+
૨૯ “હારુન પછી જ્યારે તેના વંશજોને+ યાજકો તરીકે અભિષિક્ત અને નિયુક્ત કરવામાં આવશે, ત્યારે તેઓ હારુનનાં પવિત્ર વસ્ત્રો+ પહેરશે. ૩૦ હારુનના વંશજોમાંથી જે માણસ યાજક તરીકે નિયુક્ત થશે અને મુલાકાતમંડપની પવિત્ર જગ્યામાં* સેવા કરવા આવશે, તે સાત દિવસ સુધી એ વસ્ત્રો પહેરશે.+
૩૧ “યાજકોને નિયુક્ત કરવાની વિધિ માટે ચઢાવેલા ઘેટાને તું લે અને પવિત્ર જગ્યામાં એનું માંસ બાફ.+ ૩૨ હારુન અને તેના દીકરાઓ ઘેટાનું માંસ અને ટોપલીમાં મૂકેલી રોટલી લે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ખાય.+ ૩૩ તેઓને યાજકો તરીકે નિયુક્ત કરવા* અને પવિત્ર કરવા જે ખોરાક પ્રાયશ્ચિત્ત* માટે ચઢાવવામાં આવ્યો હોય, એ તેઓ ખાય. પણ યાજક ન હોય એવો કોઈ માણસ* એમાંથી ન ખાય, કેમ કે એ ખોરાક પવિત્ર છે.+ ૩૪ જો એ ઘેટાનાં માંસમાંથી અને રોટલીમાંથી કંઈ પણ સવાર સુધી બચે, તો એને તું આગમાં બાળી નાખ.+ એ ખાવું નહિ, કેમ કે એ પવિત્ર છે.
૩૫ “મેં તને જે આજ્ઞાઓ આપી એ પ્રમાણે તું હારુનને અને તેના દીકરાઓને કર. તેઓને યાજકો તરીકે નિયુક્ત કરવાની* વિધિ તું સાત દિવસ સુધી કર.+ ૩૬ તું પાપના પ્રાયશ્ચિત્ત માટે દરરોજ આખલાનું અર્પણ ચઢાવ. ઈશ્વર પાસે માફી મેળવવા અને વેદીને પવિત્ર કરવા તું એવું કર. તું વેદી પર અભિષેક કરવાનું તેલ છાંટ, એનાથી સાબિત થશે કે ઈશ્વરની ભક્તિ માટે વેદી પવિત્ર છે.+ ૩૭ તું વેદી માટે સાત દિવસ સુધી પ્રાયશ્ચિત્ત કર. એને પવિત્ર કર, જેથી એ વેદી ખૂબ પવિત્ર થાય.+ વેદીએ સેવા કરનાર દરેક માણસ પવિત્ર હોય.
૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+ ૩૯ એક ઘેટો સવારના સમયે ચઢાવ અને બીજો સાંજના સમયે.*+ ૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ. ૪૧ તું બીજો ઘેટો સાંજના સમયે ચઢાવ. એની સાથે તું અનાજ* અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવ, જેમ તેં સવારે કર્યું હતું. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે અને એની સુવાસથી તે ખુશ થશે. ૪૨ એ અગ્નિ-અર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે નિયમિત રીતે ચઢાવ. પેઢી દર પેઢી એમ થાય. ત્યાં હું તારી આગળ પ્રગટ થઈશ અને તારી સાથે વાત કરીશ.+
૪૩ “ત્યાં હું ઇઝરાયેલીઓ સામે પ્રગટ થઈશ અને એ જગ્યા મારા ગૌરવથી પવિત્ર થશે.+ ૪૪ હું મુલાકાતમંડપ અને વેદીને પવિત્ર કરીશ. હું હારુન અને તેના દીકરાઓને પણ પવિત્ર કરીશ,+ જેથી તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે. ૪૫ હું ઇઝરાયેલીઓની વચ્ચે રહીશ અને તેઓનો ઈશ્વર થઈશ.+ ૪૬ આમ, તેઓને સાચે જ ખાતરી થશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું. હું જ તેઓને ઇજિપ્તમાંથી બહાર લાવ્યો છું, જેથી તેઓની વચ્ચે રહી શકું.+ હું તેઓનો ઈશ્વર યહોવા છું.