લેવીય
૬ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “જો કોઈ માણસ પાપ કરે અને યહોવાની આજ્ઞા તોડીને+ પડોશીને છેતરે અને તેની અમાનત પાછી ન આપે,+ ગીરવે મૂકેલી વસ્તુ પડાવી લે, એને ચોરી લે, પડોશીને ઠગે ૩ અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય, પણ એ માનવાનો નકાર કરે અને એવા જૂઠા સોગંદ પણ ખાય કે પોતે એવું કોઈ પાપ કર્યું નથી,+ તો તે આમ કરે: ૪ જો તેણે પાપ કર્યું હોય અને તે દોષિત ઠરે, તો તે પોતાના પડોશીની વસ્તુ પાછી આપી દે, પછી ભલે એ ચોરેલી હોય, પડાવી લીધેલી હોય, કપટથી લીધેલી હોય, બીજાની અમાનત હોય, પોતાને મળેલી કોઈની ખોવાયેલી વસ્તુ હોય ૫ અથવા જેના વિશે પોતે જૂઠા સોગંદ ખાધા હોય. એ બધા માટે તે પૂરેપૂરી નુકસાની ભરી આપે.+ ઉપરાંત, તે કુલ કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે. તેનો દોષ સાબિત થાય, એ જ દિવસે તે એ કિંમત એ વસ્તુના માલિકને ચૂકવે. ૬ પછી તે યહોવાને દોષ-અર્પણ ચઢાવે. દોષ-અર્પણ માટે નક્કી કરેલી કિંમત પ્રમાણે તે યાજક પાસે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવે.+ ૭ યાજક પછી યહોવા આગળ તેના માટે પ્રાયશ્ચિત્ત કરશે અને જે પાપ માટે તે દોષિત ઠર્યો હોય, એ માફ કરવામાં આવશે.”+
૮ યહોવાએ મૂસાને વધુમાં કહ્યું: ૯ “હારુન અને તેના દીકરાઓને આજ્ઞા કર કે, ‘અગ્નિ-અર્પણનો નિયમ આ છે:+ અગ્નિ-અર્પણ વેદીની આગ પર આખી રાત, એટલે કે સવાર સુધી રહે અને વેદી પર આગ કાયમ સળગતી રહે. ૧૦ યાજક શણનાં ખાસ વસ્ત્રો+ પહેરે અને નગ્નતા ઢાંકવા શણના જાંઘિયા પહેરે.+ પછી તે સળગી ગયેલા અગ્નિ-અર્પણની રાખ*+ વેદીમાંથી કાઢે અને વેદીની એક બાજુએ નાખે. ૧૧ પછી તે પોતાનાં ખાસ વસ્ત્રો કાઢીને+ બીજાં વસ્ત્રો પહેરે અને રાખને છાવણીની બહાર સાફ જગ્યાએ લઈ જાય.+ ૧૨ વેદી પર આગ કાયમ સળગતી રહે, એ કદી ન હોલવાય. યાજક દર સવારે વેદી પર લાકડાં સળગાવે+ અને એના પર અગ્નિ-અર્પણ ગોઠવે. યાજક એના પર શાંતિ-અર્પણની ચરબી આગમાં ચઢાવે.+ ૧૩ વેદી પર આગ કાયમ સળગતી રહે, એ કદી ન હોલવાય.
૧૪ “‘હવે અનાજ-અર્પણનો નિયમ આ છે:+ હારુનના દીકરાઓ એને યહોવા આગળ વેદી પાસે લાવે. ૧૫ પછી એક દીકરો અનાજ-અર્પણના મેંદામાંથી એક મુઠ્ઠી મેંદો, થોડું તેલ અને બધો લોબાન* લે અને વેદી પર યહોવા માટે યાદગીરી તરીકે આગમાં ચઢાવે. એની સુવાસથી તે ખુશ* થાય છે.+ ૧૬ બાકી રહેલું બધું હારુન અને તેના દીકરાઓનું થાય.+ તેઓ એને બેખમીર રોટલી તરીકે પવિત્ર જગ્યામાં, એટલે કે મુલાકાતમંડપના આંગણામાં* ખાય.+ ૧૭ અનાજ-અર્પણમાં જરા પણ ખમીર* ઉમેરવું નહિ.+ મને જે અર્પણ આગમાં ચઢાવીને આપવામાં આવે છે, એમાંથી એ હિસ્સો હું યાજકોને આપું છું.+ એ પાપ-અર્પણ અને દોષ-અર્પણની જેમ ખૂબ જ પવિત્ર છે.+ ૧૮ હારુનના વંશનો દરેક પુરુષ એમાંથી ખાય.+ યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણમાંથી એ હિસ્સો પેઢી દર પેઢી હંમેશ માટે તેઓનો થાય.+ જે કોઈ વસ્તુ એ અર્પણને અડકે એ પવિત્ર થાય.’”
૧૯ યહોવાએ ફરી મૂસાને કહ્યું: ૨૦ “હારુનનો અભિષેક* થાય એ દિવસે+ તે અને તેના દીકરાઓ એફાહનો દસમો ભાગ*+ મેંદો યહોવાને અનાજ-અર્પણ તરીકે ચઢાવે.+ એનો અડધો ભાગ સવારે અને અડધો ભાગ સાંજે ચઢાવે. જ્યારે પણ હારુનના દીકરાઓમાંથી કોઈનો અભિષેક થાય, ત્યારે એમ કરવું. ૨૧ એ મેંદામાં તેલ નાખીને એને તવા પર શેકવો.+ પછી એના ટુકડા કરવા અને એમાં તેલ રેડીને એ અર્પણ યહોવા આગળ લાવવું, જેથી એની સુવાસથી તે ખુશ થાય. ૨૨ હારુન પછી તેના દીકરાઓમાંથી જે કોઈ તેની જગ્યાએ અભિષિક્ત યાજક બને,+ તે એ વિધિ પાળે. આ નિયમ હંમેશ માટે છે: એ અર્પણ યહોવા માટે પૂરેપૂરું આગમાં ચઢાવવામાં આવે. ૨૩ યાજક માટે ચઢાવેલું દરેક અનાજ-અર્પણ પૂરેપૂરું હોમી દેવું, એ ખાવું નહિ.”
૨૪ યહોવાએ પછી મૂસાને કહ્યું: ૨૫ “હારુન અને તેના દીકરાઓને કહે, ‘પાપ-અર્પણનો નિયમ આ છે:+ યહોવા આગળ જ્યાં અગ્નિ-અર્પણના પ્રાણીને કાપવામાં આવે છે,+ ત્યાં જ પાપ-અર્પણના પ્રાણીને પણ કાપવું. એ અર્પણ ખૂબ પવિત્ર છે. ૨૬ જે યાજક એ પ્રાણીને પાપ-અર્પણ તરીકે ચઢાવે, તે એને ખાય.+ તે એને પવિત્ર જગ્યામાં, એટલે કે મુલાકાતમંડપના આંગણામાં ખાય.+
૨૭ “‘જે કંઈ એ અર્પણના માંસને અડકે એ પવિત્ર થાય. જો કોઈનાં કપડાં પર એ અર્પણના લોહીના છાંટા પડે, તો તેણે પવિત્ર જગ્યામાં જ એ કપડાં ધોવાં. ૨૮ જો એ માંસ માટીના વાસણમાં બાફવામાં આવ્યું હોય, તો એ વાસણને ભાંગી નાખવું. પણ જો એ તાંબાના વાસણમાં બાફવામાં આવ્યું હોય, તો એને ઘસીને પાણીથી ધોઈ નાખવું.
૨૯ “‘ફક્ત યાજકો જ એ અર્પણ ખાય.+ એ ખૂબ પવિત્ર છે.+ ૩૦ પણ જે પાપ-અર્પણનું થોડું લોહી પવિત્ર જગ્યામાં, એટલે કે મુલાકાતમંડપની અંદર પ્રાયશ્ચિત્ત માટે લઈ જવામાં આવે, એનું માંસ ખાવું નહિ.+ એને આગમાં બાળી નાખવું.