કોરીંથીઓને પહેલો પત્ર
૧૪ એકબીજા પર પ્રેમ રાખવા બનતું બધું કરો. ઈશ્વર પાસેથી દાન* મેળવવા સખત પ્રયત્ન કરો,* ખાસ કરીને ભવિષ્યવાણીનું દાન મેળવવા.+ ૨ જે વ્યક્તિ બીજી ભાષાઓ બોલે છે, તે લોકો સાથે નહિ, ઈશ્વર સાથે વાત કરે છે. તે ઈશ્વરની શક્તિથી પવિત્ર રહસ્યો જણાવે છે,+ પણ કોઈ એ સમજતું નથી.+ ૩ જે ભવિષ્યવાણી કરે છે, તે પોતાની વાણીથી લોકોને દૃઢ કરે છે, ઉત્તેજન અને દિલાસો આપે છે. ૪ જે બીજી ભાષાઓ બોલે છે તે પોતાને દૃઢ કરે છે, પણ જે ભવિષ્યવાણી કરે છે તે મંડળને દૃઢ કરે છે. ૫ હું ચાહું છું કે તમે બધા બીજી ભાષાઓ બોલો,+ પણ તમે ભવિષ્યવાણી કરો+ એ મને વધારે ગમશે. સાચે જ, બીજી ભાષાઓ બોલવા કરતાં ભવિષ્યવાણીઓ કરવી વધારે સારું. કેમ કે જો બીજી ભાષાઓ બોલનાર પોતાની વાતનું ભાષાંતર ન કરે,* તો મંડળ દૃઢ થશે નહિ. ૬ ભાઈઓ, આ સમયે જો હું તમારી પાસે આવીને બીજી ભાષાઓ બોલું, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ ન કરું,+ જ્ઞાન ન આપું,+ ભવિષ્યવાણી ન કરું કે શીખવું નહિ, તો શું તમને કોઈ ફાયદો થશે?
૭ એ એવું છે જાણે વાંસળી અને વીણામાંથી સૂર તો નીકળે છે, પણ એ સ્પષ્ટ નથી. જો સૂર સ્પષ્ટ ન હોય, તો કઈ રીતે ખબર પડે કે વાંસળી અને વીણા પર કઈ ધૂન વાગી રહી છે? ૮ જો રણશિંગડાનો* અવાજ સ્પષ્ટ ન હોય, તો યુદ્ધ માટે કોણ તૈયાર થશે? ૯ એ જ રીતે, જો તમે સહેલાઈથી સમજાય એવા શબ્દોમાં ન બોલો, તો તમારી વાત કોણ સમજશે? એનાથી તો, તમે હવામાં વાતો કરનારા ગણાશો. ૧૦ દુનિયામાં ભાષાઓ તો અનેક છે અને એમાંની એકેય અર્થ વગરની નથી. ૧૧ પણ જો હું બીજી ભાષાઓ બોલનારની વાત ન સમજું, તો હું તેના માટે પરદેશી બનીશ અને તે મારા માટે પરદેશી બનશે. ૧૨ એ બધું તમને પણ લાગુ પડે છે. તમે પણ ઈશ્વરની શક્તિથી મળનાર દાનોની ઝંખના રાખો છો. તમે ભરપૂર પ્રમાણમાં એ દાનો મેળવવા પ્રયત્ન કરો, જેથી તમે મંડળને દૃઢ કરી શકો.+
૧૩ જે બીજી ભાષા બોલે છે, તેણે પ્રાર્થના કરવી કે પોતે એનું ભાષાંતર પણ કરી શકે.*+ ૧૪ કેમ કે જો હું બીજી ભાષામાં પ્રાર્થના કરું, તો એ હું નથી કરતો, પણ ઈશ્વરની શક્તિથી મને મળેલા દાન દ્વારા કરું છું. એટલે હું એ સમજી શકતો નથી. ૧૫ તો પછી શું કરવું? હું ઈશ્વરની શક્તિના દાનથી પ્રાર્થના કરીશ અને હું સમજી શકું એવી પ્રાર્થના પણ કરીશ. હું ઈશ્વરની શક્તિના દાનથી સ્તુતિગીત ગાઈશ અને હું સમજી શકું એવું સ્તુતિગીત પણ ગાઈશ. ૧૬ નહિતર, જો તમે ઈશ્વરની શક્તિના દાનથી સ્તુતિ કરો અને તમારામાંનો સામાન્ય માણસ તમારી વાત ન સમજે, તો તમારી આભાર-સ્તુતિમાં તે કઈ રીતે “આમેન”* કહેશે? ૧૭ ખરું કે, તમે સારી રીતે આભાર-સ્તુતિ કરો છો, પણ એનાથી એ માણસ દૃઢ થતો નથી. ૧૮ હું ઈશ્વરનો આભારી છું કે હું તમારા બધા કરતાં વધારે ભાષાઓ બોલું છું. ૧૯ તોપણ, બીજી ભાષામાં દસ હજાર શબ્દો બોલવાને બદલે, સમજાય એવા પાંચ શબ્દો મંડળમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ, જેથી હું બીજાઓને શીખવી શકું.*+
૨૦ ભાઈઓ, તમે સમજણમાં બાળકો જેવા ન બનો,+ પણ દુષ્ટતામાં બાળકો જેવા બનો+ અને સમજણમાં પરિપક્વ બનો.+ ૨૧ નિયમશાસ્ત્રમાં લખેલું છે: “યહોવા* કહે છે, ‘હું પરદેશીઓની ભાષાઓમાં અને અજાણ્યા લોકોની બોલીઓમાં આ લોકો સાથે બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહિ.’”+ ૨૨ તેથી ભાષાઓ શ્રદ્ધા રાખનારા માટે નહિ, શ્રદ્ધા ન રાખનારા માટે નિશાની છે,+ જ્યારે કે ભવિષ્યવાણી શ્રદ્ધા ન રાખનારા માટે નહિ, શ્રદ્ધા રાખનારા માટે નિશાની છે. ૨૩ એટલે, જો આખું મંડળ એક જગ્યાએ ભેગું થાય અને બધા બીજી ભાષાઓ બોલવા લાગે, પણ કોઈ સામાન્ય માણસ કે શ્રદ્ધા ન રાખનાર ત્યાં આવે, તો શું તે એમ નહિ કહે કે તમારું ચસકી ગયું છે? ૨૪ પણ જો તમે બધા ભવિષ્યવાણી કરતા હો અને શ્રદ્ધા ન રાખનાર કે સામાન્ય માણસ ત્યાં આવે, તો તે જે સાંભળશે એનાથી તેને સુધારો કરવા અને પોતાની પૂરેપૂરી પરખ કરવા પ્રેરણા મળશે. ૨૫ પછી તેના મનમાં છુપાયેલી વાત ખુલ્લી થશે. એટલે તે જમીન સુધી માથું નમાવીને ઈશ્વરની ભક્તિ કરશે અને કહેશે: “ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે.”+
૨૬ તો પછી ભાઈઓ, શું થવું જોઈએ? તમે ભેગા મળો છો ત્યારે, કોઈ સ્તુતિગીત ગાય છે, કોઈ શીખવે છે, કોઈ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે છે, કોઈ બીજી ભાષામાં બોલે છે અને કોઈ ભાષાંતર કરીને સમજાવે છે.+ એ બધું એકબીજાને ઉત્તેજન આપવા થવું જોઈએ. ૨૭ જો અમુક લોકો બીજી ભાષાઓ બોલે, તો વધારેમાં વધારે બે અથવા ત્રણ લોકો જ બોલે. તેઓ વારાફરતી બોલે અને કોઈ એનું ભાષાંતર કરે.*+ ૨૮ જો મંડળમાં ભાષાંતર કરનાર* કોઈ ન હોય, તો બીજી ભાષા બોલનારે ચૂપ રહેવું અને તેણે પોતાના મનમાં ઈશ્વર સાથે વાત કરવી. ૨૯ બે અથવા ત્રણ પ્રબોધકો+ બોલે અને બીજા લોકો એનો અર્થ સમજે. ૩૦ પણ ત્યાં બેઠેલા બીજા કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ થાય, તો જે બોલી રહ્યો છે તેણે ચૂપ થઈ જવું. ૩૧ તમે બધા વારાફરતી ભવિષ્યવાણી કરો, જેથી બધા શીખી શકે અને બધાને ઉત્તેજન મળે.+ ૩૨ પ્રબોધકોને ઈશ્વરની શક્તિ દ્વારા ભવિષ્યવાણી કરવાનું જે દાન મળ્યું છે, એનો તેઓએ યોગ્ય ઉપયોગ કરવો. ૩૩ કેમ કે ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.+
જેમ પવિત્ર જનોનાં બધાં મંડળોમાં થાય છે, ૩૪ તેમ સ્ત્રીઓએ મંડળોમાં ચૂપ રહેવું, કેમ કે તેઓને બોલવાની છૂટ નથી.+ એના બદલે, જેમ નિયમશાસ્ત્ર પણ કહે છે, તેમ તેઓએ આધીન રહેવું.+ ૩૫ જો તેઓએ કંઈ જાણવું હોય, તો ઘરે પતિને પૂછવું, કેમ કે સ્ત્રી મંડળમાં બોલે એ તેને શોભતું નથી.*
૩૬ શું ઈશ્વરનો સંદેશો તમારા દ્વારા આવ્યો છે? શું એ ફક્ત તમને જ મળ્યો છે?
૩૭ જો કોઈને લાગે કે તે પ્રબોધક છે અથવા તેને ઈશ્વરની શક્તિનું દાન મળ્યું છે, તો તેણે સ્વીકારવું જોઈએ કે હું જે લખું છું એ આપણા માલિક ઈસુની* આજ્ઞા છે. ૩૮ જો કોઈ આ વાતોનો સ્વીકાર કરતો નથી, તો ઈશ્વર પણ તેનો સ્વીકાર કરશે નહિ.* ૩૯ એટલે મારા ભાઈઓ, ભવિષ્યવાણીનું દાન મેળવવાનો પ્રયત્ન કરતા રહો,+ પણ બીજી ભાષાઓ બોલવાની કોઈને મના કરશો નહિ.+ ૪૦ પણ બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે* થવું જોઈએ.+