હઝકિયેલ
૩૭ યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. યહોવા પોતાની શક્તિથી મને ખીણની વચ્ચે લઈ આવ્યા.+ એ ખીણ હાડકાંથી ભરેલી હતી. ૨ તેમણે મને તેઓની વચ્ચે આમતેમ ચલાવ્યો. મેં જોયું તો ખીણમાં ઘણાં બધાં હાડકાં પડેલાં હતાં અને એ સાવ સુકાઈ ગયેલાં હતાં.+ ૩ તેમણે મને પૂછ્યું: “હે માણસના દીકરા, શું આ હાડકાં જીવતાં થઈ શકે?” મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એ તો તમે જ જાણો છો.”+ ૪ તેમણે મને કહ્યું: “આ હાડકાં વિશે ભવિષ્યવાણી કર અને તેઓને કહે, ‘ઓ સુકાઈ ગયેલાં હાડકાઓ, યહોવાનો સંદેશો સાંભળો:
૫ “‘વિશ્વના માલિક યહોવા હાડકાંને કહે છે: “હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે જીવતા થશો.+ ૬ હું તમારા પર સ્નાયુઓ મૂકીશ અને માંસ ભરીશ, તમને ચામડીથી ઢાંકી દઈશ. હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે જીવતા થશો ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”
૭ મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી. મેં ભવિષ્યવાણી કરી કે તરત મને ખખડાટ સંભળાયો અને બધાં હાડકાં એકબીજાં સાથે જોડાવાં લાગ્યાં. ૮ પછી મેં જોયું તો તેઓ પર સ્નાયુઓ અને માંસ આવ્યાં. તેઓ પર ચામડી આવી. પણ હજુ તેઓમાં શ્વાસ ફૂંકાયો ન હતો.
૯ ત્યાર બાદ તેમણે મને કહ્યું: “પવનને ભવિષ્યવાણી જણાવ. હે માણસના દીકરા, એને ભવિષ્યવાણી કરીને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ પવન,* ચારે બાજુથી આવ, આ માર્યા ગયેલા લોકો પર ફૂંક માર, જેથી તેઓ જીવતા થાય.”’”
૧૦ મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી અને તેઓમાં શ્વાસ ફૂંકાયો. તેઓ જીવતા થવા લાગ્યા અને પોતાના પગ પર ઊભા થઈ ગયા,+ જાણે એકદમ મોટું સૈન્ય હોય!
૧૧ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, આ હાડકાં આખા ઇઝરાયેલના લોકો છે.+ તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે.+ અમારો પૂરેપૂરો વિનાશ થઈ ગયો છે.’ ૧૨ એટલે ભવિષ્યવાણી કર અને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ+ અને તમને કબરમાંથી જીવતા કરીશ. તમારા ઇઝરાયેલ દેશમાં હું તમને પાછા લાવીશ.+ ૧૩ ઓ મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તમને જીવતા કરીશ+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’ ૧૪ ‘હું મારી શક્તિ તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો.+ તમારા દેશમાં હું તમને ફરીથી વસાવીશ. તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ,’ એવું યહોવા કહે છે.”
૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૬ “હે માણસના દીકરા, એક લાકડી લે અને એના પર લખ, ‘યહૂદા માટે અને ઇઝરાયેલના જે લોકો તેની સાથે છે તેઓ માટેની લાકડી.’+ પછી બીજી એક લાકડી લે અને એના પર લખ, ‘યૂસફ માટે અને ઇઝરાયેલના જે લોકો તેની સાથે છે તેઓ માટેની એફ્રાઈમની લાકડી.’+ ૧૭ પછી એ બંનેને એકબીજાની નજીક લાવ, જેથી તેઓ તારા હાથમાં એક લાકડી બને.+ ૧૮ તારા લોકો તને પૂછશે કે ‘આ બધાનો મતલબ શું તું નહિ જણાવે?’ ૧૯ તું તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “યૂસફ અને તેની સાથેના ઇઝરાયેલનાં કુળોની લાકડી જે એફ્રાઈમના હાથમાં છે એ હું લઈશ અને યહૂદાની લાકડી સાથે જોડી દઈશ. તેઓ એક લાકડી બનશે+ અને તેઓ મારા હાથમાં એક થશે.”’ ૨૦ તું જે લાકડીઓ પર લખે એ તારા હાથમાં રાખ, જેથી તેઓ એ લાકડીઓ જોઈ શકે.
૨૧ “પછી તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “બીજી પ્રજાઓમાં ગયેલા ઇઝરાયેલીઓને હું પાછા લાવીશ. ચારેય દિશાઓમાંથી હું તેઓને ભેગા કરીશ અને તેઓના વતનમાં પાછા લાવીશ.+ ૨૨ હું તેઓને ઇઝરાયેલના પર્વતો પર, પોતાના દેશમાં એક પ્રજા બનાવીશ.+ તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે.+ તેઓ હવેથી બે પ્રજાઓ ગણાશે નહિ, તેઓના ભાગલા પડીને બે રાજ્ય થશે નહિ.+ ૨૩ ધિક્કાર થાય એવી મૂર્તિઓથી,* નીચ કામોથી અને ગુનાઓથી તેઓ ફરી પોતાને અશુદ્ધ નહિ કરે.+ તેઓએ બેવફા બનીને જે પાપ કર્યાં છે, એમાંથી હું તેઓને બચાવી લઈશ અને શુદ્ધ કરીશ. તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.+
૨૪ “‘“મારો સેવક દાઉદ તેઓનો રાજા બનશે+ અને તેઓ બધાનો એક જ ઘેટાંપાળક હશે.+ તેઓ મારા કાયદા-કાનૂન પ્રમાણે ચાલશે અને ધ્યાનથી મારા નિયમો પાળશે.+ ૨૫ મેં મારા ભક્ત યાકૂબને જે દેશ આપ્યો હતો, એમાં તેઓ રહેશે. એમાં તમારા બાપદાદાઓ પણ રહેતા હતા.+ તેઓ એમાં કાયમ માટે રહેશે.+ તેઓનાં બાળકો અને બાળકોનાં બાળકો પણ એમાં રહેશે.+ મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો આગેવાન બનશે.+
૨૬ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ એ તેઓ સાથે કાયમનો કરાર હશે. હું તેઓને ઠરીઠામ કરીશ અને તેઓની સંખ્યા વધારીશ.+ હું મારું મંદિર તેઓ વચ્ચે સદાને માટે રાખીશ. ૨૭ મારો મંડપ* તેઓની વચ્ચે* રહેશે. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.+ ૨૮ જ્યારે મારું મંદિર તેઓ વચ્ચે હંમેશ માટે રહેશે, ત્યારે બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે ઇઝરાયેલને પવિત્ર કરનાર હું યહોવા છું.”’”+