એસ્તેર
૨ એ બધું થયા પછી રાજા અહાશ્વેરોશનો+ ગુસ્સો શાંત પડ્યો. તેણે યાદ કર્યું કે વાશ્તીએ શું કર્યું હતું+ અને તેની વિરુદ્ધ કેવાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.+ ૨ પછી રાજાના ખાસ સેવકોએ કહ્યું: “રાજા માટે સુંદર અને કુંવારી યુવતીઓ શોધવામાં આવે. ૩ એ કામ માટે રાજા પોતાના સામ્રાજ્યના સર્વ પ્રાંતોમાં અધિકારીઓ નીમે.+ તેઓ બધી સુંદર યુવતીઓને શુશાન કિલ્લાના જનાનખાનામાં* લઈ આવે. તેઓને રાજાના ખોજા* હેગેની+ દેખરેખ હેઠળ રાખવામાં આવે, જે સ્ત્રીઓનો રખેવાળ છે. ત્યાં તેઓનું સૌંદર્ય નિખારવા માવજત* કરવામાં આવે. ૪ એ યુવતીઓમાંથી રાજાને જે સૌથી વધારે પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણી બનાવવામાં આવે.”+ રાજાને એ વાત ગમી ગઈ અને તેણે એવું જ કર્યું.
૫ હવે શુશાન+ કિલ્લામાં મોર્દખાય+ નામે એક યહૂદી માણસ હતો. તે યાઈરનો દીકરો હતો; યાઈર શિમઈનો દીકરો હતો અને શિમઈ કીશનો દીકરો હતો, જે બિન્યામીન કુળનો+ હતો. ૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના રાજા યખોન્યા*+ સાથે અમુક લોકોને યરૂશાલેમથી ગુલામ* બનાવીને લાવ્યો હતો. તેઓમાં તે* પણ હતો. ૭ મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સાહને,* એટલે કે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી,+ કેમ કે તે અનાથ હતી. તે શરીરે સુડોળ અને દેખાવે રૂપાળી હતી. તેનાં માતા-પિતાના મરણ પછી મોર્દખાયે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી. ૮ રાજાનો નિયમ અને ફરમાન બહાર પડ્યાં પછી ઘણી યુવતીઓને શુશાન કિલ્લામાં લાવીને હેગેની દેખરેખ નીચે રાખવામાં આવી.+ એસ્તેરને પણ રાજાના મહેલમાં* લઈ જઈને સ્ત્રીઓના રખેવાળ હેગેની દેખરેખ નીચે રાખવામાં આવી.
૯ હેગે એસ્તેરથી બહુ ખુશ હતો અને તેના પર મહેરબાન* હતો. તેણે તરત જ એસ્તેરનું સૌંદર્ય નિખારવાની*+ અને તેના ખોરાકનું ધ્યાન રાખવાની ગોઠવણ કરી. તેણે રાજાના મહેલમાંથી સાત દાસીઓને એસ્તેરની સેવા માટે ઠરાવી. તેણે એસ્તેરને અને તેની દાસીઓને જનાનખાનાની સૌથી સારી જગ્યામાં રાખી. ૧૦ એસ્તેરે પોતાના લોકો કે સગાં-વહાલાં વિશે કંઈ જણાવ્યું નહિ,+ કેમ કે મોર્દખાયે+ તેને એમ કરવાની ના પાડી હતી.+ ૧૧ મોર્દખાય જનાનખાનાના આંગણા પાસે દરરોજ આવજા કરતો, જેથી એસ્તેરના હાલચાલ જાણી શકે અને તેની સાથે શું થઈ રહ્યું છે એની પણ ખબર પડે.
૧૨ દરેક યુવતી વારાફરતી રાજા અહાશ્વેરોશ પાસે જતી. તેનો વારો આવે એ પહેલાં તેને છ મહિના બોળના* તેલથી+ માલિશ કરવામાં આવતી. પછીના છ મહિના સુગંધી તેલ*+ અને બીજા સૌંદર્ય પ્રસાધનોનો* ઉપયોગ કરવામાં આવતો. આમ ૧૨ મહિના તેની માવજત કરવામાં આવતી. ૧૩ પછી રાજા પાસે જવા તે યુવતી તૈયાર ગણાતી. તે યુવતી જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી ત્યારે, તે જે કંઈ માંગે એ તેને આપવામાં આવતું. ૧૪ સાંજે તે રાજાના મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં પાછી ફરતી. એની સંભાળ રાજાનો ખોજો શાઆશ્ગાઝ રાખતો હતો,+ જે રાજાની ઉપપત્નીઓનો રખેવાળ હતો. જો રાજા એ યુવતીથી ખુશ હોય અને તેને નામ લઈને ફરી બોલાવે, તો જ તે રાજા પાસે પાછી જઈ શકતી, એ સિવાય નહિ.+
૧૫ હવે એસ્તેરનો વારો આવ્યો, જે મોર્દખાયના કાકા અબીહાઈલની દીકરી હતી. મોર્દખાયે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી.+ સ્ત્રીઓનો રખેવાળ ખોજો હેગે જે કંઈ આપતો હતો, એ સિવાય એસ્તેરે બીજું કંઈ જ માંગ્યું નહિ. (તે જેની પણ નજરે પડતી, એ સૌનું દિલ જીતી લેતી.) ૧૬ રાજા અહાશ્વેરોશના શાસનના સાતમા વર્ષના+ દસમા મહિને, એટલે કે, ટેબેથ* મહિનામાં, એસ્તેરને મહેલમાં* રાજા પાસે લઈ જવામાં આવી. ૧૭ એસ્તેરે રાજાનું દિલ જીતી લીધું. રાજા બીજી સ્ત્રીઓ કરતાં એસ્તેરને વધારે પ્રેમ કરવા લાગ્યો. બીજી બધી યુવતીઓ કરતાં તે એસ્તેર પર વધારે મહેરબાન હતો.* એટલે તેણે એસ્તેરને મુગટ* પહેરાવ્યો અને વાશ્તીની જગ્યાએ તેને રાણી બનાવી.+ ૧૮ પછી એસ્તેરના માનમાં રાજાએ પોતાના બધા રાજ્યપાલો અને અમલદારો માટે મિજબાની રાખી. રાજાએ પોતાને શોભે એવી ભેટો બધાને આપી. તેણે બધા પ્રાંતોમાં જાહેર કરાવ્યું કે સર્વ કેદીઓને છોડી મૂકવામાં આવે.*
૧૯ હવે બધી યુવતીઓને*+ બીજી વાર ભેગી કરવામાં આવી ત્યારે, મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. ૨૦ એસ્તેરે પોતાનાં સગાં-વહાલાં કે લોકો વિશે કોઈને કંઈ જણાવ્યું ન હતું,+ જેમ મોર્દખાયે તેને સૂચના આપી હતી. એસ્તેર જેમ મોર્દખાયના ઘરમાં તેનું કહેવું માનતી હતી, તેમ હાલમાં પણ તેનું માનતી રહી.+
૨૧ મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ પોતાની ફરજ બજાવતો હતો. એ સમયે રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશ ગુસ્સે ભરાયા અને તેઓએ રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું. ૨૨ મોર્દખાયને એની જાણ થઈ ત્યારે તેણે તરત એ વિશે એસ્તેર રાણીને જણાવ્યું. એસ્તેરે મોર્દખાયનું નામ લઈને* રાજા સાથે વાત કરી. ૨૩ એની તપાસ કરવામાં આવી ત્યારે, એ વાત સાચી નીકળી. પેલા બંને માણસોને થાંભલા* પર લટકાવી દેવામાં આવ્યા. એ આખો બનાવ રાજાની હજૂરમાં એ સમયના ઇતિહાસના પુસ્તકમાં લખવામાં આવ્યો.+