બીજો કાળવૃત્તાંત
૨૫ અમાઝ્યા રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૨૯ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દાન હતું અને તે યરૂશાલેમની હતી.+ ૨ યહોવાની નજરમાં જે ખરું હતું એ અમાઝ્યા કરતો રહ્યો, પણ પૂરા દિલથી નહિ. ૩ અમાઝ્યાના હાથમાં રાજ્ય સ્થિર થયું કે તરત તેણે પોતાના પિતાની, એટલે કે રાજાની કતલ કરનારા તેના ચાકરોને મારી નાખ્યા.+ ૪ પણ તેણે તેઓના દીકરાઓને મારી નાખ્યા નહિ, કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં યહોવાએ આ આજ્ઞા આપી હતી: “દીકરાઓનાં પાપ માટે પિતાઓને મારી ન નાખો અને પિતાઓનાં પાપ માટે દીકરાઓને મારી ન નાખો. જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.”+
૫ અમાઝ્યાએ યહૂદાના લોકોને ભેગા કર્યા. તેણે યહૂદા અને બિન્યામીનના લોકોને પિતાનાં કુટુંબો પ્રમાણે ઊભા રાખ્યા. હજાર હજારના મુખીઓ અને સો સોના મુખીઓ તેઓના આગેવાનો હતા.+ તેણે ૨૦ વર્ષ કે એનાથી વધારે ઉંમરના બધાની ગણતરી કરી.+ તેઓ લશ્કરની તાલીમ પામેલા* ૩,૦૦,૦૦૦ લડવૈયાઓ હતા. તેઓ ભાલા અને મોટી ઢાલ વાપરી શકતા હતા. ૬ તેણે ઇઝરાયેલને ૧૦૦ તાલંત* ચાંદી આપીને ૧,૦૦,૦૦૦ શૂરવીર યોદ્ધાઓ ભાડે રાખ્યા. ૭ પણ સાચા ઈશ્વરના એક ભક્તે આવીને તેને કહ્યું: “હે રાજા, તમારી સાથે ઇઝરાયેલના લશ્કરને ન લઈ જતા. યહોવા ઇઝરાયેલ સાથે નથી,+ એફ્રાઈમના એકેય માણસ સાથે નથી. ૮ તમે એકલા યુદ્ધમાં જાઓ અને હિંમતથી લડો. એમ નહિ કરો તો સાચા ઈશ્વર તમારા દુશ્મન આગળ તમને હરાવશે. તેમની પાસે મદદ કરવાની અને હરાવવાની તાકાત છે.”+ ૯ આ સાંભળીને અમાઝ્યાએ સાચા ઈશ્વરના માણસને કહ્યું: “પણ મેં ઇઝરાયેલના લશ્કરને ૧૦૦ તાલંત આપ્યા એનું શું?” સાચા ઈશ્વરના માણસે જવાબ આપ્યો: “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.”+ ૧૦ એટલે અમાઝ્યાએ એફ્રાઈમથી આવેલા લશ્કરને પાછું પોતપોતાનાં ઘરે મોકલી દીધું. પણ તેઓને યહૂદા પર ભારે ગુસ્સો ચઢ્યો. તેઓ ક્રોધથી તપી ઊઠીને પોતપોતાનાં ઘરે પાછા આવ્યા.
૧૧ પછી અમાઝ્યા હિંમત ભેગી કરીને પોતાના લશ્કર સાથે મીઠાની ખીણ તરફ ચાલી નીકળ્યો.+ ત્યાં તેણે સેઈરના ૧૦,૦૦૦ માણસોની કતલ કરી.+ ૧૨ યહૂદાના માણસોએ બીજા ૧૦,૦૦૦ને જીવતા પકડ્યા અને તેઓને ખડકની ટોચ પર લઈ ગયા. તેઓએ ખડકની ટોચ પરથી તેઓને નીચે ફેંકી દીધા. તેઓ ખડકો પર પછડાઈને મરી ગયા. ૧૩ અમાઝ્યાએ લશ્કરના જે માણસોને યુદ્ધમાં લઈ જવાને બદલે પાછા મોકલી આપ્યા હતા,+ તેઓ યહૂદાનાં શહેરોમાં લૂંટફાટ કરવા લાગ્યા. તેઓએ સમરૂનથી+ છેક બેથ-હોરોન+ સુધી લૂંટ ચલાવી. તેઓએ ૩,૦૦૦ માણસોને મારી નાખ્યા અને ઘણી લૂંટ લઈ ગયા.
૧૪ પણ અમાઝ્યા જ્યારે અદોમીઓનો સંહાર કરીને પાછો આવ્યો, ત્યારે પોતાની સાથે સેઈરના માણસોના દેવો પણ લેતો આવ્યો. એ દેવોને તેણે પોતાના દેવો બનાવ્યા.+ તે તેઓને નમન કરવા લાગ્યો, તેઓની આગળ આગમાં બલિદાનો ચઢાવવા લાગ્યો. ૧૫ એટલે અમાઝ્યા પર યહોવાનો કોપ ભભૂકી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને મોકલીને કહ્યું: “જે દેવો પોતાના લોકોને તારા હાથમાંથી બચાવી શક્યા નથી, એવા દેવોને તું કેમ ભજે છે?”+ ૧૬ હજુ તે બોલતો હતો એવામાં રાજા વચ્ચે તાડૂકી ઊઠ્યો: “ચૂપ રહે!+ રાજાને સલાહ આપવાનું તને કોણે કહ્યું?+ શું તારે મરવું છે?” પ્રબોધકે કહ્યું: “તું મૂર્તિઓને ભજે છે અને તેં મારી સલાહ માની નથી. એટલે ઈશ્વરે તારો વિનાશ કરવાનું નક્કી કર્યું છે.”+ પછી પ્રબોધક કંઈ બોલ્યો નહિ.
૧૭ યહૂદાના રાજા અમાઝ્યાએ પોતાના સલાહકારો સાથે વાતચીત કરી. પછી તેણે ઇઝરાયેલના રાજા યહોઆશને સંદેશો મોકલ્યો, જે યહોઆહાઝનો દીકરો અને યેહૂનો પૌત્ર હતો. અમાઝ્યાએ કહ્યું: “આવી જા યુદ્ધના મેદાનમાં!”+ ૧૮ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને જવાબ આપ્યો: “લબાનોનના ઝાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો: ‘મારા દીકરા સાથે તારી દીકરી પરણાવ.’ પણ લબાનોનનું એક જંગલી જાનવર ત્યાંથી પસાર થયું અને ઝાંખરાને કચડી નાખ્યું. ૧૯ તેં ધાર્યું કે ‘મેં તો અદોમને હરાવી દીધું છે!’+ એટલે તું ફુલાઈ ગયો છે અને પોતાને કંઈક સમજી બેઠો છે. પણ છાનોમાનો તારા ઘરમાં* બેસી રહે. શા માટે તું આફત વહોરી લે છે અને તારી સાથે યહૂદાનો પણ વિનાશ નોતરે છે?”
૨૦ પણ અમાઝ્યા માન્યો નહિ.+ તે અને તેના લોકો અદોમના દેવોને ભજતા હોવાથી,+ સાચા ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દેવાના હતા.+ ૨૧ એટલે ઇઝરાયેલનો રાજા યહોઆશ લડવા નીકળી પડ્યો. તે અને યહૂદાનો રાજા અમાઝ્યા યહૂદાના બેથ-શેમેશમાં સામસામે યુદ્ધે ચઢ્યા.+ ૨૨ ઇઝરાયેલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને એના સૈનિકો પોતપોતાનાં ઘરે* નાસી છૂટ્યા. ૨૩ ઇઝરાયેલના રાજા યહોઆશે યહૂદાના રાજા અમાઝ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. અમાઝ્યા યહોઆશનો દીકરો અને યહોઆહાઝનો* પૌત્ર હતો. પછી યહોઆશ તેને યરૂશાલેમ લઈ આવ્યો. યહોઆશે યરૂશાલેમની દીવાલનો અમુક ભાગ તોડી પાડ્યો. એ ભાગ એફ્રાઈમના દરવાજાથી+ ખૂણાના દરવાજા+ સુધી ૪૦૦ હાથ* હતો. ૨૪ યહોઆશે સાચા ઈશ્વરના મંદિરમાંથી ઓબેદ-અદોમની સાથે સાથે* સોના-ચાંદી અને બધાં વાસણો લઈ લીધાં. તે રાજમહેલના ભંડારો પણ લૂંટી ગયો.+ પછી તે કેદીઓને લઈને સમરૂન ચાલ્યો ગયો.
૨૫ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા+ યહોઆશના+ મરણ પછી, યહૂદાનો રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા+ ૧૫ વર્ષ જીવ્યો. ૨૬ શરૂઆતથી લઈને અંત સુધીનો અમાઝ્યાનો બાકીનો ઇતિહાસ યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલો છે. ૨૭ અમાઝ્યા યહોવાના માર્ગમાંથી ભટકી ગયો ત્યારથી, યરૂશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ એટલે તે લાખીશ શહેર ભાગી ગયો. તેઓએ ત્યાં પણ તેની પાછળ માણસો મોકલ્યા અને તેને મારી નાખ્યો. ૨૮ તેઓ તેને ઘોડા પર નાખીને લઈ આવ્યા અને તેને તેના બાપદાદાઓની જેમ યહૂદામાં દફનાવવામાં આવ્યો.