ગણના
૯ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા એના બીજા વર્ષના પહેલા મહિને+ યહોવાએ સિનાઈના વેરાન પ્રદેશમાં મૂસાને કહ્યું: ૨ “ઠરાવેલા સમયે+ ઇઝરાયેલીઓ પાસ્ખાનું* બલિદાન તૈયાર કરે.+ ૩ આ મહિનાના ૧૪મા દિવસે સાંજના સમયે* તમે એને તૈયાર કરો. એને ઠરાવેલા સમયે તથા નિયમો અને વિધિઓ પ્રમાણે તૈયાર કરો.”+
૪ તેથી મૂસાએ ઇઝરાયેલીઓને પાસ્ખાનું બલિદાન તૈયાર કરવાનું કહ્યું. ૫ પછી તેઓએ સિનાઈના વેરાન પ્રદેશમાં પહેલા મહિનાના ૧૪મા દિવસે સાંજના સમયે પાસ્ખાનું બલિદાન તૈયાર કર્યું. યહોવાએ મૂસાને જે બધી આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું.
૬ હવે ત્યાં કેટલાક એવા માણસો હતા, જેઓ શબને અડવાથી અશુદ્ધ થયા હતા+ અને તેઓ એ દિવસે પાસ્ખાનું બલિદાન તૈયાર કરી શકે એમ ન હતા. એટલે તેઓ એ જ દિવસે મૂસા અને હારુન આગળ હાજર થયા.+ ૭ તેઓએ મૂસાને કહ્યું: “ખરું કે, શબને અડવાને લીધે અમે અશુદ્ધ થયા છીએ. પણ ઇઝરાયેલીઓ સાથે ઠરાવેલા સમયે યહોવાને અર્પણ ચઢાવવાથી અમને શા માટે રોકવામાં આવે છે?”+ ૮ ત્યારે મૂસાએ તેઓને કહ્યું: “યહોવા તમારા માટે જે આજ્ઞા આપે, એ સાંભળીને હું તમને જણાવું ત્યાં સુધી રાહ જુઓ.”+
૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘ભલે તમારામાંથી કે તમારી આવનાર પેઢીઓમાંથી કોઈ માણસ શબને અડવાથી અશુદ્ધ થયો હોય+ અથવા લાંબી મુસાફરીએ ગયો હોય, તોપણ તે યહોવા માટે પાસ્ખાનું બલિદાન તૈયાર કરે. ૧૧ તેઓ બીજા મહિનાના ૧૪મા દિવસે, સાંજના સમયે એને તૈયાર કરે+ અને બેખમીર રોટલી અને કડવી ભાજી સાથે ખાય.+ ૧૨ એમાંનું કંઈ પણ સવાર સુધી બાકી ન રાખે+ અને એનું એકેય હાડકું ન ભાંગે.+ તેઓ એને પાસ્ખાના નિયમ પ્રમાણે જ તૈયાર કરે. ૧૩ પણ જો કોઈ માણસ શુદ્ધ હોય અથવા મુસાફરીમાં ન હોય, છતાં પાસ્ખાનું બલિદાન તૈયાર ન કરે, તો તેને મારી નાખો,*+ કેમ કે તેણે ઠરાવેલા સમયે યહોવા માટે બલિદાન ચઢાવ્યું નથી. એ માણસે પોતાના પાપની સજા ભોગવવી પડશે.
૧૪ “‘તમારી વચ્ચે રહેતો પરદેશી પણ યહોવા માટે પાસ્ખાનું બલિદાન તૈયાર કરે.+ પાસ્ખાના નિયમ અને વિધિ પ્રમાણે તે એને તૈયાર કરે.+ ઇઝરાયેલીઓ માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે એક જ નિયમ છે.’”+
૧૫ હવે મંડપ ઊભો કરવામાં આવ્યો, એ જ દિવસે+ વાદળે આવીને મંડપને, એટલે કે સાક્ષીકોશના મંડપને ઢાંકી દીધો. પણ સાંજથી સવાર સુધી એ વાદળ અગ્નિ જેવું લાગતું હતું.+ ૧૬ દરરોજ આવું થતું: દિવસે વાદળ એને ઢાંકી દેતું અને રાતે એ અગ્નિ જેવું થઈ જતું.+ ૧૭ જ્યારે પણ મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ તરત જ છાવણી ઉઠાવીને નીકળતા+ અને જ્યાં વાદળ થોભતું, ત્યાં ઇઝરાયેલીઓ છાવણી નાખતા.+ ૧૮ યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી ઉઠાવતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ છાવણી નાખતા.+ વાદળ જ્યાં સુધી મંડપ પર રહેતું, ત્યાં સુધી તેઓ પડાવ નાખેલો જ રાખતા. ૧૯ જો વાદળ બહુ દિવસો સુધી મંડપ પર રહેતું, તો ઇઝરાયેલીઓ યહોવાની આજ્ઞા પાળીને આગળ ન વધતા.+ ૨૦ અમુક વખતે મંડપ પર વાદળ થોડા દિવસો માટે જ રહેતું. યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ ત્યાં જ રહેતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ ત્યાંથી આગળ વધતા. ૨૧ અમુક વખતે વાદળ ફક્ત સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. જ્યારે સવારમાં મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે તેઓ ત્યાંથી નીકળતા. દિવસ હોય કે રાત, જ્યારે પણ મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે તેઓ ત્યાંથી નીકળતા.+ ૨૨ ભલે મંડપ પર વાદળ બે દિવસ માટે કે મહિના માટે કે એથી વધારે વખત માટે રહેતું, પણ જ્યાં સુધી વાદળ રહેતું ત્યાં સુધી ઇઝરાયેલીઓ પડાવ ઉઠાવતા નહિ અને આગળ વધતા નહિ. પણ જ્યારે વાદળ ઊઠતું ત્યારે તેઓ ત્યાંથી નીકળતા. ૨૩ યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ આગળ વધતા. યહોવાએ મૂસા દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞાઓ પાળી.