ઝખાર્યા
૮ સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૨ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું સિયોન પર ખૂબ પ્રેમ રાખીશ અને તેના માટે ચિંતા કરીશ.+ હું ક્રોધે ભરાઈને તેના માટે લડીશ અને તેને બચાવીશ.’”
૩ “યહોવા કહે છે, ‘હું સિયોનમાં પાછો આવીશ+ અને યરૂશાલેમમાં રહીશ.+ યરૂશાલેમ સત્યનું શહેર* કહેવાશે+ અને સૈન્યોના ઈશ્વર યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.’”+
૪ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘વૃદ્ધો ફરીથી યરૂશાલેમના ચોકમાં બેસશે. પાકી વયના કારણે તેઓના હાથમાં લાકડી હશે.+ ૫ શહેરના ચોક રમતાં-કૂદતાં બાળકોથી ભરાઈ જશે.’”+
૬ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘લોકોમાંથી બચી ગયેલાઓને એ દિવસોમાં આ વાત કદાચ અશક્ય લાગે, પણ શું એ મારા માટે અશક્ય છે?’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”
૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું મારા લોકોને પૂર્વના અને પશ્ચિમના* દેશોમાંથી બહાર કાઢી લાવીશ.+ ૮ હું તેઓને યરૂશાલેમમાં લાવીશ અને તેઓ ત્યાં વસશે.+ તેઓ મારા લોકો થશે અને હું તેઓનો વિશ્વાસુ* અને ન્યાયી ઈશ્વર થઈશ.’”+
૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હે પ્રબોધકોની વાત સાંભળનાર લોકો,+ તમે તમારા હાથ મજબૂત કરો.*+ આ વાત એ દિવસે પણ કહેવામાં આવી હતી, જે દિવસે સૈન્યોના ઈશ્વર યહોવાનું મંદિર બાંધવા તેમના ઘરનો પાયો નંખાયો હતો. ૧૦ એ સમય પહેલાં માણસોને મજૂરી મળતી ન હતી અને પશુઓ માટે ભાડું ચૂકવવામાં આવતું ન હતું.+ દુશ્મનને લીધે બહાર આવવું-જવું સલામત ન હતું, કેમ કે મેં બધા માણસોને એકબીજાની વિરુદ્ધ કરી દીધા હતા.’
૧૧ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘પણ હવે હું આ બાકી રહેલા લોકો સાથે અગાઉની જેમ નહિ વર્તું.+ ૧૨ કેમ કે શાંતિનું બી વાવવામાં આવશે, દ્રાક્ષાવેલા ફળોથી લચી પડશે, ધરતી પોતાની ઊપજ આપશે+ અને આકાશમાંથી ઝાકળ પડશે. હું આ બાકી રહેલા લોકોને એ બધાનો વારસો આપીશ.+ ૧૩ હે યહૂદા અને યરૂશાલેમના લોકો, પ્રજાઓ તમારું નામ લઈને શ્રાપ આપતી હતી,+ પણ હવે હું તમને બચાવીશ અને તેઓ તમારું નામ લઈને આશીર્વાદ આપશે.+ ડરશો નહિ!+ તમે તમારા હાથ મજબૂત કરો!’*+
૧૪ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘“તમારા બાપદાદાઓએ મને ગુસ્સે કર્યો, એટલે મેં તમારા પર આફત લાવવા પાકો નિર્ણય કર્યો હતો અને મેં મારો નિર્ણય બદલ્યો નહિ,”*+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ૧૫ “પણ હવે મેં યહૂદાના ઘરનું અને યરૂશાલેમનું ભલું કરવા પાકો નિર્ણય કર્યો છે.+ તમે ડરશો નહિ!”’+
૧૬ “‘તમે આમ કરો: એકબીજા સાથે સાચું બોલો.+ તમારા શહેરના દરવાજે સચ્ચાઈથી ન્યાય કરો, એ રીતે ન્યાય કરો કે શાંતિ ફેલાય.+ ૧૭ એકબીજા વિરુદ્ધ તમારાં દિલમાં કાવતરું ઘડશો નહિ+ અને જૂઠા સમ ખાશો નહિ,+ કેમ કે એવાં કામોને હું નફરત કરું છું,’+ એવું યહોવા કહે છે.”
૧૮ સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો, ૧૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનામાં ઉપવાસ+ કરતા હતા. પણ હવે યહૂદાના ઘર માટે ઉપવાસનો એ સમય આનંદ-ઉલ્લાસમાં ફેરવાઈ જશે. એ ખુશીનો તહેવાર હશે.+ એટલે તમે સત્ય અને શાંતિ ચાહો.’
૨૦ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એવો સમય ચોક્કસ આવશે જ્યારે બીજી પ્રજાઓ અને શહેરોના રહેવાસીઓ અહીં આવશે. ૨૧ એક શહેરના રહેવાસીઓ બીજા શહેરના રહેવાસીઓ પાસે જઈને કહેશે: “ચાલો, આપણે ઉતાવળે જઈએ અને યહોવા પાસે દયાની ભીખ માંગીએ. ચાલો, સૈન્યોના ઈશ્વર યહોવાની સેવા કરીએ. અમે તો જઈશું!”+ ૨૨ ઘણી પ્રજાઓ અને શક્તિશાળી દેશો યરૂશાલેમમાં સૈન્યોના ઈશ્વર યહોવાની સેવા કરવા+ અને યહોવા પાસે દયાની ભીખ માંગવા આવશે.’
૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસોમાં બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે+ અને એક યહૂદી માણસનો ઝભ્ભો* પકડી લેશે. હા, તેઓ ઝભ્ભાને* પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ,+ કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’”+