નિર્ગમન
૭ યહોવાએ પછી મૂસાને કહ્યું: “હું તને રાજા માટે ઈશ્વર જેવો બનાવું છું* અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક* થશે.+ ૨ હું તને જે કંઈ કહું છું, એ બધું તું હારુનને કહેજે. હારુન તારા વતી રાજા સાથે વાત કરશે અને રાજા તેના દેશમાંથી ઇઝરાયેલીઓને જવા દેશે. ૩ પણ હું રાજાનું દિલ હઠીલું થવા દઈશ.+ હું ઇજિપ્ત દેશમાં ઘણાં શક્તિશાળી કાર્યો અને અદ્ભુત ચમત્કારો કરીશ.+ ૪ જોકે રાજા તમારું સાંભળશે નહિ, એટલે હું ઇજિપ્તને સજા કરવા મારો હાથ ઉગામીશ. પછી ઇઝરાયેલીઓને, હા, મારા અગણિત લોકોને* હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.+ ૫ હું ઇજિપ્ત વિરુદ્ધ મારો હાથ ઉઠાવીશ અને મારા લોકોને તેઓ વચ્ચેથી કાઢી લાવીશ. એ જોઈને તેઓ ચોક્કસ જાણશે કે હું યહોવા છું.”+ ૬ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું, તેઓએ એમ જ કર્યું. ૭ રાજા સાથે વાત કરી ત્યારે, મૂસા ૮૦ વર્ષનો અને હારુન ૮૩ વર્ષનો હતો.+
૮ યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૯ “જ્યારે રાજા તમને કહે કે, ‘ચમત્કાર કરી બતાવો,’ ત્યારે તું હારુનને કહેજે, ‘તારી લાકડી લઈને રાજા આગળ નાખ.’ એટલે એ લાકડી મોટો સાપ બની જશે.”+ ૧૦ તેથી મૂસા અને હારુન રાજા પાસે ગયા અને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી રાજા અને તેના સેવકો આગળ નાખી અને એ મોટો સાપ બની ગઈ. ૧૧ રાજાએ ઇજિપ્તના જ્ઞાનીઓ અને ભૂવાઓને બોલાવ્યા. એ જાદુગરોએ*+ પણ પોતાના જાદુથી એવો જ ચમત્કાર કર્યો.+ ૧૨ તેઓએ પણ પોતાની લાકડીઓ નાખી અને એ મોટા મોટા સાપ બની ગઈ. પણ હારુનનો સાપ* એ બધા સાપોને ગળી ગયો. ૧૩ એ જોયા છતાં રાજાનું દિલ હઠીલું રહ્યું.+ યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.
૧૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “રાજાનું દિલ હઠીલું છે.+ તેણે મારા લોકોને જવા દેવાની ના પાડી છે. ૧૫ કાલે સવારે તું આમ કરજે: રાજા જ્યારે નાઈલ નદી પાસે જાય, ત્યારે તું પણ ત્યાં જજે અને નદીને કિનારે તેને મળજે. જે લાકડી સાપ બની ગઈ હતી, એ લાકડી તારા હાથમાં રાખજે.+ ૧૬ તું રાજાને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.+ ઈશ્વર કહે છે: “મારા લોકોને વેરાન પ્રદેશમાં જવા દે, જેથી તેઓ ત્યાં મારી સેવા કરી શકે.” પણ આ વાત તેં હજી સુધી માની નથી. ૧૭ એટલે યહોવા કહે છે: “હવે તું જાણીશ કે હું યહોવા છું.+ મારા હાથમાંની લાકડી હું નાઈલ નદીના પાણી પર મારીશ અને એ પાણી લોહી બની જશે. ૧૮ નદીની બધી માછલીઓ મરી જશે અને નદી ગંધાઈ ઊઠશે. ઇજિપ્તના લોકો નદીમાંથી એક ટીપુંય પાણી પી નહિ શકે.”’”
૧૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: “હારુનને કહે, ‘તારી લાકડી લે અને ઇજિપ્તના પાણી પર, એનાં નદી-નાળાં, નહેરો અને સરોવરો પર તારો હાથ લાંબો કર,+ જેથી એમાંનું પાણી લોહી બની જાય.’ આખા ઇજિપ્તનું પાણી, લાકડાં અને પથ્થરનાં વાસણોમાંનું પાણી પણ લોહી થઈ જશે.” ૨૦ તરત જ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી લીધી ને રાજા અને તેના સેવકોના દેખતાં નાઈલ નદી પર મારી. એટલે, નદીનું બધું પાણી લોહી થઈ ગયું.+ ૨૧ નદીની માછલીઓ મરી ગઈ+ અને નદી ગંધાવા લાગી. ઇજિપ્તના લોકો નદીમાંથી એક ટીપુંય પાણી પી ન શક્યા.+ આખા ઇજિપ્તમાં બધે લોહી જ લોહી હતું.
૨૨ જાદુગરોએ પણ પોતાની જાદુવિદ્યાથી એવો જ ચમત્કાર કર્યો.+ એટલે રાજાનું દિલ પીગળ્યું નહિ. યહોવાએ કહ્યું હતું તેમ, તેણે મૂસા અને હારુનનું સાંભળ્યું નહિ.+ ૨૩ એ ચમત્કાર જોઈને પણ રાજાના પેટનું પાણી હાલ્યું નહિ અને તે મહેલમાં પાછો ગયો. ૨૪ ઇજિપ્તના લોકો નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા, એટલે તેઓ નદીની આસપાસ પાણી માટે જમીન ખોદવા લાગ્યા. ૨૫ યહોવા નાઈલ નદી પર આફત લાવ્યા એને પૂરા સાત દિવસ વીતી ગયા.