માર્ક
૧૧ હવે તેઓ યરૂશાલેમ પાસે, જૈતૂન પર્વત પર બેથફગે અને બેથનિયા+ ગામ નજીક પહોંચ્યા. ઈસુએ બે શિષ્યોને આમ કહીને મોકલ્યા:+ ૨ “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ. એમાં જતાં જ તમને ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવશે. એના પર કદી કોઈ માણસ બેઠો નથી. એને છોડીને અહીં લઈ આવો. ૩ જો કોઈ તમને પૂછે, ‘તમે આ શું કરો છો?’ તો તમારે કહેવું, ‘માલિકને એની જરૂર છે અને તે જલદી એને પાછું મોકલી આપશે.’” ૪ તેઓ એ ગામમાં ગયા. તેઓને બહાર શેરીમાં, ઘરનાં બારણાં પાસે ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવ્યું અને તેઓએ એને છોડ્યું.+ ૫ પણ ત્યાં ઊભેલા કેટલાક લોકોએ તેઓને પૂછ્યું: “તમે ગધેડાના બચ્ચાને કેમ છોડો છો?” ૬ ઈસુએ જે કંઈ કહ્યું હતું, એ શિષ્યોએ જણાવ્યું અને લોકોએ તેઓને જવા દીધા.
૭ તેઓ ગધેડાનું બચ્ચું+ ઈસુ પાસે લાવ્યા. તેઓએ એના પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+ ૮ ઘણાએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં. બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી.+ ૯ ઈસુની આગળ-પાછળ ચાલનારા લોકો પોકારી રહ્યા હતા: “અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!+ યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!+ ૧૦ અમારા પિતા દાઉદના આવનાર રાજ્ય પર ઈશ્વરનો આશીર્વાદ છે!+ હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!” ૧૧ તે યરૂશાલેમમાં આવ્યા. તેમણે મંદિરમાં જઈને આજુબાજુ બધે નજર નાખી. પણ મોડું થઈ ગયું હોવાથી તે બાર શિષ્યો સાથે બેથનિયા જવા નીકળી ગયા.+
૧૨ પછીના દિવસે તેઓ બેથનિયાથી નીકળ્યા ત્યારે ઈસુને ભૂખ લાગી.+ ૧૩ તેમણે દૂરથી અંજીરનું એક ઝાડ જોયું, જેના પર પાંદડાં હતાં. એના પર ફળ છે કે નહિ, એ જોવા તે નજીક ગયા. પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ, કેમ કે ત્યારે અંજીરની મોસમ ન હતી. ૧૪ તેમણે એ ઝાડને કહ્યું: “હવે તારા પરથી કદી કોઈ ફળ ખાશે નહિ.”+ તેમના શિષ્યો એ સાંભળતા હતા.
૧૫ હવે તેઓ યરૂશાલેમમાં આવ્યા. ઈસુએ મંદિરમાં જઈને એમાં વેચનારા અને ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.+ ૧૬ તેમણે કોઈને વાસણ લઈને મંદિરમાંથી પસાર થવા ન દીધા. ૧૭ તેમણે લોકોને શીખવતા કહ્યું: “શું એમ લખેલું નથી કે ‘મારું ઘર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે’?+ પણ તમે એને લુટારાઓનો અડ્ડો બનાવ્યો છે.”+ ૧૮ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ એ વિશે સાંભળ્યું. તેઓ વિચારવા લાગ્યા કે તેમને કઈ રીતે મારી નાખવા.+ તેઓ ઈસુથી ડરતા હતા, કેમ કે આખું ટોળું તેમના શિક્ષણથી નવાઈ પામ્યું હતું.+
૧૯ મોડી સાંજ થઈ ત્યારે તેઓ શહેરની બહાર ગયા. ૨૦ પણ બીજા દિવસે વહેલી સવારે રસ્તેથી પસાર થતી વખતે તેઓએ જોયું તો અંજીરનું એ આખું ઝાડ મૂળમાંથી સુકાઈ ગયું હતું.+ ૨૧ પિતરે એ ઝાડ વિશે યાદ કરતા તેમને કહ્યું: “ગુરુજી,* જુઓ! તમે શ્રાપ આપ્યો હતો એ અંજીરનું ઝાડ સુકાઈ ગયું છે.”+ ૨૨ ઈસુએ તેઓને કહ્યું: “ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ૨૩ ધારો કે કોઈ આ પહાડને કહે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ હું સાચે જ કહું છું કે જો તે મનમાં શંકા ન કરે અને શ્રદ્ધા રાખે કે પોતે જે કંઈ કહે એવું થશે, તો તેના માટે એમ જરૂર થશે.+ ૨૪ એટલે હું તમને કહું છું કે જે માટે તમે પ્રાર્થના કરો છો અને માંગો છો, એ મળી ગયું છે એવી શ્રદ્ધા રાખો અને એ તમને જરૂર મળશે.+ ૨૫ જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો ત્યારે કોઈની વિરુદ્ધ જે કંઈ પણ હોય એ માફ કરો. એમ કરશો તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારાં પાપ માફ કરશે.”+ ૨૬ *—
૨૭ તેઓ ફરીથી યરૂશાલેમ આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો આવ્યા. ૨૮ તેઓએ પૂછ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૨૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને એક સવાલ પૂછું છું. મને જવાબ આપો, પછી હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું. ૩૦ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો+ એ ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી? મને જવાબ આપો.”+ ૩૧ તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’ ૩૨ શું આપણે એમ કહીએ કે ‘માણસો તરફથી’?” તેઓ એમ કહેતા ડરતા હતા, કેમ કે બધા લોકો યોહાનને પ્રબોધક માનતા હતા.+ ૩૩ તેઓએ ઈસુને જવાબ આપ્યો: “અમને ખબર નથી.” ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”