યહોશુઆ
૨૪ યહોશુઆએ ઇઝરાયેલનાં બધાં કુળોને શખેમમાં ભેગાં કર્યાં. તેણે ઇઝરાયેલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા.+ તેઓ સાચા ઈશ્વર આગળ આવીને ઊભા રહ્યા. ૨ યહોશુઆએ બધા લોકોને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘ઘણા સમય પહેલાં+ તમારા બાપદાદાઓ+ યુફ્રેટિસ નદીની પેલે પાર રહેતા હતા અને બીજા દેવોને ભજતા હતા.+ તેઓમાં તેરાહ પણ હતો, જે ઇબ્રાહિમ અને નાહોરનો પિતા હતો.
૩ “‘સમય જતાં, હું તમારા પૂર્વજ ઇબ્રાહિમને+ યુફ્રેટિસ નદીની પેલે પારથી લાવ્યો અને આખા કનાન દેશમાં દોરી ગયો. મેં તેના વંશજો વધાર્યા.+ મેં તેને ઇસહાક આપ્યો;+ ૪ ઇસહાકને મેં યાકૂબ અને એસાવ આપ્યા.+ આગળ જતાં, મેં એસાવને સેઈર પર્વતનો કબજો આપ્યો+ અને યાકૂબ અને તેના દીકરાઓ ઇજિપ્ત ગયા.+ ૫ ત્યાર બાદ મેં મૂસા અને હારુનને મોકલ્યા.+ હું ઇજિપ્ત પર આફતો લઈ આવ્યો+ અને પછી એ દેશમાંથી તમને બહાર કાઢી લાવ્યો. ૬ હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો+ અને તેઓ લાલ સમુદ્ર પાસે આવી પહોંચ્યા. ઇજિપ્તના લોકો લડાઈને માટે રથો અને ઘોડેસવારો લઈને તેઓનો પીછો કરતાં કરતાં સમુદ્ર સુધી આવી પહોંચ્યા.+ ૭ તમારા બાપદાદાઓએ યહોવાને પોકાર કર્યો.+ એટલે મેં તેઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે અંધકાર કરી નાખ્યો. હું ઇજિપ્તના લોકો પર સમુદ્રનું પાણી લાવ્યો અને મેં તેઓને ડુબાડી દીધા.+ મેં ઇજિપ્તના કેવા હાલ કર્યા, એ તમે નજરોનજર જોયું છે.+ પછી તમે ઘણાં વર્ષો સુધી વેરાન પ્રદેશમાં રહ્યા.+
૮ “‘હું તમને અમોરીઓના વિસ્તારમાં લાવ્યો, જેઓ યર્દનની પેલી તરફ* રહેતા હતા. તેઓ તમારી સામે લડ્યા.+ પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા, જેથી તમે તેઓનો વિસ્તાર કબજે કરી શકો. મેં તમારી આગળથી તેઓનો વિનાશ કર્યો.+ ૯ પછી મોઆબનો રાજા બાલાક, જે સિપ્પોરનો દીકરો હતો, તે ઇઝરાયેલની સામે થયો અને લડાઈ કરી. ઇઝરાયેલને શ્રાપ આપવા તેણે બયોરના દીકરા બલામને બોલાવ્યો.+ ૧૦ મેં બલામનું સાંભળ્યું નહિ.+ એટલે તેણે તમને વારંવાર આશીર્વાદ આપ્યો+ અને બલામના હાથમાંથી મેં તમને છોડાવી લીધા.+
૧૧ “‘પછી તમે યર્દન પાર કરીને+ યરીખો આવ્યા.+ યરીખોના આગેવાનો* અને અમોરીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ તમારી સામે લડ્યા. પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.+ ૧૨ મેં તમારી આગળ જઈને લોકોનું મનોબળ તોડી નાખ્યું.* તેથી અમોરીઓના બે રાજાઓની જેમ, તેઓ તમારી આગળથી નાસી છૂટ્યા.+ એ કંઈ તમારી તલવાર અને તમારા ધનુષ્યથી થયું ન હતું.+ ૧૩ જે દેશ માટે તમે મહેનત કરી ન હતી અને જે શહેરો તમે બાંધ્યાં ન હતાં, એ મેં તમને આપ્યાં+ અને તમે એમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓ તમે રોપી ન હતી, એનાં ફળ તમે ખાઓ છો.’+
૧૪ “એટલે યહોવાનો ડર રાખો, પૂરા દિલથી* અને વફાદારીથી* તેમની ભક્તિ કરો.+ તમારા બાપદાદાઓ યુફ્રેટિસ નદીની પેલે પાર અને ઇજિપ્તમાં જે દેવોને ભજતા હતા, તેઓને છોડી દો.+ ફક્ત યહોવાને જ ભજો. ૧૫ જો યહોવાની ભક્તિ કરવી તમને પસંદ ન હોય, તો તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો.+ શું તમે એ દેવોની ભક્તિ કરશો, જેઓને તમારા બાપદાદાઓ યુફ્રેટિસ નદીની પેલે પાર ભજતા હતા?+ કે પછી તમે જેઓના દેશમાં રહો છો એ અમોરીઓના દેવોની?+ પણ હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું.”
૧૬ એ સાંભળીને લોકોએ જવાબ આપ્યો: “યહોવાને છોડીને બીજા દેવોને ભજવાનો વિચાર પણ અમે કરી શકતા નથી. ૧૭ આપણા ઈશ્વર યહોવા આપણને અને આપણા બાપદાદાઓને ઇજિપ્ત દેશમાંથી,+ ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા.+ તેમણે આપણી નજર સામે મોટા મોટા ચમત્કારો કર્યા.+ આપણે જે રસ્તે ગયા, એ આખા રસ્તે તેમણે આપણું રક્ષણ કર્યું. આપણે જે લોકો વચ્ચેથી પસાર થયા, તેઓથી તેમણે આપણને બચાવ્યા.+ ૧૮ આપણી અગાઉ દેશમાં રહેનારા બધા લોકોને અને અમોરીઓને યહોવાએ હાંકી કાઢ્યા. તેથી અમે પણ યહોવાની જ ભક્તિ કરીશું, કેમ કે તે જ અમારા ઈશ્વર છે.”
૧૯ યહોશુઆએ લોકોને કહ્યું: “શું તમે ખરેખર યહોવાની ભક્તિ કરી શકશો? તે તો પવિત્ર ઈશ્વર છે.+ તે ચાહે છે કે તમે ફક્ત તેમની જ ભક્તિ કરો.+ જો નહિ કરો, તો તમારાં અપરાધોને અને પાપોને તે માફ નહિ કરે.+ ૨૦ જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો, તો તે તમારી વિરુદ્ધ થશે અને તમારો વિનાશ કરશે, પછી ભલેને તેમણે અગાઉ તમારું સારું કર્યું હોય.”+
૨૧ લોકોએ યહોશુઆને કહ્યું: “એમ નહિ બને. અમે તો યહોવાની જ ભક્તિ કરીશું!”+ ૨૨ યહોશુઆએ લોકોને કહ્યું: “તમે પોતે જ સાક્ષી પૂરો છો કે તમે યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું છે.”+ ત્યારે લોકોએ કહ્યું: “અમે સાક્ષી છીએ.”
૨૩ “તો પછી તમારી વચ્ચેથી બીજા દેવોને કાઢી નાખો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવા તરફ તમારું હૃદય વાળો.” ૨૪ લોકોએ યહોશુઆને કહ્યું: “અમે આપણા ઈશ્વર યહોવાને જ ભજીશું અને તેમનું જ કહેવું માનીશું.”
૨૫ એ દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો અને ત્યાં શખેમમાં તેઓને નિયમો અને કાનૂનો ઠરાવી આપ્યા. ૨૬ પછી યહોશુઆએ એ બધું ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખી લીધું.+ તેણે એક મોટો પથ્થર લીધો+ અને યહોવાની પવિત્ર જગ્યા* પાસે આવેલા મોટા ઝાડ નીચે ઊભો કર્યો.
૨૭ યહોશુઆએ બધા લોકોને જણાવ્યું: “જુઓ, આ પથ્થર આપણા માટે સાક્ષી બની રહેશે,+ કારણ કે યહોવાએ આપણને કહેલી બધી વાતો એણે સાંભળી છે. એ તમારા માટે સાક્ષી બની રહેશે, જેથી તમે તમારા ઈશ્વરનો ત્યાગ ન કરો.” ૨૮ એમ કહીને યહોશુઆએ બધા લોકોને પોતપોતાના વિસ્તારમાં મોકલી દીધા.+
૨૯ એ બનાવો પછી યહોવાનો સેવક, નૂનનો દીકરો યહોશુઆ ૧૧૦ વર્ષની ઉંમરે મરણ પામ્યો.+ ૩૦ તેઓએ તેને તિમ્નાથ-સેરાહમાં દફનાવ્યો, જે વિસ્તાર તેને વારસામાં મળ્યો હતો.+ એ ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલો છે. ૩૧ યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયેલીઓ યહોવાને ભજતા રહ્યા. ત્યાર બાદ એ સમયના વડીલો જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓ ભક્તિમાંથી ફંટાયા નહિ. આ વડીલોએ જોયું હતું કે યહોવાએ ઇઝરાયેલ માટે કેવાં કેવાં કામો કર્યાં છે.+
૩૨ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી યૂસફનાં જે હાડકાં+ લાવ્યાં હતાં, એ તેઓએ શખેમમાં લીધેલી જમીનમાં દફનાવ્યાં. એ જમીન યાકૂબે હમોરના દીકરાઓ પાસેથી+ ચાંદીના ૧૦૦ ટુકડા આપીને ખરીદી હતી.+ (હમોરના એક દીકરાનું નામ શખેમ હતું.) એ જમીન યૂસફના દીકરાઓનો વારસો થઈ.+
૩૩ હારુનનો દીકરો એલઆઝાર પણ મરણ પામ્યો.+ તેઓએ એલઆઝારને તેના દીકરા ફીનહાસની+ ટેકરી પર દફનાવ્યો. એ ટેકરી ફીનહાસને એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આપવામાં આવી હતી.