બીજો કાળવૃત્તાંત
૧ દાઉદના દીકરા સુલેમાનનું રાજ અડગ થતું ગયું. તેના ઈશ્વર યહોવા* તેની સાથે હતા અને તેમણે તેને ઘણો મહાન બનાવ્યો.+
૨ સુલેમાને ઇઝરાયેલમાંથી બધાને બોલાવ્યા. એટલે કે, હજાર હજારની અને સો સોની ટુકડીના મુખીઓને, ન્યાયાધીશોને,* ઇઝરાયેલના બધા મુખીઓને અને પિતાનાં કુટુંબોના વડાઓને બોલાવ્યા. ૩ પછી સુલેમાન અને બધા લોકો* ગિબયોનના ભક્તિ-સ્થળે* ગયા.+ સાચા ઈશ્વરનો* મુલાકાતમંડપ* ત્યાં હતો, જે યહોવાના સેવક મૂસાએ વેરાન પ્રદેશમાં બનાવ્યો હતો. ૪ પણ દાઉદ સાચા ઈશ્વરનો કરારકોશ* કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઈ આવ્યો હતો,+ જ્યાં તેણે જગ્યા તૈયાર કરી હતી. તેણે યરૂશાલેમમાં કરારકોશ માટે તંબુ બાંધ્યો હતો.+ ૫ ઉરીના દીકરા અને હૂરના પૌત્ર બઝાલએલે+ બાંધેલી તાંબાની વેદી+ યહોવાના મંડપ આગળ મૂકેલી હતી. સુલેમાન અને બધા લોકો એની આગળ પ્રાર્થના કરતા હતા.* ૬ સુલેમાને યહોવા આગળ અર્પણો ચઢાવ્યાં. મુલાકાતમંડપ આગળ મૂકેલી તાંબાની વેદી પર તેણે ૧,૦૦૦ અગ્નિ-અર્પણો* ચઢાવ્યાં.+
૭ એ રાતે સુલેમાનને સપનામાં ઈશ્વરના દર્શન થયા. ઈશ્વરે કહ્યું: “માંગ, માંગ, તું જે માંગીશ એ આપીશ!”+ ૮ સુલેમાને ઈશ્વરને કહ્યું: “તમે મારા પિતા દાઉદ પર અતૂટ પ્રેમ બતાવ્યો છે.+ તમે મને તેમની જગ્યાએ રાજા બનાવ્યો છે.+ ૯ હે યહોવા ઈશ્વર, મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું છે એ નિભાવજો.+ તમે ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકો પર મને રાજા બનાવ્યો છે.+ ૧૦ તમારા લોકોની આગેવાની લેવા મને બુદ્ધિ અને જ્ઞાન આપો.+ તમારા અસંખ્ય લોકોનો ન્યાય કોણ કરી શકે?”+
૧૧ ઈશ્વરે સુલેમાનને કહ્યું: “તારા દિલની ઇચ્છા સારી છે. તેં પોતાના માટે લાંબું જીવન, ધનદોલત કે માન-સન્માન માંગ્યાં નથી. તને નફરત કરનારાઓનું મોત માંગ્યું નથી. પણ જે લોકો પર મેં તને રાજા બનાવ્યો છે, તેઓનો ન્યાય કરવા તેં બુદ્ધિ અને જ્ઞાન માંગ્યાં છે.+ ૧૨ એટલે હું તને બુદ્ધિ અને જ્ઞાન આપીશ. હું તને પુષ્કળ ધનદોલત અને માન-સન્માન પણ આપીશ. એવી જાહોજલાલી પણ આપીશ, જેવી તારી અગાઉના કોઈ રાજાને મળી નથી કે તારા પછીના કોઈ રાજાને મળશે નહિ.”+
૧૩ ત્યાર બાદ સુલેમાન ગિબયોનના ભક્તિ-સ્થળથી,+ એટલે કે મુલાકાતમંડપ આગળથી યરૂશાલેમ પાછો આવ્યો અને તેણે ઇઝરાયેલ પર રાજ કર્યું. ૧૪ સુલેમાને રથો અને ઘોડાઓ* ભેગા કર્યા. તેની પાસે ૧,૪૦૦ રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ* હતા.+ તેણે એ બધું રથોનાં શહેરોમાં+ અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+ ૧૫ રાજાએ યરૂશાલેમમાં એટલાં સોના-ચાંદી ભેગાં કર્યાં કે એ પથ્થર જેટલાં સામાન્ય થઈ ગયાં.+ દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+ ૧૬ સુલેમાનના ઘોડાઓ ઇજિપ્તથી* મંગાવેલા હતા.+ રાજાના વેપારીઓ નક્કી કરેલી કિંમતમાં જથ્થાબંધ ઘોડાઓ લઈ આવતા.*+ ૧૭ ઇજિપ્તથી મંગાવેલા દરેક રથની કિંમત ચાંદીના ૬૦૦ ટુકડા અને ઘોડાની કિંમત ચાંદીના ૧૫૦ ટુકડા હતી. વેપારીઓ હિત્તીઓના રાજાઓને અને સિરિયાના રાજાઓને એ વેચી દેતા.