બીજો રાજાઓ
૨૨ યોશિયા+ રાજા બન્યો ત્યારે આઠ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૩૧ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ યદીદા હતું. તે અદાયાની દીકરી હતી, જે બોસ્કાથનો વતની હતો.+ ૨ યોશિયાએ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું. તે બધી રીતે પોતાના પૂર્વજ દાઉદના માર્ગે ચાલ્યો.+ તે એમાંથી ડાબે કે જમણે ફંટાયો નહિ.
૩ રાજા યોશિયાના શાસનના ૧૮મા વર્ષે તેણે શાફાન મંત્રીને યહોવાના મંદિરે મોકલ્યો. તે અસાલ્યાનો દીકરો અને મશુલ્લામનો પૌત્ર હતો.+ રાજાએ તેને કહ્યું: ૪ “પ્રમુખ યાજક હિલ્કિયા+ પાસે જા. તે યહોવાના મંદિરમાં આવેલા બધા પૈસા ભેગા કરે,+ જે લોકો પાસેથી દરવાનોએ ભેગા કર્યા છે.+ ૫ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને એ પૈસા આપવામાં આવે. યહોવાના મંદિરમાં થયેલા નુકસાનનું* સમારકામ કરનારાઓને તેઓ એમાંથી મજૂરી ચૂકવે.+ ૬ એટલે કે, કારીગરોને, બાંધકામ કરનારાઓને અને કડિયાઓને મજૂરી ચૂકવે. મંદિરનું સમારકામ કરવા તેઓ એ પૈસામાંથી લાકડાં અને ઘડેલા પથ્થરો વેચાતાં લે.+ ૭ જેઓને પૈસા ચૂકવવામાં આવે, તેઓ પાસેથી કોઈ હિસાબ લેવામાં ન આવે, કેમ કે તેઓ વિશ્વાસુ માણસો છે.”+
૮ પછી પ્રમુખ યાજક હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું:+ “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્ર*+ મળ્યું છે.” હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું અને શાફાન વાંચવા લાગ્યો.+ ૯ શાફાન મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું: “તમારા સેવકોએ યહોવાના મંદિરમાં આવેલા પૈસા ભેગા કર્યા છે. એ પૈસા મંદિરના કામ પર દેખરેખ રાખનારાઓને આપી દીધા છે.”+ ૧૦ શાફાન મંત્રીએ રાજાને એમ પણ જણાવ્યું કે, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.”+ પછી રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.
૧૧ રાજાએ નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં.+ ૧૨ રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાયાના દીકરા આખ્બોરને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૧૩ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, લોકો માટે અને યહૂદામાંના બધા માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા વિશે આ પુસ્તકમાં જે લખ્યું છે, એ પ્રમાણે આપણા બાપદાદાઓએ કર્યું નથી. તેઓએ આ પુસ્તકની વાતો પાળી નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠ્યો છે.”+
૧૪ એટલે હિલ્કિયા યાજક, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૧૫ હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૧૬ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ. યહૂદાના રાજાએ એ પુસ્તકમાં જે જે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૧૭ તેઓએ મારો ત્યાગ કર્યો છે. તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને+ મને રોષ ચઢાવ્યો છે. પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે.+ આ જગ્યા પર મારો ક્રોધ ભભૂકી ઊઠશે અને એ શાંત પડશે નહિ.’”+ ૧૮ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૯ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે કહ્યું હતું કે તેઓની દશા જોઈને લોકો થથરી જશે અને શ્રાપ આપશે. એ સાંભળીને યહોવા આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો.+ તેં તારાં કપડાં ફાડ્યાં+ અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે, એવું યહોવા કહે છે. ૨૦ તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’” પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી.