થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર
૧ હું પાઉલ આ પત્ર લખું છું. હું આ પત્ર સિલ્વાનુસ*+ અને તિમોથી+ સાથે મળીને થેસ્સાલોનિકાના મંડળને લખું છું, જે મંડળ ઈશ્વર આપણા પિતા સાથે અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત* સાથે એકતામાં છે:
તમને અપાર કૃપા* અને શાંતિ મળે.
૨ અમે પ્રાર્થનામાં તમને બધાને યાદ કરીએ છીએ ત્યારે, હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ.+ ૩ અમે આપણા પિતા અને ઈશ્વર આગળ હંમેશાં યાદ કરીએ છીએ કે તમે કઈ રીતે વિશ્વાસુ રહીને સેવા કરો છો અને પ્રેમથી પ્રેરાઈને સખત મહેનત કરો છો. અમે એ પણ યાદ કરીએ છીએ કે માલિક ઈસુ ખ્રિસ્તમાં આશા હોવાને લીધે+ તમે ધીરજથી કઈ રીતે બધું સહન કરો છો. ૪ ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો. અમે જાણીએ છીએ કે તેમણે તમને પસંદ કર્યા છે, ૫ કેમ કે અમે તમને ખુશખબરનો પ્રચાર ફક્ત શબ્દોથી નહિ, પણ પવિત્ર શક્તિથી* અને પાકી ખાતરી સાથે કર્યો હતો. એ ખુશખબરની તમારા પર જોરદાર અસર થઈ હતી. તમે સારી રીતે જાણો છો કે તમારા ભલા માટે અમે કઈ રીતે વર્ત્યા હતા. ૬ તમે અમારા અને માલિક ઈસુના+ પગલે ચાલનારા બન્યા છો.+ ઘણા સંકટો હોવા છતાં+ તમે ઈશ્વરનો સંદેશો આનંદથી સ્વીકાર્યો છે, જે આનંદ પવિત્ર શક્તિથી મળે છે. ૭ આમ, તમે મકદોનિયા અને અખાયામાં રહેતા ઈસુના બધા શિષ્યો માટે નમૂનો બેસાડ્યો છે.
૮ હકીકતમાં, તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં યહોવાની* ખુશખબર જાહેર થઈ છે. એટલું જ નહિ, ઈશ્વરમાં તમે જે શ્રદ્ધા બતાવો છો એની વાતો પણ બધે ફેલાઈ છે,+ એટલે અમારે એ વિશે કંઈ જણાવવાની જરૂર નથી. ૯ એ લોકો પોતે અમને જણાવે છે કે અમે કઈ રીતે પહેલી વાર તમને મળ્યા અને તમે કઈ રીતે મૂર્તિઓને છોડીને+ જીવતા અને સાચા ઈશ્વરના* દાસ બન્યા. ૧૦ તેઓ એ પણ જણાવે છે કે ઈશ્વરના દીકરા ઈસુ સ્વર્ગમાંથી આવે એની તમે રાહ જોઈ રહ્યા છો,+ જેમને ઈશ્વરે મરણમાંથી જીવતા કર્યા છે અને જે આપણને આવનાર કોપથી બચાવશે.+