માબાપો બાળકોને સારા નિર્ણય લેતા શીખવો
‘થોડાં વર્ષો પહેલાં આપણે એટલું જ ધ્યાન રાખવું પડતું કે બાળકો ટીવી જોવામાં જ ડૂબેલા ન રહે. હવે તો બધા પાસે વીડિયો ગેમ્સ, કૉમ્પ્યુટર્સ અને મોબાઇલ છે. આખો દિવસ બાળકો બસ વીડિયો ગેમ્સ ને મોબાઇલની દુનિયામાં જ ખોવાયેલાં રહે છે. તેઓ જાણે એના વ્યસની થઈ ગયા છે. તેઓનું મગજ મોબાઇલ ને કૉમ્પ્યુટર્સથી એટલું તો ટેવાઈ ગયું છે કે એ સિવાય તેઓને બીજું કંઈ સૂઝતું જ નથી. એ ન હોય તો બાળકોને ખબર જ નથી કે બીજું શું કરવું.’—ડૉક્ટર માલી માન, એમ.ડી.
આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ટેક્નૉલૉજી દુનિયાને ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. હવે તમે પળવારમાં દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકો છો. આજની યુવાન પેઢી મોબાઇલ કે આઇપોડ વગર ઘરની બહાર પગ પણ નહિ મૂકે. આવાં સાધનોએ દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે. બજારમાં એવા નવા નવા મૉડલ આવતા જાય છે જેમાં તમે કલ્પના કરી શકો એ બધી સગવડ હોય. એક સાથે અનેક કામ નીપટાવી શકો. કિંમત પણ ખિસ્સાને પરવડે એવી. પણ આ જ ટેક્નૉલૉજીને લીધે બાળકો પર નજર રાખવી, શિસ્ત અને તાલીમ આપવી માબાપ માટે દિવસે દિવસે અઘરું બનતું જાય છે.
બાળકોની સંભાળ રાખવા માબાપે બે મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ: (૧) બાઇબલમાં નીતિવચનો ૨૨:૧૫ સલાહ આપે છે: ‘મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે. પણ શિક્ષાની સોટી તેનામાંથી મૂર્ખાઈ દૂર કરશે.’ (૨) ટેક્નૉલૉજીનાં આવાં સાધનોની બાળકો પર સારી કે નરસી અસર પડે છે એ જાણો. પછી તેઓ પર સારી જ અસર પડે એવું કંઈક કરો.
નાનપણથી સારી ટેવ પાડો
ઘણાં ઘરમાં બાળક સૌથી પહેલાં ટીવીથી જાણીતું બને છે. ટીવી જ તેઓનું બેબીસીટર! ઘરનું કામ કરવા બાળકને ટીવી સામે બેસાડી દેવામાં આવે છે. પરંતુ એમાં બાળકોને જ હાનિ પહોંચે છે. મગજના અમુક નિષ્ણાતોનું માનવું છે કે બાળકો નાની ઉંમરથી જ ટીવી સામે કલાકો કાઢશે તો, તેઓ રમત-ગમત કે હરવા-ફરવામાં બહુ રસ નહિ લે. મૂંઝાઈ જશે કે વાસ્તવિકતા શું ને કલ્પના શું. તેઓમાં લાગણીમય તકલીફો જોવા મળશે. સ્કૂલમાં પણ ધ્યાન નહિ આપી શકે. ડૉક્ટર માલી માન કહે છે કે બાળક આવું વર્તન કરે ત્યારે અમુક ખોટું નિદાન પણ કરી બેસે. કદાચ તેઓ કહેશે કે એ બાળકને ‘એટેન્શન-ડેફિસિટ ડિસઓર્ડર [એડીડી] અથવા એટેન્શન ડેફિસીટ હાઇપર એક્ટીવીટી ડિસઓર્ડર [એડીએચડી] કે પછી બાયપોલાર ડિસઓર્ડર નામની માનસિક બીમારી થઈ છે.’ બાળકોના ભલા માટે અમુક ડૉક્ટરો સલાહ આપે છે કે બે વર્ષની અંદરનાં બાળકોને ટીવીથી દૂર રાખો.
“બાળક જીવનના પહેલા બે વર્ષમાં માબાપ સાથે લાગણીના ગાઢ બંધનમાં બંધાય છે. આ બહુ જ મહત્ત્વનું છે,” આમ બાળકોના વિકાસ, ઉછેર ને રોગ સંબંધી એક સંસ્થાના ડૉક્ટર કેનથ ગીન્સબર્ગ કહે છે. માબાપ જ્યારે તેઓનાં નાનાં બાળકો સાથે રમે છે, વાત કરે છે, મોટેથી વાંચી સંભળાવે છે ત્યારે, તેઓમાં પ્રેમ અને લાગણીનું બંધન મજબૂત થતું જાય છે. ઘણાં માબાપનો અનુભવ કહે છે કે જે બાળકોને મોટેથી વાંચી સંભળાવવામાં આવે છે તેઓનો આગળ જતા વાંચન માટે પ્રેમ જાગે છે, જે જીવનભર તેઓને કામ આવે છે.
ખરું કે લાખો કરોડો બાળકોને આજે કૉમ્પ્યુટર અને એને લગતી ટેક્નૉલૉજીનું જ્ઞાન હોય એ જરૂરી છે. પણ જો તમને લાગે કે તમારું બાળક કૉમ્પ્યુટર ગેમ્સ, ઇન્ટરનેટ કે મોબાઇલમાં જ ખોવાયેલું રહે છે, તો ચેતી જજો. તેઓ બીજી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે એ જરૂરી છે. તમે શું કરી શકો? તેઓને રસ પડે એવી કોઈ કળા શીખવવા તરફ ધ્યાન દોરો. જેમ કે સંગીત, ચિત્રકામ વગેરે. એવું કંઈ પણ જે અલગ હોય, જે તેઓ ધગશથી શીખી શકે, એમાં આનંદ માણી શકે.
બાળકો માટે જે કંઈ પસંદ કરો, સમજી-વિચારીને કરજો, જેથી તેઓને એમાં મજા આવે, એમાંથી કંઈક શીખી શકે. એવી પ્રવૃત્તિ તમારા બાળકને ધીરજ ધરતા, મક્કમ બનતા શીખવી શકે. તેઓ તન-મન પર કાબૂ રાખતા શીખશે. નવું નવું કરવાની ધગશ જાગશે. આ બધા ગુણો જીવનમાં આગળ વધવા બહુ જરૂરી છે. કૉમ્પ્યુટરના અમુક બટન દબાવવાથી જ કંઈ જીવનની બધી તકલીફો દૂર થતી નથી. એને હલ કરવા ઉપર જોઈ ગયા એ ગુણો જ કામ આવે છે.
બાળકોને સારા નિર્ણયો લેતા શીખવો
બાઇબલ મોટાઓની સાથે સાથે બાળકોને પણ ઉત્તેજન આપે છે કે તેઓ ‘બુદ્ધિ’ વાપરતા શીખે. (રૂમી ૧૨:૧; નીતિવચનો ૧:૮, ૯; ૩:૨૧) આમ કરીશું તો, નાના-મોટા આપણે સર્વ ખરા-ખોટાનો ભેદ પારખી શકીશું. શું યોગ્ય અને શું અયોગ્ય, એ પણ જોઈ શકીશું. દાખલા તરીકે, વીડિયો ગેમ્સ રમવામાં કે ટીવી જોવામાં કલાકો કાઢીએ એમાં કંઈ ખોટું નથી. પણ શું એ યોગ્ય છે? નવા નવા મૉડલના મોબાઇલ કે પછી સોફ્ટવેર ખરીદવામાં કંઈ ખોટું નથી, પણ શું એ યોગ્ય છે? તો પછી, તમારાં બાળકો ટેક્નૉલૉજી વાપરવા જાતે સારા નિર્ણય લઈ શકે એ માટે તમે શું કરી શકો?
▪ જોખમો વિષે બાળકોને ચેતવો. ઇન્ટરનેટ કે મોબાઇલ જેવાં સાધનો બાળકો બહુ જલદી શીખી જાય છે. પણ તેઓ હજી એટલા સમજણા હોતા નથી, જીવનનો અનુભવ પણ નથી. એટલે એનાં જોખમોથી અજાણ હોય છે. સોશિયલ નેટવર્ક સર્વિસનો દાખલો લો. ઇન્ટરનેટ પર આ સાઇટ દ્વારા બાળકો પોતાની ઓળખ આપી શકે, પોતાની ઉંમરનાં બાળકો સાથે દોસ્તી બાંધી શકે, વિચારો આપલે કરી શકે. પણ આવી સાઇટ્સ પર અમુક લોકો બદઇરાદાથી ટાંપીને બેઠા હોય છે જેથી બાળકોને શિકાર બનાવે, તેઓનું જાતીય શોષણ કરે.a (૧ કોરીંથી ૧૫:૩૩) એટલે સાવધ માબાપો પોતાનાં બાળકોને ઇન્ટરનેટ પર પોતાની ઓળખ કે માહિતી ન આપવા ચેતવે છે.b
ખરું કે બાળકો મોટા થતા જાય તેમ, તેઓને પ્રાઇવસી પણ જોઈએ. પણ માબાપો, બાળકોને તાલીમ આપવાનો અને તેઓ પર નજર રાખવાનો ઈશ્વરે તમને અધિકાર આપ્યો છે. એ તમારી જવાબદારી છે. (નીતિવચનો ૨૨:૬; એફેસી ૬:૪) એવી આશા રાખીએ કે બાળકો એમ નહિ સમજે કે તેઓના જીવનમાં તમે બિનજરૂરી દખલ કરો છો. પણ તેઓ એ સમજે કે તમને પ્રેમ હોવાથી તેઓની સંભાળ રાખો છો.
પણ તમે કદાચ કહેશો કે “મારાં બાળકો જે સાધનો વાપરે છે એ વિષે હું પોતે જ ન જાણતો હોય તો કેવી રીતે તેઓને મદદ કરું?” એમ હોય તો, કેમ નહિ કે એના વિષે થોડુંક શીખો? નેવુંની વય પાર કરી ગયેલા મેલ્બા દાદીનો વિચાર કરો. તે એંસી વર્ષ વટાવી ગયા ત્યાં સુધી કૉમ્પ્યુટરને હાથ પણ લગાડ્યો ન હતો. તે કહે છે: “હું કૉમ્પ્યુટર શીખવા લાગી ત્યારે, પહેલા પહેલા તો એટલો કંટાળો આવતો કે જાણે એને બારીમાંથી બહાર ફેંકી દઉં. બેએક મહિના પછી હું કૉમ્પ્યુટર વાપરતા શીખી. હવે હું ઈમેઈલ વાંચવા-મોકલવા જેવી બાબતો આસાનીથી જાતે કરી શકું છું.”
▪ બાળકોને કેટલી છૂટ આપવી એ નક્કી કરો. જો તમારું બાળક કલાકોના કલાકો પોતાના રૂમમાં ભરાઈને ટીવી, ઇન્ટરનેટ કે વિડીયો ગેમ્સ પાછળ કાઢતું હોય તો શું? તમારે એવી ગોઠવણ કરવી પડે કે અમુક સમયે ને સ્થળે તેઓ એ સાધનોનો જરાય ઉપયોગ ન કરે. એમ કરવાથી તમારો દીકરો કે દીકરી શીખી શકશે કે બાઇબલનો આ સિદ્ધાંત કેટલો મહત્ત્વનો છે: ‘દરેક બાબતને માટે વખત હોય છે.’ (સભાશિક્ષક ૩:૧) બાળકો માટે સારા નિયમો ઘડો. એને વળગી રહો. એમ કરવાથી બાળકો જવાબદારી નિભાવતા શીખશે. તેઓ સારા સંસ્કાર કેળવતા, બીજાઓનો વિચાર કરતા અને બધા સાથે હળતા-મળતા પણ શીખશે. (g09-E 11)
[ફુટનોટ્સ]
a ઇન્ટરનેટ, વીડિયો ગેમ્સ અને પોર્નોગ્રાફી જેવા વિષય પર સજાગ બનો!ના આ લેખો માબાપો માટે મદદરૂપ થશે: “બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ?” (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૯, પાન ૧૨-૧૭); શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે? (જાન્યુઆરી-માર્ચ ૨૦૦૮, પાન ૧૮-૨૧); પોર્નોગ્રાફી જોવાથી થતું નુકસાન. (ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૩, પાન ૩-૧૦)
b અમુક યુવાનો મોબાઇલ દ્વારા પોતાના નગ્ન કે અશ્લીલ ફોટા પાડીને તેઓના મિત્રોને મોકલે છે. આવી રમતો શરમજનક તો છે જ, સાથે સાથે મૂર્ખામીભરી પણ છે. ભલે મોકલનારનો ગમે તે ઇરાદો હોય, એ ફોટા જેઓને મળે તેઓ મોટે ભાગે બીજાઓને પણ મોકલી આપે છે.
[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]
બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની જરૂર છે, જેથી તેઓ સારી રીતે વિચારતા શીખે, ધીરજ અને મક્કમતા જેવા ગુણો કેળવી શકે