યહોવાહને શરણે આવો, તે હૃદય પારખે છે
“મને શોધો, તો તમે જીવશો.”—આમોસ ૫:૪.
યહોવાહે પ્રબોધક શમૂએલને કહ્યું: “માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) યહોવાહ “હૃદય તરફ જુએ છે” એટલે શું?
૨ બાઇબલ ઘણી વખત હૃદય વિષે વાત કરે છે. એમાં આપણા વિચારો, ભાવનાઓ અને લાગણીઓનો સમાવેશ થાય છે. બાઇબલ બતાવે છે કે યહોવાહ આપણને ઉપરછલ્લી રીતે નહિ પણ આપણું હૃદય પારખે છે. આપણે અંદરથી કેવા છીએ એ જુએ છે.
યહોવાહ ઈસ્રાએલીઓને પારખે છે
૩ યહોવાહે ઈસ્રાએલના દસ કુળોના હૃદયો જોયાં તો શું માલૂમ પડ્યું? આમોસ ૬:૪-૬ જણાવે છે: લોકો ‘હાથીદાંતના પલંગો પર સૂતા હતા, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટતા હતા.’ તેઓ “ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી” ખાતા હતા. તેઓ “સારંગીના સૂર સાથે નકામાં ગીતો” પણ ગાતાં હતાં અને “પ્યાલામાંથી દ્રાક્ષારસ” કે દારૂ પીતા હતા.
૪ આ શબ્દો વાંચીએ ત્યારે એમ લાગે કે કેટલું સુખ, કેટલી સાહેબી, કેટલી શાંતિ. આલીશાન મકાનો, શ્રીમંતોને ત્યાં સારા સારા ભોજનોની મિજબાની, મોંઘી મોંઘી શરાબ અને નવા નવા ગીત-સંગીતની મહેફિલો! તેઓ પાસે ‘હાથીદાંતના પલંગો’ પણ હતા. ઈસ્રાએલના પાટનગર સમરૂનમાં પુરાતત્ત્વ વિજ્ઞાનીઓને હાથીદાંતની કોતરેલી સુંદર વસ્તુઓ મળી આવી છે. (૧ રાજાઓ ૧૦:૨૨) ઈસ્રાએલીઓએ એનાથી દીવાલો શણગારી હશે અથવા ફર્નિચર શણગાર્યું હશે.
૫ ઈસ્રાએલીઓ સુખેથી ખાતા-પીતા હતા. મધુર સંગીત સાંભળતા હતા. આપણા સુખ માટે જ તો યહોવાહે એ બધું આપ્યું છે. તો યહોવાહને શું ન ગમ્યું? (૧ તીમોથી ૬:૧૭) લોકોના હાથ પાપથી રંગાયેલા હતા, તેઓ ઈશ્વરને ભૂલી ગયા હતા. તેઓ પોતાના જ ભાઈઓ પર જુલમ કરતા, હા એ યહોવાહને ન ગમ્યું.
૬ જેઓ ‘પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટે છે, અને ટોળામાંથી હલવાનો, લાવી ખાય છે, સારંગીના સૂર સાથે ગીતો ગાય છે અને દ્રાક્ષારસ પીએ છે’ તેઓને પૂછવામાં આવે છે: ‘તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો?’ ઈસ્રાએલની બૂરી હાલત જોઈને તેઓને દુઃખ થવું જોઈતું હતું. તોપણ તેઓ “યુસફની વિપત્તિથી દુઃખી થતા નથી.” (આમોસ ૬:૩-૬) યુસફ એટલે ઈસ્રાએલીઓ. ઈશ્વરે જોયું કે તેઓ સાચા ધર્મને તો સાવ ભૂલી ગયા છે. લોકો તો બસ રોજના જીવનચક્રમાં જ અટવાયેલા હતા. આજે પણ ઘણા લોકો એવા જ છે. તેઓ જાણે છે કે આ જમાનો બહુ જ ખરાબ છે. પણ પોતાના પર કંઈ વીતે નહિ ત્યાં સુધી તેઓને તો કંઈ પડી નથી. કોઈનું સાંભળવા તૈયાર નથી.
ઈસ્રાએલ દિવસે દિવસે બગડે છે
૭ આમોસ બતાવે છે કે ભલે ઈસ્રાએલ બહારથી ગમે એટલો દેખાડો કરે, પણ અંદરથી તો સડો જ છે સડો. તેઓએ ઈશ્વરનું કહ્યું સાંભળ્યું નહિ એટલે યહોવાહ દુશ્મનોના હાથમાં તેઓને સોંપી દેશે. આશ્શૂરીઓ તેઓનું એશઆરામનું જીવન ઝૂંટવી લેશે અને ગુલામીમાં ખેંચી જશે. થોડા જ સમયમાં તેઓના એશઆરામના જીવનમાં પાણી ફરી વળ્યું!
૮ પણ ઈસ્રાએલની આવી હાલત થઈ કઈ રીતે? ઈસવીસન પૂર્વે ૯૯૭માં રાજા સુલેમાનનો દીકરો રાજકુંવર રહાબઆમ ગાદીએ આવ્યો. એ વખતે ઈસ્રાએલનાં દસ કુળો, યહુદા અને બિન્યામીનથી અલગ થઈ ગયાં. ઈસ્રાએલનાં દસ કુળોનો પહેલો રાજા યરોબઆમ પહેલો હતો. તે “નબાટનો દીકરો” હતો. (૧ રાજાઓ ૧૧:૨૬) યરોબઆમે લોકોમાં ઠસાવી દીધું કે યહોવાહની ભક્તિ કરવા માટે યરૂશાલેમ જવું સહેલું નથી. પણ શું તે ખરેખર લોકોનું ભલું ચાહતો હતો? જરાય નહિ! તેને તો પોતાની જ પડી હતી. (૧ રાજાઓ ૧૨:૨૬) યરોબઆમને બીક હતી કે ઈસ્રાએલીઓ દર વર્ષે યરૂશાલેમ જતા-આવતા રહેશે તો, કદાચ યહુદાહના રાજ્યને ટેકો આપશે. એ રોકવા માટે યરોબઆમે સોનાના બે વાછરડા બનાવ્યા, એકને દાનમાં રાખ્યો અને બીજાને બેથેલમાં. આમ, મૂર્તિપૂજા એ જ ઈસ્રાએલનો નવો ધર્મ બન્યો.—૨ કાળવૃત્તાંત ૧૧:૧૩-૧૫.
૯ યરોબઆમ પહેલો એવું બતાવવા માંગતો હતો કે નવા ધર્મમાં કંઈ વાંધો નથી. યરૂશાલેમમાં જેવા તહેવારો ઊજવવામાં આવતા, એવા જ ઉત્સવો ઊજવવાની તેણે પણ ગોઠવણ કરી. બાઇબલ જણાવે છે: “યરોબઆમે આઠમા માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહુદાહમાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં; તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓના બલિદાન આપ્યાં.”—૧ રાજાઓ ૧૨:૩૨.
૧૦ યહોવાહને એવા ખોટા ધર્મો જરાય પસંદ ન હતા. પછી યરોબઆમ બીજો, લગભગ ઈસવીસન પૂર્વે ૮૪૪માં ઈસ્રાએલનાં દસ કુળોની ગાદીએ બિરાજ્યો. (આમોસ ૧:૧) તેના રાજમાં યહોવાહે આમોસ દ્વારા ચોખ્ખે-ચોખ્ખું જણાવ્યું કે એ તો પાપ છે પાપ. આમોસ ૫:૨૧-૨૪માં યહોવાહે કહ્યું: “હું તમારા ઉત્સવોને ધિક્કારૂં છું, ને તમારાં ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહિ. જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખાદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોને પણ હું ગણકારીશ નહિ. તારાં ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કર; કેમ કે હું તારી સારંગીઓનું ગાયન સાંભળીશ નહિ. પણ ન્યાયને પાણીની પેઠે, ને નેકીને મોટી નદીની પેઠે વહેવા દો.”
આજ માટે બોધપાઠ
૧૧ ઈસ્રાએલીઓ ઉત્સવોમાં જતા હતા અને ધાર્મિક ફરજો બજાવતા હતા. પણ યહોવાહે તેઓની ઉપરછલ્લી ભક્તિ નહિ, પણ દિલ જોયા. આજે જે ખ્રિસ્તીઓ નાતાલ કે ઈસ્ટર જેવા ખોટા તહેવારો ઊજવે છે, એ યહોવાહને જરાય પસંદ નથી. પણ યહોવાહના ભક્તો સાચા-ખોટાની ભેળસેળ જરાય નથી કરતા.—૨ કોરીંથી ૬:૧૪-૧૬.
૧૨ ઈસ્રાએલીઓ વાછરડાની પૂજા કરતા હતા. એવું ઘણા ખ્રિસ્તીઓ પણ કરે છે. તેઓ બાઇબલમાં માને છે પણ પરમેશ્વરને દિલથી પ્રેમ નથી કરતા. જો તેઓ દિલથી પ્રેમ કરે તો યહોવાહને “આત્માથી તથા સત્યતાથી” ભજતા હોવા જોઈએ, જેનાથી તે પ્રસન્ન થાય છે. (યોહાન ૪:૨૪) ઢોંગી ખ્રિસ્તીઓ “ન્યાયને પાણીની પેઠે, ને નેકીને મોટી નદીની પેઠે વહેવા” દેતા નથી. એને બદલે તેઓ હલકા આચાર-વિચાર ચલાવી લે છે. વ્યભિચાર ચલાવી લે છે. અરે, તેઓ તો પુરુષોને પુરુષો સાથે લગ્ન પણ કરવા દે છે! આવા ઘોર પાપ જોઈને તેઓ આંખ આડા કાન કરે છે.
‘ભલું કરો’
૧૩ જેઓ દિલથી યહોવાહની ભક્તિ કરવા ચાહે તેઓને યહોવાહ કહે છે કે, “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો.” (આમોસ ૫:૧૫) ભલા કે ભૂંડાની લાગણી આપણા દિલમાંથી વહે છે. આપણું દિલ કપટી છે, એટલે ભલું કરવા માટે આપણે સખત મહેનત કરવી પડે. (નીતિવચનો ૪:૨૩; યિર્મેયાહ ૧૭:૯) જો આપણે દિલમાં ખોટા વિચારોના બી વાવીશું, તો ભલાને બદલે ભૂંડું કરવા લાગીશું. જો એમ કરીશું તો ભલે આપણે પરમેશ્વરની સેવામાં ગમે એટલો ઉત્સાહ બતાવીએ, પણ આપણને આશીર્વાદ નહિ મળે. આપણે ‘ભૂંડાને ધિક્કારીને, ભલાને ચાહી શકીએ’ એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જ જોઈએ.
૧૪ જોકે બધા જ ઈસ્રાએલીઓ પાપી ન હતા. હોશિયા અને આમોસ ‘ભૂંડાને ધિક્કારીને ભલાને ચાહતા’ હતા. તેઓ દિલથી પરમેશ્વરની ભક્તિ કરતા હતા. બીજા ઘણાએ નાજીરવ્રત લીધું હતું. નાઝીરીઓ તરીકે તેઓ દ્રાક્ષારસ પીતા ન હતા. દ્રાક્ષમાંથી બનેલી કંઈ પણ વસ્તુઓ ખાતા કે પીતા ન હતા. (ગણના ૬:૧-૪) જેઓ પરમેશ્વરની આ રીતે પૂરા દિલથી ભક્તિ કરતા, તેઓ વિષે બીજા ઈસ્રાએલીઓ શું વિચારતા હતા? તેઓ જે વિચારતા એ તો આપણને માનવામાં નહિ આવે! આમોસ ૨:૧૨ જણાવે છે કે, “તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી, કે પ્રબોધ કરશો નહિ.” આ બતાવે છે કે તેઓ કેટલા પાપી હતા!
૧૫ યહોવાહની ભક્તિમાં નાઝીરીઓએ સારો દાખલો બેસાડ્યો. બીજા પ્રબોધકોએ પણ દિલથી યહોવાહની ભક્તિ કરી. તેઓને જોઈને પાપી ઈસ્રાએલીઓએ ફેરફાર કરવાની જરૂર હતી. એને બદલે તેઓ સાચા ભક્તોને યહોવાહની ભક્તિ કરવાની મનાઈ કરતા હતા. આજે ઘણા ભાઈબહેનો પાયોનિયરીંગ કરતા હોય છે. મિશનરી સેવામાં હોય છે. સરકીટ કાર્યમાં કે બેથેલમાં સેવા આપતા હોય છે. આપણે તેઓને એ સેવા છોડી દેવાનું કહેવું ન જોઈએ. પણ તેઓ એ સેવા કરતા જ રહે એવું ઉત્તેજન આપવું જોઈએ.
૧૬ આમોસના જમાનામાં ઘણા ઈસ્રાએલીઓ ધનવાન હતા. પણ તેઓ ‘ઈશ્વરની દૃષ્ટિએ ધનવાન’ ન હતા. (લુક ૧૨:૧૩-૨૧) ઈસ્રાએલીઓના બાપદાદાનો જરા વિચાર કરો. તેઓએ ચાળીસ વર્ષ સુધી ફક્ત માન્ના જ ખાધું હતું. તેઓ પાસે આળોટવા માટે કંઈ હાથીદાંતના પલંગો ન હતા. તેઓ કંઈ બત્રીસ જાતના ભોજન ખાતા ન હતા. તોપણ મુસાએ કહ્યું કે, “યહોવાહ તારા દેવે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ દીધો છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવાહ તારો દેવ તારી સાથે રહ્યો છે; તને કશાની ખોટ પડી નથી.” (પુનર્નિયમ ૨:૭) યહોવાહે ઈસ્રાએલીઓને અરણ્યમાં બધું જ પૂરું પાડ્યું હતું. તેઓને કશાની ખોટ પડી ન હતી. સૌથી મહત્ત્વનું તો તેઓને યહોવાહનો સાથ હતો. તેઓ પર યહોવાહનો આશીર્વાદ અને પ્રેમ હતો.
૧૭ યહોવાહે આમોસના જમાનાના ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું કે કઈ રીતે પોતે તેઓના બાપદાદાઓને સાથ આપ્યો હતો. તેઓને વચનના દેશમાં જવા મદદ કરી હતી. બધા દુશ્મનો તેઓના હાથમાં સોંપી દીધા હતા. (આમોસ ૨:૯, ૧૦) પણ શા માટે? શું એટલા માટે કે તેઓ સુખસાહેબીમાં રહે ને પરમેશ્વરને ભૂલી જાય? ના. યહોવાહે તેઓને મદદ કરી જેથી તેઓ છૂટથી યહોવાહની ભક્તિ કરી શકે. પણ દસ કુળના ઈસ્રાએલીઓએ ભલું કરવાને બદલે ભૂંડું પસંદ કર્યું. પરમેશ્વર યહોવાહની ભક્તિ કરવાને બદલે તેઓ મૂર્તિને નમ્યા. આ ભૂંડું નહિ તો બીજું શું!
યહોવાહ હિસાબ લેશે
૧૮ યહોવાહ ઈસ્રાએલીઓનું પાપ કંઈ ચલાવી લેવાના ન હતા. તેમણે કહ્યું: “તમારા સર્વ અન્યાયોની શિક્ષા હું તમને કરીશ.” (આમોસ ૩:૨) એ શબ્દો પર આપણે પણ વિચાર કરવો જોઈએ. યહોવાહે આપણને પણ આ ખરાબ જગતમાંથી બચાવ્યા છે. પણ એનો મતલબ એ નથી કે હવે આપણે મન ફાવે એમ કરી શકીએ. યહોવાહે આપણને ખોટા ધર્મની જંજીરોમાંથી છોડાવ્યા છે, જેથી આપણે તેમની ભક્તિ કરી શકીએ. પવિત્ર રહી શકીએ. આપણે કેવું જીવન જીવીએ છીએ, એનો આપણે દરેકે યહોવાહને હિસાબ આપવો પડશે!—રૂમી ૧૪:૧૨.
૧૯ મોટા ભાગે ઈસ્રાએલીઓએ આમોસનો સંદેશો ગણકાર્યો નહિ. આમોસે તેઓના પાપી દિલને ખુલ્લા પાડ્યા અને આમોસ ૪:૪,૫માં કહ્યું: “બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ જઈને ગુનાઓ વધારો . . . હે ઈસ્રાએલ લોકો, એવું તમને ગમે છે.” ઈસ્રાએલીઓએ સારા વિચાર કર્યા નહિ. હૃદય પર કાબૂ ન રાખ્યો. છેવટે તેઓ ભલું નહિ પણ ભૂંડું કરવા લાગ્યા. તેઓએ પથ્થર દિલે પથ્થરોની જ પૂજા કરી ને સુધર્યા નહિ. છેવટે યહોવાહે તેઓનો હિસાબ લીધો. પાપીઓને મોતના મોંમાં ધકેલ્યા.
૨૦ એ જમાનામાં યહોવાહનો માર્ગ પકડી રાખવો સહેલું ન હતું. નાના મોટા કોઈ માટે આજે પણ સહેલું નથી. જે કોઈ ઈસ્રાએલીઓ દિલથી યહોવાહને પ્રેમ કરતા હતા, તેઓ તેમને વળગી રહ્યા. યહોવાહની ભક્તિ કરતા રહ્યા. યહોવાહે તેઓને જે સુંદર શબ્દો કહ્યા એ આમોસ પ:૪માં જોવા મળે છે: “મને શોધો, તો તમે જીવશો.” આજે પણ જે કોઈ યહોવાહનું સાચું જ્ઞાન લે, પસ્તાવો કરે અને યહોવાહની ભક્તિ કરે, તેઓને યહોવાહ દયા બતાવે છે. સાચે માર્ગે ચાલવું સહેલું નથી. પણ એને પકડી રાખવાથી આશીર્વાદો મળે છે.—યોહાન ૧૭:૩.
એક બાજુ સત્યનો દુકાળ, બીજી બાજુ પુષ્કળ સત્ય
૨૧ જેઓએ યહોવાહની ભક્તિ ન કરી તેઓનું શું થયું? તેઓ ખોરાકના નહિ પણ સત્યના દુકાળમાં અટવાઈ ગયા! “પ્રભુ યહોવાહ કહે છે, જુઓ, એવા દિવસો આવે છે, કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.” (આમોસ ૮:૧૧) આજે ઢોંગી ખ્રિસ્તીઓ સત્યના દુકાળમાં ટળવળે છે. પણ પ્રમાણિક લોકો જોઈ શકે છે કે યહોવાહે પોતાના ભક્તોને આશીર્વાદ આપ્યા છે. એટલે તેઓ પણ યહોવાહની ભક્તિ કરવા લાગ્યા છે. યહોવાહના ભક્તો અને ઢોંગી ખ્રિસ્તીઓની હાલત વિષે યહોવાહે કહ્યું: “જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો.”—યશાયાહ ૬૫:૧૩.
૨૨ યહોવાહના સેવકો તરીકે યહોવાહે આપણને જે આશીર્વાદો આપ્યા છે એની શું આપણે કદર કરીએ છીએ? આપણે બાઇબલના આમોસ જેવા પુસ્તકોમાંથી સત્ય શીખી શકીએ છીએ. સત્ય શીખવતા બીજાં ઘણાં પુસ્તકો પણ આપણી પાસે છે. આપણે સભાઓમાં જઈ શકીએ છીએ. મોટાં સંમેલનોમાં પણ જઈને શીખી શકીએ છીએ. આ બધા વિષે વિચારીએ ત્યારે આપણે કેટલા રાજી થઈએ છીએ.
૨૩ જે કોઈ ઈશ્વરપ્રેમી હોય, દિલમાં ભક્તિભાવ હોય, તેઓ માટે આમોસના પુસ્તકમાં આશાનો સંદેશો રહેલો છે. ભલે આપણા સંજોગો આકરા હોય કે જીવનમાં દુઃખ હોય. પણ યહોવાહ આપણને આશીર્વાદ આપે છે, સત્ય શીખવે છે. (નીતિવચનો ૧૦:૨૨; માત્થી ૨૪:૪૫-૪૭) આપણે આ બધા માટે ઈશ્વરનો પાડ માનવો જોઈએ. આપણે કાયમ તેમની ભક્તિ કરવાની મનમાં ગાંઠ વાળીએ. આપણે યહોવાહને માર્ગે ચાલતા રહીએ. એ જ સૌથી મોટો આશીર્વાદ છે!
તમે શું શીખ્યા?
• આમોસના જમાનામાં ઈસ્રાએલીઓની હાલત કેવી હતી?
• ઈસ્રાએલનાં દસ કુળોની હાલત કેવી હતી, એ આજે જગતમાં કઈ રીતે જોઈ શકાય છે?
• પહેલાની જેમ આજે શેનો દુકાળ છે, પણ એની કોને અસર થતી નથી?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. યહોવાહ “હૃદય તરફ જુએ છે” એનો શું અર્થ થાય?
૩, ૪. આમોસ ૬:૪-૬ પ્રમાણે ઈસ્રાએલના દસ કુળોની જિંદગી કેવી હતી?
૫. આમોસના જમાનામાં યહોવાહને શું ગમ્યું ન હતું?
૬. આમોસના જમાનામાં લોકોની ધાર્મિક હાલત કેવી હતી?
૭. ઈસ્રાએલીઓએ ઈશ્વરનું સાંભળ્યું નહિ ત્યારે એનું શું પરિણામ આવ્યું?
૮. ઈસ્રાએલની ધાર્મિક હાલત કઈ રીતે ખરાબ થઈ?
૯, ૧૦. (ક) રાજા યરોબઆમ પહેલાએ કયા ધાર્મિક ઉત્સવો શરૂ કર્યા? (ખ) રાજા યરોબઆમ બીજાના રાજમાં ઊજવાતા ઉત્સવો વિષે યહોવાહને કેવું લાગ્યું?
૧૧, ૧૨. પ્રાચીન ઈસ્રાએલ અને ઢોંગી ખ્રિસ્તીઓમાં શું સરખાપણું છે?
૧૩. આપણે શા માટે આમોસ ૫:૧૫ના શબ્દો પાળવા જોઈએ?
૧૪, ૧૫. (ક) ઈસ્રાએલમાં કોણ ભલું કરતું હતું, પણ તેઓ સાથે કેવો વર્તાવ કરવામાં આવતો? (ખ) આજે જેઓ પૂરા સમયની સેવા કરતા હોય તેઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?
૧૬. મુસાના જમાનાના ઈસ્રાએલીઓ આમોસના જમાનાના ઈસ્રાએલીઓ કરતાં કઈ રીતે સુખી હતા?
૧૭. શા માટે યહોવાહે મુસાના જમાનાના ઈસ્રાએલીઓને સાથ આપ્યો?
૧૮. શા માટે યહોવાહ આપણને સત્યમાં લાવ્યા છે?
૧૯. આમોસ ૪:૪, ૫ પ્રમાણે ઈસ્રાએલીઓ શાને ચાહતા હતા?
૨૦. આમોસ ૫:૪ના શબ્દોને આપણે કેવી રીતે પાળી શકીએ?
૨૧. જેઓ યહોવાહની ભક્તિ નથી કરતા તેઓને માથે કેવો દુકાળ આવશે?
૨૨. શા માટે આપણે રાજી થવું જોઈએ?
૨૩. યહોવાહે આપણને કેવા આશીર્વાદો આપ્યા છે?
[પાન ૨૧ પર ચિત્ર]
ઘણા ઈસ્રાએલીઓ એશઆરામનું જીવન જીવતા હતા, પણ ઈશ્વરના આશીર્વાદની ખામી હતી
[પાન ૨૩ પર ચિત્ર]
જેઓ પૂરા સમયની સેવા કરતા હોય, તેઓ એ સેવામાં ઢીલા ન પડે એવું ઉત્તેજન આપતા રહો
[પાન ૨૫ પર ચિત્ર]
યહોવાહના સેવકો સત્યના દુકાળમાં ટળવળતા નથી