“સદાચારીઓની સેવા વૃદ્ધિ પામતી રહેશે”
હારમાગેદોન કે ઈશ્વરની લડાઈ ફાટી નીકળશે ત્યારે, આ શેતાનના દુષ્ટ જગતની સાથે તેના “દુષ્ટોના કામનો નાશ થશે.” પરંતુ, “સદાચારીઓ” વિષે શું? પરમેશ્વરની નવી દુનિયામાં તેઓ ‘વૃદ્ધિ પામશે.’—નીતિવચનો ૧૪:૧૧, IBSI.
‘પણ દુષ્ટો અને કપટ કરનારાઓને સમૂળગા ઊખેડી નાખવામાં આવે’ ત્યાં સુધી, તેઓએ દુષ્ટો સાથે જ રહેવું પડશે. (નીતિવચનો ૨:૨૧, ૨૨) શું આવી સ્થિતિમાં પણ પ્રમાણિક માણસ આબાદ થઈ શકે? બાઇબલ નીતિવચનો ૧૪:૧-૧૧માં બતાવે છે કે આપણે ડહાપણથી ચાલીશું તો, હમણાં પણ આબાદ કે સુખી થઈ શકીએ.
પરમેશ્વરની સલાહથી સુખી થતું કુટુંબ
પત્ની કુટુંબની ભલાઈમાં કેવો ફાળો આપી શકે, એ વિષે રાજા સુલેમાન કહે છે: “દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.” (નીતિવચનો ૧૪:૧) ડાહી સ્ત્રી કઈ રીતે પોતાના ઘરને બાંધે છે? તે પરમેશ્વરે કરેલી શિરપણાની ગોઠવણને માન આપે છે. (૧ કોરીંથી ૧૧:૩) તે શેતાનની દુનિયાની જેમ મન ફાવે તેમ વર્તતી નથી. (એફેસી ૨:૨) તે પોતાના પતિને આધીન રહે છે. તેમ જ, એ રીતે વર્તે છે કે બીજાઓ પણ તેને માન આપે. ડાહી સ્ત્રી પરમેશ્વરની સેવામાં ઉત્સાહી હોય છે તેમ જ પોતાના બાળકોને પણ પરમેશ્વરના માર્ગમાં ઉછેરે છે. તે ઘરની ભલાઈ માટે સખત મહેનત કરે છે. એનાથી કુટુંબના બધા ઘરથી દૂર ભાગવાને બદલે ઘરમાં શાંતિ અનુભવે છે. તે એવી રીતે ઘર ચલાવે છે, જેથી ઘરમાં બે પૈસાની બચત થાય. આમ, ડાહી સ્ત્રી ખરેખર ઘરની આબાદી વધારે છે.
મૂર્ખ સ્ત્રી પરમેશ્વરની શિરપણાની ગોઠવણને માન આપતી નથી. તે પોતાના પતિને વાત-વાતમાં ઉતારી પાડે છે. તે પતિની મહેનતના પૈસાને મન ફાવે તેમ ઉડાવે છે. એટલું જ નહિ, તે નકામી બાબતોમાં સમય વેડફી નાખે છે. એના લીધે તેનું ઘર, ઘર જેવું નથી હોતું. બાળકોને પણ શારીરિક અને આત્મિક રીતે નુકસાન વેઠવું પડે છે. ખરેખર, મૂર્ખ સ્ત્રી પોતાના જ ઘરને તોડી પાડે છે.
પરંતુ કઈ રીતે નક્કી કરી શકાય કે સ્ત્રી ડાહી છે કે મૂર્ખ? નીતિવચનો ૧૪:૨ બતાવે છે: “જે પ્રામાણિકપણે ચાલે છે, તે યહોવાહનું ભય રાખે છે; પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે, તે તેને તુચ્છ માને છે.” પ્રમાણિક વ્યક્તિ પરમેશ્વરથી ડરીને ચાલે છે અને “યહોવાહનું ભય તે બુદ્ધિનો આરંભ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦) ખરેખર, ‘દેવનો ભય રાખીને તેમની આજ્ઞાઓ પાળવી’ જાણે ડાહી વ્યક્તિની સંપૂર્ણ ફરજ છે. (સભાશિક્ષક ૧૨:૧૩) જ્યારે કે, મૂર્ખ વ્યક્તિ પોતે મન ફાવે એ રીતે વર્તે છે. તેના માર્ગો ખરાબ છે. તે પરમેશ્વરને તુચ્છકારતા કહે છે કે “દેવ છે જ નહિ.”—ગીતશાસ્ત્ર ૧૪:૧.
જ્ઞાનીના હોઠ તેનું રક્ષણ કરે છે
વ્યક્તિ યહોવાહથી ડરીને ચાલે છે કે તેમને નફરત કરે છે, એ તેની વાણીથી જોવા મળે છે. રાજા સુલેમાન કહે છે: “મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.” (નીતિવચનો ૧૪:૩) મૂર્ખ લોકોમાં ઈશ્વરનું જ્ઞાન હોતું નથી. એ કારણે તેઓ શાંતિ ચાહતા નથી કે વાજબી પણ નથી હોતા. તેઓ આ દુનિયાના ડહાપણ પ્રમાણે ચાલે છે જે શેતાની છે. તેઓની વાણી ગર્વિષ્ઠ હોય છે. તેઓનું અભિમાન પોતા પર અને બીજાઓ પર આફત લઈ આવે છે.—યાકૂબ ૩:૧૩-૧૮.
ડાહી વ્યક્તિ પોતાના હોઠને કાબૂમાં રાખીને સંતોષ ને સાચું સુખ મેળવે છે. કેવી રીતે? બાઇબલ બતાવે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૧૨:૧૮) ડાહી વ્યક્તિના શબ્દો તલવારના ઘા જેવા હોતા નથી. તે જવાબ આપતા પહેલાં બે વાર વિચાર કરે છે. (નીતિવચનો ૧૫:૨૮) આથી, તેના શબ્દો ઉદાસ થઈ ગયેલાઓને ઉત્તેજન આપે છે. તેમ જ ત્રાસી ગયેલા લોકોને તાજગી આપે છે. તેઓના બોલવાથી બીજાઓને ખીજ ચઢતી નથી પણ શાંતિનો અનુભવ કરાવે છે.
ડહાપણના પગલે ચાલવું
ત્યાર પછી સુલેમાન સરસ કહેવત જણાવે છે. અહીંયા તે અમુક પ્રકારના કામ કરવાના ફાયદા અને ગેરફાયદાનો વિચાર કરી જોવા વિષે જણાવતા હોય શકે. તે કહે છે: “જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે.”—નીતિવચનો ૧૪:૪.
આ કહેવત વિષે એક પુસ્તક જણાવે છે: “ખાલી ગભાણ બતાવે છે કે ત્યાં એક પણ બળદ નથી જેને ઘાસચારો નાખી શકાય. આથી સાફ-સફાઈ કરવાની કે દેખરેખ રાખવાની કોઈ ઝંઝટ નથી અને એના લીધે ખર્ચ પણ ઓછો થાય છે. પરંતુ, એનો શું ફાયદો? કંઈ નહિ. કલમ ૪નો બીજો ભાગ બતાવે છે: ‘બળદના બળ વગર નીપજ વધારે થશે નહિ.’” તેથી, ખેડૂતે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ.
આપણે નોકરી બદલતા હોય, નવું ઘર કે કાર લેતા હોય, કે પછી કૂતરાં-બિલાડાં પાળવાનું વિચારતા હોય ત્યારે શું આ કહેવતનો સિદ્ધાંત લાગુ પડતો નથી? એક ડાહી વ્યક્તિ એનાથી થતા ફાયદા-ગેરફાયદાનો બે વાર વિચાર કરશે કે એ માટે ખરેખર પૈસા અને સમય નાખવા જેવું છે કે નહિ.
સાચા સાક્ષી
સુલેમાન આગળ જણાવે છે: “વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ; પણ જૂઠો સાક્ષી જૂઠ જ બોલે છે.” (નીતિવચનો ૧૪:૫) જૂઠી સાક્ષી ખરેખર ઘણું નુકસાન કરી શકે છે. બે બદમાશ માણસોની ખોટી સાક્ષીને લીધે યિઝ્રએલી નાબોથને પથ્થરે મારી નાખવામાં આવ્યો. (૧ રાજાઓ ૨૧:૭-૧૩) શું ઈસુ વિરૂદ્ધ પણ ખોટી સાક્ષી આપીને તેમને મારી નાખવામાં આવ્યા ન હતા? (માત્થી ૨૬:૫૯-૬૧) ઈસુના શિષ્ય, સ્તેફનને પણ ખોટી સાક્ષીના લીધે મારી નાખવામાં આવ્યો. આ રીતે મરનાર તે સૌથી પહેલો શિષ્ય હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૧૦, ૧૧.
જૂઠો માણસ થોડા સમય માટે પોતાનું જૂઠ છૂપાવી શકે, પરંતુ તેના ભવિષ્યનો વિચાર કરો. બાઇબલ બતાવે છે કે યહોવાહ “જૂઠાબોલી જીભ” ધિક્કારે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) ખૂની, વ્યભિચારી અને મૂર્તિપૂજક જેવા જ હાલ આવી જૂઠી વ્યક્તિના પણ થશે. તેઓને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે.—પ્રકટીકરણ ૨૧:૮.
વિશ્વાસુ સાક્ષી જૂઠા સોગંદ લેતી નથી. પરંતુ, એનો અર્થ એમ નથી કે તે કોઈને પણ બધું જ જણાવી દે. જેમ કે, યહોવાહના લોકોને ગમે તે રીતે નુકસાન પહોંચાડવા કોઈ માહિતી માંગતું હોય તો શું? આવા કિસ્સામાં જરૂરી નથી કે તેને બધી માહિતી આપી દેવી. જેઓ યહોવાહના ભક્તો ન હતા તેઓને ઈબ્રાહીમ અને ઈસ્હાકે બધી જ હકીકત જણાવી ન હતી. (ઉત્પત્તિ ૧૨:૧૦-૧૯; ૨૦:૧-૧૮; ૨૬:૧-૧૦) યરીખોની રાહાબે પણ રાજાના માણસોને બીજા માર્ગે દોર્યા. (યહોશુઆ ૨:૧-૭) ઈસુ ખ્રિસ્તે પણ અમુક સમયે પૂરેપૂરી માહિતી આપી નહિ. જો તેમણે આપી હોત તો તે પોતે બિનજરૂરી મુસીબતમાં મૂકાઈ ગયા હોત. (યોહાન ૭:૧-૧૦) તેમણે કહ્યું: “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો.” શા માટે નહિ? જેથી, તેઓ તમને ફાડી ન ખાય.—માત્થી ૭:૬.
“વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે”
શું દરેક લોકો જ્ઞાન મેળવી શકે? નીતિવચનો ૧૪:૬ બતાવે છે: “તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ તેને તે જડતું નથી; પણ બુદ્ધિમાનને વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે.” મૂર્ખ લોકો વિદ્યા મેળવવા ફાંફાં મારે છે, પણ તેઓને એ મળતી નથી. મૂર્ખો અભિમાનના નશામાં પરમેશ્વરની મશ્કરી ઉડાવે છે. તેથી તેઓ પરમેશ્વરનું જીવન આપતું જ્ઞાન લેવામાં નિષ્ફળ જાય છે. (નીતિવચનો ૧૧:૨) તો પછી શા માટે તેઓ જ્ઞાન મેળવવા ફાંફાં મારે છે? નીતિવચન એનો જવાબ આપતું નથી. કદાચ તેઓ જ્ઞાની હોવાનો દેખાડો કરવાનું ઇચ્છતા હોય શકે.
બુદ્ધિમાનને “વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે.” આવી વ્યક્તિ સમજણી હોય છે. સમજણ એટલે “અક્કલ” કે “પરસ્પર સમજી રાખેલી વાત.” સમજુ વ્યક્તિ પાસે કોઈ પણ બાબતનું અધકચરું જ્ઞાન નહિ હોય. પણ તે પૂરી વાતને સમજીને અલગ અલગ કડીઓને જોડી શકે છે. આ નીતિવચન બતાવે છે કે આવી વ્યક્તિ પાસે જ્ઞાન સહેલાઈથી આવે છે.
બાઇબલ સત્યનું જ્ઞાન મેળવવાના તમારા પોતાના અનુભવનો વિચાર કરો. આપણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે સૌ પ્રથમ પરમેશ્વર વિષેનું મહત્ત્વનું શિક્ષણ, તેમના વચનો અને તેમના પુત્ર વિષે શીખ્યા હતા. શરૂઆતમાં આપણને ખબર ન હતી કે આ માહિતી એકબીજા સાથે જોડાયેલી છે. પરંતુ, આપણે જેમ જેમ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું તેમ, માહિતીના ટુકડાઓ એકબીજા સાથે જોડતા થયા. આમ, આપણે માણસજાત અને પૃથ્વી માટેના યહોવાહના હેતુની અલગ અલગ માહિતી સમજી શક્યા. પછી બાઇબલનું સત્ય એકબીજા સાથે સંકળાયેલું અને યોગ્ય લાગ્યું. નવી નવી બાબતોને શીખીને યાદ રાખવી હવે વધારે સહેલું બન્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું જ્ઞાન કઈ રીતે આખા ચિત્ર સાથે જોડાયેલું છે.
રાજા સુલેમાન બતાવે છે કે કેવી વ્યક્તિઓ પાસે જ્ઞાન હોતું નથી. “જો તું મૂર્ખ માણસની પાસે જશે, તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહિ.” (નીતિવચનો ૧૪:૭) મૂર્ખ વ્યક્તિ પાસે સાચું જ્ઞાન હોતું નથી. તેની પાસે કંઈ પણ જ્ઞાનની વાત સાંભળવા મળતી નથી. તેથી આપણે આવા માણસોથી દૂર રહેવું જોઈએ. એમાં આપણું જ ભલું છે. પરંતુ, ‘જે મૂર્ખના સાથી છે તેને નુકસાન થાય છે.’—નીતિવચનો ૧૩:૨૦.
સુલેમાને કહ્યું: “પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું જ્ઞાન છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.” (નીતિવચનો ૧૪:૮) ડાહી વ્યક્તિ કોઈ પણ પગલું ભરતા પહેલાં વિચાર કરે છે. તે વિચાર કરશે કે તેની પાસે બીજા કયા રસ્તાઓ છે અને એ ક્યાં લઈ જશે. તે યોગ્ય માર્ગ પસંદ કરે છે. પરંતુ, મૂર્ખ વ્યક્તિ વિષે શું? તે એવું માને છે કે પોતે જે કંઈ કરે છે એના વિષે બધું જ જાણે છે અને પોતે સૌથી સારો માર્ગ પસંદ કર્યો છે. પરંતુ એનાથી તો તે પોતાની જ મૂર્ખામીમાં ફસાય છે.
ડહાપણથી ટકી રહેતા સંબંધો
ડહાપણથી ચાલનારને બીજાઓ સાથે સારા સંબંધ હોય છે. “મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર ઈશ્વરની કૃપા છે.” (નીતિવચનો ૧૪:૯) મૂર્ખો પસ્તાવો કરવામાં માનતા નથી. “મૂર્ખ પાપને હસવામાં ઉડાવે છે” (સંપૂર્ણ બાઇબલ) અને હળી-મળીને રહી શકતા ન હોવાથી તેમનો કોઈની સાથે સારા સંબંધ હોતા નથી. જ્યારે કે નમ્ર વ્યક્તિ બીજાઓની નાની-મોટી ભૂલો સહન કરી લે છે. તેઓએ બીજાઓને દુઃખ પહોંચાડ્યું હોય તો, માફી માંગી લે છે. તેઓ હળી-મળીને રહેતા હોવાથી બીજાઓ સાથે સારો સંબંધ જાળવી રાખે છે.—હેબ્રી ૧૨:૧૪.
રાજા સુલેમાન ત્યાર પછી માનવ સંબંધની એક સીમા બતાવે છે. તે કહે છે: “અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ ઘાલી શકતો નથી.” (નીતિવચનો ૧૪:૧૦) શું આપણે હંમેશાં પોતાની લાગણી બીજાઓ સામે ઠાલવીને પોતે જે અનુભવીએ છીએ એ બતાવી શકીએ? વ્યક્તિ કેવું અનુભવી રહી છે એને શું ખરેખર બીજાઓ સમજી શકે? આ બંને પ્રશ્નનો જવાબ છે, ‘ના.’
દાખલા તરીકે, આપઘાત કરવા ચાહતી વ્યક્તિનો વિચાર કરો. તે પોતે શું અનુભવે છે એ લાગણી કુટુંબીજનો કે મિત્રો સમક્ષ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતી નથી. બીજાઓ પણ તેના વર્તન પરથી સમજી શકતા નથી. આથી, જો આપણે તેઓને મદદ ન કરી શકીએ તો, પોતાને ગુનેગાર માનવાની જરૂર નથી. આ નીતિવચનો આપણને શીખવે છે કે આપણે ચાહતા હોઈએ તોપણ, બીજાઓને જોઈએ એટલો દિલાસો આપી શકતા નથી. આવી મુશ્કેલીમાં તો આપણે યહોવાહ પર જ ભરોસો રાખવો જોઈએ.
“તેના ઘરમાં ધનદોલત થશે”
સુલેમાન રાજા કહે છે: “દુષ્ટનું ઘર પાયમાલ થશે; પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે.” (નીતિવચનો ૧૪:૧૧) આ જમાનામાં દુષ્ટો આબાદ થઈને મોટા-મોટા બંગલા બનાવી શકે છે, પણ જ્યારે તે પોતે જ નહિ બચે તો એનાથી શું ફાયદો? (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) પરંતુ, ભલે વ્યક્તિ સાદા ઘરમાં રહેતી હોય, ગીતશાસ્ત્ર ૧૧૨:૩ કહે છે તેમ, “તેના ઘરમાં ધનદોલત થશે.” કઈ રીતે?
આપણે ડહાપણથી વર્તીશું તો, “દ્રવ્ય તથા માન” મેળવી શકીશું. (નીતિવચનો ૮:૧૮) એક તો એનાથી આપણે પરમેશ્વર અને ભાઈબહેનો સાથે સારા સંબંધ રાખી શકીશું. બીજું, આપણે સારી તંદુરસ્તી, ખુશી તેમ જ સુખી જીવનનો આનંદ માણી શકીશું. હા, હમણાં પણ “પ્રામાણિકનો તંબુ આબાદ” રહી શકે છે.
[પાન ૨૭ પર ચિત્ર]
ડાહી સ્ત્રી પોતાનું ઘર બાંધે છે
[પાન ૨૮ પર ચિત્ર]
“જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે”