વાચકો તરફથી પ્રશ્નો
યહોવાના સેવકો કયા સમયગાળા દરમિયાન મહાન બાબેલોનના બંદીવાન કે ગુલામ હતા?
ગુલામીનો એ સમયગાળો ઈ.સ. ૧૦૦ પછીથી લઈને ઈ.સ. ૧૯૧૯ સુધી ચાલ્યો. આપણી સમજણમાં આ ફેરફાર કરવાની જરૂર શા માટે ઊભી થઈ?
બધા પુરાવાઓ બતાવે છે કે ઈ.સ. ૧૯૧૯માં અભિષિક્ત ખ્રિસ્તીઓને મહાન બાબેલોનની ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા અને તેઓને એક શુદ્ધ મંડળ તરીકે એકઠા કરવામાં આવ્યા. આનો વિચાર કરો: વર્ષ ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યે સ્વર્ગમાં રાજ કરવાની શરૂઆત કરી. એ પછી તરત જ યહોવાના લોકોની પરખ કરવામાં આવી અને ધીરે ધીરે તેઓને જૂઠી ભક્તિમાંથી આઝાદ કરીને શુદ્ધ કરવામાં આવ્યા.a (માલા. ૩:૧-૪) ત્યાર બાદ, વર્ષ ૧૯૧૯માં ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ની નિમણૂક કરી, જેથી શુદ્ધ થયેલા એ લોકોને “વખતસર ખાવાનું” મળી રહે. (માથ. ૨૪:૪૫-૪૭) એ જ વર્ષમાં, યહોવાના લોકોને મહાન બાબેલોનની સાંકેતિક ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા. (પ્રકટી. ૧૮:૪) પરંતુ, યહોવાના લોકો મહાન બાબેલોનની એ ગુલામીમાં ક્યારે આવ્યા?
અગાઉ આપણી સમજણ હતી કે યહોવાના લોકો ૧૯૧૮માં મહાન બાબેલોનની ગુલામીમાં આવ્યા હતા અને એ ગુલામી થોડા સમય માટે ચાલી હતી. એ વિશે માર્ચ ૧૫, ૧૯૯૨ના ધ વૉચટાવરમાં આમ જણાવવામાં આવ્યું હતું: ‘ઈસ્રાએલીઓને ગુલામ બનાવીને બાબેલોનમાં લઈ જવામાં આવ્યા હતા, એવી જ રીતે યહોવાના સેવકો વર્ષ ૧૯૧૮માં બાબેલોનની ગુલામીમાં આવ્યા હતા.’ પરંતુ, વધુ સંશોધન કરવાથી જોવા મળે છે કે યહોવાના લોકો વર્ષ ૧૯૧૮માં નહિ, પણ એની સદીઓ અગાઉ મહાન બાબેલોનની ગુલામીમાં આવ્યા હતા.
હઝકીએલ ૩૭:૧-૧૪ની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે યહોવાના લોકોને ગુલામ બનાવવામાં આવશે અને પછી આઝાદ કરવામાં આવશે. હઝકીએલને એક સંદર્શન થયું હતું, જેમાં તેમણે હાડકાંથી ભરેલી ખીણ જોઈ. યહોવાએ જણાવ્યું કે એ ‘હાડકાં તો ઈસ્રાએલનું આખું કુળ છે.’ (કલમ ૧૧) એ શબ્દો ઈસ્રાએલ રાષ્ટ્રને અને પછીથી “ઈશ્વરના ઈસ્રાએલ”ને એટલે કે, અભિષિક્તોને પણ લાગુ પડવાના હતા. (ગલા. ૬:૧૬; પ્રે.કૃ. ૩:૨૧) હઝકીએલે જોયેલા સંદર્શનમાં “હાડકાં” જીવંત થાય છે અને એક મોટું સૈન્ય બને છે. એ શાને રજૂ કરે છે? વર્ષ ૧૯૧૯માં જે રીતે યહોવાના લોકોને મહાન બાબેલોનમાંથી આઝાદ કરવામાં આવ્યા એને એ રજૂ કરે છે. પરંતુ, એ ભવિષ્યવાણી કઈ રીતે બતાવે છે કે યહોવાના લોકો ઘણા લાંબા સમય સુધી ગુલામીમાં હતા?
ચાલો, એના કેટલાક પુરાવા જોઈએ. પહેલો પુરાવો, હઝકીએલે સંદર્શનમાં જોયું હતું કે મરણ પામેલા લોકોનાં હાડકાં “બહુ સૂકાં” હતાં. (હઝકી. ૩૭:૨, ૧૧) એ બતાવે છે કે એ લોકો લાંબા સમયથી મરણ પામેલી અવસ્થામાં હતા. બીજો પુરાવો, હઝકીએલે જોયું કે મરણ પામેલા લોકો તરત જ નહિ, પણ ધીરે ધીરે સજીવન થયા. હઝકીએલને ‘એક ગડગડાટ સંભળાયો અને એ હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયાં, દરેક હાડકું એને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું.’ પછી, “તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું.” ત્યાર બાદ, “તેઓમાં શ્વાસોચ્છવાસ આવ્યો, તેઓ જીવતાં થયાં.” છેવટે, એ લોકો સજીવન થયા પછી, યહોવાએ તેઓને રહેવા માટે તેઓનો દેશ આપ્યો. એ બધું બનતા સમય તો લાગે જ, ખરુંને?—હઝકી. ૩૭:૭-૧૦, ૧૪.
એ ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું તેમ, ઈસ્રાએલીઓ ઘણા લાંબા સમય સુધી ગુલામીમાં રહ્યા. ઈ.સ. પૂર્વે ૭૪૦માં, દસ કુળથી બનેલા ઉત્તરના રાજ્યના લોકોને, તેઓના દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ત્યારે તેઓની ગુલામી શરૂ થઈ હતી. પછીથી, ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ યરુશાલેમનો વિનાશ કર્યો અને બાકીનાં બે કુળોને, એટલે કે દક્ષિણના રાજ્યના લોકોને પણ તેઓનો દેશ છોડવો પડ્યો. ત્યાર બાદ ઈ.સ. પૂર્વે ૫૩૭માં, અમુક સંખ્યામાં ઈસ્રાએલીઓ મંદિરના બાંધકામ માટે અને યહોવાની ઉપાસના ફરી શરૂ કરવા યરુશાલેમ પાછા ફર્યા. ત્યારે તેઓની ગુલામીનો અંત આવ્યો.
આ બધા પુરાવા પરથી કહી શકાય કે અભિષિક્ત ખ્રિસ્તીઓ લાંબા સમયગાળા સુધી મહાન બાબેલોનની ગુલામીમાં હોવા જોઈએ, ફક્ત ૧૯૧૮થી ૧૯૧૯ સુધી જ નહિ. ઈસુએ પણ એ લાંબા સમયગાળા વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કડવા દાણા એટલે કે જૂઠા ખ્રિસ્તીઓ, ઘઉંના દાણા એટલે કે ‘રાજ્યના દીકરાઓ’ સાથે ઊગશે. (માથ. ૧૩:૩૬-૪૩) એ સમયગાળા દરમિયાન, સાચા ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. પોતાને ખ્રિસ્તી કહેવડાવતા મોટા ભાગના લોકોએ જૂઠાં શિક્ષણને સ્વીકાર્યું અને ધર્મભ્રષ્ટ બન્યા. એટલા માટે આપણે કહી શકીએ કે ખ્રિસ્તી મંડળ એક રીતે મહાન બાબેલોનની ગુલામી આવી પડ્યું. એ ગુલામી ઈ.સ. ૧૦૦ પછી ક્યારેક શરૂ થઈ અને અંતના સમયમાં ઈશ્વરના મંદિરને શુદ્ધ કરવામાં આવ્યું ત્યાં સુધી ચાલી.—પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સા. ૨:૩, ૬; ૧ યોહા. ૨:૧૮, ૧૯.
એ સદીઓ દરમિયાન, ચર્ચના આગેવાનો અને રાજકીય નેતાઓ લોકોને પોતાની મુઠ્ઠીમાં રાખવા માંગતા હતા. દાખલા તરીકે, લોકોને બાઇબલ રાખવાની કે સમજાય એવી ભાષામાં બાઇબલ વાંચવાની છૂટ ન હતી. અરે, બાઇબલ વાંચનારા અમુક લોકોને તો વધસ્તંભે જીવતાજીવ સળગાવી દેવામાં આવ્યા! જેઓ ચર્ચના આગેવાનોનાં જૂઠાં શિક્ષણ સામે અવાજ ઉઠાવતા તેઓને આકરી સજા આપવામાં આવતી. બાઇબલનું સત્ય જાણવું કે જણાવવું જાણે અશક્ય બની ગયું હતું.
હઝકીએલના સંદર્શન પરથી એ પણ શીખવા મળે છે કે યહોવાના લોકો જાણે ધીરે ધીરે જીવતા થયા. તેમ જ, તેઓ જૂઠા ધર્મની ગુલામીમાંથી ધીરે ધીરે આઝાદ થયા. એની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? સંદર્શનમાં હઝકીએલને “ગડગડાટ” સંભળાયો હતો. અંતનો સમય શરૂ થયો એની અમુક સદીઓ પહેલાં જાણે એ ગડગડાટ સંભળાવવાની શરૂઆત થઈ. કઈ રીતે? એ સદીઓ દરમિયાન, જૂઠાં શિક્ષણથી ઘેરાયેલા હોવા છતાં અમુક વફાદાર ભક્તો સત્ય શોધવા અને ઈશ્વરની સાચી ભક્તિ કરવા ચાહતા હતા. તેઓ બાઇબલનો અભ્યાસ કરતા અને તેઓ જે શીખતા એ વિશે બીજાઓને જણાવવાનો પૂરો પ્રયત્ન કરતા. બીજા અમુકે, લોકોને સમજાય એવી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરવા ઘણી મહેનત કરી.
વર્ષ ૧૮૭૦ની આસપાસ, જાણે હાડકાં પર સ્નાયુઓ અને માંસ આવવાં લાગ્યાં. ચાર્લ્સ ટેઝ રસેલ અને તેમના સાથી મિત્રો બાઇબલનું સત્ય શોધવા તેમજ યહોવાની સેવા માટે સખત મહેનત કરવા લાગ્યા. ઝાયન્સ વૉચ ટાવર અને બીજા સાહિત્યની મદદથી તેઓએ લોકોને સત્ય સમજવા મદદ કરી. પછીથી, ૧૯૧૪માં “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” અને ૧૯૧૭માં ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તકની મદદથી યહોવાના લોકોની શ્રદ્ધા મજબૂત બની. છેવટે, ૧૯૧૯માં યહોવાના લોકોને જાણે નવો જીવ અને નવો દેશ આપવામાં આવ્યો. સમય જતાં, પૃથ્વી પર જીવવાની આશા રાખનારા લોકો પણ અભિષિક્તો સાથે જોડાયા અને આમ એક “મોટું સૈન્ય” બન્યા. તેઓ બધા ભેગા મળીને યહોવાની ઉપાસના કરે છે.—હઝકી. ૩૭:૧૦; ઝખા. ૮:૨૦-૨૩.b
હવે, એકદમ સ્પષ્ટ છે કે યહોવાના લોકો ઈ.સ. ૧૦૦ પછીથી મહાન બાબેલોનની ગુલામીમાં આવ્યા હતા. આ એ જ સમયગાળો હતો, જ્યારે ઘણા લોકોએ જૂઠું શિક્ષણ સ્વીકાર્યું અને સત્યનો ત્યાગ કર્યો. આમ, તેઓ ધર્મભ્રષ્ટ બન્યા હતા. જેમ, ઈસ્રાએલીઓ સાથે ગુલામી દરમિયાન બન્યું હતું, તેમ મહાન બાબેલોનની ગુલામી દરમિયાન યહોવાના લોકો માટે સાચી ભક્તિ કરવી ખૂબ મુશ્કેલ બની હતી. પણ આજે સત્યને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આપણે કેટલા ખુશ છીએ કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યારે ‘જ્ઞાન ધરાવનારાઓ પ્રકાશી’ રહ્યા છે. ઘણા લોકો “પોતાને શુદ્ધ” અને “નિર્મળ” બનાવી શકે છે અને સાચી ભક્તિનો સ્વીકાર કરી શકે છે!—દાની ૧૨:૩, ૧૦.
ઈસુનું પરીક્ષણ કરતી વખતે શેતાન શું ખરેખર તેમને મંદિર ઉપર લઈ ગયો, કે પછી તેણે સંદર્શનમાં મંદિર બતાવ્યું?
આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી કે શેતાને કઈ રીતે ઈસુને મંદિર દેખાડ્યું હતું.
ચાલો, પહેલા જોઈએ કે એ વિશે બાઇબલનો અહેવાલ શું જણાવે છે. માથ્થીએ લખેલી સુવાર્તા આમ જણાવે છે: “ત્યારે શેતાન તેને [ઈસુને] પવિત્ર નગરમાં લઈ જાય છે, ને મંદિરના બુરજ [અથવા, સૌથી ઊંચી જગ્યા] પર તેને બેસાડે છે.” (માથ. ૪:૫) એ જ અહેવાલને લુક આમ જણાવે છે: ‘પછી તે ઈસુને યરુશાલેમ લઈ ગયો અને મંદિરના બુરજ પર તેમને ઊભા રાખ્યા.’—લુક ૪:૯.
અગાઉ આપણા સાહિત્યમાં સમજાવવામાં આવ્યું હતું કે એ બનાવમાં શેતાન કંઈ ઈસુને ખરેખર મંદિર ઉપર લઈ ગયો ન હતો. એ બનાવને માર્ચ ૧, ૧૯૬૧નું ધ વૉચટાવર બીજા એક બનાવ સાથે સરખાવે છે, જ્યારે ઈસુને લલચાવવા શેતાન તેમને ઊંચા પર્વત પરથી જગતનાં બધાં રાજ્યો બતાવે છે. એમાં સમજાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર એટલો ઊંચો કોઈ પર્વત નથી જ્યાંથી જગતનાં બધાં રાજ્યો જોઈ શકાય. એવી જ રીતે, શેતાન કદાચ ઈસુને ખરેખર મંદિર ઉપર લઈ ગયો ન હતો. જોકે, એ મૅગેઝિનના પછીના અંકોમાં જણાવવામાં આવ્યું હતું કે જો ઈસુ મંદિર પરથી કૂદી ગયા હોત, તો તે હકીકતમાં મરણ પામ્યા હોત. એટલે, ઈસુને મંદિર ઉપર લઈ જવામાં આવ્યા હોવા જોઈએ.
અમુક લોકોનું કહેવું છે કે ઈસુ લેવી ન હતા, તેથી તેમને મંદિરના બુરજ ઉપર જવાની પરવાનગી ન હતી, કેમ કે પવિત્રસ્થાન કે એની આસપાસ તો ફક્ત લેવીઓ જઈ શકતા હતા. તેથી, તેઓનું કહેવું છે કે શેતાને ઈસુનું પરીક્ષણ સંદર્શનમાં કર્યું હતું. સદીઓ અગાઉ, હઝકીએલને પણ એક સંદર્શનમાં એક મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.—હઝકી. ૮:૩, ૭-૧૦; ૧૧:૧, ૨૪; ૩૭:૧, ૨.
પરંતુ, જો ઈસુને સંદર્શનમાં મંદિર ઉપર લઈ જવામાં આવ્યા હોય, તો કોઈને આવા સવાલો થઈ શકે:
શું મંદિર પરથી કૂદકો મારવાની લાલચ ઈસુએ ખરેખર અનુભવી હશે?
શેતાને બીજી બે લાલચો આપી ત્યારે, ઈસુને હકીકતમાં તેનું ભજન કરવાનું અને પથ્થરને રોટલીમાં બદલવાનું કહ્યું હતું. તો પછી, આ લાલચ આપતી વખતે શેતાનનો ઇરાદો શો હોય શકે? શું તે એમ નહિ ચાહતો હોય કે ઈસુ હકીકતમાં મંદિર ઉપરથી કૂદકો મારે અને જીવ જોખમમાં મૂકે?
બીજી બાજુ, જો શેતાન સંદર્શનમાં નહિ, પણ હકીકતમાં ઈસુને મંદિર ઉપર લઈ ગયો હોય, તો અમુકને આવા સવાલો થઈ શકે:
મંદિરના બુરજ ઉપર ઊભા રહીને શું ઈસુએ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું હતું?
વેરાન પ્રદેશમાંથી ઈસુ યરુશાલેમના મંદિર સુધી કઈ રીતે પહોંચ્યા?
આ છેલ્લા બે સવાલોના જવાબ મેળવવા, ચાલો આપણે અમુક માહિતી પર વિચાર કરીએ.
ખરું કે, મંદિરના પવિત્રસ્થાનમાં ફક્ત લેવીઓ જ જઈ શકતા હતા. પરંતુ, પ્રોફેસર ડી. એ. કારસન જણાવે છે તેમ માથ્થી અને લુકના પુસ્તકમાં “મંદિર” માટે વપરાયેલો ગ્રીક શબ્દ ફક્ત પવિત્રસ્થાનને જ નહિ પણ મંદિરના આખા વિસ્તારને દર્શાવી શકે છે. મંદિરના વિસ્તારના દક્ષિણપૂર્વીય ખૂણામાં એક સપાટ ધાબાવાળું બાંધકામ હતું, જે જમીનથી સૌથી ઊંચો ભાગ હતો. બની શકે કે ઈસુને એ ધાબા પર લઈ જવામાં આવ્યા હતા. એ બાંધકામથી અડીને કિદ્રોનની ખીણ હતી, જે લગભગ ૪૫૦ ફૂટ ઊંડી હતી. ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે, મંદિરનો એ ભાગ એટલી ઊંચાઈ પર હતો કે જો કોઈ વ્યક્તિ ત્યાં ઊભી રહીને નીચે જુએ તો તેને ‘ચક્કર આવવા લાગે.’ મંદિરના એ ભાગમાં જવાની પરવાનગી બધાને હતી. એટલે, ભલે ઈસુ લેવી ન હતા, તોપણ ત્યાં જઈને ઊભા રહી શકતા હતા અને એના પર કોઈએ વાંધો ઉઠાવ્યો ન હોત.
ચાલો, હવે બીજા સવાલનો વિચાર કરીએ. ઈસુ વેરાન વિસ્તારમાંથી યરુશાલેમના મંદિર સુધી કઈ રીતે પહોંચ્યા? આપણે એ ચોક્કસ રીતે જાણતા નથી. બાઇબલ ફક્ત એટલું જણાવે છે કે ઈસુને યરુશાલેમ લઈ જવામાં આવ્યા હતા. બાઇબલ એ નથી જણાવતું કે ઈસુ યરુશાલેમથી કેટલા દૂર હતા અથવા કેટલા સમય સુધી શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું હતું. તેથી, બની શકે કે ઈસુ ચાલીને યરુશાલેમ આવ્યા હતા, પછી ભલે ત્યાં સુધી પહોંચવામાં તેમને ઘણો સમય લાગ્યો હોય.
પરંતુ, શેતાને ઈસુને “જગતનાં સઘળાં રાજ્ય” બતાવ્યાં કઈ રીતે? અગાઉ જણાવ્યું તેમ, તેણે એ કદાચ સંદર્શનમાં બતાવ્યાં હતાં. કારણ કે, પૃથ્વી પર એવો કોઈ પર્વત નથી, જેની ટોચ પરથી જગતનાં બધાં રાજ્યો જોઈ શકાય. જેમ એક ફિલ્મી પડદાની મદદથી દુનિયાના જુદા જુદા ભાગો બતાવી શકાય છે, તેમ સંદર્શનનો ઉપયોગ કરીને તેણે જગતનાં સઘળાં રાજ્યો બતાવ્યાં હોય શકે. ભલે તેણે સંદર્શનનો ઉપયોગ કર્યો, પરંતુ તેનો ઇરાદો એ હતો કે ઈસુ હકીકતમાં તેની આગળ નમીને ભક્તિ કરે. (માથ. ૪: ૮, ૯) તેથી, ઈસુને મંદિર ઉપર લઈ ગયો, ત્યારે તે ચાહતો હતો કે ઈસુ ખરેખર મંદિર ઉપરથી નીચે કૂદીને પોતાનો જીવ જોખમમાં મૂકે. પરંતુ, ઈસુએ શેતાનને નકારી દીધો. જોઈ શકાય કે શેતાને ખરેખર ઈસુ સામે એક મોટી લાલચ મૂકી હતી. પરંતુ, શું ફક્ત સંદર્શન બતાવીને એવી મોટી લાલચ આપવી શક્ય બની હોત?
તેથી, શક્ય છે કે ઈસુ ખરેખર યરુશાલેમ ગયા હતા અને હકીકતમાં મંદિરની સૌથી ઊંચી જગ્યાએ ઊભા હતા. પરંતુ, આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે શેતાને કઈ રીતે ઈસુને મંદિર દેખાડ્યું હતું. જોકે, એક વાત ચોક્કસ કહી શકીએ કે શેતાને ખરેખર ઈસુનું પરીક્ષણ કર્યું હતું, જેથી ઈસુ કોઈ ખોટું પગલું ભરે. પરંતુ, દરેક વખતે ઈસુએ દૃઢતાથી શેતાનનો નકાર કર્યો.
b હઝકીએલ ૩૭:૧-૧૪ તેમજ પ્રકટીકરણ ૧૧:૭-૧૨માં જણાવેલા બંને અહેવાલો ૧૯૧૯માં બનેલા બનાવો વિશે જણાવે છે. હઝકીએલની ભવિષ્યવાણી યહોવાના બધા જ લોકોએ મહાન બાબેલોનની લાંબી ગુલામીમાંથી આઝાદ થઈને, ફરીથી સાચી ભક્તિ શરૂ કરી એના વિશે વાત કરે છે. જ્યારે કે, પ્રકટીકરણની ભવિષ્યવાણી સાલ ૧૯૧૯માં ફરી જન્મેલા એક સમૂહની વાત કરે છે. એ સમૂહ અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે, જેણે યહોવાના લોકોની આગેવાની લીધી છે. એ ભાઈઓને અમુક સમયગાળા માટે નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા હતા.