નિર્ગમન
૩૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “અગાઉની જેમ પથ્થરની બીજી બે પાટીઓ બનાવ.+ તેં તોડી નાખી હતી+ એ પાટીઓ પરનું લખાણ હું તને ફરી લખી આપીશ.+ ૨ આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વત ઉપર આવજે. પછી પર્વતની ટોચ પર મારી સામે હાજર થજે.+ ૩ પણ તારી સાથે બીજું કોઈ આવે નહિ. પર્વત પર કોઈ માણસ હોવો ન જોઈએ. ઘેટાં-બકરાં કે ઢોરઢાંક પણ પર્વતની આસપાસ ચરે નહિ.”+
૪ તેથી મૂસાએ અગાઉ જેવી પથ્થરની બે પાટીઓ બનાવી. પછી તે વહેલી સવારે ઊઠીને સિનાઈ પર્વત પર ગયો. યહોવાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે તેણે કર્યું. મૂસા પોતાના હાથમાં પથ્થરની બે પાટીઓ લઈને ઉપર ગયો. ૫ પછી યહોવા વાદળમાં નીચે ઊતર્યા+ અને મૂસા સામે ઊભા રહ્યા. તેમણે પોતાનું નામ યહોવા તેની આગળ જાહેર કર્યું.+ ૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+ ૭ હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર;+ ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર,+ પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર;+ પિતાનાં પાપોની સજા દીકરાઓ પર, પૌત્રો પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.”+
૮ મૂસા તરત જ ઘૂંટણિયે પડ્યો. તેણે જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”* ૧૦ ઈશ્વરે કહ્યું: “હું તમારી સાથે કરાર* કરું છું: હું તમારી સામે એવાં અદ્ભુત કામો કરીશ, જે કોઈ દેશમાં કે આખી પૃથ્વી પર ક્યારેય થયાં નથી.+ જે લોકો વચ્ચે તમે રહો છો, તેઓ યહોવાનાં કામો જોશે, કેમ કે હું તમારા માટે આશ્ચર્યજનક કામો કરું છું.+
૧૧ “હું તમને જે આજ્ઞાઓ આપું છું એના પર ધ્યાન આપો.+ હું અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢું છું.+ ૧૨ ધ્યાન રાખજો કે તમે જે દેશમાં જઈ રહ્યા છો, ત્યાંના રહેવાસીઓ સાથે કોઈ કરાર ન કરો,+ નહિતર એ તમારા માટે ફાંદારૂપ થઈ પડશે.+ ૧૩ પણ તમે તેઓની વેદીઓ તોડી નાખજો, તેઓના ભક્તિ-સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો અને તેઓના ભક્તિ-થાંભલાઓને* કાપી નાખજો.+ ૧૪ તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ,+ કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.* હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.+ ૧૫ ધ્યાન રાખજો કે તમે જે દેશમાં જઈ રહ્યા છો, ત્યાંના રહેવાસીઓ સાથે કોઈ કરાર ન કરો. કેમ કે તેઓ પોતાના દેવોની ભક્તિ કરશે* અને તેઓને બલિદાનો ચઢાવશે+ ત્યારે, તમને આમંત્રણ આપશે અને તમે એ બલિદાનોમાંથી ખાશો.+ ૧૬ પછી ચોક્કસ તમે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો.+ તેઓની દીકરીઓ તેઓના દેવોની ભક્તિ કરશે* અને તમારા દીકરાઓને પણ એ દેવોની ભક્તિ કરીને* મને બેવફા બનવા ખેંચી જશે.+
૧૭ “તમે ધાતુની ઢાળેલી મૂર્તિઓ ન બનાવો.+
૧૮ “તમે બેખમીર રોટલીનો તહેવાર ઊજવો.+ સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ. મેં આજ્ઞા આપી છે એ પ્રમાણે આબીબ* મહિનામાં નક્કી કરેલા સમયે તમે એમ કરો,+ કેમ કે એ મહિને તમે ઇજિપ્તમાંથી બહાર આવ્યા હતા.
૧૯ “દરેક પ્રથમ જન્મેલો* નર મારો છે,+ પછી ભલે એ ઢોરઢાંકમાંથી હોય, પ્રથમ જન્મેલો આખલો હોય કે ઘેટો હોય.+ ૨૦ તમારે ગધેડાના પ્રથમ જન્મેલા નરને છોડાવવા ઘેટું આપવું. જો એમ ન કરો, તો એ ગધેડાનું ગળું કાપીને એને મારી નાખો. તમારે તમારા પ્રથમ જન્મેલા દીકરાને પણ મૂલ્ય આપીને છોડાવવો.+ મારી આગળ કોઈ ખાલી હાથે ન આવે.
૨૧ “છ દિવસ તમે કામ કરો, પણ સાતમા દિવસે તમે આરામ કરો.*+ વાવણી અને કાપણીના સમયે પણ તમે સાતમા દિવસે આરામ કરો.
૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૨૩ “તમારા બધા પુરુષો વર્ષમાં ત્રણ વખત ઇઝરાયેલના ઈશ્વર, સાચા પ્રભુ યહોવા આગળ હાજર થાય.+ ૨૪ હું તમારી આગળથી પ્રજાઓને હાંકી કાઢીશ.+ હું તમારો વિસ્તાર વધારીશ. વર્ષમાં ત્રણ વાર તમે યહોવાની સામે હાજર થશો ત્યારે, કોઈ પણ વ્યક્તિ તમારો દેશ પડાવી લેવાની કોશિશ નહિ કરે.
૨૫ “મારા માટે બલિદાન ચઢાવો ત્યારે, તમે લોહીની સાથે કંઈ પણ ખમીરવાળું ન ચઢાવો.+ પાસ્ખાના તહેવારમાં ચઢાવેલા બલિદાનમાંથી કંઈ પણ સવાર સુધી રાખી ન મૂકો.+
૨૬ “તમારી જમીનની પેદાશના પ્રથમ ફળનો સૌથી ઉત્તમ ભાગ તમે તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં લાવો.+
“તમે બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો.”+
૨૭ યહોવાએ મૂસાને કહ્યું: “તું એ શબ્દો લખી લે,+ કેમ કે એ શબ્દો પ્રમાણે હું તારી સાથે અને ઇઝરાયેલીઓ સાથે કરાર કરું છું.”+ ૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+
૨૯ મૂસા પોતાના હાથમાં સાક્ષીલેખની* બે પાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે ઊતર્યો.+ ઈશ્વર સાથે વાત કરી હોવાથી મૂસાનો ચહેરો પ્રકાશતો હતો, પણ તે પોતે એ જાણતો ન હતો. ૩૦ હારુન અને બધા ઇઝરાયેલીઓએ જોયું કે મૂસાનો ચહેરો પ્રકાશી રહ્યો છે. તેથી તેઓને મૂસાની નજીક જતાં ડર લાગ્યો.+
૩૧ પણ મૂસાએ તેઓને બોલાવ્યા, એટલે હારુન અને બધા મુખીઓ તેની પાસે ગયા. પછી મૂસાએ તેઓ સાથે વાત કરી. ૩૨ બધા ઇઝરાયેલીઓ તેની પાસે ગયા. યહોવાએ મૂસાને સિનાઈ પર્વત પર જે બધી આજ્ઞાઓ આપી હતી, એ તેણે ઇઝરાયેલીઓને જણાવી.+ ૩૩ લોકો સાથે વાત કરી લીધાં પછી મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતો.+ ૩૪ પણ મૂસા જ્યારે યહોવા સાથે વાત કરવા મંડપમાં જતો, ત્યારે પોતાનો ચહેરો ન ઢાંકતો.+ પછી તે બહાર આવીને પોતાને મળેલી આજ્ઞાઓ ઇઝરાયેલીઓને જણાવતો.+ ૩૫ ઇઝરાયેલીઓએ જોયું હતું કે મૂસાનો ચહેરો પ્રકાશતો હતો. તેથી મૂસા ઈશ્વર સાથે ફરી વાત કરવા જતો ત્યાં સુધી પોતાનો ચહેરો ઢાંકી રાખતો.+