યહોવાહનો શબ્દ જીવંત છે
લેવીયના મુખ્ય વિચારો
આ પુસ્તક લખાયું એના લગભગ એક વર્ષ પહેલાં જ ઈસ્રાએલીઓને મિસરમાંથી આઝાદી મળી હતી. પછી તેઓ કનાન દેશમાં વસવા માટે લાંબી મુસાફરીએ નીકળે છે અને યહોવાહ ઈસ્રાએલ પ્રજાના રાજા બને છે. યહોવાહ ચાહે છે કે તેમની પવિત્ર પ્રજા હંમેશાં ત્યાં રહે. પરંતુ, કનાનના રહેવાસીઓ ખૂબ પાપી છે, અને તેઓના ધાર્મિક રિવાજો પણ બહુ જ ખરાબ છે. તેથી, યહોવાહ પોતાની પ્રજાને અનેક નિયમો આપે છે જેથી તેઓ શુદ્ધ રહી શકે. આ નિયમો લેવીયના પુસ્તકમાં જોવા મળે છે. ઈસવી સન પૂર્વે ૧૫૧૨માં મુસાએ સિનાયના અરણ્યમાં આ પુસ્તક લખ્યું હતું. એમાં તે લગભગ એક મહિનાનો ઇતિહાસ આપે છે. (નિર્ગમન ૪૦:૧૭; ગણના ૧:૧-૩) ઘણી વાર યહોવાહ તેમની પ્રજાને પવિત્ર થવાની ભલામણ કરે છે.—લેવીય ૧૧:૪૪; ૧૯:૨; ૨૦:૭, ૨૬.
આજે આપણને એ નિયમો પાળવાની કોઈ જરૂર નથી, કેમ કે ઈસુના બલિદાન દ્વારા એ નિયમોનો અંત આવ્યો. (રૂમી ૬:૧૪; એફેસી ૨:૧૧-૧૬) તોપણ, આપણે યહોવાહની ભક્તિ વિષે એમાંથી ઘણું શીખી શકીએ.
ફરજથી અને પોતાની મરજીથી આપેલાં અર્પણો
નિયમ પ્રમાણે અમુક અર્પણો ફરજથી ચડાવવા પડતા. પણ લોકો ઇચ્છતા હોય તો બીજા અર્પણો ચડાવી શકતા. જેમ ઈસુએ પોતાની મરજીથી બલિદાન આપીને એનું મૂલ્ય યહોવાહને આપ્યું, તેમ વ્યક્તિ પોતાની મરજીથી દહનીયાર્પણ ચડાવી શકતા. દહનીયાર્પણને શાંત્યર્પણનો યજ્ઞ પણ કહેવામાં આવતો કેમ કે એનો એક ભાગ વેદી પર નાખવામાં આવતો હતો. બીજો ભાગ યાજક લેતા, અને ત્રીજો ભાગ અર્પણ ચડાવનારને મળતો. આજે ઈસુના મરણ દિવસે ઊજવાતા મેમોરિયલ વખતે અભિષિક્ત ખ્રિસ્તીઓ પણ જાણે શાંત્યર્પણના યજ્ઞમાં ભાગ લે છે.—૧ કોરીંથી ૧૦:૧૬-૨૨.
ઈસ્રાએલીઓએ પાપ અને દોષ માટેના અર્પણો ફરજથી ચડાવવા પડતા. જો કોઈ વ્યક્તિએ ભૂલથી પાપ કર્યું હોય, તો માફી માટે તેણે અર્પણ (પાપાર્થાર્પણ) ચડાવવું પડતું. તેમ જ જો કોઈ વ્યક્તિએ બીજા કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો દોષ અને સજામાંથી મુક્ત થવા માટે તેને અર્પણ (દોષાર્થાર્પણ) ચડાવવું પડતું. યહોવાહની ભલાઈ માટે આભાર માનવા લોકો અનાજનું અર્પણ (ખાદ્યાર્પણ) ચડાવતા. આ અર્પણોમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તની કુરબાનીથી જ આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ છીએ.—હેબ્રી ૮:૩-૬; ૯:૯-૧૪; ૧૦:૫-૧૦.
સવાલ-જવાબ:
૨:૧૧, ૧૨—શા માટે યહોવાહને ‘હોમયજ્ઞથી’ મધનું દહન ગમતું ન હતું? આ કલમ મધમાખીના મધ વિષે નહિ, પણ ફળના રસ વિષે વાત કરે છે. લોકો ‘હોમયજ્ઞમાં’ ફળનો રસ આપી શકતા ન હતા. પરંતુ, તેઓ ‘ઊપજના પ્રથમ પાકમાં’ એનું અર્પણ ચડાવી શકતા. (૨ કાળવૃત્તાંત ૩૧:૫) આ કલમ પ્રમાણે કોઈ ફળનો રસ “મધ” તરીકે ઓળખાતો. આવા રસને આથો ચડી શકતો હતો. એટલે એને વેદી પર હોમયજ્ઞ તરીકે ચડાવી શકાતો ન હતો.
૨:૧૩—શા માટે દરેક અર્પણ સાથે મીઠું પણ ચડાવવું પડતું? એ અર્પણોને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ન હતું. જગત ફરતે ઘણા લોકો ખોરાકમાં મીઠું ઉમેરે છે જેથી એ બગડી ન જાય. તેથી, જ્યારે કોઈ પણ અર્પણ મીઠું સાથે ચડાવવામાં આવતું, ત્યારે એ બતાવી આપતું કે એ અર્પણ એકદમ ચોખ્ખું છે અને એમાં કોઈ ખામી નથી.
આપણે શું શીખી શકીએ?
૩:૧૭. પ્રાણીઓની ચરબી ખાવાની મનાઈ હતી. એને ફક્ત અર્પણોમાં જ ચડાવવામાં આવતી કેમ કે માંસમાંથી ચરબી સૌથી સારો ભાગ છે. આ નિયમ પાળવાથી ઈસ્રાએલીઓને એ યાદ રહેતું કે યહોવાહને સૌથી સારી ચીજો જ આપવી જોઈએ. (ઉત્પત્તિ ૪૫:૧૮) આપણે પણ પૂરા દિલથી યહોવાહની સેવા કરવી જોઈએ અને તેમની તન-મન-ધનથી ભક્તિ કરવી જોઈએ.—નીતિવચનો ૩:૯, ૧૦; કોલોસી ૩:૨૩, ૨૪.
૭:૨૬, ૨૭. ઈસ્રાએલીઓને લોહી ખાવાની કે પીવાની મનાઈ હતી. યહોવાહ લોહીને જીવન સાથે સરખાવે છે. લેવીય ૧૭:૧૧ કહે છે: “શરીરનો જીવ રક્તમાં છે.” આજે આપણે પણ લોહી લેવાથી દૂર રહેવું જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.
યાજકો માટેની ગોઠવણો
મંદિરમાં યાજકો અનેક કામો કરતા અને તેઓ લોકોના અર્પણો પણ ચડાવતા. યહોવાહ, મુસા દ્વારા હારૂનને પ્રમુખ યાજક તરીકે નીમે છે. પછી હારૂનને મદદ કરવા માટે મુસા હારૂનના ચાર દીકરાને નીમે છે. યાજકો બનવાની તેઓની વિધિ લગભગ સાત દિવસ ચાલી અને આઠમા દિવસે તેઓએ કામ શરૂ કર્યું.
સવાલ-જવાબ:
૯:૯—શા માટે અમુક વસ્તુ પર લોહી છાંટવામાં આવ્યું અને પછી વેદીના થડમાં ઢોળવામાં આવ્યું? આ બતાવે છે કે યહોવાહની નજરે એ અર્પણ શુદ્ધ હતું અને ત્યાર પછી જ પાપોની માફી મળતી. પ્રેષિત પાઊલે કહ્યું: “નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.”—હેબ્રી ૯:૨૨.
૧૦:૧, ૨—હારૂનના દીકરા નાદાબ અને અબીહૂએ કયું પાપ કર્યું હતું? એમ લાગે છે કે નાદાબ અને અબીહૂ શરાબના નશામાં મંદિરમાં સેવા કરવા ગયા હતા. આ બનાવ પછી યહોવાહ નિયમ આપે છે કે કોઈ પણ યાજકે દારૂ પીને મંદિરમાં સેવા કરવી જોઈએ નહિ. (લેવીય ૧૦:૯) પરંતુ, નાદાબ અને અબીહૂને દારૂને લીધે મોતની સજા મળી ન હતી. પરંતુ ‘તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્નિ ચઢાવ્યો’ હોવાથી તેઓ માર્યા ગયા.
આપણે શું શીખી શકીએ?
લેવીય ૧૦:૧, ૨. મંડળના જવાબદાર ભાઈઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ યહોવાહના નિયમો પાળે. વધુમાં તેઓએ કદી મન ફાવે તેમ બીજા ભાઈઓની જવાબદારી લેવી ન જોઈએ.
લેવીય ૧૦:૯. આપણે શરાબ પીને કદી યહોવાહની ભક્તિ કરવી જોઈએ નહિ.
યહોવાહની ભક્તિ માટે આપણે શુદ્ધ હોવા જોઈએ
યહોવાહે ઈસ્રાએલીઓને ખોરાક વિષે નિયમો આપ્યા હતા. એ નિયમોમાં તેમણે જણાવ્યું કે કયું માંસ ખાવું (શુદ્ધ) અને કયું માંસ ન ખાવું (અશુદ્ધ). આ નિયમોને લીધે ઈસ્રાએલીઓ બીમારીથી દૂર રહ્યા અને બીજા અધર્મી દેશોથી અલગ રહ્યા. પવિત્ર રહેવા માટે યહોવાહે બીજા અનેક નિયમો આપ્યા, જેમ કે વ્યક્તિ શબને અડકે તો શું કરવું જોઈએ. બાળકને જન્મ આપીને મા કઈ રીતે ફરી શુદ્ધ બની શકે. જો કોઈને કોઢ થાય, તો શું કરવું જોઈએ. તેમ જ જો માણસ કે સ્ત્રીના ગુપ્ત અંગમાંથી કંઈ પ્રવાહી ઝરે તો તેઓ ફરી કઈ રીતે શુદ્ધ બની શકે. જો કોઈ વ્યક્તિ અશુદ્ધ બની હોય, તો યાજકો તેઓને શુદ્ધ થવાનું માર્ગદર્શન આપતા.
સવાલ-જવાબ:
૧૨:૨, ૫—બાળકને જન્મ આપવાથી શા માટે સ્ત્રી “અશુદ્ધ” બનતી? યહોવાહે મનુષ્યને એવી રીતે બનાવ્યા કે તેઓના સંપૂર્ણ બાળકો થઈ શકે. પરંતુ, આદમ અને હવાના પાપને લીધે બધા મનુષ્યો પર પાપનો દાઘ આવ્યો. તેથી, અમુક સમય સુધી “અશુદ્ધ” રહેવાથી લોકોને યાદ આવી જતું કે સર્વમાં પાપનો દાઘ છે. તેમ જ, જ્યારે દર મહિને સ્ત્રીઓ માસિક સ્રાવમાં આવી હોય, કે પુરુષને ઊંઘમાં વીર્યપાત થાય ત્યારે તેઓ થોડા સમય માટે અશુદ્ધ બની જતા. આમ, લોકો કદી ભૂલી શકતા ન હતા કે તેઓમાં પાપનો દાઘ છે. (લેવીય ૧૫:૧૬-૨૪; ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમીઓને પત્ર ૫:૧૨) આ નિયમો લોકોને યાદ દેવડાવતા કે પાપમાંથી મુક્ત થવા માટે કોઈ સંપૂર્ણ માણસની કુરબાનીની જરૂર હતી. તેથી, ‘ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર તેઓનું બાળશિક્ષક હતું.’—ગલાતી ૩:૨૪.
૧૫:૧૬-૧૮—‘પુરુષના અંગમાંથી સ્રાવ થાય’ એનો શું અર્થ થાય છે? ( IBSI ) એનો અર્થ એ થાય છે કે પત્ની સાથે જાતીય સંબંધ બાંધતી વખતે વીર્યનો સ્રાવ થાય, કે રાત્રે ઊંઘમાં સ્વપ્નદોષ થાય.
આપણે શું શીખી શકીએ?
૧૧:૪૫. યહોવાહ પવિત્ર પરમેશ્વર છે. તેથી તેમના ભક્તો પણ પવિત્ર હોવા જોઈએ. તેઓનું મન, દિલ અને શરીર શુદ્ધ હોવું જોઈએ અને ભક્તિમાં તેઓએ બીજા કોઈ ધર્મ સાથે ભેળસેળ કરવી ન જોઈએ.—૨ કોરીંથી ૭:૧; ૧ પીતર ૧:૧૫, ૧૬.
૧૨:૮. જો કોઈ ઈસ્રાએલી પાપની માફી માટે હલવાનનું અર્પણ કરી શકતો ન હોય તો, તેઓ કબૂતરનું અર્પણ ચડાવી શકતા. આ બતાવે છે કે યહોવાહ ગરીબ લોકો માટે દયા રાખે છે.
હંમેશાં પવિત્ર રહેવું જોઈએ
પાપની માફી માટે સૌથી મહત્ત્વનું અર્પણ પ્રાયશ્ચિત્તના દિવસે ચડાવવામાં આવતું. આ દિવસ વર્ષમાં એક વાર આવતો. ત્યારે યાજકો અને લેવીઓના પાપ માટે બળદનું બલિદાન થતું. પછી ઈસ્રાએલના બીજા કુટુંબો માટે બકરાનું બલિદાન થતું. પછી યાજક બીજા એક બકરા પર હાથ મૂકીને સર્વ લોકોના પાપ કબૂલ કરતા. પછી એ બકરો સર્વ લોકોના પાપ અરણ્યમાં લઈ જતો. આ બે બકરાને એક અર્પણ તરીકે ગણવામાં આવતા. આ અર્પણોએ બતાવ્યું કે ઈસુ પોતાનું બલિદાન આપીને પાપ દૂર લઈ જવાના હતા.
યહોવાહે ઈસ્રાએલીઓને નિયમો આપ્યા હતા કે તેઓએ કેવું માંસ ખાવું અને કેવું ન ખાવું જોઈએ. તેમ જ તેમણે બીજી અનેક બાબતો વિષે પણ જણાવ્યું હતું. આ નિયમો બતાવે છે કે યહોવાહની ભક્તિ કરવા માટે જેમ યાજકો પવિત્ર રહ્યા, તેમ આપણે પણ પવિત્ર રહેવું જોઈએ. વર્ષમાં ત્રણ મોટા તહેવારો હતા. ત્યારે લોકો ખૂબ આનંદ કરતા અને યહોવાહનો આભાર માનતા. યહોવાહે બીજા નિયમો પણ આપ્યા હતા જેથી લોકો તેમના પવિત્ર નામનું અપમાન ન કરે, સાબ્બાથ અને જુબિલીનું વર્ષ પાળે અને ગરીબોનું તથા દાસોનું ધ્યાન રાખે. જ્યારે લોકો એ નિયમો પાળતા ત્યારે તેઓને આશીર્વાદો મળતા. પરંતુ, એ નિયમો તોડવાથી તેઓને દુઃખ અને શિક્ષા મળતી. યહોવાહે એવા નિયમો પણ આપ્યા કે કોઈએ માનતા લીધી હોય તો, તેઓએ કેવા અર્પણો ચડાવવા જોઈએ અને અર્પણોની કિંમત કેટલી હોવી જોઈએ. તેમ જ પ્રથમ જન્મેલા પ્રાણીનું બલિદાન કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. યહોવાહે એ પણ આજ્ઞા આપી કે દસમો ભાગ તેમને આપવો જોઈએ કેમ કે એ “યહોવાહને સારૂ પવિત્ર” છે.
સવાલ-જવાબ:
૧૬:૨૯—ઈસ્રાએલીઓએ કઈ રીતે પોતાનું “આત્મકષ્ટ” કરવાનું હતું? પ્રાયશ્ચિત્તના દિવસ પછી ઈસ્રાએલીઓએ “આત્મકષ્ટ” કરવાનું હતું. આ દિવસે તેઓ પાપના માફી માંગતા અને પસ્તાવો બતાવવા માટે ઉપવાસ કરતા. તેથી, ‘આત્મકષ્ટનો’ અર્થ, ઉપવાસ થાય છે.
૧૯:૨૭—ઈસ્રાએલી પુરુષે કયા અર્થમાં તેઓના ‘માથાના ખૂણા ગોળ ન કપાવવા જોઈએ, ને દાઢીના ખૂણા ન બગાડવા’ જોઈએ? યહોવાહે આ નિયમ આપ્યો જેથી યહુદીઓ આસપાસના મૂર્તિપૂજકો જેવા માથા અને દાઢીના વાળ ન કરાવે. (યિર્મેયાહ ૯:૨૫, ૨૬; ૨૫:૨૩; ૪૯:૩૨) પરંતુ, યહોવાહ એમ કહેવા માગતા ન હતા કે યહુદી પુરુષોએ કદી માથા અને દાઢીના વાળ ન કપાવવા જોઈએ.—૨ શમૂએલ ૧૯:૨૪.
૨૫:૩૫-૩૭—જો કોઈ ઈસ્રાએલીએ ઉછીના પૈસા આપ્યા હોય તો તે વ્યાજ માગી શકતા કે નહિ? જો કોઈ ધંધા માટે પૈસા આપ્યા હોય, તો તેઓ વ્યાજ માગી શકતા હતા. પરંતુ, યહોવાહે નિયમ આપ્યો હતો કે કોઈ વ્યક્તિને ગરીબાઈમાં પૈસા આપ્યા હોય, તો તેઓ પાસેથી વ્યાજ ન માગી શકાય. ગરીબ વ્યક્તિ પાસેથી વ્યાજ માગવું યહોવાહની નજરમાં પાપ હતું.—નિર્ગમન ૨૨:૨૫.
૨૬:૧૯—યહોવાહે કયાં અર્થમાં ‘આકાશને લોઢાના જેવું, ને જમીનને પિત્તળના જેવી કરી’ નાખી? જેમ લોઢામાંથી પાણી ન નીકળે, તેમ જો કનાન દેશ પર વરસાદ ન પડતો, તો આકાશ જાણે લોઢા જેવું બનતું. તેમ જ વરસાદ વગર જમીનની માટી પિત્તળના રંગવાળી બનતી.
૨૬:૨૬—‘દસ સ્ત્રીઓ એક કલેડામાં રોટલી શેકશે,’ એનો શું અર્થ થાય છે? સામાન્ય રીતે રસોઈ કરવા માટે દરેક સ્ત્રી પાસે એક કલેડું કે નાની ભઠ્ઠી હતી. પરંતુ, જો ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞા ન પાળે, તો યહોવાહે કહ્યું કે દેશમાં દુકાળ આવી પડશે. ત્યારે દસ સ્ત્રીઓ થોડી રોટલી એક જ ભઠ્ઠીમાં શેકી શકશે.
આપણે શું શીખી શકીએ?
૨૦:૯. જેઓના દિલમાં નફરત કે ઝેર છે, તેઓ યહોવાહની નજરમાં ખૂની બરાબર છે. તેથી, ભલે કોઈ પણ વ્યક્તિએ માબાપનું ખૂન ન કર્યું હોય, જો તેણે તેઓને શાપ દીધો હોય, તો તેને મોતની સજા મળતી. તેથી, બહુ જ મહત્ત્વનું છે કે આપણે સર્વ સાક્ષીઓ માટે પ્રેમ રાખીએ.—૧ યોહાન ૩:૧૪, ૧૫.
૨૨:૩૨; ૨૪:૧૦-૧૬, ૨૩. આપણે કદી યહોવાહનું અપમાન કરવું જોઈએ નહિ. એના બદલે આપણે તેમની સ્તુતિ કરવી જોઈએ અને તેમનું નામ પવિત્ર મનાવવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૭:૧૭; માત્થી ૬:૯.
લેવીયનું પુસ્તક આપણી ભક્તિને અસર કરે છે
લેવીયમાં જણાવેલા નિયમો આજે આપણને લાગુ પડતા નથી. (ગલાતી ૩:૨૩-૨૫) પરંતુ, એ પુસ્તકમાંથી આપણે ઘણું શીખી શકીએ કેમ કે એ ભક્તિને લગતી બાબતો વિષે યહોવાહના વિચારો જણાવે છે.
તમે દેવશાહી સેવા શાળાની તૈયારી કરવા અઠવાડિયાનું બાઇબલ વાંચન કરો ત્યારે, લેવીયમાંથી તમે શીખશો કે યહોવાહ ઇચ્છે છે કે તેમના ભક્તો પવિત્ર રહે. તેમ જ આ પુસ્તકમાંથી તમને યહોવાહની તન-મન-ધનથી સેવા કરવાનું ઉત્તેજન મળશે. આમ તમે પવિત્ર રહીને તેમને માન અને સ્તુતિ આપી શકશો.
[પાન ૨૧ પર ચિત્ર]
નિયમ પ્રમાણે કરેલા સર્વ અર્પણો ઈસુ ખ્રિસ્ત અને તેમના બલિદાનને રજૂ કરતા હતા
[પાન ૨૨ પર ચિત્ર]
બેખમીર રોટલીનું પર્વ આનંદનો પ્રસંગ હતો
[પાન ૨૩ પર ચિત્ર]
પ્રાયશ્ચિત્તના દિવસે બે બકરાનું અર્પણ થતું, એ ઈસુના બલિદાનને અને તે આપણા પાપને દૂર લઈ જાય છે એને બતાવતું હતું