જુલાઈ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જુલાઈ ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૬૦-૬૮
“પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો”
(ગીતશાસ્ત્ર ૬૧:૧) હે ઈશ્વર, મારી અરજ સાંભળ; મારી પ્રાર્થના પર કાન ધર.
(ગીતશાસ્ત્ર ૬૧:૮) તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને અર્થે હું સદા તારા નામનું સ્તવન કરીશ.
w૯૯ ૯/૧૫ ૯ ¶૧-૪
શા માટે તમારે વચનો પાળવાં જોઈએ?
એમાં કોઈ શંકા નથી કે દેવને કરેલું સમર્પણ એ આપણે આપી શકીએ એવું સૌથી મહત્ત્વનું વચન છે. આ પગલું ભરીને, આપણે પ્રદર્શિત કરીએ છીએ કે આપણે સદાકાળ યહોવાહની સેવા કરવા માંગીએ છીએ. દેવની આજ્ઞાઓ બોજરૂપ નથી એ જ સમયે, આ દુષ્ટ વસ્તુવ્યવસ્થામાં રહીને તેમની ઇચ્છા પ્રમાણે કરવું એ સહેલું પણ નથી. (૨ તીમોથી ૩:૧૨; ૧ યોહાન ૫:૩) પરંતુ એકવખતે ‘હળ પર હાથ મૂકી દીધા’ પછી અને યહોવાહના સમર્પિત સેવકો તેમ જ તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા પછી, આપણે દુન્યવી વાનાઓ જેને આપણે પાછળ છોડી ચૂક્યા છીએ એની તરફ ક્યારેય જોવું જોઈએ નહિ.—લુક ૯:૬૨.
આપણે યહોવાહને પ્રાર્થના કરીએ ત્યારે, નબળાઈઓને આંબવા લડાઈ લડવા, ખ્રિસ્તી ગુણો વિકસાવવા કે દેવશાહી પ્રવૃત્તિઓ વધારવા આપણે વચન આપી શકીએ. આ વચનોને અનુસરવાં આપણને કઈ બાબત મદદ કરશે?—સરખાવો સભાશિક્ષક ૫:૨-૫.
નિખાલસ વચનો હૃદય અને મનમાંથી ઉદ્ભવે છે. માટે ચાલો આપણે, પ્રાર્થનામાં યહોવાહ સમક્ષ આપણું હૃદય ખોલીને, પ્રમાણિકતાથી આપણા ભયો, ઇચ્છાઓ અને નબળાઈઓ વ્યક્ત કરીને આપણાં વચનોને સમર્થન આપીએ. વચન સંબંધી પ્રાર્થના કરવાથી એ વચન પાળવાના આપણો નિર્ણય મજબૂત બનશે. આપણે વચનને દેવના કરજ તરીકે જોઈ શકીએ. કરજ જ્યારે વધારે પ્રમાણમાં હોય ત્યારે, ચૂકવણી હપ્તાથી કરવામાં આવે છે. એ જ રીત, યહોવાહને આપેલાં ઘણાં વચનો પૂરા કરવા માટે સમય લાગી શકે છે. પરંતુ આપણે જે આપી શકીએ એ નિયમિતપણે આપતા રહીને, આપણે બતાવીએ છીએ કે આપણે જે કહ્યું છે એ પ્રમાણે કરીએ છીએ અને એ પ્રમાણે દેવ આપણને આશીર્વાદ આપશે.
આપણે વારંવાર, કદાચ દરરોજ આપણાં વચન વિષ પ્રાર્થના કરીને, બતાવી શકીએ કે વચન સંબંધી આપણે કેટલા ગંભીર છીએ. આથી આપણા આકાશી પિતા જાણશે કે આપણે કેટલા પ્રમાણિક છીએ. એ આપણને દરરોજ યાદ પણ દેવડાવશે. આ સંબંધી દાઊદે આપણા માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. ગીતમાં દાઊદે યહોવાહને આજીજી કરી: “હે ઈશ્વર, મારી અરજ સાંભળ; મારી પ્રાર્થના પર કાન ધર. તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને અર્થે હું સદા તારા નામનું સ્તવન કરીશ.”—ગીતશાસ્ત્ર ૬૧:૧, ૮.
(ગીતશાસ્ત્ર ૬૨:૮) હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો; તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.
હંમેશાં યહોવામાં ભરોસો રાખો!
યહોવામાં ભરોસો રાખવો જરૂરી
માની લો કે તમને કોઈ તકલીફ ઘણી સતાવે છે. એનો હલ લાવવા બનતું બધું કર્યા પછી, તમે પ્રાર્થનામાં એ ચિંતા યહોવાને સોંપી દો છો. હવે તમે કેવું અનુભવશો? તમને ચોક્કસ રાહત મળશે. કારણ કે, હવે યહોવા બધું સંભાળી લેશે એવી તમને ખાતરી છે. (ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ પીતર ૫:૭ વાંચો.) યહોવા સાથે સારો સંબંધ જાળવવા તેમના પર ભરોસો મૂકતા શીખવું બહુ જરૂરી છે. જોકે, એમ કરવું કદાચ અઘરું લાગી શકે. શા માટે? એનું એક કારણ છે કે યહોવા કદાચ તરત જ પ્રાર્થનાનો જવાબ ન પણ આપે.—ગીત. ૧૩:૧, ૨; ૭૪:૧૦; ૮૯:૪૬; ૯૦:૧૩; હબા. ૧:૨.
યહોવા શા માટે હંમેશાં આપણી પ્રાર્થનાઓનો તરત જવાબ આપતા નથી? બાઇબલ જણાવે છે કે યહોવા આપણા પિતા છે અને આપણે તેમનાં બાળકો છીએ. (ગીત. ૧૦૩:૧૩) એક બાળક કોઈ વસ્તુ માગે ત્યારે પિતા તેને તરત જ એ વસ્તુ આપી દેતા નથી. પિતા જાણે છે કે એક ઘડીએ બાળકને કોઈ વસ્તુ જરૂરી લાગે, પણ બીજી જ ઘડીએ એ તેની માટે નકામી બની જાય. બાળક માટે સૌથી સારું શું છે એની પિતાને જાણ છે. પિતાને એ પણ ખબર છે કે બાળકનું કહ્યું કરવાથી બીજાઓ પર કેવી અસર પડશે. તેથી, કહી શકાય કે બાળકને શું અને ક્યારે આપવું એ પિતા સારી રીતે જાણે છે. જો બાળકની દરેક માંગ તરત જ પૂરી કરશે, તો તે પિતા નહિ પણ ગુલામ કહેવાશે. એ જ પ્રમાણે, સ્વર્ગમાંના પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમને ખ્યાલ છે કે આપણને શાની જરૂર છે. તેમજ, સમજદાર પિતાની જેમ તેમને ખ્યાલ છે કે એ જરૂરિયાત પૂરી કરવાનો સૌથી સારો સમય કયો છે. તેથી, સારું રહેશે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે એની રાહ જોઈએ.—વધુ માહિતી: યશાયા ૨૯:૧૬; ૪૫:૯.
યહોવા બહુ સારી રીતે જાણે છે કે કોઈ વ્યક્તિ કેટલું સહન કરી શકે. (ગીત. ૧૦૩:૧૪) તેથી, હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને જરૂરી સહનશક્તિ પૂરી પાડે છે. જોકે, આપણે વધુ સહન નહિ કરી શકીએ, એવું અમુક વાર અનુભવીએ છીએ. પરંતુ, યહોવા વચન આપે છે કે જો કસોટી અસહ્ય બની જશે, તો તે “છૂટકાનો માર્ગ” કાઢશે. (૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.) આપણી સહનશક્તિની હદ યહોવાને સારી રીતે ખબર છે. તેથી, તેમના પર ભરોસો મૂકવાથી આપણને ઘણો દિલાસો મળે છે.
મદદ માટે આપણે યહોવાને પ્રાર્થના કરીએ, પણ જો તરત જવાબ ન મળે તો ધીરજ રાખીએ. હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને મદદ કરવા આતુર છે. પણ તે ધીરજ રાખે છે, જેથી આપણને જરૂરી વસ્તુ સૌથી સારા સમયે આપી શકે. બાઇબલ જણાવે છે: ‘યહોવા તમારા પર દયા કરવા ધીરજથી રાહ જુએ છે અને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવા ન્યાયી ઈશ્વર છે. જેઓ તેમની રાહ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.’—યશા. ૩૦:૧૮.
(ગીતશાસ્ત્ર ૬૫:૧, ૨) હે ઈશ્વર, સિયોનમાં તારી સ્તુતિ થાય તે ઘટિત છે; તારી આગળ માનતા પૂરી કરવામાં આવશે. ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.
યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
આનો વિચાર કરો: ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં તેમણે યહોવાને પોતાના ભક્તોની પ્રાર્થનાઓનો જવાબ આપતા જોયા હતા. પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ પોતાનાં વિચારો અને લાગણીઓ યહોવાને પ્રાર્થનામાં જણાવી હતી. એક વાર તેમણે આખી રાત પ્રાર્થના કરી. (લુક ૬:૧૨; ૨૨:૪૦-૪૬) જો યહોવા પ્રાર્થના સાંભળતા ન હોત, તો શું ઈસુએ એમ કર્યું હોત? ઈસુએ પોતાના શિષ્યોને પણ યહોવાને પ્રાર્થના કરતા શીખવ્યું. જો યહોવા પ્રાર્થના સાંભળતા ન હોત, તો શું ઈસુએ એમ શીખવ્યું હોત? ઈસુને ખાતરી હતી કે યહોવા ખરેખર પ્રાર્થના સાંભળે છે. અરે, તેમણે કહ્યું: ‘હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો ઉપકાર માનું છું. અને તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો.’ આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે.—યોહા. ૧૧:૪૧, ૪૨; ગીત. ૬૫:૨.
કદાચ દરેક વાર તમારી પ્રાર્થનાનો દેખીતો જવાબ ન પણ મળે. પરંતુ, તમને જેની જરૂર છે, ખાસ એના વિશે પ્રાર્થના કરશો ત્યારે, તમે યહોવાનો જવાબ વધુ સારી રીતે જોઈ શકશો. એમ થશે ત્યારે યહોવા સાથેની તમારી મિત્રતા પાક્કી થશે. યહોવાને તમે દિલ ખોલીને તમારી ચિંતા જણાવશો તો તે તમારી નજીક આવશે.
યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો
પ્રાર્થના કરવાથી યહોવાહ માટે પ્રેમ વધે છે
બીજી રીત છે કે દિલથી પ્રાર્થના કરીએ. એનાથી યહોવાહની ભક્તિમાં આપણો ઉત્સાહ વધે છે. ગીતશાસ્ત્ર ૬૫:૨ કહે છે: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.” ઈસ્રાએલીઓ યહોવાહની પસંદ કરાએલી પ્રજા હતી ત્યારે પરદેશીઓ પણ યહોવાહના મંદિરમાં આવીને તેમને પ્રાર્થના કરી શકતા. (૧ રાજા. ૮:૪૧, ૪૨) યહોવાહ ભેદભાવ રાખતા નથી. તેથી, તેમની આજ્ઞા પાળનારાઓને પૂરી ખાતરી છે કે યહોવાહ તેઓનું સાંભળશે. (નીતિ. ૧૫:૮) એટલે બાળકો અને યુવાનો પણ યહોવાહની ભક્તિ કરી શકે છે, કેમ કે “સર્વ લોક”માં તેઓનો પણ સમાવેશ થાય છે.
it-2-E ૬૬૮ ¶૨
પ્રાર્થના
જેઓની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. “પ્રાર્થનાના સાંભળનાર,” યહોવા ઈશ્વરની પાસે “બધી જ જાતિનાં” લોકો આવી શકે છે. (ગી ૬૫:૨, પ્રે.કૃ ૧૫:૧૭) જ્યારે ઈસ્રાએલીઓ ઈશ્વરની ‘પોતાની સંપત્તિ’ ગણાતા હતા ત્યારે પણ તેમના કરારના લોકો અને બીજી જાતિનાં લોકો યહોવા પાસે પ્રાર્થનામાં જઈ શકતા હતા. ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ઈસ્રાએલ છે અને બલિદાન ચઢાવવા યરૂશાલેમનું મંદિર છે, એ તેઓએ સ્વીકારવાનું હતું. (પુન ૯:૨૭, ૨ કા ૬:૩૨, ૩૩; વધુ માહિતી યશા ૧૯:૨૨.) ખ્રિસ્તના બલિદાનથી, યહુદી અને બિનયહુદી વચ્ચેનો તફાવત હંમેશ માટે નાબૂદ થયો. (એફે ૨:૧૧-૧૬) ઇટાલીના કર્નેલ્યસના ઘરમાં, પીતરે કહ્યું કે “ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રે.કૃ ૧૦: ૩૪, ૩૫) એક વ્યક્તિના હૃદયમાં શું છે અને એ તેને શું કરવા પ્રેરે છે, એનાથી વ્યક્તિ વિશે જાણી શકાય છે. (ગી ૧૧૯:૧૪૫; યિ.વિ ૩:૪૧) જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને “તેની નજરમાં જે પસંદ પડે” એવા કામ કરે છે, તેઓ ખાતરી રાખી શકે છે કે તેમના “કાન” પણ તેઓ માટે ખુલ્લા છે.—૧યો ૩:૨૨; ગી ૧૦:૧૭; નીતિ ૧૫:૮; ૧પી ૩:૧૨.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૬૩:૩) કેમ કે તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨
૬૩:૩. યહોવાહની અપાર “કૃપા જીવન કરતાં ઉત્તમ છે.” એના સિવાય જીવન સાવ નકામું છે. એટલે તેમની સાથે આપણે પાકો નાતો બાંધવા બનતું બધું જ કરવું જોઈએ.
(ગીતશાસ્ત્ર ૬૮:૧૮) તું ઉચ્ચસ્થાનમાં ગયો છે, તું બંદીવાનોને લઈને આવ્યો; તેં માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર તેઓમાં રહે.
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨
૬૮:૧૮—“માણસો પાસેથી નજરાણાં લીધાં.” એ શું છે? ઈસ્રાએલીઓએ વચનનો દેશ કબજે કર્યો ત્યારે જે લોકોને પકડીને ગુલામ બનાવ્યા હતા તેઓમાંના પુરુષો. સમય જતાં લેવીઓને મદદ કરવા તેઓમાંથી અમુકને કામ સોંપવામાં આવ્યું.—એઝરા ૮:૨૦.
જુલાઈ ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૬૯-૭૩
“યહોવાના લોકો સાચી ભક્તિ માટે ઉત્સાહી હોય છે”
(ગીતશાસ્ત્ર ૬૯:૯) કેમ કે તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી બનીએ
આજે સાચા ખ્રિસ્તીઓ માટે તાકીદનું કામ ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવાનું અને સર્વ દેશના લોકોને શિષ્યો બનાવવાનું છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) ઈસુના શબ્દો ટાંકતા શિષ્ય માર્કે લખ્યું કે આ કામ સૌથી “પહેલાં” એટલે કે અંત આવતા પહેલાં થવું જોઈએ. (માર્ક ૧૩:૧૦) એટલે જ ઈસુએ કહ્યું હતું કે ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે.’ કાપણીનો એક યોગ્ય સમય હોય છે. એ સમય વીતી જાય એ પહેલાં કાપણી થવી જ થવી જોઈએ.—માથ. ૯:૩૭.
આ બતાવે છે કે પ્રચાર કામ આપણા માટે કેટલું મહત્ત્વનું છે. આપણે એમાં બની શકે એટલો સમય અને શક્તિ આપીએ એ બહુ જરૂરી છે. આનંદની વાત છે કે આજે ઘણા ભાઈ-બહેનો એમ જ કરી રહ્યા છે. અમુક તો પોતાનું જીવન સાદું બનાવીને પાયોનિયર કે મિશનરી તરીકે અથવા દુનિયા ફરતે કોઈ બેથેલમાં સેવા આપી રહ્યા છે. તેઓનું જીવન ખૂબ વ્યસ્ત છે. તેઓએ અનેક ભોગ આપવા પડ્યા હશે અને હજી બીજા પડકારોનો સામનો કરતા હશે. પરંતુ યહોવાહે તેઓને ઘણા આશીર્વાદ આપ્યા છે. આપણે તેઓ માટે ઘણા ખુશ છીએ. (લુક ૧૮:૨૮-૩૦ વાંચો.) પૂરા સમયની સેવા નથી કરી શકતા તેઓ પણ બની શકે એમ જીવન બચાવનારા આ કામમાં ભાગ લે છે. એમાં પોતાનાં બાળકોને મદદ કરવાનો પણ સમાવેશ થાય છે, જેથી તેઓ પણ બચી જાય.—પુન. ૬:૬, ૭.
આપણે જોઈ ગયા તેમ, તાકીદનું કામ અમુક સમયમાં પતાવવું જ પડે છે, કેમ કે એની ચોક્કસ સમય મર્યાદા હોય છે. આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ એની પુષ્કળ સાબિતી શાસ્ત્રમાં અને ઇતિહાસમાં જોવા મળે છે. (માથ. ૨૪:૩, ૩૩; ૨ તીમો. ૩:૧-૫) પરંતુ કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે કહી શકતી નથી કે અંત ક્યારે આવશે. દુષ્ટ ‘જગતના અંતની નિશાની’ વિષે વધારે જણાવતી વખતે ઈસુએ સાફ કહ્યું હતું: ‘તે દિવસ તથા તે ઘડી વિષે ઈશ્વરપિતા વગર કોઈ પણ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.’ (માથ. ૨૪:૩૬) અંતનો ચોક્કસ સમય કોઈ જાણતું નથી. એટલે દિવસો વીતતા જાય તેમ અમુકને, ખાસ કરીને વર્ષોથી પ્રચાર કરતા ભાઈ-બહેનોને પોતાનો ઉત્સાહ જાળવી રાખવો અઘરું લાગી શકે. (નીતિ. ૧૩:૧૨) શું તમને પણ કોઈ વાર પોતાનો ઉત્સાહ ઠંડો પડી ગયો હોય એવું લાગે છે? આજે યહોવાહ અને ઈસુએ સોંપેલા તાકીદના કામમાં આપણો ઉત્સાહ જાળવી રાખવા ક્યાંથી મદદ મળી શકે?
સારો દાખલો બેસાડનાર ઈસુનો વિચાર કરીએ
ઘણાએ યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીને બતાવ્યું છે કે તેમના માટે રાજ્યનું પ્રચાર કામ બહુ મહત્ત્વનું છે. એમ કરવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઈસુ માટે રાજ્યનું સેવાકાર્ય બહુ તાકીદનું હતું, કેમ કે તેમણે ફક્ત સાડા ત્રણ વર્ષમાં ઘણું કામ કરવાનું હતું. પરંતુ ઈસુએ સાચી ભક્તિ માટે જે કર્યું એ આજ સુધી કોઈ કરી શક્યું નથી. તેમણે ઈશ્વરનું નામ જાહેર કર્યું; માણસ માટે ઈશ્વરની ઇચ્છા જાહેર કરી; રાજ્યની ખુશખબર ફેલાવી; ધર્મગુરુઓનો ઢોંગ અને તેઓનું ખોટું શિક્ષણ ખુલ્લું પાડ્યું. તેમણે છેલ્લા શ્વાસ સુધી યહોવાહનું નામ મહાન મનાવ્યું. ઈસુ જ્યાં પણ ગયા ત્યાં લોકોને શીખવવામાં, મદદ કરવામાં અને સાજા કરવામાં કોઈ કસર છોડી નહિ. (માથ. ૯:૩૫) આટલા થોડા સમયમાં આટલું બધું કામ આજ સુધી કોઈએ પણ સિદ્ધ કર્યું નથી. ઈસુએ તેમનાથી થઈ શકે એટલી સખત મહેનત કરી.—યોહા. ૧૮:૩૭.
ઈસુને રાત-દિન સેવાકાર્યમાં લાગી રહેવા શાનાથી પ્રેરણા મળી હશે? દાનીયેલની ભવિષ્યવાણીથી. ઈસુ એનાથી જાણકાર હતા. એ ભવિષ્યવાણીથી તે પારખી શક્યા કે યહોવાહે સેવાકાર્ય પૂરું કરવા કેટલો સમય આપ્યો છે. (દાની. ૯:૨૭) ભવિષ્યવાણી પ્રમાણે, પૃથ્વી પરનું તેમનું સેવાકાર્ય ‘અઠવાડિયાની અધવચમાં’ અથવા સાડા ત્રણ વર્ષ પછી પૂરું થવાનું હતું. ઈસવીસન ૩૩ની વસંતમાં ઈસુએ વાજતે ગાજતે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો એના થોડા જ સમય પછી તેમણે કહ્યું હતું: “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.” (યોહા. ૧૨:૨૩) ઈસુ જાણતા હતા કે પોતાનું મરણ હવે નજીક છે. પરંતુ એ કારણથી તેમણે સેવાકાર્યમાં અથાક મહેનત કરી ન હતી. તે તો યહોવાહની ઇચ્છા પૂરી કરવા અને લોકોને પ્રેમ બતાવવાની કોઈ પણ તક ઝડપી લેવા માંગતા હતા. એ જ પ્રેમથી પ્રેરાઈને તેમણે શિષ્યોને ભેગા કર્યા, તેઓને તાલીમ આપી અને દૂર દૂર પ્રચાર કરવા મોકલ્યા. તેમણે કેમ આમ કર્યું? જેથી પોતે જે પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું એને શિષ્યો સંભાળી શકે અને પોતાના કરતાં વધારે મોટા પાયા પર એને ફેલાવી શકે.—યોહાન ૧૪:૧૨ વાંચો.
ઈસુના જીવનનો એક પ્રસંગ જોરદાર પુરાવો આપે છે કે યહોવાહની ભક્તિમાં તે કેટલા ઉત્સાહી હતા. ઈસવીસન ૩૦ના પાસ્ખાપર્વનો સમય હતો. ઈસુને પોતાનું સેવાકાર્ય શરૂ કર્યાને થોડો જ સમય થયો હતો. તે પોતાના શિષ્યો સાથે યરૂશાલેમમાં આવ્યા અને ‘મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા.’ એ જોઈને ઈસુએ શું કર્યું અને એની તેમના શિષ્યો પર કેવી અસર પડી?—યોહાન ૨:૧૩-૧૭ વાંચો.
એ પ્રસંગે ઈસુએ જે કહ્યું અને કર્યું એનાથી તરત જ શિષ્યોના મનમાં દાઊદની આ ભવિષ્યવાણી યાદ આવી હશે: “તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે.” (ગીત. ૬૯:૯) શિષ્યોને કેમ એ શબ્દો યાદ આવ્યા હશે? કેમ કે ઈસુએ જે કર્યું એમાં ઘણું જોખમ રહેલું હતું. મંદિરમાં ધમધોકાર ચાલતા વેપારને ધર્મગુરુઓ, શાસ્ત્રીઓ અને મંદિરના બીજા અધિકારીઓ અંદરખાનેથી ટેકો આપતા હતા. કેમ નહિ, એનાથી તેઓના પણ ખિસ્સા ભરાતા હતા! આ ધર્મગુરુઓ અને તેઓના ખોટા ધંધાને ખુલ્લા પાડવાથી ઈસુ તેઓની દુશ્મની વહોરી લેતા હતા. એટલે શિષ્યોએ બરાબર જ પારખ્યું હતું કે ઈસુને ‘યહોવાહના મંદિર માટે’ કે સાચી ભક્તિ માટે ઘણો ઉત્સાહ હતો. પણ આ ઉત્સાહ શું છે?
ઉત્સાહ શું છે?
એક શબ્દકોશ ઉત્સાહની આમ વ્યાખ્યા આપે છે: ‘કોઈ કામ પાછળ પૂરી હોંશ, ઉમંગ અને ખંતથી લાગ્યા રહેવું.’ ઈસુના સેવાકાર્યમાં આવો જ ઉત્સાહ જોવા મળતો હતો. એટલે જ ટુડેઝ ઈંગ્લીશ વર્ઝન ગીતશાસ્ત્ર ૬૯:૯માં આમ કહે છે: ‘હે ઈશ્વર, તમારા મંદિર માટેના ઉત્સાહથી મારામાં આગ ભભૂકી ઊઠે છે.’ એ જાણવું રસપ્રદ છે કે પૂર્વ દેશોની અમુક ભાષાઓમાં “ઉત્સાહ” શબ્દ બે ભાગનો બનેલો છે: “ધગધગતું દિલ,” જાણે દિલ સળગતું હોય. એટલે એમાં કોઈ શંકા નથી કે ઈસુને જ્યારે મંદિરમાં કડક પગલાં લેતા જોયા ત્યારે શિષ્યોને દાઊદના શબ્દો યાદ આવ્યા હશે. પરંતુ એવું તો શું હતું જેણે કડક પગલાં લેવા ઈસુના દિલમાં આગ લગાડી હતી?
દાઊદના ગીતમાં જોવા મળતો “ઉત્સાહ” શબ્દ મૂળ હિબ્રૂમાંથી અનુવાદ થયો છે. આ મૂળ શબ્દનો બાઇબલમાં ઘણી જગ્યાએ અનેક રીતે અનુવાદ થયો છે, જેનો ઊંડો અર્થ રહેલો છે. (નિર્ગમન ૩૪:૧૪ વાંચો.) કોમન લેંગ્વેજ બાઇબલ નિર્ગમન ૨૦:૫માં આમ કહે છે: “હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું.” એક બાઇબલ શબ્દકોશ આ મૂળ શબ્દ વિષે સમજાવે છે કે એ મોટા ભાગે લગ્ન-સંબંધને લઈને વધારે વપરાયો છે. જેમ પતિ-પત્નીને એકબીજા પર પૂરો હક્ક હોય છે તેમ, ઈશ્વર પણ તેમના ભક્તો તરફથી પૂરી ભક્તિ ચાહે છે, કેમ કે ભક્તો તેમની માલિકીના છે. ઈશ્વર પોતાનો એ હક્ક જાળવવા પૂરું ધ્યાન રાખે છે. આ બતાવે છે કે બાઇબલમાં ‘ઉત્સાહ’ શબ્દનો કેવો ઊંડો અર્થ રહેલો છે. રમતગમતના ચાહકો પોતાની મનગમતી રમત કે ખેલાડી માટે જે ઉત્સાહ કે હોંશ બતાવે છે એની બાઇબલ વાત કરતું નથી. એ તો એનાથી પણ વધારે ઉત્સાહની વાત કરે છે. દાઊદનો ઉત્સાહ બતાવે છે કે યહોવાહની સામે થનાર અથવા તેમના નામ પર કલંક લાવનારને તે કોઈ રીતે સાંખી લેતા ન હતા. કોઈ એવું કરે તો તરત કડક પગલાં લેતા હતા.
ઈસુને મંદિરમાં કડક પગલાં લેતા જોયા ત્યારે, દાઊદના શબ્દો ઈસુમાં પૂરા થતા શિષ્યો જોઈ શક્યા. યહોવાહનું નામ અને તેમની ભક્તિ માટે ઈસુની સખત મહેનતનું કારણ એ જ ન હતું કે તેમની પાસે થોડો જ સમય છે. તેમને તો પોતાના સેવાકાર્ય માટે અદમ્ય ઉત્સાહ હતો. એટલે જ ઈશ્વરના નામની નિંદા થતી જોઈને તેમણે પરિસ્થિતિ સુધારવા તરત પગલા લીધા. ઈસુએ જ્યારે જોયું કે નમ્ર દિલના લોકો પર ધર્મગુરુઓ જુલમ ગુજારે છે, તેઓનું શોષણ કરે છે ત્યારે એ ઉત્સાહને લીધે જ તે એવા લોકોને દુઃખમાંથી છોડાવવા પ્રેરાયા. તેમણે લોકો આગળ કડક શબ્દોમાં ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા અને તેઓનો વિરોધ કર્યો.—માથ. ૯:૩૬; ૨૩:૨, ૪, ૨૭, ૨૮, ૩૩.
યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી રહીએ
આજે પણ ઈસુના દિવસો જેવા ધર્મગુરુઓ છે, કદાચ એનાથી પણ ખરાબ છે. દાખલા તરીકે, તમને યાદ હશે કે ઈશ્વરના નામ વિષે ઈસુએ શિષ્યોને શીખવેલી પ્રાર્થનામાં સૌથી પહેલી બાબત આ હતી: ‘ઈશ્વરનું નામ પવિત્ર મનાઓ.’ (માથ. ૬:૯) શું આજે આપણને જોવા મળે છે કે ધર્મગુરુઓ, ખાસ કરીને પાદરીઓ લોકોને ઈશ્વરના નામ વિષે શીખવતા હોય? ઈશ્વરના નામને મહિમા આપવા કે એને પવિત્ર મનાવવા વિષે શું તેઓ કંઈ જણાવે છે? ના, પણ એનાથી સાવ ઊલટું તેઓએ ઈશ્વરને ખોટી રીતે રજૂ કર્યા છે. જેમ કે, તેઓ ત્રૈક્ય, અમર આત્મા અને નરક જેવું ખોટું શિક્ષણ શીખવે છે. એનાથી તેઓએ ઈશ્વરને ક્રૂર, જુલમી અને સમજી ન શકાય એવા દર્શાવ્યા છે. એટલું જ નહિ, તેઓના ઢોંગી અને શરમજનક કામોથી ઈશ્વરના નામ પર ઘણું લાંછન આવ્યું છે. (રૂમી ૨:૨૧-૨૪ વાંચો.) એ ઉપરાંત, તેઓએ ઈશ્વરના નામને છુપાવવા બનતી બધી જ કોશિશ કરી છે. અરે એટલે સુધી કે તેઓએ બહાર પાડેલા બાઇબલ અનુવાદોમાંથી ઈશ્વરનું નામ પણ કાઢી નાખ્યું છે. આમ, જે લોકો ઈશ્વરને ઓળખીને તેમની સાથે ગાઢ સંબંધ બાંધવા માગે છે તેઓને આ પાદરીઓ રોકે છે.—યાકૂ. ૪:૭, ૮.
ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરના રાજ્ય વિષે આમ પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું હતું: ‘તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ. ૬:૧૦) ભલે પાદરીઓ ઘણી વાર આ પ્રાર્થનાનું રટણ કરતા હોય, પણ હકીકતમાં તેઓ લોકોને માનવીય સરકારો અને સંસ્થાઓમાં ભરોસો મૂકવા અરજ કરે છે. એ ઉપરાંત ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરતા લોકોને તેઓ તુચ્છ ગણે છે. પરિણામે, પોતાને ખ્રિસ્તી કહેવડાવતા ઘણા લોકોને ઈશ્વરના રાજ્યમાં ભરોસો નથી, અરે, એના વિષે તેઓ ચર્ચા પણ કરતા નથી.
ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે ઈસુએ સાફ જણાવ્યું હતું: ‘તમારું વચન સત્ય છે.’ (યોહા. ૧૭:૧૭) સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ જણાવ્યું હતું કે તે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરʼને પસંદ કરશે, જેઓ લોકોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. (માથ. ૨૪:૪૫) ભલે ચર્ચના ધર્મગુરુઓ બાઇબલમાંથી ઈશ્વરનું જ્ઞાન શીખવવાનો દાવો કરતા હોય, શું તેઓ ઈસુએ સોંપેલા કામને વિશ્વાસુપણે વળગી રહ્યા છે? ના. તેઓ ઘણી વાર બાઇબલ અહેવાલને દંતકથા કહે છે. તેઓએ લોકોને ઈશ્વરના જ્ઞાનથી દિલાસો અને ખરી સમજણ આપ્યા નથી. પરંતુ માનવીય ફિલસૂફીથી લોકોને મનગમતો ઉપદેશ આપ્યો છે. વધુમાં, ચર્ચના સભ્યોને ખુશ રાખવા તેઓ ઈશ્વરના ધોરણોને મચકોડીને સાવ હલકાં ધોરણો શીખવી રહ્યા છે.—૨ તીમો. ૪:૩, ૪.
આ રીતે બાઇબલને નામે, ઈશ્વરને નામે થતા ખોટાં કામો જોઈને ઘણા નેકદિલ લોકો નિરાશ થઈ ગયા છે. અથવા તો ઈશ્વર અને બાઇબલમાંથી તેઓનો ભરોસો સાવ ઊઠી ગયો છે. તેઓ શેતાન અને તેની દુષ્ટ દુનિયાનો શિકાર બની ગયા છે. આપણે રોજ-બ-રોજ આ રીતે ઈશ્વરના નામનો તિરસ્કાર અને નિંદા થતા જોઈએ છીએ ત્યારે કેવું લાગે છે? યહોવાહના ભક્ત તરીકે એને દૂર કરવા શું આપણે પ્રેરાતા નથી? આજે ઘણા નેકદિલ લોકો છેતરાય છે અને જુલમનો શિકાર બને છે. શું તમે તેઓને દિલાસો આપવા ચાહતા નથી? ઈસુએ લોકોને ‘પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા’ જોયા ત્યારે તેઓની દયા ખાઈને બેસી ન રહ્યા. પણ ‘તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.’ (માથ. ૯:૩૬; માર્ક ૬:૩૪) આ બતાવે છે કે ઈસુ સાચી ભક્તિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. આપણે પણ એવો જ ઉત્સાહ બતાવવો જોઈએ.
આપણે પ્રચારમાં ઉત્સાહી બનીએ છીએ ત્યારે પ્રેરિત પાઊલે ૧ તીમોથી ૨:૩, ૪માં લખેલા શબ્દોનો ઊંડો અર્થ સમજીએ છીએ. (વાંચો.) પ્રચારમાં આપણી સખત મહેનતનું કારણ એ જ નથી કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે યહોવાહની ઇચ્છા જાણીએ છીએ અને એ પૂરી કરવા માંગીએ છીએ. તેમની ઇચ્છા છે કે લોકો સત્ય જાણે, ખરા ઈશ્વરને ભજે અને આશીર્વાદ પામે. આપણને પ્રચારમાં બને એટલું વધારે કરવા ઉત્તેજન મળે છે. પરંતુ એનું મુખ્ય કારણ એ નથી કે હવે બહુ સમય રહ્યો નથી. મુખ્ય કારણ તો એ છે કે આપણે ઈશ્વરનું નામ મોટું મનાવવા અને લોકોને તેમની ઇચ્છા જાણવા મદદ કરવા માંગીએ છીએ. એટલે જ આપણે ખરી ભક્તિ માટે ઉત્સાહી છીએ.—૧ તીમો. ૪:૧૬.
યહોવાહના લોકો તરીકે આપણને કેવો સુંદર આશીર્વાદ છે! આપણે હવે જાણીએ છીએ કે માણસજાત અને આ ધરતી માટે ઈશ્વરનો હેતુ શું છે. આપણે લોકોને ખરું સુખ મેળવવા અને ભાવિમાં સુખ-શાંતિભર્યા જીવનની આશા આપવા મદદ કરી શકીએ છીએ. આપણે તેઓને બતાવી શકીએ છીએ કે શેતાનની દુષ્ટ દુનિયાનો અંત આવે ત્યારે એમાંથી બચવા શું કરવું. (૨ થેસ્સા. ૧:૭-૯) યહોવાહનો દિવસ આવતા મોડું થાય છે એવું માનીને નિરાશ થવાને બદલે, આપણે તો ખુશ થવું જોઈએ કે સાચી ભક્તિ માટે ઉત્સાહી બનવા હજી આપણી પાસે સમય છે. (મીખા. ૭:૭; હબા. ૨:૩) આપણે આવો ઉત્સાહ કઈ રીતે કેળવી શકીએ? એના વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું.
(ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮) હે ઈશ્વર, મારી જુવાનીથી તેં મને શીખવ્યું છે; તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. ૧૮ હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ; હું આવતી પેઢીને તારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ.
કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
મોટી ઉંમરની વ્યક્તિ તરીકે તમારી પાસે વર્ષોનો અનુભવ છે. તેથી, આ સવાલ પર વિચાર કરી શકો, “મારામાં હજુ પણ જોશ અને શક્તિ છે, એ માટે હું એનો કઈ રીતે ઉપયોગ કરી શકું?” એક અનુભવી ઈશ્વરભક્ત તરીકે તમારી પાસે એવી તક રહેલી છે જે બીજાઓ પાસે નથી. તમે યહોવા વિશે જે શીખ્યા એ યુવાનોને જણાવી શકો. યહોવાની સેવાથી તમને જે આનંદ મળ્યો એ બીજાઓને જણાવીને તેઓની શ્રદ્ધા મજબૂત કરી શકો. રાજા દાઊદે પ્રાર્થનામાં એવી તક વિશે માંગ્યું હતું. તેમણે કહ્યું: ‘હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે. હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ. હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.’—ગીત. ૭૧:૧૭, ૧૮.
ઘણાં વર્ષોના અનુભવને લીધે મળેલું ડહાપણ બીજાઓને કઈ રીતે આપી શકો? શું તમે યુવાનોને ઘરે આમંત્રણ આપીને તેઓને ઉતેજન આપતી સંગતનો આનંદ માણી શકો? યહોવાની ભક્તિમાં તમને જે ખુશી મળે છે એ બતાવવા, શું તેઓને પ્રચારમાં સાથે લઈ જઈ શકો? ઈશ્વરભક્ત એલીહુએ કહ્યું: ‘મોટી ઉંમરના માણસોએ બોલવું જોઈએ અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ.’ (અયૂ. ૩૨:૭) પ્રેરિત પાઊલે અનુભવી બહેનોને પણ શબ્દો અને અનુભવમાંથી બીજાઓને શીખવવા વિશે ઉત્તેજન આપ્યું હતું. તેમણે લખ્યું કે, ‘વૃદ્ધ સ્ત્રીઓએ સારી શિખામણ આપનારી થવું જોઈએ.’—તીત. ૨:૩.
બીજાઓને મદદ કરવા શું કરી શકાય?
સત્યમાં અનુભવી વ્યક્તિ તરીકે, તમે બીજાઓને ઘણી મદદ કરી શકો છો. આજથી ૩૦ કે ૪૦ વર્ષ પહેલાં તમે જીવનની જે બાબતો કદાચ સમજી શકતા ન હતા તે હવે સમજી શકો છો. હવે તમે જીવનના અલગ અલગ સંજોગોમાં બાઇબલ સિદ્ધાંતોને સારી રીતે લાગુ પાડી શકો છો. તમારી પાસે હવે બીજાઓના દિલ સુધી બાઇબલ સત્યને પહોંચાડવાની આવડત છે. જો તમે એક વડીલ હો, તો તમે જાણો છો કે ખોટું પગલું ભરનાર વ્યક્તિને કઈ રીતે મદદ કરવી. (ગલા. ૬:૧) કદાચ તમને મંડળ, સંમેલનો અને રાજ્યગૃહ બાંધકામ સમિતિના વિભાગોની દેખરેખ રાખવાનો અનુભવ છે. કદાચ તમે જાણો છો કે, લોહી વગરની સારવાર વિશે ડૉક્ટરને કઈ રીતે ઉત્તેજન આપી શકાય. અરે, તમને સત્ય શીખીને થોડો જ સમય થયો હોય તોપણ, તમારી પાસે જીવનનો કીમતી અનુભવ છે. દાખલા તરીકે, જો તમે બાળકો ઉછેર્યાં હોય, તો તમારી પાસે વહેવારુ જ્ઞાન ઘણું હશે. મંડળ માટે મોટી ઉંમરના સભ્યો ખૂબ જ કીમતી છે, કેમ કે તેઓ યહોવાના લોકોને શિક્ષણ, માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે.—અયૂબ ૧૨:૧૨ વાંચો.
તમે પોતાની આવડતોનો ઉપયોગ કઈ રીતે કરી શકો? કદાચ, તમે તરુણો અને યુવાનોને બતાવી શકો કે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરવો અને ચલાવવો જોઈએ. તમે એક બહેન હો તો, યુવાન માતાઓને શીખવી શકો કે બાળકોની કાળજી લેવાની સાથે સાથે યહોવાની ભક્તિમાં કઈ રીતે લાગુ રહેવું. જો તમે એક ભાઈ હો, તો યુવાન ભાઈઓને ઉત્સાહથી ટૉક આપવા અને ખુશખબર સારી રીતે જણાવનાર બનવા મદદ કરી શકો. યુવાનોને તમે શીખવી શકો કે મુલાકાત લેતી વખતે વૃદ્ધ ભાઈ-બહેનોને કઈ રીતે ઉતેજન આપી શકાય. ભલે તમારી પાસે હવે પહેલાં જેટલી શક્તિ નથી. તોપણ, તમારી પાસે યુવાનોને તાલીમ આપવાની સુંદર તક છે. બાઇબલ કહે છે: “જુવાનોનો મહિમા તેઓનું બળ છે; અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પળિયાં છે.”—નીતિ. ૨૦:૨૯.
વધુ જરૂર હોય ત્યાં સેવા આપવી
પ્રેરિત પાઊલ મોટી ઉંમરના હોવા છતાં યહોવાની સેવા કરવામાં ખૂબ વ્યસ્ત રહ્યા. મોટી ઉંમર સુધી તેમણે મિશનરી તરીકે સખત મહેનત કરી હતી અને ઘણી સતાવણીઓ પણ સહી હતી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) તેથી, આશરે સાલ ૬૧માં રોમની જેલમાંથી છૂટ્યા પછી, તે ત્યાં જ રહીને પ્રચાર કરી શક્યા હોત. એ મોટા શહેરમાં ભાઈઓએ તેમના સાથની ચોક્કસ કદર કરી હોત. પરંતુ, પાઊલે જોયું કે બીજા દેશમાં વધારે જરૂર છે. તેથી, તીમોથી અને તીતસ સાથે તે મિશનરી કામમાં પાછા જોડાયા અને એફેસસ, પછી ક્રીત અને કદાચ મકદોનિયા ગયા. (૧ તીમો. ૧:૩; તીત. ૧:૫) તેમણે સ્પેનની મુલાકાત લીધી કે નહિ એ આપણે જાણતા નથી. પરંતુ, પાઊલ ત્યાં જવાનું પણ વિચારતા હતા.—રોમ. ૧૫:૨૪, ૨૮.
પ્રેરિત પીતર ૫૦થી વધુ વર્ષની ઉંમરે એવી જગ્યાઓમાં ગયા જ્યાં જરૂર વધારે હતી. એ આપણે કઈ રીતે કહી શકીએ? પીતર ઉંમરમાં આશરે ઈસુ જેટલા કે એમનાથી મોટા હતા. તેથી, સાલ ૪૯માં તે બીજા પ્રેરિતોને યરૂશાલેમમાં મળ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ. (પ્રે.કૃ. ૧૫:૭) એ સભા પછી, પીતર બાબેલોનમાં સેવા આપવા ગયા. તેમનો હેતુ હતો કે, એ વિસ્તારમાં રહેતા ઘણા યહુદીઓને ખુશખબર આપી શકે. (ગલા. ૨:૯) આશરે સાલ ૬૨માં, તેમણે ઈશ્વરની પ્રેરણાથી જે પહેલો પત્ર લખ્યો ત્યારે તે બાબેલોનમાં જ હતા. (૧ પીત. ૫:૧૩) બીજા દેશમાં રહીને સેવા આપવામાં ઘણા પડકારો હોય છે. પરંતુ, યહોવાની સેવા કરવાનો આનંદ લેવામાં પીતરે ઉંમરને આડે આવવા દીધી નહિ.
આજે ઘણા ઈશ્વરભક્તો ૫૦ કે એથી વધુ ઉંમરના છે. તેઓને લાગ્યું કે પોતાના સંજોગો બદલાયા છે. તેથી, તેઓ હવે યહોવાની સેવા નવી રીતોએ કરી શકે છે. અમુક ભાઈ-બહેનો જરૂર વધુ હોય એવા વિસ્તારોમાં રહેવાં ગયાં છે. જેમ કે, ભાઈ રોબર્ટ લખે છે: ‘મને અને મારી પત્નીને લગભગ ૫૫ વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે યહોવાની સેવા કરવાની અમારી પાસે બીજી ઘણી તક છે. અમારો દીકરો જુદો રહે છે. તેમ જ, હવે અમારાં વૃદ્ધ માબાપ પણ નથી જેઓની કાળજી લેવી પડે. ઉપરાંત, ગુજરી ગયેલાં માબાપ થોડોક વારસો મૂકતાં ગયાં છે. મેં હિસાબ લગાવ્યો કે અમારું ઘર વેચીને જે પૈસા મળશે એનાથી ઘર માટેની લોન ચૂકતે થશે. તેમ જ, પેન્શન મળવાનું શરૂ થાય ત્યાં સુધી એ પૈસાથી અમારું ગુજરાન ચાલી જશે. અમે સાંભળ્યું હતું કે બોલિવિયામાં ઘણા લોકો બાઇબલ અભ્યાસ સ્વીકારે છે. અને ત્યાં ઓછા પૈસામાં ગુજરાન ચાલી જાય છે. તેથી, અમે ત્યાં જવાનું નક્કી કર્યું. નવી જગ્યાએ રહેવું સહેલું ન હતું. ઉત્તર અમેરિકાના અમારા ઘરથી આ જગ્યા ઘણી અલગ હતી. પરંતુ, અમારી મહેનતનાં ઘણાં સારાં ફળ મળ્યાં.’
(ગીતશાસ્ત્ર ૭૨:૩) પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.
(ગીતશાસ્ત્ર ૭૨:૧૨) કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.
(ગીતશાસ્ત્ર ૭૨:૧૪) જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.
(ગીતશાસ્ત્ર ૭૨:૧૬-૧૯) દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની પેઠે ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની પેઠે વધશે. ૧૭ તેનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે; અને તેનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેને ધન્યવાદ આપશે. ૧૮ યહોવા ઈશ્વરને, ઈસ્રાએલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલો તે જ આશ્ચર્યકારક કામો કરે છે; ૧૯ સર્વકાળ સુધી તેના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.
શાસ્ત્રમાંથી સવાલોના જવાબ
ગરીબીનો અંત કોણ લાવશે?
ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયા પર રાજ કરવા પસંદ કર્યા છે. (ગીતશાસ્ત્ર ૨:૪-૮) ઈસુ ગરીબોને મુશ્કેલીઓમાંથી બચાવશે. તેમ જ, જુલમ અને હિંસાનો અંત લાવશે.—ગીતશાસ્ત્ર ૭૨:૮, ૧૨-૧૪ વાંચો.
મદદ માટે પોકાર કરનારાને કોણ છોડાવશે?
નવી દુનિયામાં તમારા માટે ઘણા આશીર્વાદો રહેલા છે
ફરીથી કલ્પના કરો કે યહોવાહની નવી દુનિયામાં મહાન સુલેમાન, ઈસુ ખ્રિસ્તના રાજમાં સારા લોકો જીવનનો કેવો આનંદ માણતા હશે. યહોવાહનું વચન છે: ધરતીને ખૂણે ખૂણે, હા, “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીત. ૭૨:૧૬) આ શબ્દો ભાર આપે છે કે ધરતી ખૂબ જ ફળદ્રુપ હશે. જેમ સુલેમાનના રાજમાં ‘લબાનોન વિસ્તારમાં અઢળક અનાજ’ પાકતું, તેમ આખી ધરતી પર મબલખ પાક ઊતરશે. જરા વિચાર કરો, પછી અનાજની કોઈ અછત નહિ હોય, અપૂરતા પોષણથી કોઈ ટળવળશે નહિ, ભૂખ્યા પેટે કોઈ સૂઈ નહિ જાય! ત્યારે બધા જ લોકો સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજનનો આનંદ માણશે.—યશા. ૨૫:૬-૮; ૩૫:૧, ૨.
આ બધા આશીર્વાદો માટે કોને જશ મળશે? સૌથી પહેલાં તો વિશ્વના સનાતન રાજા યહોવાહને અને પછી ઈસુને. ઈશ્વરની નવી દુનિયામાં આપણે સર્વ પછી એક રાગે આ સુંદર ગીત ગાવા જોડાઈશું: ‘રાજા ઈસુ ખ્રિસ્તનું નામ સર્વદા રહેશે. સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે. યહોવાહ ઈશ્વરને, ઈસ્રાએલના ઈશ્વરને ધન્ય હોજો. એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. સર્વકાળ સુધી તેમના ગૌરવી નામને ધન્ય હોજો. આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.’—ગીત. ૭૨:૧૭-૧૯.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૬૯:૪) જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.
(ગીતશાસ્ત્ર ૬૯:૨૧) વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.
લોકો મસીહની રાહ જોતા હતા
કારણ વગર મસીહને ધિક્કારવામાં આવશે. (ગીત. ૬૯:૪) યોહાને ઈસુના શબ્દો ટાંકતા લખ્યું, “જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા બાપને પણ જોયો છે, અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું છે, કે તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે.” (યોહા. ૧૫:૨૪, ૨૫) અહીંયા “નિયમશાસ્ત્ર,” એટલે એ સમયે લોકો પાસે હયાત આખા શાસ્ત્રની વાત થાય છે. (યોહા. ૧૦:૩૪; ૧૨:૩૪) સુવાર્તાના ચાર પુસ્તકો જણાવે છે કે ઈસુને ધિક્કારવામાં આવ્યા, ખાસ કરીને યહુદી ધર્મગુરુઓ દ્વારા. ઈસુએ કહ્યું હતું: “જગત તમારો દ્વેષ કરી નથી શકતું પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી શાહેદી આપું છું, કે તેનાં કામ ભૂંડાં છે.”—યોહા. ૭:૭.
તેઓને મસીહ મળ્યા
તેઓ મસીહને સરકો અને કડવું પીણું પીવા આપશે. ભવિષ્યવાણી કહે છે: ‘તેમણે મારા ખોરાકમાં ઝેર ભેળવ્યું. મને તરસ લાગી ત્યારે તેમણે સરકો પીવા આપ્યો.’ (ગીત. ૬૯:૨૧, કોમન લેંગ્વેજ) આ ભવિષ્યવાણી સાચી પડી. એ વિષે માત્થીએ લખ્યું, ‘તેઓએ કડવું પીણું ભેળવેલો સરકો ઈસુને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી.’ (NW) અમુક સમય બાદ ‘તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને ચૂસવાને તેને આપી.’—માથ. ૨૭:૩૪, ૪૮.
(ગીતશાસ્ત્ર ૭૩:૨૪) તું તારા બોધથી મને માર્ગ બતાવશે, અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે.
ઈશ્વર તરફથી મહિમા મેળવતા તમને કંઈ ન રોકે!
ગીતશાસ્ત્રના લેખકે ભરોસો બતાવ્યો કે તેમનો જમણો હાથ પકડીને યહોવા, તેમને ખરા મહિમા તરફ લઈ જશે. (ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪ વાંચો.) યહોવા પોતાના વફાદાર ભક્તોને કઈ રીતે મહિમા આપે છે? તેઓની ભક્તિ સ્વીકારીને અને ઘણા આશીર્વાદ આપીને. દાખલા તરીકે, યહોવા પોતાની ઇચ્છા વિશે સમજણ આપે છે. (૧ કોરીં. ૨:૭) જેઓ તેમનું સાંભળે છે અને માને છે, તેઓની સાથે યહોવા ગાઢ મિત્રતા બાંધે છે.—યાકૂ. ૪:૮.
યહોવાએ પોતાના સેવકોને પ્રચારકાર્યની જવાબદારી સોંપીને પણ માન આપ્યું છે. (૨ કોરીં. ૪:૧, ૭) એ જવાબદારી આપણને મહિમા તરફ લઈ જાય છે. જેઓ એ લહાવો સ્વીકારીને યહોવાની ભક્તિ અને બીજાઓને મદદ કરે છે, તેઓને યહોવા આ વચન આપે છે: “જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ.” (૧ શમૂ. ૨:૩૦) એવા ભક્તો યહોવા સાથે સારું નામ બનાવે છે અને ઈશ્વરના બીજા ભક્તો તેમના વખાણ કરે છે.—નીતિ. ૧૧:૧૬; ૨૨:૧.
જુલાઈ ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૭૪-૭૮
“યહોવાનાં કામ યાદ રાખો”
(ગીતશાસ્ત્ર ૭૪:૧૬) દહાડો તારો છે, રાત પણ તારી છે; અજવાળું તથા સૂર્ય તેં સિદ્ધ કર્યાં છે.
(ગીતશાસ્ત્ર ૭૭:૬) રાતમાં મારું ગાએલું ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં પૂછ્યું, કે
(ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨) હું યહોવાનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. ૧૨ વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિશે વિચાર કરીશ.
યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ
આપણે જે ભાઈ-બહેનોના દાખલા જોયા, તેઓને પૂરો ભરોસો છે કે કપરા સંજોગોમાં પણ યહોવાએ તેઓને સાથ આપ્યો છે. આપણે પણ એવી ખાતરી રાખી શકીએ. (ગીત. ૧૧૮:૬, ૭) આપણે આ લેખમાં યહોવાએ આપેલી ચાર ભેટની ચર્ચા કરીશું, જે આપણને તેમના પ્રેમની સાબિતી આપે છે. એ છે: (૧) સૃષ્ટિ, (૨) બાઇબલ, (૩) પ્રાર્થના અને (૪) ઈસુનું બલિદાન. યહોવાએ આપણને આપેલી સારી ભેટો પર મનન કરવાથી, આપણે તેમના અપાર પ્રેમ માટે વધુ આભારી બની શકીશું.—ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨ વાંચો.
યહોવાએ બનાવેલી અદ્ભુત સૃષ્ટિ
યહોવાએ બનાવેલી સૃષ્ટિને જોઈને, શું આપણને તેમના અપાર પ્રેમની ખાતરી થતી નથી? (રોમ. ૧:૨૦) દાખલા તરીકે, તેમણે પૃથ્વીને એ રીતે બનાવી છે, જેનાથી આપણે જીવનનો પૂરો આનંદ માણી શકીએ. એ માટે તેમણે બધું જ પૂરું પાડ્યું છે. ખોરાકનો વિચાર કરો. જીવન ટકાવી રાખવા એ જરૂરી છે. એમાં પણ યહોવાએ કેટલી બધી વિવિધતા આપી છે, જેથી આપણે જીવનનો આનંદ માણી શકીએ! (સભા. ૯:૭) કૅથરીન નામનાં બહેનને સૃષ્ટિની રચના નિહાળવી ખૂબ ગમે છે. ખાસ કરીને, કેનેડાની વસંતઋતુના સમયે. તે કહે છે: ‘આખી સૃષ્ટિમાં જીવનનો રંગ આવતા જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત છે. જેમ કે, ફૂલ-ઝાડનું એના સમયે જમીનમાંથી ઊગી નીકળવું; પક્ષીઓનું દૂર દેશના પ્રવાસેથી પાછા ફરવું. અરે, મારા રસોડાની બારીની બહાર ચબૂતરા પર, રસ્તો ભૂલ્યા વગર, એક નાનકડા પક્ષી હમિંગબર્ડનું આવીને બેસવું. એ બધું જ કેટલું કમાલનું છે! આ રીતે આપણાં દિલને ખુશીથી ભરી દેવા પાછળ ચોક્કસ યહોવાનો પ્રેમ જ છે.’ આપણા પિતા યહોવા પોતે રચેલી સૃષ્ટિને ખૂબ ચાહે છે અને તે ઇચ્છે છે કે આપણે પણ એનો આનંદ માણીએ.—પ્રે.કૃ. ૧૪:૧૬, ૧૭.
આપણે કઈ રીતે પરમેશ્વરને પ્રેમ બતાવી શકીએ?
શું પરમેશ્વરને પ્રેમ કરવા તેમનું જ્ઞાન લેવું જ પૂરતું છે? ના, તેમનું જ્ઞાન લેવાથી આપણે આપોઆપ તેમને પ્રેમ કરવા લાગતા નથી. જેમ જેમ આપણે પરમેશ્વરના ગુણો વિષે જાણતા જઈએ છીએ તેમ તેમ તેમની માટેનો આપણો પ્રેમ વધતો જાય છે. વળી, પરમેશ્વરને કઈ બાબતો ગમે છે, કઈ બાબતો નથી ગમતી, તે આપણી પાસેથી શું માંગે છે વગેરે જાણવાથી તેમની માટેનો આપણો પ્રેમ વધારે ગાઢ થતો જાય છે.
યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. એ તેમના વિષે ઘણી માહિતી આપે છે. એમાંથી આપણને જાણવા મળે છે કે જુદી જુદી પરિસ્થિતિમાં તેમણે કઈ રીતે પોતાના લોકો સાથે વ્યવહાર કર્યો. જરા વિચાર કરો, જ્યારે આપણને કોઈ વહાલી વ્યક્તિ તરફથી પત્ર મળે ત્યારે કેટલો આનંદ થાય છે. એવી જ રીતે, બાઇબલ મેળવીને પણ આપણને એવો જ આનંદ થાય છે. એમાં યહોવાહનાં ગુણો પણ બતાવવામાં આવ્યાં છે.
આપણે પ્રચારમાં જઈએ છીએ ત્યારે જોવા મળે છે કે ફક્ત યહોવાહ વિષે જાણવાથી વ્યક્તિ તેમને પ્રેમ કરવા લાગતી નથી. ઈસુએ તેમના સમયના અમુક યહુદીઓને કહ્યું: “તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમકે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; . . . પણ હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.” (યોહાન ૫:૩૯, ૪૨) અરે, ઘણા લોકો તો યહોવાહ વિષે વર્ષો સુધી શીખે છે તોપણ તેમના દિલમાં યહોવાહના પ્રેમનો છાંટોય હોતો નથી. શા માટે? કેમ કે તેઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. બીજી બાજુ, આપણી સાથે અભ્યાસ કરનાર એવી વ્યક્તિઓ પણ છે કે જેઓનો યહોવાહ માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જાય છે. શા માટે? કારણ કે આપણી જેમ તેઓ પણ આસાફનાં ઉદાહરણને અનુસરે છે. કઈ રીતે?
મનન કરવું
આસાફનો યહોવાહ માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જતો હતો. તેમણે લખ્યું: “હું મનમાં મનન કરૂં છું; . . . હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૭૭:૬, ૧૧, ૧૨) આ ગીતકર્તાની જેમ જો આપણે યહોવાહના કાર્યો પર મનન કરીશું તો આપણા હૃદયમાં પણ યહોવાહ માટેનો પ્રેમ વધશે.
વધુમાં, યહોવાહે આપણને આપેલા આશીર્વાદો પર મનન કરવાથી પણ તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ થાય છે. પ્રેષિત પાઊલે કહ્યું કે આપણે પરમેશ્વરની “સાથે કામ કરનારા” છીએ આથી તેમની સાથેનો આપણો સંબંધ વધે એ ખૂબ મહત્ત્વનું છે. (૧ કોરીંથી ૩:૯) આપણે યહોવાહ માટે પ્રેમ બતાવીએ છીએ ત્યારે, તેમના હૃદયને ખૂબ આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) આપણે યહોવાહને વિનંતી કરીએ અને તે આપણી મુશ્કેલીઓ હલ કરવા મદદ કરે છે ત્યારે પણ તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ થાય છે. પછી આપણે ખાતરીથી કહી શકીએ કે યહોવાહ આપણી સાથે છે.
બે મિત્રો એકબીજા આગળ પોતાનું દિલ ઠાલવે છે ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ગાઢ થતો જાય છે. એવી જ રીતે, આપણે યહોવાહને જણાવીએ કે શા માટે આપણે તેમને સમર્પણ કર્યું છે ત્યારે, તેમની માટેનો આપણો પ્રેમ વધતો જાય છે. આપણે ઈસુના શબ્દો પ્રમાણે જ કરીશું: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦) કઈ રીતે આપણે યહોવાહને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરી શકીએ?
પૂરા હૃદયથી યહોવાહને પ્રેમ કરવો
બાઇબલ હૃદય એટલે કે વ્યક્તિના આંતરિક ગુણોનો ઉલ્લેખ કરે છે. જેમ કે વ્યક્તિની ઇચ્છાઓ, વલણ અને લાગણીઓ. તેથી પૂરા હૃદયથી યહોવાહની સેવા કરવાનો અર્થ એમ થાય કે આપણે યહોવાહના હૃદયને આનંદ પમાડવા માંગીએ છીએ. (ગીતશાસ્ત્ર ૮૬:૧૧) પરમેશ્વરને પસંદ પડે એવા ગુણો વિકસાવીને આપણે બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. આપણે ‘ભૂંડાને ધિક્કારીને અને સારી બાબતોને વળગી રહીને’ પરમેશ્વરને અનુસરીએ છીએ.—રૂમીઓને પત્ર ૧૨:૯.
યહોવાહ માટેનો પ્રેમ આપણી લાગણીઓને અસર કરે છે. દાખલા તરીકે, નોકરીનું કામ આપણને ખૂબ ગમતું હોય શકે અથવા આપણો વધારે સમય લઈ લેતું હોય. પરંતુ શું આપણું હૃદય ત્યાં છે? ના. આપણે યહોવાહને પૂરા હૃદયથી પ્રેમ કરતા હોવાથી, આપણે સૌ પ્રથમ પરમેશ્વરના સેવકો છીએ. આપણે આપણા માબાપ, જીવન સાથી અને બોસને ખુશ કરવાનું ઇચ્છી શકીએ. પરંતુ આપણે યહોવાહને પૂરા હૃદયથી પ્રેમ કરતા હોવાથી પ્રથમ તેમને ખુશ કરવા જઈએ. હા, આપણે તેમને હૃદયમાં મોખરે રાખીએ એ મહત્ત્વનું છે.—માત્થી ૬:૨૪; ૧૦:૩૭.
પૂરા જીવથી યહોવાહને પ્રેમ કરવો
બાઇબલમાં “જીવ” શબ્દ સામાન્ય રીતે, આપણે જે શ્વાસ લઈએ છીએ એને બતાવે છે. તેથી, પૂરા જીવથી યહોવાહને પ્રેમ કરવાનો અર્થ એમ થાય કે આપણે આખી જિંદગી યહોવાહની સ્તુતિ કરીએ અને તેમને પ્રેમ કરીએ.
“જુઓ, આ આપણો દેવ છે”
તમે ઉનાળાની ભરબપોરે ઘરની બહાર જરા ઊભા રહો તો કેવું લાગશે? તમને તાપ લાગશે ખરું ને? પણ ખરેખર એ તો યહોવાહની શક્તિથી બનેલા સૂર્યમાંથી તાપ આવે છે. એથી સવાલ થાય છે કે, સૂર્યમાં કેટલી ગરમી છે? એક અંદાજ પ્રમાણે સૂર્યના કેન્દ્રભાગમાં આશરે ૧.૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. તમે જો એમાંથી રાઈના દાણા જેટલો સૂર્યનો ટૂકડો પૃથ્વી પર મૂકો તો, એની શું અસર થશે એ તમે જાણો છો? એની અસર આસપાસના ૧૫૦ કિલોમીટર સુધી પહોંચશે. એટલે કે એ વિસ્તારમાં જે કંઈ હોય તે વરાળ જ થઈ જશે અને તમે પણ જીવતા ન રહી શકો! જો દર સેકંડે કરોડોના કરોડો હાઇડ્રોજન બૉંબ ફોડવામાં આવે તો, એમાંથી જેટલી ગરમી પેદા થાય, તેટલી જ ગરમી સૂર્ય દર સેકંડે પેદા કરે છે. તેમ છતાં, આપણી પૃથ્વી સૂર્યના ધગધગતા ગોળાથી યોગ્ય અંતરે ફરે છે. જો એ સૂર્યની જરા પણ નજીક હોય તો, પૃથ્વી પર પાણીનું ટીપું પણ ન હોત કેમ કે એ વરાળ બની જાત. તેમ જ જો પૃથ્વી સૂર્યથી દૂર હોય તો, એ બરફનો ગોળો બની જાત અને કોઈ જીવસૃષ્ટિ જ ન હોત. તેથી, પૃથ્વી પર જીવન ટકી શકે એ માટે એને યોગ્ય અંતરે રાખવામાં આવી છે.
જોકે લોકો જાણે છે કે તેઓ સૂર્યને આધારે જીવે છે, છતાં તેઓને એની કોઈ પરવા નથી. એટલું જ નહિ, તેઓ એમાંથી કંઈ શીખતા પણ નથી. યહોવાહ વિષે ગીતશાસ્ત્ર ૭૪:૧૬ કહે છે: “અજવાળું તથા સૂર્ય તેં સિદ્ધ કર્યાં [બનાવ્યા] છે.” હા, સૂર્ય બતાવે છે કે યહોવાહ કેટલા મહાન છે, કારણ કે તે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૬) યહોવાહે તો હિસાબ વગરની ચીજો બનાવી છે. એમાંથી આપણે ફક્ત એક જ વસ્તુની ચર્ચા કરી, જે બતાવે છે કે યહોવાહમાં અપાર શક્તિ છે. યહોવાહે કેવી કેવી ચીજો બનાવી છે એના વિષે આપણે જેમ શીખીએ છીએ, તેમ તેમના માટે આપણો પ્રેમ ઊભરાઈ આવે છે. તેમ જ આપણે યહોવાહની કદર પણ કરીએ છીએ.
(ગીતશાસ્ત્ર ૭૫:૪-૭) મેં વડાઈ કરનારાઓને કહ્યું, વડાઈ કરશો મા; અને દુષ્ટોને કહ્યું, કે શિંગ ઉઠાવશો મા; ૫ મારું તમારું શિંગ ઊંચું ન કરો; અક્કડ ગરદનથી ન બોલો. ૬ કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી. ૭ પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.
ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો
૭૫:૪, ૫, ૧૦—આ કલમોમાં ‘શિંગનો’ અર્થ શું થાય? જાનવરનાં શિંગડાં ખૂબ શક્તિશાળી હોય છે. કવિની ભાષામાં શિંગડાંનો અર્થ શક્તિ કે તાકાત થાય છે. યહોવાહ દુષ્ટોનો નાશ કરીને પોતાના લોકોને શિંગડાંની જેમ શક્તિમાન બનાવે છે. એમાંથી આપણને ચેતવણી મળે છે કે અભિમાની ન બનવું જોઈએ. કેમ કે ફક્ત યહોવાહ જ તેમની શક્તિથી આપણે શક્તિમાન બનાવે છે. એ બતાવે છે કે આપણને મંડળમાં જે જવાબદારીઓ મળે છે, એ યહોવાહ પાસેથી આવે છે.—ગીતશાસ્ત્ર ૭૫:૭.
it-1-E ૧૧૬૦ ¶૭
નમ્રતા
બધાં ભાઈ-બહેનોએ આગેવાની લેનાર ભાઈઓને આધીન રહેવું જોઈએ અને કોઈ પણ નિમણૂક કે સોંપણી માટે યહોવા તરફ આશા રાખવી જોવી જોઈએ, કારણ કે બઢતી તેમના તરફથી મળે છે. (ગી ૭૫:૬, ૭) જેમ કોરાહના અમુક લેવી દીકરાઓએ કહ્યું: “દુષ્ટોના તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.” (ગી ૮૪:૧૦) આવી સાચી નમ્રતા કેળવતા થોડો સમય લાગે છે. દેખરેખની જવાબદારી સંભાળવા વ્યક્તિની લાયકાત વિશે પવિત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે. એ ખાસ જણાવે છે કે કોઈ નવી વ્યક્તિની નિમણૂક થવી ન જોઈએ, “નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે.”—૧તી ૩:૬.
(ગીતશાસ્ત્ર ૭૮:૧૧-૧૭) તેનાં કૃત્યો તથા ચમત્કારો તેણે તેઓને દેખાડ્યાં હતાં તે તેઓ ભૂલી ગયા. ૧૨ મિસર દેશમાં, સોઆનના ક્ષેત્રમાં, તેઓના પિતૃઓની નજર આગળ તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં. ૧૩ તેણે સમુદ્રના બે ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા; અને ઢગલાની પેઠે પાણી સ્થિર રાખ્યું. ૧૪ વળી દહાડે મેઘથી, અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતો હતો. ૧૫ તેણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને, જાણે ઊંડાણમાંથી કાઢ્યું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી પાયું. ૧૬ વળી તેણે ખડકમાંથી પાણીની ધારો કાઢી, અને નદીઓની પેઠે પ્રવાહ ચલાવ્યો. ૧૭ તોપણ તેઓ નિત્ય તેની વિરુદ્ધ પાપ કરતા રહ્યા, એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓએ દંગો ચાલુ રાખ્યો.
શું તમે ઇનામ પર નજર રાખો છો?
યહોવાહનો આવો પ્રેમ જાણીને આપણી આશા હજુ વધે છે. આશા પણ વિશ્વાસ જેટલો જ મહત્ત્વનો ગુણ છે. (૧ કોરીંથી ૧૩:૧૩) બાઇબલમાં “આશા” ભાષાંતર થયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય કે “કંઈક સારું થાય એની રાહ જોવી.” એવી જ આશા વિષે ઈશ્વર ભક્ત પાઊલે લખ્યું: “અમારી મહાન આશા તો એ છે કે તમે બધા તમારી આતુરતા અંત સુધી ટકાવી રાખો, કે જેથી જે બાબતોની આશા તમે રાખો છો તે સત્યમાં પરિણમે. તમે આળસુ બનો એમ અમે ઇચ્છતા નથી, પરંતુ જેઓ વિશ્વાસ કરે છે અને ધીરજ રાખે છે તેઓના જેવા થાઓ.” (હિબ્રૂ ૬:૧૧, ૧૨, પ્રેમસંદેશ) તમે નોંધ કરી કે જો આપણે યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરતા રહીએ, તો આપણી આશા હકીકતમાં બદલાય એની ખાતરી રાખી શકીએ. મનુષ્યોનાં વચનોની જેમ, “એ આશા આપણને નિરાશ કરતી નથી.” (રોમ ૫:૫, સંપૂર્ણ બાઇબલ) તો પછી, આપણે કઈ રીતે આપણી આશાનો દીવો ઝળહળતો રાખી શકીએ?
કઈ રીતે ઇનામ પર નજર રાખી શકાય?
આપણે એકસાથે બે બાજુ જોઈ શકતા નથી. એ જ રીતે, આપણે આ દુનિયાની ચીજ-વસ્તુઓ પર નજર રાખીશું તો, યહોવાહ જે નવી દુનિયા લાવશે એના પર પણ નજર રાખી નહિ શકીએ. પછી ધીમે ધીમે નવી દુનિયાની આશા ઝાંખી થઈને, આપણી નજર સામેથી એકદમ અદૃશ્ય થઈ જશે. એવું આપણામાંથી કોને ગમશે! (લુક ૨૧:૩૪) તેથી, આપણે આપણું ધ્યાન યહોવાહના રાજ અને હંમેશ માટેના જીવનની આશા પર જ રાખીએ.—માત્થી ૬:૨૨.
આપણા ઇનામ પર હંમેશાં નજર રાખવી, એ સહેલું નથી. આપણા જીવનમાં દરરોજ કેટલાય બનાવો બને છે, જેને ધ્યાન આપવું પડે છે. અરે ઘણી બાબતો આપણને લલચાવે પણ ખરી. આવા સંજોગોમાં આપણે કઈ રીતે જીવન જરૂરી બાબતો કરીને, યહોવાહના રાજ્ય અને નવી દુનિયા પર નજર રાખી શકીએ? ચાલો આપણે ત્રણ રીતોનો વિચાર કરીએ.
બાઇબલનો દરરોજ અભ્યાસ કરો. દરરોજ બાઇબલ વાંચવાથી મળતું જ્ઞાન આપણને યહોવાહની ભક્તિ પર જ ધ્યાન આપવા મદદ કરશે. જીવવા માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે, એવી જ રીતે નિયમિત બાઇબલ વાંચન પણ બહુ જ જરૂરી છે. પછી ભલેને આપણે વર્ષોથી બાઇબલ કેમ ન વાંચતા હોઈએ! આપણે એવું નથી વિચારતા કે ‘અત્યાર સુધીમાં તો મેં હજારો વખત ખાધું છે, તો હવે નથી ખાવું!’ એવી જ રીતે ભલેને આપણે બાઇબલ સારી રીતે જાણતા હોઈએ, તેમ છતાં આપણે એ નિયમિત વાંચવું જ જોઈએ. આમ, આપણી આશાનું તેજ વધતું જશે અને આપણો વિશ્વાસ અને પ્રેમ વહેતી નદી જેવા થશે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.
બાઇબલ વાંચી ને એના પર મનન કરો. શા માટે એમ કરવું જોઈએ? એનાં બે કારણો છે. સૌ પ્રથમ તો આપણે જે વાંચીએ છીએ એના પર મનન કરવાથી એ પચાવી શકાય છે. તેમ જ, એનાથી આપણા દિલમાં એની કદર વધે છે. બીજું કે કોઈ વ્યક્તિને વારંવાર યાદ કરવાથી આપણે તેમને ભૂલી જતા નથી, એવી જ રીતે મનન કરીને આપણે યહોવાહને, તેમણે જે કર્યું છે અને જે આશા આપી છે એને કદી ભૂલીશું નહિ. દાખલા તરીકે, મુસા સાથે ઈસ્રાએલી લોકોએ ઇજિપ્ત છોડ્યું અને યહોવાહની અદ્ભુત શક્તિ જોઈ. તેઓ પોતાનો વારસો મેળવે માટે યહોવાહ તેઓને લઈ ગયા તેમ, તેમનું રક્ષણ તેઓએ અનુભવ્યું. તોપણ, ઈસ્રાએલીઓ વચનના દેશમાં જવા અરણ્યમાં પહોંચ્યા ત્યારે, તેઓ કચકચ કરવા લાગ્યા. યહોવાહ જે રીતે અહીં સુધી તેઓને લઈ આવ્યા હતા, એ તેઓ સાવ જ ભૂલી ગયા. (ગીતશાસ્ત્ર ૭૮:૧૧-૧૭) શા માટે?
એ લોકોએ યહોવાહ અને તેમણે આપેલાં વચનો પરથી નજર ખસેડી લીધી. તેઓ એશ-આરામ અને ખાવા-પીવાની વધારે ચિંતા કરવા લાગ્યા. તેઓ પોતાની નજરે જોયેલા ચમત્કારો ભૂલી ગયા અને રાત-દિવસ કચકચ કરવા લાગ્યા. “તેઓ જલદી [યહોવાહનાં] કૃત્યો વિસરી ગયા.” (ગીતશાસ્ત્ર ૧૦૬:૧૩) એ કારણે એ પેઢીના લોકો વચનનાં દેશનો વારસો પામ્યા નહિ.
તેથી, શાસ્ત્ર વાંચતી વખતે કે આપણાં પુસ્તકો કે મૅગેઝિનો વાંચતી વખતે એના પર મનન પણ કરો. આમ કરવાથી આપણે યહોવાહની ભક્તિમાં તલ્લીન થઈ શકીશું. કલ્પના કરો કે તમે ગીતશાસ્ત્રનો અધ્યાય ૧૦૬ વાંચો છો. એમાં બતાવેલા યહોવાહના અનમોલ ગુણો વિચારો. યહોવાહે ઈસ્રાએલીઓ પ્રત્યે કેટલી ધીરજ અને દયા બતાવી. તેઓને વચનનાં દેશમાં લઈ જવા તેમણે શું કર્યું એના પર વિચાર કરો. તેઓ કેટલી વાર યહોવાહની સામા થયા, એ જુઓ. યહોવાહ કેટલા દુઃખી થયા, કેવી ચિંતા કરી હશે, જ્યારે તેમણે બતાવેલી દયા અને ધીરજની લોકોએ કોઈ કદર ન કરી. હવે, ૩૦ અને ૩૧ કલમો પર મનન કરો. જે બતાવે છે કે ફિનહાસ કેવો હિંમતવાળો હતો અને તેને યહોવાહના નામ માટે કેટલો પ્રેમ હતો! આપણને ખાતરી છે કે યહોવાહ એવા ભક્તોને ભૂલી જતા નથી, પણ તેઓને ભરપૂર આશીર્વાદો આપે છે.
બાઇબલના સિદ્ધાંતો જીવનમાં ઊતારો. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તો, આપણે પોતાની નજરે જોઈશું કે યહોવાહની સલાહ આપણા ભલા માટે જ છે. નીતિવચનો ૩:૫, ૬ જણાવે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” જરા વિચારો કે લોકો લાજ-શરમ મૂકીને મન ફાવે તેમ વર્તે છે ત્યારે, તેઓ પર કેવી કેવી મુશ્કેલીઓ આવી પડે છે. ઘડી બે ઘડીની મજા માટે લોકોએ વર્ષો, અરે જિંદગીભર રડવું પડે છે. પરંતુ, જેઓ સાંકડા માર્ગે ચાલે છે, તેઓ હમણાં પણ નવી દુનિયાના આશીર્વાદોનો આનંદ માણે છે. જેથી, તેઓ જીવનના માર્ગે જીવનભર ચાલતા જ રહે.—માત્થી ૭:૧૩, ૧૪; ગીતશાસ્ત્ર ૩૪:૮.
જોકે, બાઇબલના સિદ્ધાંતો પાળવા કંઈ રમત વાત નથી. અમુક વાર બાઇબલના ન પાળીએ તો, તરત જ મુશ્કેલીનો અંત આવી જશે એમ લાગે. જેમ કે, પૈસાની ખેંચ હોય ત્યારે, યહોવાહની ભક્તિ બીજા નંબરે મૂકવાનું મન થઈ શકે. પરંતુ, યહોવાહમાં પૂરો ભરોસો રાખનારાઓ ઇનામ પર નજર રાખે છે, તેઓને જરૂર આશીર્વાદ મળશે. બાઇબલ કહે છે: “જેઓ દેવનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ.” (સભાશિક્ષક ૮:૧૨) ઘણા ભાઈબહેનને અમુક વાર ઓવર-ટાઈમ પણ કરવો પડે. પરંતુ, આપણે કદી પણ એસાવ જેવા ન બનીએ, જેણે યહોવાહે આપેલા વારસાની કદર ન કરી અને એને નકામો ગણ્યો.—ઉત્પત્તિ ૨૫:૩૪; હેબ્રી ૧૨:૧૬.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૭૮:૨) “હું દૃષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ.”
લોકો મસીહની રાહ જોતા હતા
મસીહ વિષેની બીજી ભવિષ્યવાણીઓ
મસીહ, દૃષ્ટાંતો વાપરીને વાત કરશે. ઈશ્વરભક્ત આસાફે પોતાના ગીતમાં જણાવ્યું હતું: “હું દૃષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ.” (ગીત. ૭૮:૨) આપણે કઈ રીતે કહી શકીએ કે આ ભવિષ્યવચન ઈસુને લાગુ પડે છે? એની સાબિતી આપતા માત્થીએ જણાવ્યું હતું કે ઈસુએ ઈશ્વરના રાજ્ય વિષે શીખવવા રાઈનો દાણો અને ખમીરનું દૃષ્ટાંત વાપર્યું. પછી માત્થીએ કહ્યું, “દૃષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ; એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે હું મારું મોં ઉઘાડીને દૃષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયા છે તે હું પ્રગટ કરીશ.” (માથ. ૧૩:૩૧-૩૫) લોકોને અસરકારક રીતે શીખવવા ઈસુ બોધકથા કે દૃષ્ટાંતો વાપરતા હતા.
(ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) તેઓએ કેટલી વાર અરણ્યમાં તેની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેને દુઃખી કર્યો! ૪૧ તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઈસ્રાએલના પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.
w૧૨-E ૧૧/૧ ૧૪ ¶૫
બાઇબલ જીવન સુધારે છે
જેમ જેમ મેં બાઇબલનો અભ્યાસ કર્યો, તેમ તેમ ઈશ્વર માટેનો મારો દૃષ્ટિકોણ બદલાયો. મને જાણવા મળ્યું કે તે દુષ્ટતા અને તકલીફો માટે જવાબદાર નથી, પણ એનાથી ઊલટું, તે લોકોને ખરાબ બાબતો કરતા જુએ ત્યારે તેમને દુઃખ થાય છે. (ઉત્પત્તિ ૬:૬; ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) મેં નક્કી કર્યું કે મારે યહોવાને ક્યારેય દુઃખ ન પહોંચાડવું જોઈએ. મારે તેમના દિલને આનંદ મળે એવા કામ કરવા હતા. (નીતિવચનો ૨૭:૧૧) મેં વધારે દારૂ પીવાનું, તમાકુ વાપરવાનું અને વ્યભિચાર કરવાનું છોડી દીધું. માર્ચ ૧૯૯૪, મેં એક યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું.
ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
શું યહોવાહને લાગણીઓ છે?
જો એનો જવાબ ‘હા’ હોય તો આ સવાલ થાય કે ‘શું આપણું વાણી-વર્તન તેમને ખુશ કરે છે કે દુઃખી કરે છે?’ જ્યારે કે પ્રાચીન સમયના અમુક ફિલસૂફો કહેતા કે ઈશ્વરને લાગણી નથી. તેઓની દલીલ હતી કે મનુષ્યના વર્તનથી ઈશ્વરને કંઈ અસર થતી નથી. પરંતુ બાઇબલ શીખવે છે કે યહોવાહ ઈશ્વરને કોમળ લાગણીઓ છે. તેમની ભક્તિમાં આપણે જે કંઈ કરીએ એની તે ખૂબ કદર કરે છે. ચાલો, ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧ના શબ્દોનો વિચાર કરીએ.
એ અધ્યાય ટૂંકમાં જણાવે છે કે ઈસ્રાએલીઓ સાથે શું થયું, અને યહોવાહ તેઓ સાથે કેવી રીતે વર્ત્યા. યહોવાહે તેઓને મિસરમાંથી છોડાવ્યા પછી પોતાની સાથે ખાસ સંબંધ બાંધવાનો મોકો આપ્યો. તેઓને વચન આપ્યું કે તમે મારા નિયમો પાળશો તો મારું “ખાસ ધન થશો.” આમ, તેઓ યહોવાહનો હેતુ પૂરો કરવામાં એક ખાસ ભાગ ભજવવાના હતા. એમ કરવા ઈસ્રાએલી લોકોએ યહોવાહ સાથે કરાર કર્યો. પણ શું તેઓ એ પ્રમાણે જીવ્યા?—નિર્ગમન ૧૯:૩-૮.
ગીતશાસ્ત્ર ૭૮ના લેખકે એ લોકોના બંડખોર વલણ વિષે કહ્યું: “તેઓએ કેટલી વાર અરણ્યમાં તેની સામે ફિતૂર ઉઠાવ્યું.” (કલમ ૪૦) પછીની કલમ કહે છે કે વારંવાર ‘તેઓએ ઈશ્વરની પરીક્ષા કરી.’ (કલમ ૪૧) ચાલો જોઈએ કે બંડખોર વલણ કઈ રીતે જોવા મળ્યું: મિસરની ગુલામીમાંથી ઈસ્રાએલીઓ આઝાદ થયા, એના થોડા સમય પછી અરણ્યમાં યહોવાહની સામે કચકચ કરવા લાગ્યા. શંકા ઉઠાવવા લાગ્યા કે શું ઈશ્વર ખરેખર તેઓની સંભાળ રાખવા ચાહે છે? (ગણના ૧૪:૧-૪) “તેની સામે ફિતૂર ઉઠાવ્યું,” વિષે બાઇબલ અનુવાદોના એક પુસ્તકે કહ્યું, ‘તેઓએ પોતાનું દિલ કઠણ કર્યું’ અથવા ‘તેઓએ ઈશ્વરનું સાંભળવાની “ના” પાડી.’ તેમ છતાં, ઈસ્રાએલીઓ જ્યારે પણ પસ્તાવો કરીને પાછા ફરતા ત્યારે યહોવાહને દયા આવતી અને માફ કરતા. એ પછી પણ તેઓનો અસલી રંગ દેખાતો રહ્યો.—ગીતશાસ્ત્ર ૭૮:૧૦-૧૯, ૩૮.
ઈસ્રાએલીઓ બંડખોર બનતા ત્યારે યહોવાહને કેવું લાગતું? ૪૦મી કલમ કહે છે: ‘તેઓએ તેમને દુઃખી કર્યા.’ બાઇબલનો બીજો એક અનુવાદ કહે છે: ‘તેઓને લીધે ઈશ્વરને દુઃખ થયું.’ બાઇબલનો જ્ઞાનકોષ સમજાવે છે કે ‘બંડખોર બાળકના વર્તનથી માબાપને દુઃખ થાય તેમ, હિબ્રૂ લોકોના વર્તનથી ઈશ્વરને દુઃખ થતું.’ બંડખોર ઈસ્રાએલીઓએ પોતાના વર્તનથી ‘પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.’—કલમ ૪૧.
ગીતશાસ્ત્ર ૭૮માંથી આપણને શું શીખવા મળે છે? યહોવાહને પોતાના ભક્તો માટે ઊંડી લાગણી છે. એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે યહોવાહ કદી આપણને મદદ કરવાનું બંધ કરતા નથી. તેમ જ, આપણું વર્તન તેમને ખુશ કરી શકે કે દુઃખ પહોંચાડી શકે. શું એ જાણીને તમને યહોવાહના માર્ગમાં ચાલવાની પ્રેરણા મળતી નથી!
પાપી માર્ગમાં ચાલતા રહીને યહોવાહને દુઃખ આપવાને બદલે તેમના ન્યાયી માર્ગમાં ચાલીએ. આમ કરીને આપણે તેમના હૃદયને આનંદ પમાડીશું. યહોવાહ પોતાના ભક્તો પાસેથી એ જ ચાહે છે. તે કહે છે, “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.” (નીતિવચનો ૨૭:૧૧) યહોવાહને ખુશ કરવા ચાલો તેમના માર્ગમાં ચાલતા રહીએ!
જુલાઈ ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૭૯-૮૬
“તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?”
(ગીતશાસ્ત્ર ૮૩:૧-૫) હે ઈશ્વર, તું છાનો ન રહે; હે ઈશ્વર, તું ચૂપ તથા શાંત ન રહે. ૨ તારા શત્રુઓ હુલ્લડ કરે છે, અને તારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે. ૩ તેઓ તારા લોક વિરુદ્ધ કપટભરેલો મનસૂબો કરે છે, તારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે. ૪ તેઓએ કહ્યું છે, ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ, કે ઈસ્રાએલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ. ૫ તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તારી વિરુદ્ધ કરાર કરે છે.
યહોવાહ હંમેશાં પ્રાર્થનાનો જવાબ આપે છે
ખરું કે કવિને પોતાની અને કુટુંબના રક્ષણની ચિંતા તો થઈ જ હશે. પણ તેમને યહોવાહના નામની વધારે ચિંતા હતી. તેમને દુઃખ થયું કે આજુબાજુના દુશ્મનો યહોવાહનું નામ બદનામ કરતા હતા. ખરું કે આ દુષ્ટ જગતમાં આપણને પણ કુટુંબની ચિંતા તો રહેવાની જ. તોપણ યહોવાહના નામની વધારે ચિંતા રાખીએ.—માત્થી ૬:૯, ૧૦ વાંચો.
કવિએ જણાવ્યું કે ઈસ્રાએલના દુશ્મનો આમ કહે છે: ‘ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે તેઓનો નાશ કરીએ, કે ઈસ્રાએલનું નામ હવે પછી રહે જ નહિ.’ (ગીત. ૮૩:૪) તેઓને યહોવાહના ભક્તોથી સખત નફરત હતી. ઈસ્રાએલ પર ચઢાઈ કરવાનું બીજું કારણ પણ હતું. તેઓને ઈસ્રાએલ દેશ પચાવી પાડવો હતો. દુશ્મનો બડાઈ મારતા હતા: “દેવના નિવાસસ્થાનને આપણે પોતાને માટે” મેળવી લઈએ. (ગીત. ૮૩:૧૨) આજે પણ એવું જ બની રહ્યું છે.
(ગીતશાસ્ત્ર ૮૩:૧૬) ફજેતીથી તેઓ પોતાનાં મોઢાં સંતાડે તેમ કર, કે તેઓ, હે યહોવા, તારું નામ શોધે.
યહોવાહ હંમેશાં પ્રાર્થનાનો જવાબ આપે છે
યહોવાહની જીત માટે પ્રાર્થના
આપણો નાશ કરવાના દુશ્મનોના બધાય પ્રયત્નો, યહોવાહ “છેલ્લા સમયમાં” નકામા બનાવે છે. (૨ તીમો. ૩:૧) ગીતશાસ્ત્ર ૮૩:૧૬ કહે છે: “ફજેતીથી તેઓ પોતાનાં મોઢાં સંતાડે તેમ કર, કે તેઓ, હે યહોવાહ, તારૂં નામ શોધે.” અમુક દેશોમાં યહોવાહના ભક્તોએ ઘણો જુલમ સહ્યો. તોપણ, તેઓ અડગ રહ્યા. દુશ્મનો તેઓને રોકવામાં નિષ્ફળ ગયા છે. એ ભાઈ-બહેનોના દાખલાથી ઘણા નમ્ર લોકોએ ‘યહોવાહનું નામ શોધ્યું’ છે. એ દેશોમાં આજે હજારોના હજારો લોકો યહોવાહના ભક્તો બન્યા છે. યહોવાહની મોટી જીત, દુશ્મનોની મોટી હાર!—યિર્મેયાહ ૧:૧૯ વાંચો.
(ગીતશાસ્ત્ર ૮૩:૧૭, ૧૮) તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો; ૧૮ જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવા છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.
તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે?
કોઈએ તમને પહેલી વાર ગીતશાસ્ત્ર ૮૩:૧૮માંથી ઈશ્વરનું નામ બતાવ્યું ત્યારે તમને કેવું લાગ્યું? એ શબ્દો વાંચીને તમને નવાઈ લાગી હશે. એ કલમ કહે છે: ‘જેથી તેઓ જાણે કે તમારું નામ યહોવાહ છે, અને તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’ ત્યારથી કદાચ તમે પણ આ કલમનો ઉપયોગ કર્યો હશે. બીજાઓને પ્રેમાળ ઈશ્વર યહોવાહ વિષે જાણવા મદદ કરી હશે.—રૂમી ૧૦:૧૨, ૧૩.
ખરું કે યહોવાહનું નામ જાણવું મહત્ત્વનું છે. પરંતુ એટલું જ પૂરતું નથી. નોંધ કરો કે ગીતશાસ્ત્રના એક લેખકે બીજી મહત્ત્વની વિગત જણાવી છે, જે આપણા તારણ માટે જરૂરી છે. એ વિગત છે, ‘તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’ સાચે જ યહોવાહ વિશ્વમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. સર્જનહાર તરીકે આપણી આધીનતા માંગવાનો તેમને પૂરો હક છે. (પ્રકટી. ૪:૧૧) તેથી ‘તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?’ આ સવાલના જવાબમાં તમે શું કહેશો?
યહોવાહ હંમેશાં પ્રાર્થનાનો જવાબ આપે છે
ભલે દુશ્મનો વિરોધ કરે, તોપણ આપણે પ્રચાર કરતા રહીએ. (માથ. ૨૪:૧૪, ૨૧) દુશ્મનોને હજુ પણ મોકો છે કે તેઓ પસ્તાવો કરીને યહોવાહના ભક્તો બની શકે છે. જોકે યહોવાહ કાયમ રાહ નહિ જુએ. તેમનું નામ પવિત્ર મનાય એ સૌથી મહત્ત્વનું છે. (હઝકીએલ ૩૮:૨૩ વાંચો.) જલદી જ બધા દેશો ભેગા થઈને, યહોવાહના ભક્તોનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. આપણે પણ કવિની જેમ પ્રાર્થના કરીએ કે “તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો.”—ગીત. ૮૩:૧૭.
યહોવાહનો વિરોધ કરનારાને શરમાવું પડશે. ‘જેઓ સુવાર્તા માનતા નથી’ તેઓ આર્માગેદ્દોનના યુદ્ધમાં “અનંતકાળનો નાશ” પામશે. (૨ થેસ્સા. ૧:૭-૯) તેઓનો નાશ અને ઈશ્વરભક્તોનો બચાવ પુરવાર કરશે કે યહોવાહ એકલા જ ઈશ્વર છે. એ જીત કદી ભૂલાશે નહિ! નવી દુનિયામાં “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રે.કૃ. ૨૪:૧૫) તેઓ પણ યહોવાહની જીત વિષે શીખશે. તેઓ જોઈ શકશે કે કેમ યહોવાહના કહ્યા પ્રમાણે જ જીવવું જોઈએ. નમ્ર લોકો રાજી-ખુશીથી સ્વીકારશે કે યહોવાહ એકલા જ ઈશ્વર છે.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૭૯:૯) હે અમારા તારણના ઈશ્વર, તારા નામના મહિમાને અર્થે અમને સહાય કર; તારા નામની ખાતર અમને છોડાવ, તથા અમારાં પાપનું નિવારણ કર.
ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો
૭૯:૯. યહોવાહ આપણી દરેક પ્રાર્થનાઓ સાંભળે છે. ખાસ કરીને તેમનું નામ નિર્દોષ, પવિત્ર થાય એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે.
(ગીતશાસ્ત્ર ૮૬:૫) કેમ કે, હે પ્રભુ, તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે, તને અરજ કરનાર સર્વ પર તું ઘણો કૃપાળુ છે.
ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો
૮૬:૫. યહોવાહ આપણને ‘ક્ષમા કે માફ કરવા તત્પર છે.’ ખોટું કર્યા પછી જેઓ દિલથી પસ્તાવો કરે છે તેઓને તે માફ કરવા તલપે છે. એ જાણીને આપણા દિલમાં કેટલી ઠંડક થાય છે!