શું તમને “ખ્રિસ્તનું મન” છે?
“તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને . . . એક જ મનના થાઓ, એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો.”—રૂમી ૧૫:૬.
“તેમને એક પણ વખત હસતા જોયા નથી.” પ્રાચીન રોમન અધિકારી હોવાનો દાવો કરનારના લખાણમાં ઈસુનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું. લગભગ ૧૧મી સદીથી એ જ રૂપમાં મળી આવતા આ લખાણથી ઘણા ચિત્રકારો અસર પામ્યા છે.a ઘણાં ચિત્રોમાં, ઈસુને એકદમ ઉદાસ, ભાગ્યે જ હસે એવા ચિતરવામાં આવ્યા છે. પરંતુ, એ ઈસુનું સાચું વર્ણન નથી. બાઇબલમાં તેમને પ્રેમાળ, ઊંડી લાગણીવાળા, દયાળુ વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
૨ ઈસુને જાણવા માટે, અહીં પૃથ્વી પરના તેમના જીવનની સાચી સમજણ આપણે મેળવવી જોઈએ. આપણાં મન અને હૃદય પર એની ઊંડી અસર થવા દેવી જોઈએ. તેથી, ચાલો આપણે માત્થી, માર્ક, લુક અને યોહાનની સુવાર્તાના અમુક અહેવાલો જોઈએ. એ આપણને ‘ખ્રિસ્તના મનની,’ એટલે કે તેમની લાગણી, વિચારો, અને વિવેકબુદ્ધિની ઊંડી સમજણ આપશે. (૧ કોરીંથી ૨:૧૬) એમ કરીએ તેમ વિચારીએ કે, આપણે કઈ રીતે “ખ્રિસ્ત ઈસુના જેવું વલણ” રાખી શકીએ. (રૂમી ૧૫:૫, સરળ ભાષાનું બાઇબલ.) આમ, તેમના પગલે ચાલવાથી, આપણાં જીવનમાં અને બીજાઓ સાથેના સંબંધમાં પણ ઘણો સુધારો થશે.—યોહાન ૧૩:૧૫.
સહુને ગમતા ઈસુ
૩ લોકો ઈસુ પાસે જતા અચકાતા નહિ. જુદા જુદા પ્રસંગોએ, અલગ અલગ પ્રકારના લોકો સંકોચ વગર ઈસુ પાસે પહોંચી જતા. માર્ક ૧૦:૧૩-૧૬ના બનાવ વિષે વિચારો. પૃથ્વી પર ઈસુના જીવનના દહાડા ગણાઈ રહ્યા હતા. તે છેલ્લી વખત યરૂશાલેમ તરફ જઈ રહ્યા હતા, જ્યાં તે ખૂબ દુઃખ સહન કરી મરણ પામવાના હતા.—માર્ક ૧૦:૩૨-૩૪.
૪ કલ્પના કરો કે, હવે લોકો નાનાં બાળકોને ઈસુ પાસે લાવે છે, જેથી તે તેઓને આશીર્વાદ આપે.b જોકે, શિષ્યો બાળકોને રોકવાનો પ્રયત્ન કરે છે. શિષ્યોને એમ થયું હશે કે, આવા અઘરા સંજોગોમાં બાળકો ઈસુને હેરાન કરશે. પરંતુ એ સાચું ન હતું. ઈસુને એની ખબર પડી ત્યારે, તે નારાજ થયા. તેમણે કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા. . . . તેણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૪, ૧૬) ઈસુ બાળકોને વહાલ કરે છે, અને તેઓને પણ એ ગમે છે. ખરેખર, ઈસુ કોમળ અને પ્રેમાળુ છે.
૫ એ ટૂંકો અહેવાલ જ જણાવે છે કે, ઈસુ કેવા હતા. તે સહુને ગમતા હતા. સ્વર્ગમાં તેમનું ઊંચું સ્થાન હતું. છતાં, તેમણે પૃથ્વી પર અપૂર્ણ મનુષ્યોનું અપમાન કરીને, તેઓને હલકા ગણ્યા નહિ. (યોહાન ૧૭:૫) અરે બાળકો પણ તેમની પાસે જતા ગભરાતા નહિ. વળી, કદી હસે નહિ, એવી ઉદાસ વ્યક્તિ પાસે જવાનું કોઈને મન નહિ થાય! નાના-મોટા સર્વ લોકો ઈસુ પાસે જતા, કારણ કે તેઓને ઈસુ પ્રેમાળ, માયાળુ લાગ્યા. તેમ જ, તેઓને ભરોસો હતો કે તે તેઓને જરૂર મદદ કરશે.
૬ એ અહેવાલ પર મનન કરતા, આપણે પૂછી શકીએ, ‘શું મને ખ્રિસ્તનું મન છે? શું લોકો સહેલાઈથી મારી પાસે આવી શકે છે?’ આજે જીવન અઘરું છે. તેથી, દેવના લોકો સહેલાઈથી મદદ માંગી શકે એવા વડીલોની જરૂર છે, જેઓ “પવનથી સંતાવાની જગ્યા હોય.” (યશાયાહ ૩૨:૧, ૨; ૨ તીમોથી ૩:૧) વડીલો, તમે ભાઈઓને પ્રિય ગણો, અને તેઓના ભલા માટે પોતાનાથી બનતુ બધુ કરો તો, તેઓ તમારો પ્રેમ જોઈ શકશે. તેઓ એ તમારા ચહેરા પર જોઈ શકશે, તમારા અવાજમાં સાંભળશે અને તમારા સ્વભાવમાં જોઈ શકશે. આવો પ્રેમ ભાઈઓમાં ભરોસો બાંધશે. જેથી, નાના-મોટા સર્વ તમારી પાસે આવતા અચકાશે નહિ. એક બહેને વડીલ આગળ પોતાનું હૃદય ખોલ્યું. તે સમજાવે છે: “જો એ ભાઈએ મારી સાથે પ્રેમાળ રીતે વાત નહિ કરી હોત, તો મેં કંઈ જ કહ્યું ન હોત. એનાથી મારું હૃદય હલકું થયું.”
બીજાઓની લાગણી સમજનાર
૭ ઈસુ બીજાઓની લાગણી સમજી શકતા હતા. બીમારીથી પીડાતા લોકોને જોઈને તેમને એટલી દયા આવી કે, તેમણે તેઓને સાજા કર્યા. (માત્થી ૧૪:૧૪) તે બીજાઓના સંજોગો અને જરૂરિયાતો પણ ધ્યાનમાં રાખતા હતા. (યોહાન ૧૬:૧૨) એક વખત, લોકો એક આંધળાને સાજો કરવા તેમની પાસે લાવ્યા. ઈસુએ તેને દેખતો કર્યો, પરંતુ તરત જ નહિ. ઈસુએ તેને પૂરેપૂરો દેખતો કર્યો એ પહેલાં, એ માણસે આસપાસના લોકોને ઝાંખા ઝાંખા ‘ઝાડના જેવા ચાલતાં’ જોયા. ઈસુએ શા માટે તેને ધીમે ધીમે સાજો કર્યો? એનું કારણ એ હોય શકે કે, તે અંધારાથી ટેવાયેલો હતો. તેથી, ધીમે ધીમે દૃષ્ટિ મળવાથી, તે સૂર્યનો પ્રકાશ અને લોકોને જોવાનો આઘાત સહી શકે.—માર્ક ૮:૨૨-૨૬.
૮ બત્રીસ સી.ઈ.ના પાસ્ખા પર્વ પછી જે બનાવ બન્યો એનો વિચાર કરો. ઈસુ અને તેમના શિષ્યો ગાલીલના સમુદ્રની પૂર્વ તરફ દકાપોલિસ ગયા. તરત જ, લોકોએ તેઓને શોધી કાઢ્યા. તેઓ ઘણા માંદા તથા અપંગને ઈસુ પાસે લઈ આવ્યા, અને તેમણે એ સર્વને સાજા કર્યા. (માત્થી ૧૫:૨૯, ૩૦) તેઓમાંથી એક માણસને ઈસુએ ખાસ ધ્યાન આપ્યું, જે આપણને માર્કની સુવાર્તામાં જ મળી આવે છે. ચાલો આપણે જોઈએ કે શું બન્યું.—માર્ક ૭:૩૧-૩૫.
૯ એ માણસ બહેરો હતો અને માંડ માંડ બોલી શકતો હતો. ઈસુ તેની લાગણી અને મૂંઝવણ પારખી શક્યા હશે. તેથી, ઈસુ તેને લોકોથી દૂર લઈ ગયા. પછી ઈસુએ ઇશારાથી જણાવ્યું કે પોતે શું કરશે. તેમણે ‘તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી, ને થૂકીને તેની જીભને અડક્યા.’ (માર્ક ૭:૩૩) પછી ઈસુએ ઊંચું જોઈને પ્રાર્થના કરી. આ રીતે ઈસુ માણસને કહી રહ્યા હતા કે, ‘હું જે કરી રહ્યો છું એ પરમેશ્વરની શક્તિથી છે.’ પછી, ઈસુએ કહ્યું: “ઊઘડી જા.” (માર્ક ૭:૩૪) એ જ સમયે, માણસ સાંભળતો અને બોલતો થયો.
૧૦ ઈસુએ બીજાઓ માટે કેટલી કાળજી બતાવી! તે તેઓની લાગણી સમજતા હતા. તેથી, બીજાઓને દુઃખ ન થાય એ રીતે વર્ત્યા. એવી જ રીતે, આપણે પણ ખ્રિસ્તનું મન કેળવીએ. બાઇબલ આગ્રહ કરે છે: “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” (૧ પીતર ૩:૮) ખરેખર, આપણી વાણી અને વર્તનમાં બીજાઓની લાગણીઓ ધ્યાનમાં રાખીએ.
૧૧ આપણે ચાહીએ છીએ કે બીજાઓ આપણી લાગણીની કદર કરે. તેથી મંડળમાં, આપણે પણ એમ જ કરવું જોઈએ. (માત્થી ૭:૧૨) એનો અર્થ એ કે, આપણે સમજી વિચારીને બોલીએ. (કોલોસી ૪:૬) યાદ રાખો કે “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” (નીતિવચન ૧૨:૧૮) કુટુંબ વિષે શું? પ્રેમને કારણે પતિ અને પત્ની એકબીજાની લાગણીની કદર કરે છે. (એફેસી ૫:૩૩) તેઓ કઠોર શબ્દો, વાત-વાતમાં તોડી પાડવું, કે મહેણાં મારવાનું ટાળે છે, જેનાથી લાગણી દુભાય શકે. પ્રેમાળ માબાપ બાળકોની લાગણીને પણ ધ્યાનમાં લે છે. સુધારો કરતી વખતે માબાપ બાળકોનું માન જાળવી રાખશે.c (કોલોસી ૩:૨૧) આપણે બીજાઓની લાગણીઓની કદર કરીને બતાવીએ છીએ કે આપણને ખ્રિસ્તનું મન છે.
બીજાઓમાં ભરોસો રાખનાર
૧૨ ઈસુ જાણતા હતા કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. તેથી, પોતાના શિષ્યો ભૂલ કરી શકે છે. તેમ જ, તે તેઓનું હૃદય પારખી શકતા હતા. (યોહાન ૨:૨૪, ૨૫) છતાં, તેમણે તેઓના અવગુણો ન જોયા, પણ સદ્ગુણો જોયા. તેમ જ, તેમણે તેઓમાં બદલાવાની ઇચ્છા જોઈ. શું યહોવાહે જ તેઓને પસંદ કર્યા ન હતા? (યોહાન ૬:૪૪) તેથી, ઈસુ પોતાના શિષ્યો સાથે પ્રેમથી વર્ત્યા. તેમણે તેઓ પર ભરોસો મૂક્યો.
૧૩ એ ભરોસો ઈસુએ કઈ રીતે બતાવ્યો? તે સ્વર્ગમાં ગયા ત્યારે, પોતાના શિષ્યોને મોટી જવાબદારી સોંપી ગયા. તેમણે પોતાના રાજ્યના જગતવ્યાપી કાર્યની જવાબદારી તેઓને સોંપી. (માત્થી ૨૫:૧૪, ૧૫; લુક ૧૨:૪૨-૪૪) પોતાના સેવાકાર્યમાં, તેમણે નાની નાની બાબતોમાં પણ તેઓ પર ભરોસો રાખ્યો. દાખલા તરીકે, તેમણે હજારોને ચમત્કાર કરીને જમાડ્યા ત્યારે, એ પીરસવાની જવાબદારી તેમના શિષ્યોને સોંપી.—માત્થી ૧૪:૧૫-૨૧; ૧૫:૩૨-૩૭.
૧૪ બીજો એક બનાવ વિચારો. માર્ક ૪:૩૫-૪૧ પ્રમાણે, ઈસુ અને શિષ્યો હોડીમાં ગાલિલીના સમુદ્રની પૂર્વમાં જતા હતા. થોડી વારમાં જ, ઈસુ હોડીમાં ઘસઘસાટ ઊંઘી ગયા. જોકે, આગળ જતા “પવનનું મોટું તોફાન થયું.” આવા તોફાનો ગાલિલીના સમુદ્ર પર વારંવાર થતાં. ગાલિલીનો સમુદ્ર (સમુદ્ર સપાટીથી લગભગ ૨૦૦ મીટર) નીચે છે. તેથી, આજુબાજુ કરતાં એની હવા ગરમ હોય છે, એનાથી હવામાન જલદી બદલાય જાય છે. તેમ જ, ઉત્તરમાં આવેલા હેર્મોન પર્વત પરથી યરદનની ખીણ તરફ સખત પવન વાય છે. ઓચિંતા વાવાઝોડા આવી શકે. આ વિષે વિચારો: ઈસુ ગાલિલીમાં મોટા થયા હતા, તેથી એવા વાવાઝોડા વિષે જાણતા હતા. તોપણ, તે પોતાના શિષ્યો પર ભરોસો મૂકીને, શાંતિથી ઊંઘી ગયા, જેઓમાંના અમુક માછીમારો હતા.—માત્થી ૪:૧૮, ૧૯.
૧૫ શું આપણે ઈસુની જેમ, બીજાઓ પર ભરોસો મૂકીએ છીએ? અમુક ભાઈઓ બીજાઓને જવાબદારી સોંપતા અચકાતા હોય છે. તેઓ માને છે કે, પોતાના વિના કંઈ થઈ શકે નહિ. તેઓ કહેશે કે, ‘જો કંઈક સારી રીતે કરવું હોય તો, એ મારે જ કરવું પડશે!’ પરંતુ, આપણે પોતાને જ માથે બધુ લઈને ચાલ્યા કરીશું તો, આપણે બહુ લાંબુ નહિ ટકીએ, અને કુટુંબ માટે જરાય સમય નહિ રહે. તેમ જ, આપણે ભાઈઓને જરૂરી અનુભવ અને તાલીમ લેવાથી અટકાવીશું. આપણે ભાઈઓ પર ભરોસો મૂકી જવાબદારી સોંપતા અચકાવું જોઈએ નહિ. પોતાને પૂછો: ‘આ બાબતમાં શું મને ઈસુનું મન છે? શું હું માનું છું કે, બીજાઓ પોતાનાથી બનતુ બધુ જ કરશે? શું હું ખુશીથી તેઓને જવાબદારી સોંપું છું?’
શિષ્યોને જવાબદારી સોંપી
૧૬ ઈસુએ બીજી એક રીતે પણ પોતાના શિષ્યોમાં ભરોસો બતાવ્યો. તેમણે તેઓને એ કહી જણાવ્યું. છેલ્લી રાત્રે પોતાના પ્રેષિતોને કહેલા શબ્દોમાં એ જોવા મળે છે. એ રાત્રે જે બન્યું, એ વિચારો.
૧૭ એ સાંજે ઘણું બધુ બન્યું. ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને નમ્રતા શીખવી. પછી, તેમણે પાસ્ખા પર્વની ઉજવણી કરી, જે તેમના મરણની યાદ કરાવશે. પછી, પ્રેષિતો ફરીથી ગરમાગરમ દલીલો કરવા લાગ્યા કે તેઓમાંથી કોણ મોટો બનશે. છતાં, ઈસુએ ધીરજ બતાવી, તેઓને નીચા પાડ્યા નહિ, પણ તેઓને સમજાવ્યા. તેમણે તેઓને જણાવ્યું: “તમે સહુ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમકે એમ લખેલું છે કે હું ઘેટાંપાળકને મારીશ, ને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.” (માત્થી ૨૬:૩૧; ઝખાર્યાહ ૧૩:૭) તે જાણતા હતા કે જરૂરના સમયે તેઓ તેમને છોડી જશે. છતાં, તેમણે તેઓને ઠપકો આપ્યો નહિ. એને બદલે, તેમણે તેઓને કહ્યું: “પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” (માત્થી ૨૬:૩૨) તેમણે તેઓને જણાવ્યું કે તેઓ તેમને છોડી જશે, પરંતુ તે તેઓને છોડશે નહિ. આ આકરો સમય પસાર થઈ જશે ત્યારે, તે તેઓને ફરીથી મળશે.
૧૮ ઈસુએ પોતાનું વચન પાળ્યું. પુનરુત્થાન પછી, ઈસુ ૧૧ વિશ્વાસુ પ્રેષિતોને ગાલીલમાં દેખાયા, જ્યાં બીજા લોકો પણ ભેગા થયા હતા. (માત્થી ૨૮:૧૬, ૧૭; ૧ કોરીંથી ૧૫:૬) ઈસુએ ત્યાં તેઓને મોટી જવાબદારી સોંપી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) પ્રેરિતોનાં કૃત્યો સ્પષ્ટ પુરાવો આપે છે કે પ્રેષિતોએ એ જવાબદારી સારી રીતે પૂરી પાડી. પ્રથમ સદીમાં સુસમાચાર જણાવવામાં તેઓ વિશ્વાસુ રહ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૨; ૪:૩૩; ૫:૨૭-૩૨.
૧૯ ખ્રિસ્તના મન વિષે એ શું શીખવે છે? ઈસુએ પોતાના પ્રેષિતોના અવગુણો જોયા હતા, છતાં તેમણે “તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.” (યોહાન ૧૩:૧) તેઓમાં નબળાઈ હોવા છતાં, તેમણે કહી જણાવ્યું કે, તે તેઓમાં ભરોસો મૂકતા હતા. નોંધ લો કે ઈસુએ તેઓમાં મૂકેલો ભરોસો અને વિશ્વાસ નિષ્ફળ ગયા નહિ. ખરેખર, એનાથી શિષ્યોને સોંપેલું કાર્ય ચાલુ રાખવાની હિંમત મળી.
૨૦ આ સંબંધી આપણે કઈ રીતે ખ્રિસ્ત જેવું મન રાખી શકીએ? ભાઈ-બહેનોથી કંટાળી ન જાવ. તમે ખોટું વિચારતા હશો તો, તમારી વાણી અને વર્તનમાં જણાઈ આવશે. (લુક ૬:૪૫) છતાં, બાઇબલ જણાવે છે કે પ્રેમ “સઘળું ખરૂં માને છે.” (૧ કોરીંથી ૧૩:૭) પ્રેમ સારું વિચારે છે, ખોટું નહિ. એ તોડી પાડવાને બદલે દૃઢ કરે છે. લોકો પ્રેમ અને ઉત્તેજનથી ફૂલેફાલે છે. આપણે ભાઈઓમાં ભરોસો રાખીને, તેઓને દૃઢ કરી શકીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૧) ખ્રિસ્તની જેમ, આપણે પણ ભાઈઓમાં સદ્ગુણો જોઈને તેઓને ઉત્તેજન મળે એ રીતે વર્તીશું.
૨૧ શું ખ્રિસ્તનું મન મેળવવાનો અર્થ એ કે, ઈસુએ કરેલી અમુક બાબતો કરવી પૂરતુ છે? ના. અગાઉના લેખ પ્રમાણે, આપણે ખ્રિસ્તનું મન મેળવવા, તેમની નજરે બાબતો જોતા શીખવું જોઈએ. બાઇબલ આપણને તેમના સ્વભાવ, વિચારો, અને યહોવાહના કાર્ય પ્રત્યે તેમની લાગણીનું બીજું પાસું પણ જણાવે છે. એની ચર્ચા હવે પછીના લેખમાં થશે.
[ફુટનોટ્સ]
a એ લખાણમાં બનાવટી લેખકે પોતાના ધારવા પ્રમાણે, ઈસુના વાળ, દાઢી અને આંખોના રંગ સહિત, તેમનો શારીરિક દેખાવ બતાવ્યો છે. બાઇબલ ભાષાંતરકાર એડગર જે. ગુડસ્પીડ સમજાવે છે કે આ બનાવટ, “ઈસુના દેખાવ વિષે ચિત્રકારના લખાણમાંના વર્ણન અનુસાર કરવામાં આવી” હતી.
b દેખીતી રીતે જ, બાળકો જુદી જુદી ઉંમરના હતાં. અહીં વાપરવામાં આવેલો “બાળકો” શબ્દ મૂળ ભાષામાં યાઐરસની ૧૨ વર્ષની દીકરી માટે પણ વાપરવામાં આવ્યો. (માર્ક ૫:૩૯, ૪૨; ૧૦:૧૩) જોકે, એ વિષેના અહેવાલમાં લુક જે શબ્દ વાપરે છે, એ બાળકોને પણ લાગુ પડી શકે.—લુક ૧:૪૧; ૨:૧૨; ૧૮:૧૫.
c ચોકીબુરજના એપ્રિલ ૧, ૧૯૯૮ના અંકમાં “શું તમે બીજાઓનું સ્વમાન જાળવો છો?” લેખ જુઓ.
તમે સમજાવી શકો?
• શિષ્યોએ બાળકોને ઈસુ પાસે આવતા રોક્યા ત્યારે, તેમણે શું કર્યું?
• ઈસુ કઈ રીતોએ બીજાની લાગણી સમજ્યા?
• ઈસુની જેમ, આપણે કઈ રીતે બીજાઓમાં ભરોસો મૂકી શકીએ?
• ઈસુની જેમ, આપણે કઈ રીતે બીજાઓમાં સદ્ગુણો જોઈ શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. ખ્રિસ્તીરાષ્ટ્રમાં ઈસુના ઘણાં ચિત્રો કેવા હોય છે, અને શા માટે એ ઈસુનું સાચું વર્ણન નથી?
૨. આપણે કઈ રીતે “ખ્રિસ્ત ઈસુના જેવું વલણ” રાખી શકીએ, અને એ આપણને શું કરવા મદદ કરશે?
૩, ૪. (ક) માર્ક ૧૦:૧૩-૧૬માં શું બની રહ્યું હતું? (ખ) શિષ્યોએ બાળકોને ઈસુની પાસે જતા રોક્યા ત્યારે, તેમણે શું કર્યું?
૫. માર્ક ૧૦:૧૩-૧૬ પ્રમાણે, ઈસુ કેવા હતા?
૬. કઈ રીતે વડીલો ઈસુ જેવા બની શકે?
૭. (ક) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે બીજાઓની લાગણી સમજી શકતા હતા? (ખ) શા માટે ઈસુએ એક આંધળા માણસને ધીમે ધીમે દેખતો કર્યો?
૮, ૯. (ક) ઈસુ અને શિષ્યો દકાપોલિસમાં ગયા ત્યારે શું બન્યું? (ખ) ઈસુએ એક બહેરા માણસને કઈ રીતે સાજો કર્યો?
૧૦, ૧૧. મંડળમાં અને કુટુંબમાં આપણે કઈ રીતે બીજાઓની લાગણીની કદર કરી શકીએ?
૧૨. ઈસુ પોતાના શિષ્યો વિષે શું જાણતા હતા?
૧૩. ઈસુએ પોતાના શિષ્યોમાં ભરોસો કઈ રીતે બતાવ્યો?
૧૪. માર્ક ૪:૩૫-૪૧ વિષે ટૂંકમાં જણાવો.
૧૫. ઈસુએ શિષ્યો પર ભરોસો મૂક્યો એમ, આપણે કઈ રીતે કરી શકીએ?
૧૬, ૧૭. ઈસુએ પોતાના પ્રેષિતોની નબળાઈ જાણ્યા છતાં છેલ્લી રાત્રીએ તેઓને કેવું ઉત્તેજન આપ્યું?
૧૮. ગાલિલીમાં, ઈસુએ શિષ્યોને કઈ મોટી જવાબદારી સોંપી, અને તેઓએ કઈ રીતે એ પૂરી કરી?
૧૯. ઈસુએ પુનરુત્થાન પામ્યા પછી જે કર્યું, એ તેમના મન વિષે શું શીખવે છે?
૨૦, ૨૧. આપણે ભાઈ-બહેનોમાં સદ્ગુણો કઈ રીતે જોઈ શકીએ?
[પાન ૧૬ પર ચિત્ર]
બાળકો ઈસુ પાસે જતા અચકાયા નહિ
[પાન ૧૭ પર ચિત્ર]
સહેલાઈથી વાતચીત કરી શકાય એવા વડીલો આશીર્વાદ છે
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસુ બીજાઓ સાથે પ્રેમથી વર્ત્યા