લૂક
૨ એ દિવસોમાં સમ્રાટ* ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે પોતાના આખા રાજ્યના લોકોનાં નામ નોંધવામાં આવે. ૨ (કુરીનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો ત્યારે, આ પહેલી વાર નામ નોંધવામાં આવ્યાં હતાં.) ૩ બધા લોકો નામ નોંધાવવા પોતપોતાનાં શહેર ગયા, જ્યાં તેઓનો જન્મ થયો હતો. ૪ યૂસફ+ ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતો હતો. તે દાઉદના કુટુંબ અને વંશનો હતો. એટલે તે પણ યહૂદિયામાં આવેલા દાઉદના શહેર ગયો, જે બેથલેહેમ+ કહેવાય છે. ૫ તે મરિયમ સાથે નામ નોંધાવવા ગયો, જેની સાથે તેના લગ્ન થઈ ગયા હતા.+ મરિયમને જલદી જ બાળક આવવાનું હતું.+ ૬ તેઓ ત્યાં હતા ત્યારે, બાળકને જન્મ આપવાનો સમય આવી પહોંચ્યો. ૭ મરિયમે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો+ અને તેને કપડાંમાં વીંટાળ્યો. તેણે તેને ગભાણમાં સુવડાવ્યો,+ કેમ કે ધર્મશાળામાં તેઓ માટે જગ્યા ન હતી.
૮ એ પ્રદેશમાં ઘેટાંપાળકો ખેતરમાં રહીને આખી રાત પોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા. ૯ અચાનક યહોવાનો* દૂત તેઓની સામે આવીને ઊભો રહ્યો. યહોવાના* ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું અને તેઓ ઘણા ગભરાઈ ગયા. ૧૦ પણ દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ! જુઓ, હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે. ૧૧ આજે તમારા માટે દાઉદના શહેરમાં+ ઉદ્ધાર કરનાર+ જન્મ્યા છે. તે ખ્રિસ્ત,* તમારા માલિક છે.+ ૧૨ તમારા માટે આ નિશાની છે: તમે એક નાના બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશો.” ૧૩ અચાનક બીજા દૂતોનું મોટું ટોળું આવીને+ એ દૂત સાથે ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યું: ૧૪ “સ્વર્ગમાં ઈશ્વરનો જયજયકાર થાઓ! પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ!”
૧૫ દૂતો તેઓ પાસેથી સ્વર્ગમાં પાછા જતા રહ્યા ત્યારે, ઘેટાંપાળકો એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો જલદી બેથલેહેમ જઈએ. યહોવાના* જણાવ્યા પ્રમાણે ત્યાં શું બન્યું એ જોઈએ.” ૧૬ તેઓ તરત જ ગયા. તેઓએ મરિયમ અને યૂસફને જોયા ને નાના બાળકને ગભાણમાં મૂકેલું જોયું. ૧૭ જ્યારે ઘેટાંપાળકોએ એ બધું જોયું, ત્યારે દૂતે તેઓને આ બાળક વિશે જે કહ્યું હતું એ લોકોને જણાવ્યું. ૧૮ ઘેટાંપાળકોએ જણાવેલી વાત જેઓએ સાંભળી, તેઓ બધા દંગ રહી ગયા. ૧૯ પણ મરિયમે આ બધી વાતો મનમાં રાખી. એનો શું અર્થ થાય એ વિશે તે વિચારવા લાગી.+ ૨૦ ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું, એવું જ તેઓએ સાંભળ્યું અને જોયું. તેઓ ઈશ્વરને મહિમા આપતા અને તેમની સ્તુતિ કરતા પાછા ફર્યા.
૨૧ આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો,+ ત્યારે એ બાળકનું નામ ઈસુ રાખવામાં આવ્યું. મરિયમને ગર્ભ રહ્યો એ પહેલાં જ દૂતે આ નામ આપ્યું હતું.+
૨૨ મૂસાના નિયમશાસ્ત્ર* પ્રમાણે તેઓને શુદ્ધ કરવાનો સમય આવ્યો.+ એટલે તેઓ તેને યહોવાની* સામે રજૂ કરવા યરૂશાલેમ લાવ્યા, ૨૩ જેમ યહોવાના* નિયમશાસ્ત્રમાં લખેલું છે: “દરેક પ્રથમ જન્મેલો* છોકરો યહોવા* માટે પવિત્ર કહેવાય.”+ ૨૪ તેઓએ યહોવાના* નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ્યું: “બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં.”+
૨૫ યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ હતો. તે નેક હતો અને ઈશ્વરભક્ત હતો. તેના પર પવિત્ર શક્તિ હતી. તે એવા સમયની રાહ જોતો હતો જ્યારે ઇઝરાયેલને ઈશ્વર દિલાસો આપે.+ ૨૬ ઈશ્વરે પવિત્ર શક્તિથી તેને જણાવ્યું હતું કે યહોવાના* ખ્રિસ્તને જોયા પહેલાં તેનું મરણ નહિ થાય. ૨૭ પવિત્ર શક્તિથી દોરવાઈને શિમયોન મંદિરમાં આવ્યો. બાળક ઈસુને લઈને તેનાં માબાપ પણ ત્યાં આવ્યાં, જેથી નિયમશાસ્ત્ર પ્રમાણે રિવાજ પાળે.+ ૨૮ શિમયોને બાળકને હાથમાં લીધું અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું: ૨૯ “હે વિશ્વના માલિક,* તમે કહ્યું હતું તેમ હવે તમારો દાસ શાંતિથી મરણ પામી શકશે.+ ૩૦ મારી આંખોએ જોયું છે કે તમે કોના દ્વારા ઉદ્ધાર કરશો.+ ૩૧ સર્વ લોકો જુએ એ રીતે તમે આ બતાવ્યું છે.+ ૩૨ એ એવો પ્રકાશ+ છે, જે પ્રજાઓની આંખો ઉપરથી અંધકારનો પડદો હટાવે છે+ અને તમારા ઇઝરાયેલી લોકો માટે ગૌરવ બને છે.” ૩૩ શિમયોને બાળક વિશે જે કહ્યું એ સાંભળીને તેનાં માતા-પિતા નવાઈ પામ્યાં. ૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને બાળકની મા મરિયમને કહ્યું: “આ બાળકને લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે+ અને બીજા ઊભા થશે.+ ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા લોકો તેની વિરુદ્ધ બોલશે.+ ૩૫ એનાથી ખબર પડશે કે લોકોનાં મનમાં શું છે. (તને એવી વેદના થશે કે જાણે લાંબી તલવારે તને વીંધી નાખી હોય.)”+
૩૬ ત્યાં હાન્ના નામની પ્રબોધિકા પણ હતી. તે આશેરના કુળના ફનુએલની દીકરી હતી. તે વૃદ્ધ હતી અને લગ્ન પછી પોતાના પતિ સાથે સાત વર્ષ રહી હતી. ૩૭ તે ૮૪ વર્ષની વિધવા હતી. તે કદી પણ મંદિરે જવાનું ચૂકતી નહિ. તે રાત-દિવસ ભક્તિ કરતી, ઉપવાસ કરતી અને વિનંતીઓ કરતી. ૩૮ હાન્ના એ જ સમયે તેઓની પાસે આવી અને ઈશ્વરનો આભાર માનવા લાગી. જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા, તેઓને એ બાળક વિશે તે કહેવા લાગી.+
૩૯ યહોવાના* નિયમશાસ્ત્ર+ પ્રમાણે બધું કરી લીધા પછી, યૂસફ અને મરિયમ ગાલીલમાં પોતાના શહેર નાઝરેથ+ પાછાં ગયાં. ૪૦ બાળક મોટું થતું ગયું તેમ બળવાન અને હોશિયાર થતું ગયું. તેના પર ઈશ્વરની કૃપા હતી.+
૪૧ તેનાં માતા-પિતા દર વર્ષે પાસ્ખાના* તહેવાર+ માટે યરૂશાલેમ જતાં હતાં. ૪૨ જ્યારે તે ૧૨ વર્ષનો હતો, ત્યારે રીત પ્રમાણે તેઓ એ તહેવાર ઊજવવા ગયાં.+ ૪૩ તહેવારના દિવસો પૂરા થયા પછી તેઓ પાછાં આવતાં હતાં ત્યારે, તેમનો દીકરો ઈસુ યરૂશાલેમમાં રહી ગયો. પણ તેનાં માતા-પિતાને એનો ખ્યાલ ન હતો. ૪૪ તેઓને લાગ્યું કે તે બીજાઓ સાથે મુસાફરી કરતો હશે. એક દિવસની સફર પછી તેઓ તેને સગાઓ અને ઓળખીતાઓ વચ્ચે શોધવા લાગ્યાં. ૪૫ પણ તે મળ્યો નહિ. એટલે તેઓ યરૂશાલેમ પાછાં આવ્યાં અને તેને બધે શોધવા લાગ્યાં. ૪૬ આખરે ત્રણ દિવસ પછી તે તેઓને મંદિરમાં મળ્યો. તે ધર્મગુરુઓની વચ્ચે બેઠો હતો. તે તેઓને સાંભળતો અને સવાલો પૂછતો હતો. ૪૭ તેની સમજણ અને તેના જવાબોને લીધે, તેને સાંભળનારા સર્વની નવાઈનો પાર ન રહ્યો.+ ૪૮ જ્યારે તેનાં માતા-પિતાએ તેને જોયો, ત્યારે તેઓ દંગ રહી ગયાં. તેની માએ કહ્યું: “દીકરા, તેં અમારી સાથે આવું કેમ કર્યું? તારા પિતા અને હું ઘણાં હેરાન-પરેશાન થઈને તને શોધતાં હતાં.” ૪૯ તેણે કહ્યું: “તમે મને શા માટે શોધતાં હતાં? શું તમે જાણતાં ન હતાં કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ?”+ ૫૦ પણ તેઓ સમજ્યાં નહિ કે તે શું કહેવા માંગતો હતો.
૫૧ પછી તે તેઓની સાથે ગયો અને નાઝરેથ પાછો ફર્યો. તે તેઓને આધીન રહ્યો.*+ આ બધી વાતો તેની માએ પોતાના દિલમાં સંઘરી રાખી.+ ૫૨ ઈસુની સમજણ વધતી ગઈ. તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.