માથ્થી
૧૫ પછી યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા+ અને કહ્યું: ૨ “તમારા શિષ્યો બાપદાદાઓના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.”*+
૩ ઈસુએ તેઓને કહ્યું: “તમારા રિવાજોને લીધે તમે કેમ ઈશ્વરની આજ્ઞાઓ તોડો છો?+ ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+ ૭ ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે ભવિષ્યવાણી કરીને બરાબર જ કહ્યું હતું:+ ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર ચાલ્યાં ગયાં છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.’”+ ૧૦ ત્યાર પછી તેમણે ટોળાને નજીક બોલાવીને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો:+ ૧૧ માણસના મોંમાં જે જાય છે એનાથી તે અશુદ્ધ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે અશુદ્ધ થાય છે.”+
૧૨ પછી શિષ્યોએ આવીને તેમને કહ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, શું એ તમને ખબર છે?”+ ૧૩ તેમણે કહ્યું: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. ૧૪ તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.”+ ૧૫ પિતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ૧૬ ઈસુએ કહ્યું: “શું તમને પણ એની સમજ ન પડી?+ ૧૭ શું તમે નથી જાણતા કે જે મોંમાંથી અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? ૧૮ પણ જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે અને એ વાતો માણસને અશુદ્ધ કરે છે.+ ૧૯ દાખલા તરીકે, દિલમાંથી નીકળતા દુષ્ટ વિચારો માણસને હત્યાઓ, વ્યભિચાર,* ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા તરફ દોરી જાય છે.+ ૨૦ આ બધું માણસને અશુદ્ધ કરે છે, પણ હાથ ધોયા વગર* જમવું માણસને અશુદ્ધ કરતું નથી.”
૨૧ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના વિસ્તારમાં ગયા.+ ૨૨ જુઓ! ફિનીકિયાની* એક સ્ત્રી ત્યાંથી આવી અને મોટેથી પોકારી ઊઠી: “ઓ માલિક, દાઉદના દીકરા, મારા પર દયા કરો. મારી દીકરી દુષ્ટ દૂતની પકડમાં છે. તે એને બહુ રિબાવે છે.”+ ૨૩ તેમણે એ સ્ત્રીને એક શબ્દ પણ ન કહ્યો. તેથી ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.” ૨૪ તેમણે કહ્યું: “મને ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મોકલવામાં આવ્યો નથી.”+ ૨૫ એ સ્ત્રી આવી ત્યારે તેણે તેમની આગળ ઘૂંટણિયે પડીને નમન કર્યું અને કહ્યું: “માલિક, મને મદદ કરો!” ૨૬ તેમણે કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.” ૨૭ તેણે કહ્યું: “હા માલિક, પણ માલિકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.”+ ૨૮ ઈસુએ જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા ગજબની છે. તું જેવું ચાહે છે એવું તને થાઓ.” એ જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
૨૯ ત્યાંથી નીકળ્યા પછી, ઈસુ ગાલીલ સરોવરની પાસે આવ્યા+ અને પહાડ પર જઈને બેઠા. ૩૦ તેમની પાસે મોટું ટોળું આવ્યું. તેઓ લંગડા, અપંગ, આંધળા, મૂંગા અને બીમાર લોકોને ઈસુ આગળ લઈ આવ્યા. તેમણે તેઓને સાજા કર્યા.+ ૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+
૩૨ પછી ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “મને ટોળાની દયા આવે છે,+ કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યા મોકલવા ચાહતો નથી, કદાચ તેઓ રસ્તામાં બેભાન થઈ જાય.”+ ૩૩ પણ શિષ્યોએ કહ્યું: “આટલા બધા લોકો ખાય એટલી રોટલી અમે આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવીએ?”+ ૩૪ એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત અને અમુક નાની માછલીઓ.” ૩૫ તેમણે ટોળાને જમીન પર બેસવા કહ્યું. ૩૬ તેમણે સાત રોટલીઓ અને માછલીઓ લઈને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડીને શિષ્યોને આપી અને શિષ્યોએ ટોળાને આપી.+ ૩૭ બધાએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૩૮ ખાનારાઓમાં ૪,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં. ૩૯ પછી તેમણે ટોળાને વિદાય આપી અને પોતે હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.+