માર્ક
૭ હવે યરૂશાલેમથી આવેલા ફરોશીઓ અને અમુક શાસ્ત્રીઓ તેમની પાસે ભેગા થયા.+ ૨ તેઓએ જોયું કે ઈસુના અમુક શિષ્યો અશુદ્ધ હાથે, એટલે કે હાથ ધોયા વગર* ખાવાનું ખાય છે. ૩ (ફરોશીઓ અને બધા યહૂદીઓ પોતાના બાપદાદાઓના રિવાજોને ચુસ્તપણે વળગી રહે છે. એટલે તેઓ કોણી સુધી હાથ ધોયા વગર ખાતા નથી. ૪ તેઓ બજારમાંથી આવે ત્યારે પણ પોતાને પાણીથી શુદ્ધ કર્યા વગર ખાતા નથી. આવા તો ઘણા રિવાજો તેઓમાં ઊતરી આવ્યા છે, જેને તેઓ ચુસ્તપણે વળગી રહે છે, જેમ કે પ્યાલા, કુંજા અને તાંબાનાં વાસણોને પાણીમાં બોળીને કાઢવાં.)+ ૫ એટલે ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું: “તમારા શિષ્યો બાપદાદાઓના રિવાજો કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે ખાવાનું ખાય છે?”+ ૬ તેમણે તેઓને કહ્યું: “ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે ભવિષ્યવાણી કરીને બરાબર જ લખ્યું હતું: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર ચાલ્યાં ગયાં છે.+ ૭ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.’+ ૮ તમે ઈશ્વરની આજ્ઞાઓને પડતી મૂકો છો અને માણસોના રિવાજોને વળગી રહો છો.”+
૯ તેમણે તેઓને કહ્યું: “તમે તમારા રિવાજોને જાળવી રાખવા ઈશ્વરની આજ્ઞાઓ ચાલાકીથી ટાળો છો.+ ૧૦ દાખલા તરીકે, મૂસાએ કહ્યું હતું કે ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૧૧ પણ તમે કહો છો, ‘કોઈ માણસ પિતાને કે માતાને કહે: “મારી પાસે જે કંઈ છે એ કુરબાન કરેલું છે (એટલે કે, ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે). હું તમને કંઈ મદદ કરી શકતો નથી.”’ ૧૨ આ રીતે તમે એ માણસને પિતા કે માતા માટે કંઈ પણ કરવા દેતા નથી.+ ૧૩ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દો છો.+ તમે આવું તો બીજું ઘણું કરો છો.”+ ૧૪ ઈસુએ ટોળાને ફરી પોતાની પાસે બોલાવીને કહ્યું: “તમે બધા મારું સાંભળો અને એનો અર્થ સમજો.+ ૧૫ એવું કંઈ નથી જે બહારથી માણસની અંદર જઈને તેને અશુદ્ધ કરે, પણ માણસમાંથી જે બહાર નીકળે છે એ તેને અશુદ્ધ કરે છે.”+ ૧૬ *—
૧૭ ઈસુ ટોળાથી દૂર એક ઘરમાં ગયા ત્યારે, તેમના શિષ્યો તેમને એ ઉદાહરણ વિશે સવાલ પૂછવા લાગ્યા.+ ૧૮ તેમણે તેઓને કહ્યું: “શું બીજાઓની જેમ તમે પણ નથી સમજતા? શું તમે નથી જાણતા કે બહારનું કંઈ પણ માણસની અંદર જાય છે એ તેને અશુદ્ધ કરતું નથી? ૧૯ એ તેના હૃદયમાં જતું નથી, પણ તેના પેટમાં જાય છે અને શરીરની બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારના ખોરાકને શુદ્ધ ઠરાવ્યો. ૨૦ તેમણે કહ્યું: “માણસની અંદરથી જે બહાર આવે છે એ તેને અશુદ્ધ કરે છે.+ ૨૧ માણસની અંદરથી, એટલે કે હૃદયમાંથી જ દુષ્ટ વિચારો બહાર નીકળે છે.+ જેમ કે, વ્યભિચાર,* ચોરી, હત્યા, ૨૨ લગ્ન બહાર જાતીય સંબંધ, લોભ, દુષ્ટ કામો, કપટ, બેશરમ કામો,* ઈર્ષાળુ આંખો, નિંદા, ઘમંડ અને મૂર્ખાઈ. ૨૩ આ બધી દુષ્ટ બાબતો માણસની અંદરથી બહાર નીકળે છે અને તેને અશુદ્ધ કરે છે.”
૨૪ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા.+ ત્યાં તે એક ઘરમાં ગયા અને ચાહતા હતા કે કોઈને એની જાણ ન થાય. પણ તે લોકોની નજરથી છૂપા રહી શક્યા નહિ. ૨૫ એક સ્ત્રી હતી, જેની નાની દીકરી ખરાબ દૂતના વશમાં હતી. તે ઈસુ વિશે સાંભળીને તરત આવી અને તેમના પગ આગળ પડી.+ ૨૬ એ સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાના ફિનીકિયાની નાગરિક* હતી. તેણે પોતાની દીકરીને ખરાબ દૂતની પકડમાંથી છોડાવવા ઈસુને વારંવાર આજીજી કરી. ૨૭ પણ ઈસુએ તેને કહ્યું: “પહેલા બાળકોને ધરાઈને ખાવા દે. બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.”+ ૨૮ સ્ત્રીએ કહ્યું: “હા સાહેબ, પણ બાળકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.” ૨૯ એ સાંભળીને ઈસુએ કહ્યું: “તેં આમ કહ્યું છે, એટલે હવે ઘરે જા. તારી દીકરીમાંથી ખરાબ દૂત નીકળી ગયો છે.”+ ૩૦ તે પોતાના ઘરે ગઈ. તેણે જોયું તો તેની દીકરી ખાટલામાં સૂતી હતી અને ખરાબ દૂત તેનામાંથી નીકળી ગયો હતો.+
૩૧ જ્યારે ઈસુ તૂરના પ્રદેશમાંથી પાછા ફર્યા, ત્યારે સિદોનને રસ્તે દકાપોલીસના* પ્રદેશમાંથી પસાર થઈને ગાલીલ સરોવરે આવી પહોંચ્યા.+ ૩૨ ત્યાં લોકો તેમની પાસે એક માણસને લઈ આવ્યા, જે બહેરો હતો અને બરાબર બોલી શકતો ન હતો.+ તેઓએ તેમને વિનંતી કરી કે એ માણસ પર હાથ મૂકીને સાજો કરે. ૩૩ ઈસુ એ માણસને ટોળાથી દૂર એકાંતમાં લઈ ગયા. તેમણે તેના કાનોમાં પોતાની આંગળી નાખી. પછી તે થૂંક્યા અને તેની જીભને અડ્યા.+ ૩૪ તેમણે ઉપર આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું: “એફફથા,” એટલે કે “ખૂલી જા.” ૩૫ એ માણસના કાન ઊઘડી ગયા+ અને તેની જીભ ખૂલી ગઈ. તે બરાબર બોલવા લાગ્યો. ૩૬ ઈસુએ લોકોને આજ્ઞા કરી કે એ વિશે કોઈને કહેવું નહિ.+ પણ તેમણે જેટલી મના કરી એટલી તેઓએ વાત વધારે ફેલાવી.+ ૩૭ તેઓની નવાઈનો કોઈ પાર ન રહ્યો.+ તેઓએ કહ્યું: “તેમનાં બધાં કામો કેવાં જોરદાર છે! અરે, તે બહેરાને સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે.”+