‘હિંમત રાખો જગતને મેં જીત્યું છે’
એ માર્ચ ૩૧, ઇસવી સન ૩૩નો દિવસ છે. યહુદી કૅલેન્ડર પ્રમાણે એ નીસાન મહિનાની ૧૪મી તારીખ છે. દૂર આકાશમાં સૂરજ ડૂબી રહ્યો છે તેમ, ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવવા ભેગા થાય છે. એ માટે તેઓ યરૂશાલેમના એક ઘરમાં મળે છે. ઈસુ પોતાના શિષ્યોને બહુ જ પ્રેમ કરતા હતા. પરંતુ, હવે “જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો” હતો. (યોહાન ૧૩:૧) તેથી, તેમણે તેઓને ભાવિ માટે તૈયાર કર્યા.
એ રાત્રે તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.” (યોહાન ૧૬:૩૩) ઈસુના કહેવાનો અર્થ શું હતો? તેમણે ઉત્તેજન આપ્યું, કે ‘હું જગતના રંગે રંગાયો નથી. જગત દુષ્ટ છે, એટલે હું એના જેવો બન્યો નથી. તમે પણ એમ જ કરી શકો છો.’ ઈસુએ એ સાંજે જે શીખવ્યું, એનાથી શિષ્યો જગત જીતી શકશે.
આજે જગતમાં જ્યાં જુઓ ત્યાં ખરાબ હાલત છે. અન્યાય, હિંસા અને જુલમ આગની જેમ ફેલાય રહ્યા છે. આપણે જ્યારે એનાથી દાઝીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે જેવા સાથે તેવા બનીએ છીએ? શું આપણા પર જગતની ગંદકીના છાંટા ઊડે છે? એ ઉપરાંત, આપણે બધા પાપી છીએ. તેથી, ઘણી વાર આપણે પોતાના દુશ્મન બની બેસીએ છીએ. આ બધાનો શું કોઈ ઉકેલ છે? શું આપણે પોતે જગત પર જીત મેળવી શકીએ? કે પછી આપણે પરમેશ્વરની મદદની બહુ જ જરૂર છે? કઈ રીતે આપણે પરમેશ્વરની મદદ મેળવી શકીએ? એ જાણવા, ચાલો આપણે જોઈએ કે ઈસુએ પોતાના શિષ્યોને છેલ્લા દિવસે શું શીખવ્યું.
નમ્ર બનીએ
અભિમાન વિષે બાઇબલ કહે છે: “અભિમાન વિનાશમાં અને ઉદ્ધતાઈ પતનમાં લઈ જાય છે.” (નીતિવચનો ૧૬:૧૮, IBSI) બાઇબલ એ પણ સલાહ આપે છે: “પોતે કંઈ ન હોવા છતાં પોતે કંઈક છે એવું માનનાર પોતાની જાતને છેતરે છે.” (ગલાતી ૬:૩, IBSI) ખરેખર, અભિમાનથી આપણે પોતાનું જ જીવન બરબાદ કરીએ છીએ. તેથી, આપણે ‘અભિમાન અને ઉદ્ધતાઇથી’ દૂર રહીએ.—નીતિવચનો ૮:૧૩.
ઈસુએ પોતાના શિષ્યોને આ વિષે કઈ રીતે મદદ કરી? એક વાર, તેઓ ઝઘડી પડ્યા કે તેઓમાં મુખ્ય કોણ છે. (માર્ક ૯:૩૩-૩૭) બીજા એક પ્રસંગે, યાકૂબ અને યોહાને પરમેશ્વરના રાજ્યમાં ઊંચી પદવી મેળવવા ઈસુની લાગવગ માંગી. (માર્ક ૧૦:૩૫-૪૫) શિષ્યોના સ્વભાવમાં ફેરફાર કરવાની જરૂર હતી, અને ઈસુ તેઓને મદદ કરવા ચાહતા હતા. તેથી, પાસ્ખા પર્વ પહેલાં તેમણે કમરે રૂમાલ બાંધ્યો, અને શિષ્યોના પગ ધોવા લાગ્યા. પછી, ઈસુએ કહ્યું: “મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.” (યોહાન ૧૩:૧૪) અભિમાન અને નમ્રતામાં કેવો આસમાન જમીનનો ફરક છે!
શું અભિમાન પર સહેલાઈથી જીત મેળવી શકાય છે? એ સાંજે ઈસુએ દગાખોર યહુદા ઈસ્કારીઓતને બહાર મોકલી આપ્યો. થોડો સમય પછી, ૧૧ શિષ્યો ફરીથી ઝઘડી પડ્યા. તેઓના ઝઘડાનું મૂળ શું હતું? તેઓમાં મુખ્ય કોણ! હવે ઈસુએ શું કર્યું? તેઓ પર ગુસ્સે થવાને બદલે, ઈસુએ ધીરજથી સમજાવ્યું: “આ જગતના રાજકર્તાઓ અને મોટા માણસો પોતાને ‘પ્રજાના સેવકો’ કહેવડાવે છે, પણ હકીકતમાં તેઓ પ્રજા પર સત્તા ચલાવે છે! પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે આગેવાન હોય તેણે સૌથી નાના જેવા તથા દાસ સમાન બનવું.” પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું: “હું તમારો ગુરુ હોવા છતાં તમારા સેવક જેવો છું.”—લુક ૨૨:૨૪-૨૭, IBSI.
શિષ્યોના દિલમાં વાત ઊતરી ગઈ. એ વિષે પ્રેષિત પીતરે લખ્યું: “તમે બધા એક વિચારોના અને એક મનના થાઓ. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો. અને એકબીજા પ્રત્યે માયાળુ અને નમ્ર બનો.” (૧ પીતર ૩:૮, પ્રેમસંદેશ) આપણા વિષે શું? આપણું મન પણ આપણને છેતરી શકે છે. એટલે જ પોતાના પર ચાંપતી નજર રાખીએ, કે આપણે અભિમાની નહિ પણ નમ્ર બનીએ. લોકોમાં આપણી વાહ વાહ થાય, અને મોટું નામ મળે એવી વાતોમાં ન પડીએ. બાઇબલ ચેતવણી આપે છે: “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (યાકૂબ ૪:૬) વળી, નીતિવચનો ૨૨:૪ બતાવે છે: “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.”
ભેદભાવ પર જીત મેળવો
આજે દુનિયામાં ચારે બાજુ ભેદભાવની આગ ફેલાયેલી છે. ડર, જુલમ, અન્યાય, ઊંચ-નીચ, જુદા જુદા દેશો, અને જાત-નાતના ભેદ આજે આપણે ક્યાં નથી જોતા? (૨ તીમોથી ૩:૧-૪) જો કે, ઈસુ પૃથ્વી પર હતા, એ જમાનો પણ આવો જ હતો. યહુદીઓએ દાણીઓને નાત બહાર કર્યા હતા. યહુદીઓ સમરૂનીઓ સાથે કંઈ લેવા-દેવા રાખતા ન હતા. (યોહાન ૪:૯) વળી, યહુદીઓને પોતાની જાતના લોકો સિવાય બીજા કોઈ ગમતા નહિ. પરંતુ, પરમેશ્વરની નજરમાં ઊંચ-નીચ, નાત-જાતના કોઈ ભેદભાવ નથી. તેથી, ઈસુનું શિક્ષણ સર્વ માટે હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; ગલાતી ૩:૨૮.
ઈસુએ પોતાના શિષ્યોને નવું જ શિક્ષણ આપતા કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.” શા માટે તેઓએ પ્રેમથી હળી-મળીને રહેવાનું હતું? ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૪, ૩૫) ઈસ્રાએલી લોકોને આજ્ઞા આપવામાં આવી હતી કે, “જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ.” (લેવીય ૧૯:૧૮) ઈસુની આજ્ઞા તદ્દન નવી જ હતી: “મારી આજ્ઞાઓ એ છે, કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૨, ૧૩) ખરેખર, તેઓએ બીજાને પોતાના જીવથી વહાલા ગણવાના હતા.
આજે, જ્યારે બધા સ્વાર્થના સગાં છે, ત્યારે શું આપણે પાપી, અપૂર્ણ વ્યક્તિઓ એમ કરી શકીએ છીએ? હા, આપણે એકલા જ નહિ, પણ લાખો યહોવાહના સાક્ષીઓ એમ કરે છે. તેઓ બાઇબલની આ ચેતવણી ધ્યાનમાં લે છે: “જે કોઈ પોતાના ભાઈનો ધિક્કાર કરે છે તે ખૂની છે અને ખૂની પાસે સાર્વકાળિક [અનંત] જીવન હોતું નથી તેની તમને ખબર છે.” (૧ યોહાન ૩:૧૫, પ્રેમસંદેશ) વળી, યહોવાહના સાક્ષીઓમાં નાત-જાતના કોઈ વાડા નથી. ઊંચ-નીચના કોઈ ભેદ-ભાવ કે દેશ-વિદેશની કોઈ સીમા નથી. તેઓ યુદ્ધોમાં લડતા નથી. એટલું જ નહિ, પણ તેઓ બીજા પર પ્રેમથી જીત મેળવવા બધું જ કરે છે.
જો કે કોઈ આપણા ભાઈબહેન ન હોય, અને આપણી સાથે કડવા ઝેર જેવું વર્તન રાખતા હોય તો શું? જરા આ વિષે વિચારો: ઈસુ વધસ્થંભ પર પીડાઈને મરવાની અણી પર હતા. પરંતુ, પોતાની આ હાલત કરનારા રોમનો માટે પ્રાર્થના કરી: “હે બાપ, તેઓને માફ કર; કેમકે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” (લુક ૨૩:૩૪) તેમના શિષ્ય સ્તેફનને પથ્થરો મારીને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા. સ્તેફનના છેલ્લા શબ્દો આ હતા: “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૬૦) ઈસુ અને સ્તેફને મરતા દમ સુધી પોતાના દુશ્મનો પર પણ પ્રેમ જ વરસાવ્યો. તેથી, બાઇબલ આપણને બધાને સલાહ આપે છે: ‘જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું સારું કરીએ.’—ગલાતી ૬:૧૦.
‘હંમેશનો સહાયક’
ઈસુએ પોતાના ખાસ ૧૧ મિત્રોને જણાવ્યું કે હવે તે સ્વર્ગમાં જવાના હતા. (યોહાન ૧૪:૨૮; ૧૬:૨૮) પરંતુ, સાથે એ પણ જણાવ્યું, કે ‘હું પિતાને વિનંતી કરીશ; અને તે હંમેશને માટે તમારી સાથે રહેવા બીજો સહાયક, મોકલી આપશે.’ (યોહાન ૧૪:૧૬, પ્રેમસંદેશ) આ સહાયક કોણ હશે? તે યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિની વાત કરી રહ્યા હતા. પવિત્ર આત્મા શિષ્યોને બાઇબલની ઊંડી સમજણ આપશે. તેમ જ ઈસુએ શીખવેલી બધી વાતો યાદ કરાવશે.—યોહાન ૧૪:૨૬.
આજે આપણને કઈ રીતે પવિત્ર આત્મા મદદ કરે છે? બાઇબલ પરમેશ્વરની પ્રેરણાથી લખાયું છે. પરંતુ, શું એના લેખકો આપણા જેવા જ ન હતા? બાઇબલ કહે છે: “ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવનાં વચન બોલ્યાં.” (૨ પીતર ૧:૨૦, ૨૧; ૨ તીમોથી ૩:૧૬) બાઇબલનું શિક્ષણ આપણા બધા માટે છે અને એ જે શીખવે છે, એનાથી આપણું જીવન સુખી બને છે. કઈ રીતે? આપણે એ વાંચીએ, અને એના પર મનન કરીને આપણા જીવનમાં ફેરફારો કરીએ. એમ કરવાથી આ તોફાની દરિયા જેવા જગતમાં પણ મનની શાંતિ મળે છે.
બીજી કઈ રીતે પવિત્ર આત્મા આપણો સહાયક છે? પવિત્ર આત્મા આપણને પરમેશ્વરના ગુણો કેળવવા મદદ કરે છે. બાઇબલ કહે છે: “પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા [ધીરજ], માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું [વફાદારી], નમ્રતા તથા સંયમ છે.” વળી, એ પાપી માનવ સ્વભાવ, એટલે કે ઇર્ષા, ક્રોધ, સ્વાર્થ, વૈરભાવ જેવા ખોટાં વિચારો અને કામો પર જીત મેળવવા આપણને ઘણી મદદ કરે છે.—ગલાતી ૫:૧૯-૨૩.
જો કે આપણી મુશ્કેલીઓ કોઈ ચમત્કાર થઈને દૂર થઈ જશે નહિ. પરંતુ, પવિત્ર આત્માની મદદથી આપણે એ સહન કરી શકીશું. (૧ કોરીંથી ૧૦:૧૩) પરમેશ્વરના પવિત્ર આત્માની સહાયથી, આપણે નાની-નાની જ નહિ, પણ હિમાલય જેવી મોટી મુશ્કેલીઓ પણ સહી શકીએ છીએ. (૨ કોરીંથી ૪:૭) પ્રેષિત પાઊલે પોતાના અનુભવ પરથી લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) જે કોઈ ‘ઈસુ પર પ્રેમ રાખીને તેમની આજ્ઞાઓ પાળે છે,’ એ સર્વને પરમેશ્વરનું આ વચન છે!—યોહાન ૧૪:૧૫.
“મારા પ્રેમમાં રહો”
પૃથ્વી પર છેલ્લી રાત્રે, ઈસુએ પોતાના મિત્રોને કહ્યું: “જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તેજ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારો બાપ પ્રેમ રાખશે.” (યોહાન ૧૪:૨૧) તેમણે કહ્યું, “મારા પ્રેમમાં રહો.” (યોહાન ૧૫:૯) કઈ રીતે? જેમ માબાપ આપણને જીવની જેમ ચાહતા હોય તો, આપણે સપનામાં પણ તેમને નારાજ કરવાનું વિચારીશું નહિ. એમ જ, યહોવાહ અને ઈસુ ખ્રિસ્તના પ્રેમની છાયામાં રહેવા આપણે બધું જ કરીશું. એ માટે ધીમે ધીમે આપણો સ્વભાવ પણ સુધારીશું. જો કે એ માટે અને જગતની ભૂંડાઈનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે?
ખાસ આ વાત પર મનન કરો: યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ સાથે આપણે અતૂટ સંબંધ બાંધવો છે. અરનેસ્ટોએa યુવાનીમાં પગ માંડ્યા ત્યારથી જ, એક સાથે બધી મજા માણી લેવા ચાહતો હતો. તેથી, તેણે સારું-નરસું જોયા વિના મન ફાવે તેમ મજા માણી. પછી, તેનું દિલ વીછીની જેમ ડંખવા લાગ્યું. તે સમજાવે છે: “હું પરમેશ્વરને પ્રસન્ન કરવા માગતો હતો. બાઇબલમાંથી હું શીખ્યો કે મારી યુવાની બરબાદ થઈ ગઈ હતી. પરંતુ, હું જીવન બરબાદ કરવા માંગતો ન હતો. તેથી, મેં પરમેશ્વરના માર્ગે ચાલવાનું નક્કી કર્યું. દરરોજ મારે મારા દિલોદિમાગ સાથે લડવું પડતું હતું. મનમાં ગંદા વિચારો આવતા જ રહેતા હતા. હું પરમેશ્વરને મદદ માટે રાત-દિન કાલાવાલા કરતો. બે વર્ષ થયા, હવે હું મારી મુશ્કેલીનો પહાડ સર કરી લેવાની તૈયારીમાં જ છું. એ માટેની મારી લડત ચાલુ જ છે.”
ઈસુએ છેલ્લે યરૂશાલેમમાં પોતાના શિષ્યો સાથે કરેલી પ્રાર્થનામાં કહ્યું: “તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૫, ૧૬) ખરેખર, આપણે જગતમાં જ રહીને, જગતથી અલગ રહેવાનું છે! એ માટે યહોવાહ પ્રેમાળ માબાપની જેમ, આપણા પર નજર રાખીને ઉત્તેજન આપે છે.
‘વિશ્વાસ કરો’
આપણે જાણીએ છીએ કે ‘માણસ માત્ર, ભૂલને પાત્ર.’ તેથી, આપણે હમણાં સંપૂર્ણ બની શકતા નથી કે જગતને સુધારી શકતા નથી. પરંતુ, ઈસુના પગલે ચાલવાથી આપણે ચોક્કસ આ જગતને જીતી શકીએ છીએ. વળી, આપણે ધીમે ધીમે આપણો સ્વભાવ પણ સુધારી શકીએ છીએ.
બાઇબલ બતાવે છે, “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) ઈસુએ પાપ અને મરણમાંથી છોડાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું. પરંતુ એનો લાભ પામવા આપણે ‘વિશ્વાસ કરવાની’ જરૂર છે. (યોહાન ૩:૧૬) તેથી, ચાલો આપણે જિંદગીભર યહોવાહ પરમેશ્વરના માર્ગે ચાલીએ! એ માટે આપણે ડગલેને પગલે ઈસુનું કહેવું માનીએ: “તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.”—યોહાન ૧૪:૧.
[ફુટનોટ્સ]
a નામ બદલવામાં આવ્યું છે.
[પાન ૬, ૭ પર ચિત્ર]
ઈસુએ મિત્રોને અરજ કરી, “મારા પ્રેમમાં રહો”
[પાન ૭ પર ચિત્ર]
બહુ જલદી જ પાપમાંથી મુક્તિ મળશે