કોરીંથીઓને બીજો પત્ર
૪ ઈશ્વરે અમારા પર દયા બતાવીને અમને સેવા સોંપી છે, એટલે અમે હિંમત હારતા નથી. ૨ અમે શરમજનક અને છૂપાં કામો છોડી દીધાં છે. કપટથી ચાલતા નથી કે ઈશ્વરના શિક્ષણમાં ભેળસેળ કરતા નથી.+ પણ સત્ય જાહેર કરીને અમે ઈશ્વર આગળ દરેક મનુષ્ય* માટે સારો દાખલો બેસાડીએ છીએ.+ ૩ ખરું જોતાં, અમે જે ખુશખબર જાહેર કરીએ છીએ એના પર જો પડદો પડેલો હોય, તો એ નાશ થનારા લોકો માટે છે. ૪ તેઓના કિસ્સામાં, આ દુનિયાના* દેવે+ શ્રદ્ધા ન રાખનારા લોકોનાં મન આંધળાં કર્યાં છે,+ જેથી ખ્રિસ્ત, જેમનામાં ઈશ્વર જેવા ગુણો છે,+ તેમના વિશેની ભવ્ય ખુશખબરનો પ્રકાશ તેઓ પર ન પડે.+ ૫ કેમ કે અમે પોતાના વિશે નહિ, પણ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રચાર કરીએ છીએ કે તે આપણા માલિક છે. અમે પોતાના વિશે કહીએ છીએ કે અમે ઈસુના લીધે તમારા સેવકો છીએ. ૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+
૭ અમારી પાસે આ ખજાનો+ માટીનાં વાસણોમાં* છે,+ જેથી દેખાઈ આવે કે અમને મળેલી તાકાત માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે અને એ તાકાત* અમારી પોતાની નથી, પણ ઈશ્વર પાસેથી મળી છે.+ ૮ અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ, છતાં ફસાઈ ગયા નથી. અમે મૂંઝવણમાં છીએ, છતાં બધા રસ્તા બંધ થઈ ગયા નથી.*+ ૯ અમને સતાવવામાં આવે છે, છતાં અમે ત્યજી દેવાયા નથી.+ અમને પાડી નાખવામાં આવે છે, છતાં અમારો નાશ થયો નથી.+ ૧૦ ઈસુની જેમ અમે પણ હંમેશાં મોતનો સામનો કરીએ છીએ,+ જેનાથી લોકોને ખબર પડે કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૧ અમે જીવીએ છીએ પણ મોત અમારા માથે ઝઝૂમતું હોય છે,+ કેમ કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. આમ, અમે લોકોને બતાવીએ છીએ કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૨ ભલે અમે મોતનો સામનો કરીએ છીએ, પણ એનાથી તમને જીવન મળે છે.
૧૩ હવે શાસ્ત્રવચનોમાં લખેલું છે, “મને શ્રદ્ધા છે, એટલે હું બોલી ઊઠ્યો.”+ અમે પણ બતાવીએ છીએ કે અમને એવી જ શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ. ૧૪ અમે જાણીએ છીએ કે જેમણે ઈસુને મરણમાંથી જીવતા કર્યા, તે અમને પણ ઈસુની જેમ જીવતા કરશે અને તમારી સાથે અમને પણ ઈસુની આગળ રજૂ કરશે.+ ૧૫ કેમ કે આ બધું તો તમારા માટે છે, જેથી ઈશ્વરની અપાર કૃપા વધતી ને વધતી જાય. જ્યારે વધુ ને વધુ લોકો ઈશ્વરનો આભાર માનીને તેમને મહિમા આપે છે, ત્યારે ઈશ્વરની કૃપા વધતી જાય છે.+
૧૬ તેથી આપણે હિંમત હારતા નથી. ભલે આપણું શરીર કમજોર થતું જાય છે, પણ આપણું દિલ* રોજેરોજ મજબૂત થતું જાય છે. ૧૭ કેમ કે ભલે સતાવણી* પળભરની હોય અને બહુ ભારે ન હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે. એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે.+ ૧૮ આપણે પોતાની નજર જે દૃશ્ય છે એના પર નહિ, પણ જે અદૃશ્ય છે એના પર રાખીએ છીએ.+ કેમ કે જે દૃશ્ય છે એ તો ઘડી બે ઘડીનું છે, પણ જે અદૃશ્ય છે એ હંમેશાં ટકી રહે છે.