સાચા ઈશ્વરભક્તો કોણ છે?
ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.” (રૂમી ૮:૬) એમ કહીને પાઊલે જણાવ્યું કે પોતાની શ્રદ્ધા મજબૂત રાખવા બનતું બધું કરવું જોઈએ. નહિતર જીવન ગુમાવીશું. ધાર્મિક વ્યક્તિને કઈ રીતે ‘જીવન ને શાંતિ’ મળી શકે? બાઇબલ શીખવે છે કે ઈશ્વર સાથે નાતો બાંધવાથી વ્યક્તિને હમણાં મનની શાંતિ મળે છે. તેમ જ ભાવિમાં પણ મળશે. ઈશ્વર તેને અમર જીવન આપશે. કેવો સરસ આશીર્વાદ! (રૂમી ૬:૨૩; ફિલિપી ૪:૭) એટલે ઈસુએ કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે તેઓને ધન્ય છે.”—માત્થી ૫:૩, NW.
તમે આ મૅગેઝિન વાંચો છો એ શું બતાવે છે? એ જ કે તમને ધાર્મિક બાબતોમાં રસ છે. જોકે એ વિષે દરેકના મત જુદાં જુદાં હોય છે. તેથી કદાચ તમને પણ વિચાર થશે: ‘ધાર્મિક હોવાનો અર્થ શું થાય?’ ધાર્મિક જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ?
“ખ્રિસ્તનું મન” શું છે?
પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલે કોરીંથી મંડળમાં ભાઈ-બહેનોને જણાવ્યું કે ઈશ્વરની નજરે સાંસારિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે શું ફરક છે. તેમણે સમજાવ્યું કે સાંસારિક વ્યક્તિ મન ફાવે તેમ જીવે છે. પણ ધાર્મિક વ્યક્તિ ઈશ્વરની ભક્તિમાં તલ્લીન હોય છે. પાઊલે લખ્યું: ‘સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતો સ્વીકારતો નથી.’ જ્યારે કે ઈશ્વરભક્ત પોતે ‘ઈસુ ખ્રિસ્તનું મન’ કેળવવા પ્રયત્ન કરશે.—૧ કોરીંથી ૨:૧૪-૧૬.
ઈસુ જેવું મન કેળવવાનો શું અર્થ થાય? એ જ કે ઈસુની જેમ વર્તવું. (રૂમી ૧૫:૫; ફિલિપી ૨:૫) સાદા શબ્દોમાં કહીએ તો, ઈસુની જેમ વિચારવું અને તેમના પગલે ચાલવું. (૧ પીતર ૨:૨૧; ૪:૧) જેમ વ્યક્તિનો સ્વભાવ ઈસુ જેવો થશે તેમ ઈશ્વર સાથેનો તેનો નાતો મજબૂત બનશે. આમ તે ‘જીવન ને શાંતિ’ પામી શકશે.—રૂમી ૧૩:૧૪.
ઈસુને ઓળખવાની રીત
ઈસુ જેવું મન કેળવવા આપણે તેમના વિચારો, સ્વભાવ ને ભાવના જાણવા જોઈએ. એ માટે આપણે ઈસુના જીવન વિષે શીખવું જોઈએ. પણ ઈસુ તો લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. તો આજે આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ? ધારો કે વર્ષો પહેલાં તમારા દેશમાં કોઈ મહાન થઈ ગયું છે. તમે તેમના વિષે બહુ કંઈ જાણતા નથી, પણ જાણવા માંગો છો. તો તમે શું કરશો? તેમના વિષે પુસ્તકોમાં સંશોધન કરશો, ખરું ને? એ જ રીતે ઈસુ વિષે ધર્મશાસ્ત્રોમાં જે લખવામાં આવ્યું છે એ આપણે વાંચવું જોઈએ. આમ આપણે ઈસુના વિચારો ને સ્વભાવ જાણી શકીશું.—યોહાન ૧૭:૩.
માત્થી, માર્ક, લુક અને યોહાન પોતે યહોવાહ ઈશ્વરના ભક્તો હતા. ઈશ્વરની પ્રેરણાથી તેઓએ ઈસુની જીવનકથા લખી. તેઓએ ઈસુનો સ્વભાવ, તેમની લાગણી, ભાવના ને તેમના વિચારો વિષે લખ્યું. એ વાંચીને મનન કરવાથી આપણે ઈસુને ઓળખીશું. તમે ઈસુના પગલે ચાલતા હો તોપણ પવિત્ર શાસ્ત્ર વાંચવું જોઈએ. તેમના વિષે શીખતા રહેવું જોઈએ. શીખેલી બાબત પર મનન કરવું જોઈએ. એમ કરવાથી ‘ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જશો.’—૨ પીતર ૩:૧૮.
ચાલો હવે આપણે જોઈએ કે યહોવાહ પરમેશ્વર સાથે ઈસુનો કેવો નાતો છે? તેમના વિષે માત્થી, માર્ક, લુક અને યોહાને શું લખ્યું? એ તપાસીએ તેમ પોતાને પૂછીએ કે ‘ઈસુ જેવા બનવા હું શું કરી શકું?’—યોહાન ૧૩:૧૫.
ઈશ્વર જેવા ગુણો બતાવીએ
ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે જે બન્યું એ વિષે ઈશ્વરભક્ત લુકે લખ્યું: યહોવાહ ઈશ્વરે ઈસુ પર ‘પવિત્ર આત્મા રેડ્યો.’ ઈસુ એનાથી ભરપૂર થયા. (લુક ૩:૨૧, ૨૨; ૪:૧) ઈસુએ પોતાના શિષ્યોને યહોવાહની દોરવણી પ્રમાણે જીવવા શીખવ્યું. (ઉત્પત્તિ ૧:૨; લુક ૧૧:૯-૧૩) એ કેમ એટલું મહત્ત્વનું છે? કારણ કે ઈશ્વરનો પવિત્ર આત્મા કે શક્તિનો પાર નથી. એની મદદથી વ્યક્તિ સુધરી શકે! એ હદ સુધી કે તે ઈસુ જેવું મન કેળવી શકે. (રૂમી ૧૨:૧, ૨) તેનામાં ઈશ્વર જેવા ગુણો આવી શકે. જેમ કે ‘પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું અને નમ્રતા.’ બાઇબલ આ ગુણોને પવિત્ર આત્માના ફળ કહે છે. આવા ગુણો બતાવતી વ્યક્તિને ઈશ્વરભક્ત કહેવાય. (ગલાતી ૫:૨૨, ૨૩) સાદા શબ્દમાં કહીએ તો, ઈશ્વર જેવા ગુણો બતાવે છે, તે જ સાચો ભક્ત કહેવાય.
ઈસુના ઉપદેશમાં એ ગુણો દેખાઈ આવે છે. અરે, તેમણે તો ગરીબ, નિરાધાર લોકોને પણ પ્રેમ, દયા ને ભલાઈ બતાવ્યા હતા. (માત્થી ૯:૩૬) એક દાખલો લઈએ. ઈશ્વરભક્ત યોહાને લખ્યું: ‘ઈસુ રસ્તે જતા હતા એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો.’ તેમના શિષ્યોએ પણ તેને જોયો હતો. પણ તેઓની નજરે તે આંધળો માણસ પાપી હતો. તેઓએ ઈસુને પૂછ્યું, “પાપ કોણે કર્યું? એણે કે એનાં માબાપે?” તે માણસના પડોશીઓએ પણ તેને જોયો હતો. પણ તેઓને મન તે ભિખારી જ હતો. તેઓએ કહ્યું: “જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?” પણ ઈસુએ જોયું કે એ માણસ આંધળો છે. તેને મદદની જરૂર છે. એટલે ઈસુએ તેની સાથે પ્રેમથી વાત કરી ને દેખતો કર્યો.—યોહાન ૯:૧-૮.
આ બનાવ આપણને ઈસુના મન ને સ્વભાવ વિષે શું શીખવે છે? એ જ કે ઈસુએ ગરીબ કે નિરાધાર વ્યક્તિનો તુચ્છકાર કર્યો નહિ. પણ તેઓને પ્રેમ અને દયા બતાવ્યા. બીજું કે ઈસુએ જાતે તેઓને મદદ કરી. શું તમને પણ ઈસુની જેમ ગરીબ, નિરાધાર કે લાચારને જોઈને દયા આવે છે? તેઓને જોઈતી મદદ કરો છો? ઈશ્વર સર્વ દુઃખ-તકલીફો દૂર કરશે એ વિષે જણાવો છો? કે પછી તેને મદદ કરવી કે નહિ એ પદવી અને પૈસા પરથી નક્કી કરો છો? તમે જો ઈસુની જેમ બધાને મદદ કરતા હો તો એમ જ કરતા રહેજો.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
સાચી ભક્તિ ને પ્રાર્થના
બાઇબલમાં જોવા મળે છે કે ઈસુ વારંવાર યહોવાહ ઈશ્વરને મદદ માટે પ્રાર્થના કરતા. (માર્ક ૧:૩૫; લુક ૫:૧૬; ૨૨:૪૧) ઈસુ બધે જ ઉપદેશ આપતા ફર્યા. તોપણ તે ઈશ્વરને નિયમિત પ્રાર્થના કરતા. ઈશ્વરભક્ત માત્થીએ લખ્યું: “લોકોને વિદાય કર્યા પછી [ઈસુ] પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો.” (માત્થી ૧૪:૨૩) ઈસુ હંમેશાં યહોવાહને પ્રાર્થના કરતા હોવાથી તેમને ભક્તિ કરવાની શક્તિ મળી. (માત્થી ૨૬:૩૬-૪૪) ઈસુની જેમ યહોવાહના ભક્તો પણ તેમને પ્રાર્થના કરે છે. તેઓ જાણે છે કે એમ કરવાથી યહોવાહ સાથેનો તેઓનો નાતો મજબૂત થશે. તેમ જ, ઈસુ જેવું મન કેળવવા તેઓને મદદ મળશે.
ઈસુએ ઘણી વાર લાંબી પ્રાર્થના પણ કરી હતી. (યોહાન ૧૭:૧-૨૬) દાખલા તરીકે, બાર શિષ્યો પસંદ કરતા પહેલાં ઈસુ ‘પહાડ પર પ્રાર્થના કરવા ગયા; અને તેમણે પ્રાર્થનામાં આખી રાત કાઢી.’ (લુક ૬:૧૨) એનો એ અર્થ નથી કે બધાએ ઈસુની જેમ આખી રાત પ્રાર્થના કરવી જોઈએ. તેમ છતાં કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગવી જોઈએ. પછી તેમની દોરવણી પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. તો જ યહોવાહ સાથેનો નાતો મજબૂત થશે.
ઈસુએ દિલ ઠાલવીને પ્રાર્થના કરી હતી. તેમને મારી નાખવામાં આવ્યા એ પહેલાં તેમણે કેવી પ્રાર્થના કરી એ વિષે લુકે લખ્યું: ‘ઈસુએ કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.’ (લુક ૨૨:૪૪) એ પહેલાં પણ ઈસુએ ઘણી વાર દિલ ઠાલવીને પ્રાર્થના કરી હતી. પણ આ વખતે તે બહુ આકરી કસોટીમાંથી પસાર થવાના હતા. તેથી, તેમણે ‘વિશેષ આગ્રહથી’ યહોવાહને પ્રાર્થના કરી. યહોવાહે તેમની દુઆ સાંભળી. (હેબ્રી ૫:૭) યહોવાહના ભક્તો પણ કોઈ તકલીફમાં આવી પડે ત્યારે, ઈસુની જેમ તેઓ દિલ ઠાલવીને ‘આગ્રહપૂર્વક’ પ્રાર્થના કરે છે.
ઈસુને પ્રાર્થના વગર ચાલતું ન હતું. એ જોઈને તેમના શિષ્યોને પણ પ્રાર્થના કરતા શીખવું હતું. તેઓએ કહ્યું: ‘પ્રભુ, અમને પણ પ્રાર્થના કરતા શીખવો.’ (લુક ૧૧:૧) ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલવા ચાહે છે તેઓ તેમને પ્રાર્થના કરે છે. ખરેખર, પ્રાર્થના એ સાચી ભક્તિનો એક ભાગ છે.
ખરા ભક્તો ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે
બાઇબલમાં માર્કનું પુસ્તક જણાવે છે કે ઈસુએ મોડી રાત સુધી લોકોને સાજા કર્યા. બીજા દિવસે સવારે તે એકલા પ્રાર્થના કરવા ગયા. એવામાં તેમના શિષ્યોએ આવીને કહ્યું કે ‘લોકો તમને શોધે છે.’ લોકો સાજા થવાની આશાએ આવ્યા હોઈ શકે. તેમ છતાં, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “આપણે પાસેના ગામમાં જઈએ, કે હું ત્યાં પણ ઉપદેશ કરૂં; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” (માર્ક ૧:૩૨-૩૮; લૂક ૪:૪૩) ઈસુની નજરે લોકોને સાજા કરવા જેટલું મહત્ત્વનું હતું એથી વધારે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનું હતું.
આજે ઈસુના પગલે કોણ ચાલે છે? જેઓ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે. ઈસુના પગલે ચાલવા ચાહે છે તેઓને ઈસુએ આજ્ઞા આપી: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) એ ઉપરાંત ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) પવિત્ર બાઇબલ જણાવે છે કે યહોવાહ ઈશ્વરની દોરવણીથી આખી દુનિયામાં તેમના વિષે પ્રચાર થશે. જેઓ પોતાનાથી બની શકે એટલો પ્રચાર કરે છે, તેઓ જ ઈશ્વરના સાચા ભક્તો છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.
આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવી એ કંઈ એક માણસનું કામ નથી. પણ લાખો લોકોના સંપથી કામ થાય છે. (યોહાન ૧૭:૨૦, ૨૧) ઈસુની જેમ ઈશ્વરભક્તો જ આખી દુનિયામાં પ્રચાર કરવાની અનેક ગોઠવણો કરી રહ્યા છે. શું તમે તેઓને ઓળખો છો?
તમારી ભક્તિ કેવી છે?
જો કે ઉપર ચર્ચા કરી એનાથી જ સાચા ભક્તો ઓળખાતા નથી. બીજી જરૂરિયાતો પણ છે. છતાંય જે ચર્ચા કરી એની સરખામણીમાં તમારી ભક્તિ કેવી છે? એનો જવાબ મેળવવા પોતાને પૂછો: ‘શું હું રોજ પવિત્ર બાઇબલ વાંચું છું? એ મને કેવી રીતે લાગુ પડે છે એનો વિચાર કરું છું? ઈશ્વર જેવા ગુણો કેળવું છું? દિલ ઠાલવીને રોજ પ્રાર્થના કરું છું? શું હું સાચા ઈશ્વરભક્તોની સંગત કરું છું? તેઓની સાથે ઈશ્વરના રાજ્યનો પૂરા જોશથી પ્રચાર કરું છું?’
એનો સાચા દિલથી જવાબ આપવાથી તમે પોતે જાણશો કે તમે કેટલા ધાર્મિક છો. અમે ચાહીએ છીએ કે તમે “જીવન તથા શાંતિ” પામવા માટે હમણાં જ ફેરફાર કરો.—રૂમી ૮:૬; માત્થી ૭:૧૩, ૧૪; ૨ પીતર ૧:૫-૧૧. (w 07 8/1)
[Box/Pictures on page 7]
સાચા ઈશ્વરને ભજનારા
◆ બાઇબલમાંથી શીખવે છે
◆ ઈશ્વર જેવા ગુણો કેળવે છે
◆ રોજ તન-મનથી ઈશ્વરને પ્રાર્થના કરે છે
◆ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે
[Picture on page 5]
ઈસુને ઓળખવા બાઇબલ મદદ કરશે