લૂક
૪ પછી ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા. પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં લઈ ગઈ.+ ૨ ત્યાં તે ૪૦ દિવસ હતા અને શેતાને* તેમનું પરીક્ષણ કર્યું.+ એ દિવસોમાં તેમણે કંઈ ખાધું ન હતું. એટલે એ દિવસો પૂરા થયા ત્યારે તેમને ભૂખ લાગી. ૩ શેતાને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે રોટલી બની જાય.” ૪ પણ ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી જીવતો નથી.’”+
૫ શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં પૃથ્વીનાં બધાં રાજ્યો બતાવ્યાં.+ ૬ પછી શેતાને તેમને કહ્યું: “હું તને આ બધો અધિકાર અને એનો મહિમા આપી દઈશ, કેમ કે આ બધાં રાજ્યો મને સોંપવામાં આવ્યાં છે.+ હું ચાહું તેને એ આપી શકું છું. ૭ જો તું એક વાર મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.” ૮ ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+
૯ પછી તે તેમને યરૂશાલેમ લઈ ગયો અને મંદિરની દીવાલની ટોચ* પર ઊભા રાખ્યા. તેણે તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે કૂદકો માર.+ ૧૦ કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે કે તારું રક્ષણ કરે’ ૧૧ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+ ૧૨ ઈસુએ તેને કહ્યું: “એમ પણ લખેલું છે કે ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”+ ૧૩ શેતાન બધી કસોટી કરી રહ્યો પછી, તેને ફરી તક મળે ત્યાં સુધી ઈસુ પાસેથી ચાલ્યો ગયો.+
૧૪ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ગાલીલ પાછા આવ્યા.+ આસપાસના આખા પ્રદેશમાં તેમના વિશે સારી વાતો ફેલાઈ ગઈ. ૧૫ તે લોકોનાં સભાસ્થાનોમાં* શીખવવા લાગ્યા અને બધા તેમને માન આપતા હતા.
૧૬ પછી તે નાઝરેથ+ ગયા જ્યાં તે મોટા થયા હતા. તેમની રીત પ્રમાણે તે સાબ્બાથના* દિવસે સભાસ્થાનમાં આવ્યા+ અને વાંચવા ઊભા થયા. ૧૭ તેમને પ્રબોધક યશાયાનો વીંટો* આપવામાં આવ્યો. તેમણે વીંટો ખોલ્યો અને આમ લખેલું શોધી કાઢ્યું: ૧૮ “યહોવાની* શક્તિ મારા પર છે. તેમણે ગરીબોને ખુશખબર* જણાવવા મને પસંદ કર્યો છે. તેમણે મને મોકલ્યો જેથી હું ગુલામોને આઝાદીનો સંદેશો આપું, આંધળાઓને દેખતા કરું અને કચડાયેલાઓને છોડાવું.+ ૧૯ લોકો યહોવાની* કૃપા મેળવે એ સમયનો પ્રચાર કરવા પણ તેમણે મને મોકલ્યો છે.”+ ૨૦ એ પછી તેમણે વીંટો વાળીને સેવકને પાછો આપ્યો અને બેસી ગયા. સભાસ્થાનમાં સર્વ લોકોની નજર તેમના પર હતી. ૨૧ તેમણે લોકોને કહ્યું: “આ શાસ્ત્રવચન જે તમે હમણાં સાંભળ્યું એ આજે પૂરું થયું છે.”+
૨૨ બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. દિલ જીતી લેતા તેમના શબ્દોથી તેઓને નવાઈ લાગી.+ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો નથી?”+ ૨૩ ઈસુએ તેઓને કહ્યું: “તમે આ કહેવત ચોક્કસ મારા પર લાગુ પાડશો: ‘વૈદ, તું પોતાને સાજો કર. કાપરનાહુમ+ શહેરમાં જે બન્યું એ અમે સાંભળ્યું છે, એ બધું અહીં તારા વતનમાં પણ કર.’” ૨૪ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કોઈ પણ પ્રબોધકને પોતાના વતનમાં સ્વીકારવામાં નથી આવતો.+ ૨૫ દાખલા તરીકે, એલિયાના દિવસોમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. એ સાચું છે કે ઇઝરાયેલમાં એ સમયે ઘણી વિધવાઓ હતી.+ ૨૬ એલિયાને તેઓમાંથી કોઈ વિધવા પાસે નહિ, પણ સિદોન+ દેશના સારફતની વિધવા પાસે જ મોકલવામાં આવ્યા. ૨૭ એલિશા પ્રબોધકના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણા રક્તપિત્તિયા* હતા. તોપણ તેઓમાંથી કોઈને નહિ, ફક્ત સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો.”*+ ૨૮ સભાસ્થાનમાં જે લોકોએ આ સાંભળ્યું, તેઓનો ક્રોધ સળગી ઊઠ્યો.+ ૨૯ તેઓ ઊઠીને ઈસુને શહેરની બહાર ખેંચી ગયા. તેઓનું શહેર જે પહાડ પર હતું એની ધાર પર લઈ ગયા, જેથી તેમને ત્યાંથી નીચે ફેંકી દઈ શકે. ૩૦ પણ તે તેઓની વચ્ચેથી નીકળી ગયા અને પોતાના રસ્તે ચાલ્યા ગયા.+
૩૧ ત્યાર બાદ તે ગાલીલના શહેર કાપરનાહુમ ગયા. તે લોકોને સાબ્બાથના દિવસે શીખવવા લાગ્યા.+ ૩૨ ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા,+ કેમ કે તે અધિકારથી બોલતા હતા. ૩૩ સભાસ્થાનમાં એક માણસ હતો, જે દુષ્ટ દૂતના* વશમાં હતો. તેણે મોટેથી બૂમ પાડી:+ ૩૪ “ઓ નાઝરેથના+ ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ ૩૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ.” એટલે દુષ્ટ દૂતે એ માણસને લોકો વચ્ચે પાડી નાખ્યો. તેને નુકસાન કર્યા વગર તેનામાંથી નીકળી ગયો. ૩૬ એ જોઈને બધાની નવાઈનો પાર ન રહ્યો. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “જુઓ, તે કેટલા અધિકારથી વાત કરે છે, તેની પાસે કેટલી શક્તિ છે! તેના હુકમથી દુષ્ટ દૂતો પણ બહાર નીકળી જાય છે.” ૩૭ તેમના વિશેની વાતો આસપાસના વિસ્તારોમાં ખૂણે ખૂણે ફેલાતી ગઈ.
૩૮ સભાસ્થાનમાંથી નીકળ્યા પછી તે સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુને સખત તાવ હતો. એટલે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેના માટે કંઈ કરે.+ ૩૯ ઈસુ તેની પથારી પાસે જઈને ઊભા રહ્યા અને તેને સાજી કરી. એટલે તેનો તાવ ઊતરી ગયો અને તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
૪૦ સૂર્ય આથમી ગયો ત્યારે, રોગોથી પીડાતા બીમાર લોકોને ઈસુ પાસે લાવવામાં આવ્યા. તેમણે એ દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા.+ ૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+
૪૨ દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળ્યા અને એકાંત જગ્યાએ ગયા.+ પણ ટોળું તેમને શોધતું શોધતું તેમની પાસે આવી પહોંચ્યું. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો કે ઈસુ તેઓ સાથે રોકાઈ જાય. ૪૩ પણ ઈસુએ કહ્યું: “ઈશ્વરના રાજ્યની* ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવાની છે, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.”+ ૪૪ પછી તે યહૂદિયાનાં સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યા.