વિશ્વાસ કોરી ખાતી શંકાઓ
એક દિવસ તમને સારું લાગે છે. પરંતુ બીજા જ દિવસે તમે બીમાર થઈ જાવ છો. અચાનક તમે ઢીલા થઈ જાવ છો. તમારું માથું દુખતું હોય છે તેમ જ તમારાં શરીરમાં પણ સખત દુખાવો થતો હોય છે. શું થયું હશે? ખતરનાક રોગકારક જીવાણુઓએ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડીને તમારા મહત્ત્વના અંગો પર હુમલો કર્યો છે. જો એની જલદી જ સારવાર કરવામાં ન આવે તો તમારી તંદુરસ્તી હંમેશ માટે બગડી જઈ શકે છે. અરે, એનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે.
જોકે, તમને સારું લાગતું ન હોય એવા સમયે તમને સહેલાઈથી ચેપ લાગવાની શક્યતા રહેલી છે. દાખલા તરીકે, તમારું શરીર ખામીયુક્ત પોષણના કારણે નબળું પડી ગયું હોય તો, તમારી રોગ પ્રતિકારક શક્તિ “એટલી બધી નબળી પડી જાય [છે] કે નાનો અમથો ચેપ પણ પ્રાણઘાતક બની શકે છે,” એવું તબીબી વિષય પરના લેખક પીટર વીંગેટ કહે છે.
બાબત એમ હોય તો, ભૂખે મરવાનું કોણ પસંદ કરશે? દેખીતી રીતે જ તમે યોગ્ય ખોરાક લઈને તંદુરસ્ત રહેવા તમારાથી બનતું બધું જ કરશો. વળી, તમે વાયરસ કે જીવાણુનો ચેપ ન લાગે એની પણ પૂરી તકેદારી રાખશો. એવી જ રીતે, ‘વિશ્વાસમાં દૃઢ’ રહેવાની વાત આવે છે ત્યારે, શું તમે એટલી જ તકેદારી રાખો છો? (તીતસ ૨:૨) દાખલા તરીકે, શું તમે ખોટી શંકાઓએ ઊભા કરેલા જોખમ વિષે જાણો છો? એ પણ સહેલાઈથી તમારા મન અને હૃદય પર હુમલો કરીને તમારા વિશ્વાસ અને યહોવાહ સાથેના તમારા સંબંધને નુકશાન કરી શકે છે. કેટલાક લોકો આ પ્રકારના જોખમથી જાણકાર હોતા નથી. આવી વ્યક્તિઓ આત્મિક રીતે પૂરતો ખોરાક ન લઈને સહેલાઈથી શંકાના સકંજામાં ફસાય છે. શું તમે એવું કરો છો?
શું શંકા કરવી ખોટી છે?
જોકે, કંઈ બધી જ શંકાઓ ખોટી હોતી નથી. પરંતુ, અમુક સમયે તમારી પાસે બધી જ હકીકત ન હોય તો, એ બાબત માની લેવી જોઈએ નહિ. જોકે, ઘણા ધર્મો એવું શીખવે છે કે તમારે બધું જ માની લેવું જોઈએ અને કોઈ શંકા કરવી ન જોઈએ. ખરું, બાઇબલ કહે છે કે પ્રેમ “સઘળું ખરૂં માને છે.” (૧ કોરીંથી ૧૩:૭) એક ખ્રિસ્તી અગાઉ ભરોસાપાત્ર પુરવાર થયેલી કોઈ પણ વિશ્વાસુ વ્યક્તિમાં ભરોસો મૂકવા માટે તત્પર હોય છે. તોપણ, બાઇબલ ‘દરેક શબ્દ ખરો માની’ ન લેવાની ચેતવણી પણ આપે છે. (નીતિવચન ૧૪:૧૫) કેટલીક વખત વ્યક્તિના અગાઉના વર્તનના કારણે શંકા થઈ શકે છે. બાઇબલ ચેતવણી આપે છે, “જ્યારે [ભરમાવનાર વ્યક્તિ] મીઠું મીઠું બોલે, ત્યારે તેના પર ભરોસો ન રાખ.”—નીતિવચન ૨૬:૨૪, ૨૫.
એવી જ રીતે પ્રેષિત પાઊલે પણ ખ્રિસ્તીઓને આંધળો ભરોસો ન કરવા ચેતવણી આપી. તે લખે છે, “કોઈ એમ કહે કે આ સંદેશો ઈશ્વર તરફથી છે એટલા પરથી જ તમે તેને સાચો માની લેશો નહિ.” પરંતુ “પહેલાં ખાતરી કરો કે એ સંદેશો ઈશ્વર તરફથી છે કે નહિ.” (૧ યોહાન ૪:૧, IBSI) “સંદેશો,” શિક્ષણ કે અભિપ્રાય પરમેશ્વર તરફથી છે એવું લાગી શકે. પરંતુ શું એ ખરેખર પરમેશ્વર તરફથી છે? અમુક અંશે શંકા હોવી કે તરત જ એ માની ન લેવાથી આપણું રક્ષણ થઈ શકે છે. કેમ કે પ્રેષિત યોહાન કહે છે કે “જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે.”—૨ યોહાન ૭.
ખોટી શંકાઓ
હા, કોઈ પણ બાબત માની લેતા પહેલાં એ સત્ય છે કે નહિ એ પ્રમાણિકતાથી અને નમ્રતાથી તપાસવું જરૂરી છે. જોકે, એમ કરવાથી આપણે આપણા મન અને હૃદયમાં ખોટી શંકાઓ ઊભી કરતા નથી. જ્યારે કે ખોટી શંકાઓ આપણી દૃઢ માન્યતાઓ અને સંબંધોનો નાશ કરી શકે છે. આ શંકાની, “માન્યતા કે અભિપ્રાયની અચોક્કસતા કે જે નિર્ણય કરવામાં દખલ કરે છે” તરીકેની વ્યાખ્યા કરવામાં આવી છે. શું તમને યાદ છે કે શેતાને કઈ રીતે હવાના મનમાં યહોવાહ વિષે શંકાના બી વાવ્યાં હતાં? તેણે પૂછ્યું, “શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” (ઉત્પત્તિ ૩:૧) એ નિખાલસ લાગતા પ્રશ્નથી શંકા ઉત્પન્ન કરવામાં આવી અને એના લીધે તે યોગ્ય નિર્ણય લઈ શકી નહિ. એમ કરવાની શેતાનની એ ખાસ રીત છે. ખોટા આરોપનો લખવામાં આવેલા પત્રની જેમ, તે આડકતરી રીતે અડધું સત્ય અને જૂઠનો ઉપયોગ કરે છે. શેતાને ખોટી શંકાના બી વાવીને અસંખ્ય લોકોના ભરોસાનો નાશ કર્યો છે.—ગલાતી ૫:૭-૯.
શિષ્ય યાકૂબ આ પ્રકારની શંકાથી થતી અસર વિષે સારી રીતે જાણકાર હતા. તે મુશ્કેલીના સમયમાં આપણે સહેલાઈથી પ્રાર્થનામાં યહોવાહ પાસે જઈ શકીએ છીએ એ અદ્ભુત લહાવા વિષે લખે છે. પરંતુ, યાકૂબ ચેતવણી આપે છે કે તમે પરમેશ્વરને પ્રાર્થના કરો ત્યારે, ‘કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગો.’ પરમેશ્વર સાથેના આપણા સંબંધમાં જે કોઈ શંકા રાખે છે તે “પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવા” બને છે. એમ કરવાથી, “બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર” હોય એવા આપણે બનીએ છીએ. (યાકૂબ ૧:૬, ૮) આપણી માન્યતા વિષે ચોક્કસ ન હોઈએ ત્યારે, આપણે બે મનવાળા બનીએ છીએ. હવાને થયું તેમ, આપણે પણ શેતાનના દરેક પ્રકારના શિક્ષણ અને ફિલસૂફીથી ભરમાઈ જઈ શકીએ છીએ.
સારું આત્મિક આરોગ્ય જાળવવું
તો પછી, આપણે કઈ રીતે પોતાને ખોટી શંકાઓથી દૂર રાખી શકીએ? એનો જવાબ એકદમ સહેલો છે: શેતાનના વિચારો અને વર્તનને ધિક્કારો. “વિશ્વાસમાં દૃઢ” રહેવા પરમેશ્વર આપણા માટે જે આત્મિક ખોરાક પૂરો પાડે છે એનો પૂરેપૂરો લાભ લો.—૧ પીતર ૫:૮-૧૦.
એ માટે આપણે પોતે વ્યક્તિગત આત્મિક ખોરાક લઈએ એ ખૂબ જ મહત્ત્વનું છે. અગાઉ ઉલ્લેખવામાં આવેલા લેખક વીંગેટ સમજાવે છે: “શરીર આરામ કરતું હોય છે ત્યારે પણ, તેને રાસાયણિક પ્રક્રિયા માટે સતત શક્તિની જરૂર પડે છે અને મહત્ત્વના અંગો માટે તો એ ખાસ જરૂરી છે; ઘણી માંસપેશીઓના પદાર્થની ખોટ પૂરવા માટે શક્તિની જરૂર પડે છે.” એ જ બાબત આપણા આત્મિક આરોગ્યને પણ લાગુ પડે છે. આપણે આત્મિક ખોરાક નિયમિત રીતે નહિ લઈએ તો, અપૂરતા પોષણવાળા શરીરની જેમ આપણો વિશ્વાસ પણ ધીમે ધીમે નબળો પડીને મરણ પામી શકે છે. તેથી, ઈસુએ આ બાબત પર ભાર મૂકતા કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માત્થી ૪:૪.
વિચાર કરો કે આપણે સૌ પ્રથમ કેવી રીતે દૃઢ વિશ્વાસ કર્યો હતો? પ્રેષિત પાઊલ લખે છે, “સાંભળવાથી વિશ્વાસ થાય છે.” (રૂમી ૧૦:૧૭) એનો અર્થ એમ થાય કે આપણે સૌ પ્રથમ યહોવાહ પરમેશ્વર, તેમનાં વચનો અને તેમના સંગઠનમાં પરમેશ્વરના શબ્દ, બાઇબલ દ્વારા આપણો વિશ્વાસ અને ભરોસો બાંધ્યો હતો. જોકે, આપણે જે કંઈ સાંભળ્યું એ આંખો બંધ કરીને સ્વીકારી લીધું ન હતું. આપણે પણ બેરિયા શહેરના લોકો જેવું કર્યું હતું. આપણે ‘તે સાચું છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કર્યો’ હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧, IBSI) આપણે ‘દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે પારખીને’ એની ખાતરી કરી હતી કે આપણે જે સાંભળ્યું એ સાચું છે કે નહિ. (રૂમી ૧૨:૨; ૧ થેસ્સાલોનીકી ૫:૨૧) એમ કરવાથી આપણે જોઈ શક્યા કે પરમેશ્વરનાં વચનો કદી નિષ્ફળ જતા નથી, તેથી આપણો વિશ્વાસ વધારે દૃઢ થયો.—યહોશુઆ ૨૩:૧૪; યશાયાહ ૫૫:૧૦, ૧૧.
આત્મિક રીતે ભૂખ્યા રહેવાનું ટાળો
યહોવાહ અને તેમના સંગઠન પરથી આપણો વિશ્વાસ ડગી ન જાય એ માટે, આપણે આપણા વિશ્વાસને જાળવી રાખવો જોઈએ અને ખોટી શંકાઓથી દૂર રહેવું જોઈએ. જોકે, એ કંઈ સહેલી બાબત નથી. એ માટે આપણે નિયમિત રીતે દરરોજ બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. પ્રેષિત પાઊલ ચેતવણી આપે છે કે ‘પાછલા સમયમાં કેટલાએક માણસો [જેઓનો વિશ્વાસ શરૂઆતમાં દૃઢ હતો] ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપશે.’ (૧ તીમોથી ૪:૧) આ ભુલાવનાર ઉપદેશ અને શિક્ષણ કેટલાકના મનમાં શંકાના બી વાવીને તેઓને પરમેશ્વરથી દૂર લઈ જાય છે. આપણે શામાંથી રક્ષણ મેળવી શકીએ? ‘વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે [આપણે] અત્યાર સુધી ચાલતા આવ્યા છીએ તેમ, એમાંથી પોષણ મેળવવાનું’ ચાલુ રાખવું જોઈએ.—૧ તીમોથી ૪:૬.
તેમ છતાં, દુઃખની વાત છે કે આજે કેટલીક વ્યક્તિઓએ ‘સારા ઉપદેશથી પોષણ મેળવવાનું’ પસંદ કર્યું નથી, જ્યારે કે આ પ્રકારનું પોષણ ભરપૂર રીતે પ્રાપ્ય છે. નીતિવચનના એક લેખક બતાવે છે તેમ, બની શકે કે તમે સારા આત્મિક ખોરાકની મિજબાનીમાં જાવ પણ કંઈ ખાવ નહિ અથવા ખાઈને પચાવો નહિ.—નીતિવચન ૧૯:૨૪; ૨૬:૧૫.
એ જોખમકારક છે. લેખક વીંગેટ કહે છે: “શરીર પોતાનામાં રહેલા પ્રોટીનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તેમ, તેની તંદુરસ્તી બગડવાનું શરૂ થાય છે.” તમે ખોરાક લેતા નથી ત્યારે, તમારા આખા શરીરમાં જે શક્તિ હોય એનો તમારું શરીર ઉપયોગ કરવા લાગે છે. શરીરમાંથી એ શક્તિ ખલાસ થઈ જાય છે ત્યારે, શરીર પ્રોટીનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. એ શરીરની વૃદ્ધિ અને માંશપેશીઓના રુઝાવા માટે મહત્ત્વનું છે. એ પછી મહત્ત્વના અંગો કાર્ય કરવાનું બંધ કરી દે છે, અને ત્યાર બાદ તમારું સ્વાસ્થ્ય ઝડપથી નબળું પડવા માંડે છે.
આત્મિક રીતે આ જ બાબત શરૂઆતના ખ્રિસ્તી મંડળોમાં પણ બની હતી. તેઓએ આત્મિક રીતે જે ભેગું કર્યું હતું એમાંથી પોષણ મેળવવાનો પ્રયત્ન કર્યો. દેખીતી રીતે જ, તેઓએ વ્યક્તિગત બાઇબલ અભ્યાસની અવગણના કરી હતી. તેથી તેઓ આત્મિક રીતે નબળા પડી ગયા. (હેબ્રી ૫:૧૨) પ્રેષિત પાઊલે હેબ્રી મંડળને લખ્યું ત્યારે, તેમણે સમજાવ્યું કે એમ કરવામાં શું જોખમ રહેલું છે: “તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ.” તે જાણતા હતા કે જો આપણે “મહાન તારણ વિષે બેદરકાર રહીએ” તો, સહેલાઈથી કુટેવોમાં ફસાઈ જઈ શકીએ છીએ.—હેબ્રી ૨:૧, ૩.
રસપ્રદ બાબત તો એ છે કે એક વ્યક્તિ પૂરતો ખોરાક ન લેતી હોય તો એ જરૂરી નથી કે તે માંદી અને દુબળી દેખાય. એવી જ રીતે, કોઈ વ્યક્તિ આત્મિક રીતે ખોરાક ન લેતી હોય તો એ તરત જ દેખાઈ આવતું નથી. તમે આત્મિક રીતે યોગ્ય ખોરાક ન લેતા હોવ તોપણ, તમે આત્મિક રીતે તંદુરસ્ત લાગી શકો. પરંતુ એ ફક્ત થોડા સમય પૂરતું જ! તમે ચોક્કસ આત્મિક રીતે નબળા બનશો. ખોટી શંકાઓમાં ફસાશો. પછી તમે વિશ્વાસની સારી લડત લડી શકશો નહિ. (યહુદા ૩) જોકે, બીજાઓને ખબર નહિ હોય પરંતુ તમને પોતાને ખબર હશે કે તમે કેટલો બાઇબલ અભ્યાસ કરો છો.
તેથી, તમે વ્યક્તિગત અભ્યાસ કરવાનું ચાલુ રાખો. શંકાઓનો દૃઢતાથી સામનો કરો. નાની લાગતી બાબતોની પણ અવગણના કરવાથી, એનું ભયંકર પરિણામ આવી શકે. (૨ કોરીંથી ૧૧:૩) ‘શું આપણે ખરેખર છેલ્લા દિવસોમાં જીવી રહ્યાં છીએ? શું બાઇબલ કહે છે એ દરેક બાબત તમે માનો છો? શું આ સાચે જ યહોવાહનું સંગઠન છે?’ આ પ્રકારની શંકાઓના બી તમારા મનમાં વાવવા શેતાન ઘણો આતુર છે. તેથી, આત્મિક ખોરાક લેવા પ્રત્યે બેદરકારી ન બતાવો, નહિતર તમે સહેલાઈથી ભમાવનાર શિક્ષણના ફાંદામાં ફસાઈ શકો છો. (કોલોસી ૨:૪-૭) તીમોથીને આપવામાં આવેલી સલાહનું અનુકરણ કરો. ‘પવિત્ર શાસ્ત્રના’ સારા વિદ્યાર્થી બનો, જેથી તમે ‘જે વાતો શીખ્યા ને જેના વિષે તમને ખાતરી થઈ છે તેઓને વગળી રહો.’—૨ તીમોથી ૩:૧૩-૧૫.
એમ કરવા માટે તમને મદદની જરૂર હોય શકે. અગાઉ ઉલ્લેખવામાં આવેલા લેખક કહેવાનું ચાલુ રાખે છે: “સતત ભૂખ્યા રહેવાથી વિટામીનની ખામીના કારણે પાચન અવયવોને સખત નુકશાન પહોંચી શકે. એ કારણથી સામાન્ય ખોરાક પચાવવો પણ અઘરું બને છે. આવી વ્યક્તિઓને એવા ખોરાકની જરૂર પડી શકે કે જે પચવામાં સહેલો હોય.” ખોરાકની ઉણપને દૂર કરવા માટે ખાસ કાળજી રાખવાની જરૂર પડે છે. એવી જ રીતે, નિયમિત રીતે બાઇબલ અભ્યાસ ન કરનાર વ્યક્તિની ફરીથી આત્મિક ભૂખ જગાડવા માટે ઉત્તેજન અને મદદની જરૂર છે. તમે એવી પરિસ્થિતિમાં હોવ તો, મદદ માંગો અને તમારા આત્મિક સ્વાસ્થ્ય અને ફરીથી શક્તિ મેળવવા માટે જે મદદ આપવામાં આવે એ આનંદથી સ્વીકારો.—યાકૂબ ૫:૧૪, ૧૫.
‘અવિશ્વાસથી સંદેહી’ ન બનો
ઈબ્રાહીમના સંજોગોને ધ્યાનમાં લઈને કોઈ પણ વ્યક્તિને એવું લાગી શકે કે તેમની પાસે શંકા કરવાનું યોગ્ય કારણ હતું. એવા નિષ્કર્ષ પર આવવું વાજબી હોય શકે કે તેમને પરમેશ્વરે વચન આપ્યું હતું છતાં, ‘ઘણી પ્રજાઓના પૂર્વજ થાય એવી કોઈ જ આશા ન હતી.’ શા માટે? જોકે, આપણે મનુષ્યની દૃષ્ટિથી જોઈએ તો, બાબતો વચનને યોગ્ય લાગતી ન હતી. બાઇબલ કહે છે, ‘તેમને પોતાનું શરીર તો નિર્જીવ અને સારાહનું ગર્ભસ્થાન મરેલું લાગ્યું.’ તોપણ, ઈબ્રાહીમે પરમેશ્વર અને તેમણે આપેલા વચનો પ્રત્યે જરાય શંકા કરીને એના બી પોતાના મન અને હૃદયમાં વાવ્યા નહિ. પ્રેષિત પાઊલે લખે છે: ‘તેમનો વિશ્વાસ ડગ્યો નહિ,’ કે ‘અવિશ્વાસથી સંદેહી બન્યા નહિ. જે વચન પરમેશ્વરે તેમને આપ્યું હતું તે પૂરૂં કરવાને પણ તે સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દૃઢ રહ્યા.’ (રૂમી ૪:૧૮-૨૧) તેમણે ઘણાં વર્ષોથી યહોવાહ સાથે ગાઢ, વ્યક્તિગત અને ભરોસાપાત્ર સંબંધ બાંધ્યો હતો. તેમના આ સંબંધને કોરી ખાય એવી કોઈ પણ શંકાને તેમણે સ્થાન આપ્યું નહિ.
તમને આત્મિક રીતે ખોરાક લેવાની જરૂર હોય તો, ‘સત્ય વચનોને’ પકડી રાખીને તમે પણ એ જ પ્રમાણે કરી શકો. (૨ તીમોથી ૧:૧૩) ખોટી શંકાઓ કરશો નહિ. શેતાન આપણને આત્મિક રીતે હરાવવા પોતાનાથી બનતું બધું જ કરી રહ્યો છે. તમે નિયમિત રીતે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરવાનું અને સભાઓમાં જવાનું ટાળશો તો, તમે સહેલાઈથી એના પંજામાં આવી જશો. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા ઉદાર અને સમયસર પૂરા પાડવામાં આવતા ખોરાકનો સારો એવો ઉપયોગ કરો. (માત્થી ૨૪:૪૫) ‘સત્ય ઉપદેશને માન્ય’ કરીને ‘વિશ્વાસમાં દૃઢ’ બનો. (૧ તીમોથી ૬:૩; તીતસ ૨:૨) ખોટી શંકાઓથી તમારા વિશ્વાસને કોરી ખાવા ન દો.
[પાન ૨૧ પર ચિત્રો]
શું તમે નિયમિત આત્મિક પોષણ મેળવી રહ્યા છો?