જીભ પર કાબૂ રાખો અને પ્રેમ બતાવો
“તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.
૧, ૨. પરિણીત લોકોએ પોતાને કયો સવાલ પૂછવો જોઈએ અને શા માટે?
ધારો કે તમને એક ભેટ મળી છે. એ ભેટને રંગીન કાગળોથી લપેટવામાં આવી છે. એના પર લખ્યું છે: “સંભાળીને રાખજો.” તમે એ ભેટને જીવની જેમ સંભાળીને રાખશો. કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખશો, ખરું ને? તો પછી, લગ્નજીવનની ભેટ વિષે શું?
૨ લગ્નજીવન પણ ઈશ્વરની એક ભેટ છે. તમે કેવી રીતે એ ભેટની સંભાળ રાખશો? સારી પત્ની વિષે બાઇબલ કહે છે: “ઘર તથા દ્રવ્ય બાપદાદાથી ઊતરેલો વારસો છે; પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.” (નીતિવચનો ૧૯:૧૪) હવે યુવાન સ્ત્રીઓ ઓર્પાહ અને રૂથનો વિચાર કરો. તેઓની સાસુ ઈસ્રાએલી સ્ત્રી નાઓમીએ કહ્યું: “યહોવાહ કરે ને તમે પરણો, ને પોતપોતાના ધણીના ઘરમાં એશઆરામ ભોગવો.”—રૂથ ૧:૩-૯.
૩. વાણી-વર્તન વિષેની પાઊલની કઈ સલાહને પતિ-પત્ની ધ્યાન આપી શકે?
૩ પહેલી સદીના ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી [પત્ની] પર પ્રેમ રાખે; અને સ્ત્રી [પત્ની] પોતાના પતિનું માન રાખે.” (એફેસી ૫:૩૩) પતિ-પત્ની પોતાની વાણીમાં આ સલાહને કઈ રીતે લાગુ પાડી શકે એનો વિચાર કરીએ.
બેકાબૂ જીભથી સાવધ રહો
૪. જીભની કેવી સારી કે ખરાબ અસર પડી શકે?
૪ બાઇબલના લેખક યાકૂબ કહે છે કે જીભ “કાબૂમાં રાખી શકાય તેવી નથી. વળી મોત નીપજાવે તેવા ઝેરથી ભરપૂર છે.” (યાકોબ ૩:૮, પ્રેમસંદેશ) યાકૂબ જાણતા હતા કે બેકાબૂ જીભ નાશકારક છે. લાગે છે કે યાકૂબ બાઇબલની એક કહેવતથી સારી રીતે જાણકાર હતા. એ કહેવત વિચાર્યા વગર બોલેલા શબ્દોની સરખામણી “તરવારના ઘા” સાથે કરે છે. જ્યારે કે એ જ કહેવત આગળ કહે છે, “જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૧૨:૧૮) ખરેખર, આપણા શબ્દોની જોરદાર અસર પડે છે. આપણા બોલવાથી વ્યક્તિને દુઃખ લાગી શકે. અથવા તેનું જીવન સુખી થઈ શકે. તમારા બોલવાથી જીવનસાથી પર કેવી અસર પડે છે? તમે તમારા જીવનસાથીને એ સવાલ પૂછો તો, તે કેવો જવાબ આપશે?
૫, ૬. અમુકને માટે જીભને કાબૂમાં રાખવી શા માટે મુશ્કેલ છે?
૫ જો તમે જીવનસાથીને દુઃખ પહોંચે એ રીતે બોલતા હો તો, તમારે તમારા વલણમાં સુધારો કરવાની જરૂર છે. સુધારો કરવા તમારે ઘણી મહેનત કરવી પડશે. શા માટે? એના બે કારણો છે. એક, આપણે બધા જ ભૂલો કરીએ છીએ. એ આપણા વિચાર અને વાણીમાં તરત જ દેખાઈ આવે છે. યાકૂબે લખ્યું: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.”—યાકૂબ ૩:૨.
૬ બીજું, આપણે કેવા કુટુંબમાં મોટા થયા છીએ એની અસર પણ આપણા વાણી-વર્તનમાં દેખાય છે. અમુક લોકો એવા કુટુંબમાં મોટા થયા હોય છે જ્યાં માબાપ ‘ક્રૂર, સંયમ ન કરનારા અને નિર્દય’ હોય. (૨ તીમોથી ૩:૧-૩) આવા પરિવારમાં ઉછરેલાં બાળકો મોટા થાય ત્યારે તેઓમાં પણ એવા દુર્ગુણો જોવા મળે છે. પણ એનો અર્થ એ નથી કે આ બે કારણોને લીધે આપણને મન ફાવે એમ બોલવાનું બહાનું મળી જાય છે. પરંતુ એ કારણો જાણવાથી આપણને એ સમજવા મદદ મળશે કે શા માટે અમુક લોકો માટે જીભને કાબૂમાં રાખવી બહુ મુશ્કેલ છે.
‘નિંદા’ ન કરો
૭. પીતરે ભાઈ-બહેનોને ‘સર્વ પ્રકારની નિંદા દૂર કરવાનું’ કહ્યું ત્યારે તે શું કહેવા માંગતા હતા?
૭ જીવનસાથીને જેમ તેમ બોલી જવામાં પ્રેમની ખામી દેખાઈ આવે છે. એનાથી પતિ કે પત્ની પ્રત્યેની કદર જોવા મળતી નથી. એટલે જ પીતરે ભાઈ-બહેનોને સલાહ આપી, ‘સઘળા પ્રકારની નિંદા દૂર કરો.’ (૧ પીતર ૨:૧) જે ગ્રીક શબ્દનું “નિંદા” ભાષાંતર કરવામાં આવ્યું છે એનો અર્થ, ‘તોછડી રીતે કે બીજાનું અપમાન થાય એ રીતે’ બોલવું થાય છે. એવી રીતે બોલવું કે જેનાથી ‘લોકોનું દિલ વીંધાય જાય.’ ખરેખર, આપણે જીભને કાબૂમાં રાખીએ એ કેટલું યોગ્ય છે!
૮, ૯. તોછડી રીતે બોલવાથી શું થઈ શકે? શા માટે પતિ-પત્નીએ એમ કરવાનું ટાળવું જોઈએ?
૮ કોઈની સાથે તોછડી રીતે વાત કરવી એ સામાન્ય લાગી શકે. પણ વિચાર કરો કે પતિ-પત્ની એકબીજા સાથે તોછડી રીતે બોલે તો શું થાય? જીવનસાથીને બુદ્ધિ વગરના, આળસુ, કામચોર અથવા સ્વાર્થી કહીએ તો, જાણે એક શબ્દમાં તેમના આખા ચારિત્રનું વર્ણન કરીએ છીએ. એવા શબ્દોથી આપણે તેમને કેટલા નીચા પાડીએ છીએ! આમ કરવું બિલકુલ સારું ન કહેવાય. કોઈ વાર જીવનસાથીની નાની ભૂલને મોટું સ્વરૂપ આપીએ તો શું થાય? જેમ કે, આપણે એમ કહીએ કે ‘તમે તો હંમેશા મોડા જ આવો છો.’ અથવા ‘તમે ક્યારેય મારું સાંભળતા જ નથી.’ જો આમ કહીએ તો, રાઈનો પહાડ કરવા જેવું થાય. એનાથી વાતનું વતેસર થઈ શકે. છેવટે મોટો ઝઘડો થઈ શકે.—યાકૂબ ૩:૫.
૯ જીવનસાથી એકબીજા સાથે હંમેશા તોછડી રીતે બોલે તો, એની બહુ ખરાબ અસર પડી શકે. નીતિવચનો ૨૫:૨૪ કહે છે, “કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ મકાનમાં રહેવું, તે કરતાં અગાસીના ખૂણામાં રહેવું સારું છે.” જોકે આ જ બાબત પતિને પણ લાગુ પડે છે. પતિ કે પત્ની વાતે વાતે એકબીજાને તોડી પાડે તો, એનાથી તેઓના લગ્નજીવનમાં તિરાડ પડી શકે. પતિ કે પત્નીને એમ લાગી શકે કે તેમને પ્રેમ મળતો નથી. અથવા તેઓ પ્રેમ કરવાને લાયક નથી. તેથી એ બહુ જ જરૂરી છે કે આપણે જીભને કાબૂમાં રાખીએ. એમ કઈ રીતે કરી શકીએ?
‘જીભને વશમાં રાખો’
૧૦. જીભ પર લગામ રાખવી શા માટે મહત્ત્વનું છે?
૧૦ યાકૂબ ૩:૮ જણાવે છે, “જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી.” એક ઘોડાને વશમાં રાખવા ઘોડેસવાર લગામ વાપરે છે. એવી જ રીતે આપણે પણ આપણી જીભ પર લગામ રાખવી જોઈએ. “તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” (યાકૂબ ૧:૨૬; ૩:૨, ૩) આ શબ્દો બતાવે છે કે આપણે જીભનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. કેમ કે, એની અસર ફક્ત તમારા લગ્નજીવન પર પડતી જ નથી. એ યહોવાહ પરમેશ્વર સાથેના તમારા સંબંધ પર પણ પડે છે.—૧ પીતર ૩:૭.
૧૧. નાની વાતમાંથી મોટો ઝઘડો ન થાય એ માટે શું કરવું જોઈએ?
૧૧ તમે જીવનસાથી સાથે કેવી રીતે વાત કરો છો એના પર વિચાર કરવો મહત્ત્વનું છે. જીવનમાં તણાવ હેઠળ આવી જાવ ત્યારે, ચિંતાને ઓછી કરવાની કોશિશ કરો. ચાલો આપણે બાઇબલમાંથી ઈસ્હાક અને તેની પત્ની રિબકાહનો દાખલો લઈએ. એક વાર તેમના જીવનમાં કેવા સંજોગો આવી પડ્યા એ આપણને ઉત્પત્તિ ૨૭:૪૬–૨૮:૪માં જોવા મળે છે. “રિબકાહે ઈસ્હાકને કહ્યું, હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી [પત્ની] લે, તો મારે જીવવું શા કામનું?” બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે એ સાંભળીને ઈસ્હાકે રિબકાહ પર ગુસ્સો કર્યો હોય. એના બદલે, ઈસ્હાકે પોતાના પુત્ર યાકૂબને કનાન દેશ મોકલીને ઈશ્વરનો ડર રાખતી પત્ની શોધવાનું કહ્યું. જેથી રિબકાહનું જીવવું હરામ ન થાય. ધારો કે પતિ-પત્નીમાં કોઈ મતભેદ થાય છે. એ સમયે તેઓ એકબીજાનો આમ દોષ કાઢે કે ‘તું આમ કરતો નથી, તું એ કરતી નથી’ તો, વાત વણસી શકે અને મોટો ઝઘડો થઈ શકે. પણ તેઓ મતભેદનું કારણ ધ્યાનમાં રાખશે તો, ચપટીમાં એ હલ થઈ શકશે. દાખલા તરીકે, “તમે ક્યારેય મારી સાથે સમય ગાળતા નથી!” એવું કહેવાને બદલે કહી શકીએ, “આપણે એકબીજા સાથે થોડો વધારે સમય ગાળીએ તો કેવું સારું!” આમ કરવાથી તમે વ્યક્તિનો વાંક નથી કાઢતા. પણ તકલીફ પર ધ્યાન દોરો છો. ક્યારેય એવું વિચારવાની કોશિશ ન કરો કે કોણ ખરું અને કોણ ખોટું. રૂમી ૧૪:૧૯ કહે છે, ‘જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો-વધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.’
“કડવાશ, ક્રોધ, કોપ” દૂર કરો
૧૨. જીભને કાબૂમાં રાખવા કેવી પ્રાર્થના કરવી જોઈએ અને શા માટે?
૧૨ આપણે કંઈ કહીએ ત્યારે જીભને કાબૂમાં રાખીએ એટલું જ પૂરતું નથી. આપણા શબ્દોથી દેખાઈ આવે છે કે આપણા વિચારો કેવા છે અને આપણને કેવું લાગે છે. ઈસુએ કહ્યું: “સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.” (લુક ૬:૪૫) તેથી પોતાની જીભને કાબૂમાં રાખવા આપણે પણ દાઊદ રાજાની જેમ પ્રાર્થના કરવી જોઈએ: “હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૦.
૧૩. કડવાશ, કોપ અને ક્રોધ કઈ રીતે મન ફાવે એમ બોલવા પ્રેરી શકે?
૧૩ પાઊલે એફેસી મંડળને વિનંતી કરી કે તેઓ દુઃખ થાય એવા શબ્દો ન બોલે. એમ પણ કહ્યું કે પોતાનામાં એવી કોઈ લાગણી ન વિકસાવે જેનાથી તેઓ મન ફાવે તેમ બોલવા પ્રેરાય. તેમણે લખ્યું: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) નોંધ કરો કે પાઊલે ‘ઘોંઘાટ અને ખુન્નસ’ પહેલાં “કડવાશ, ક્રોધ, કોપ” શબ્દો વાપર્યા. જો વ્યક્તિના દિલમાં કડવાશ કે કોપ ભરેલો હોય તો, એ તેની વાણીમાં દેખાઈ આવે છે. તેથી પોતાને પૂછો: “શું મારું દિલ કડવાશ અને ક્રોધથી ભરેલું છે? શું હું બહુ ‘ગુસ્સાવાળી’ વ્યક્તિ છું?” (નીતિવચનો ૨૯:૨૨) જો તમારું દિલ કડવાશથી ભરેલું હોય અને તમે ગુસ્સાવાળા હો તો, પરમેશ્વરને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં મદદ માંગો કે તે તમને સહનશક્તિ આપે જેથી તમે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકો. ગીતશાસ્ત્ર ૪:૪ કહે છે: “ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.” તમને લાગે કે તમારો ગુસ્સો કાબૂ બહાર જઈ રહ્યો છે, તો શું? નીતિવચનો ૧૭:૧૪ની સલાહ ધ્યાનમાં રાખો, જે કહે છે: “વઢવાડ થયા પહેલાં તકરાર મૂકી દો.” આમ, ઝઘડો બહુ મોટો થાય એ પહેલાં ત્યાંથી નીકળી જઈ શકીએ.
૧૪. ક્રોધની લગ્ન જીવન પર કેવી અસર પડી શકે?
૧૪ પાઊલે કહ્યું તેમ, મનમાં “કડવાશ” ભરેલી હોય ત્યારે ક્રોધ પર કાબૂ મેળવવો સહેલું નથી. પાઊલે વાપરેલા ‘કડવાશ’ શબ્દ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ આમ થાય છે: ‘રોષે ભરાયેલી વ્યક્તિ કોઈ વાતમાં સુધારો કરવા માંગતી નથી.’ અને ‘કંઈ ખોટું થયું હોય તો, માફી આપવા ચાહતી નથી.’ અમુક વાર નફરતને કારણે પતિ-પત્નીમાં તિરાડ પડે છે. કોઈ વાર આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી રહે છે. પતિ-પત્ની મનદુઃખ દૂર કરવા પગલાં ન ભરે તો, તેઓ વચ્ચેની તિરાડ જલદી પુરાશે નહિ. કંઈ ખોટું થયું હોય એનો ગુસ્સો મનમાં ભરી રાખવો સારું નથી, કેમ કે, એક વખત શબ્દો મોંમાંથી નીકળી જાય, તો એ પાછા લઈ શકતા નથી. કંઈ ખોટું થયું હોય એ માટે વ્યક્તિ બીજાને માફ કરે એ સારું છે. પછી એ ભૂલને પણ હંમેશ માટે ભૂલી જવી જોઈએ કેમ કે, “કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી.”—૧ કોરીંથી ૧૩:૪, ૫, પ્રેમસંદેશ.
૧૫. કઠોરતાથી બોલવાની આદત હોય તેઓને પોતાનામાં સુધારો કરવા શામાંથી મદદ મળી શકે?
૧૫ હવે માની લો કે તમારો ઉછેર એવાં કુટુંબમાં થયો છે જ્યાં બધા કઠોરતાથી બોલે છે. એ કારણે તમે પણ કઠોર બની ગયા હોય, પ્રેમની લાગણીથી બોલી શકતા ન હોય તો શું? તમે આ બાબતે સુધારો કરી શકો. તમે જીવનમાં ઘણી બાબતોમાં નક્કી કર્યું હશે કે શું કરવું, શું ન કરવું. કઈ હદ સુધી જવું. એ જ રીતે, શું તમારી વાણી વિષે તમે કોઈ મર્યાદા બાંધી છે? તમારા શબ્દો કઠોર થાય એ પહેલાં શું તમે ચૂપ રહેવાનું નક્કી કર્યું છે? તમે એફેસી ૪:૨૯ પ્રમાણે કરવા ચાહી શકો: ‘મારા મુખમાંથી કંઈ મલિન વચન ન નીકળે.’ એ માટે તમારે ‘જૂનો સ્વભાવ ને તેની ટેવો મૂકી દેવી પડશે. અને નવો સ્વભાવ પહેરવો પડશે. આ નવા માણસને ઈશ્વર જે તેના સર્જનહાર છે તે હંમેશાં પોતાની પ્રતિમા પ્રમાણે સતત નવો કરતો જાય છે.’—કોલોસી ૩:૯, ૧૦, પ્રેમસંદેશ.
દિલ ખોલીને વાત કરો
૧૬. જીવનસાથી સાથે વાત ન કરવાનું કેવું ખરાબ પરિણામ આવી શકે?
૧૬ પતિ પત્ની એકબીજા સાથે વાત ન કરે તો, એનું ખરાબ પરિણામ આવી શકે. એવું નથી કે જીવનસાથીને સબક શીખવવા માટે એક જણ વાત કરવાનું બંધ કરી દે છે. બની શકે કે ,વ્યક્તિ નિરાશ થઈ ગઈ છે ને એના લીધે ચૂપ રહે છે. પણ વાત ન કરવાથી તણાવ વધી શકે અને સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવે. એક પત્ની કહે છે, “ભલે અમે વાત કરવાનું શરૂ કરીએ, એ સમસ્યાની ક્યારેય ચર્ચા કરતા નથી. જાણે એ થયું જ ન હોય.” પણ આ સારું ન કહેવાય કેમ કે સમસ્યા હજી પણ છે.
૧૭. લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું જોઈએ?
૧૭ લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે એને કંઈ સહેલાઈથી હલ કરી શકાતી નથી. નીતિવચનો ૧૫:૨૨ જણાવે છે: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” તમારે જીવનસાથી સાથે બેસીને વાતનો નિવેડો લાવવાની જરૂર છે. સાથે બેસીને વાત કરો ત્યારે, ખુલ્લા દિલથી જીવનસાથીનું સાંભળો. પણ તમને લાગે કે જીવનસાથી સાથે બેસીને વાત કરવી શક્ય જ નથી તો શું? એવા સંજોગોમાં તમે મંડળના વડીલ સાથે ભેગા વાત કરી શકો. વડીલોને બાઇબલનું જ્ઞાન છે. બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાનો અનુભવ છે. તેઓ ‘તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડનારા છે.’—યશાયા ૩૨:૨, IBSI.
તમે જીભ પર કાબૂ મેળવી શકો છો
૧૮. રૂમી ૭:૧૮-૨૩ શું જણાવે છે?
૧૮ વાણી અને વર્તન પર કાબૂ રાખવા મહેનત કરવી પડે છે. પ્રેરિત પાઊલે પોતાને સહેવી પડતી કોઈ મુશ્કેલી વિષે લખ્યું: “હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યાં કરું છું. હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે.” આપણા ‘અવયવોમાં પાપનો નિયમ’ છે. તેથી જેમ આપણે ખોટાં કામ કરવા લલચાય છે, તેમ જીભ ખોટું બોલવા લલચાય છે. (રૂમી ૭:૧૮-૨૩) પરંતુ આપણે વાણી-વર્તન પર કાબૂ મેળવી શકીએ. પરમેશ્વરની મદદથી આપણે જીતી શકીએ.
૧૯, ૨૦. ઈસુનો દાખલો પતિ-પત્નીને જીભ પર કાબૂ મેળવવા કઈ રીતે મદદ કરશે?
૧૯ લગ્ન સંબંધમાં પ્રેમ અને આદર હશે તો, પતિ-પત્ની કઠોર શબ્દો નહિ વાપરે. ઈસુ ખ્રિસ્તનો જ વિચાર કરો. તે પોતાના શિષ્યો સાથે ક્યારેય આડું ન બોલ્યા. ક્યારેય કઠોર શબ્દો વાપર્યા નહિ. તેમના જીવનના છેલ્લા દિવસે શિષ્યોમાં તકરાર ચાલતી હતી કે તેઓમાં મોટું કોણ. એ વખતે પણ ઈસુએ તેમને ધમકાવ્યા નહિ. (લુક ૨૨:૨૪-૨૭) બાઇબલ પતિઓને સલાહ આપે છે, “જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.”—એફેસી ૫:૨૫.
૨૦ પત્ની વિષે શું? તેણે પણ “પતિનું માન” રાખવું જોઈએ. (એફેસી ૫:૩૩) પત્નીને પતિ માટે માન હોય તો, શું તે પતિને કઠોર વેણ સંભળાવશે? પાઊલે લખ્યું: “પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર દેવ છે.” (૧ કોરીંથી ૧૧:૩) પતિ ખ્રિસ્તને આધીન રહે છે એ જ રીતે પત્નીએ પતિને આધીન રહેવું જોઈએ. (કોલોસી ૩:૧૮) જોકે આપણે બધા અપૂર્ણ હોવાથી પૂરી રીતે ઈસુ ખ્રિસ્તને અનુસરી શકતા નથી. પણ તેમના ‘પગલે ચાલવાની’ કોશિશ કરવાથી પતિ-પત્ની જીભને કાબૂમાં રાખી શકશે.—૧ પીતર ૨:૨૧. (w 06 9/15)
તમે શું શીખ્યા?
• મન ફાવે એમ બોલવાથી લગ્નજીવનમાં કેવી અસર પડી શકે?
• શા માટે જીભને કાબૂમાં રાખવી મુશ્કેલ છે?
• શેનાથી જીભ પર કાબૂ મેળવવા મદદ મળી શકે?
• લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું જોઈએ?
[પાન ૧૦ પર ચિત્ર]
વડીલો બાઇબલમાંથી સલાહ આપે છે