‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’
‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ.’—સફા. ૩:૧૬.
૧, ૨. (ક) આજે ઘણા લોકો કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે અને એનાં કેવાં પરિણામો આવે છે? (ખ) બાઇબલ આપણને કયો ભરોસો આપે છે?
આપણાં એક બહેન નિયમિત પાયોનિયર છે અને તેમનાં પતિ મંડળમાં વડીલ છે. તે બહેન કહે છે: ‘યહોવાની ભક્તિમાં સારો નિત્યક્રમ હોવા છતાં, ચિંતાની ખાઈમાંથી બહાર આવવા હું વર્ષોથી સંઘર્ષ કરી રહી છું. એના લીધે મારી રાતોની ઊંઘ ઊડી ગઈ છે, એની ખરાબ અસર મારા સ્વાસ્થ્ય અને બીજાઓ સાથેના વર્તન પર થઈ છે. અમુક વાર હું હિંમત હારી જાઉં છું.’
૨ શું તમે એ બહેનની લાગણી સમજી શકો છો? આપણે શેતાનની દુષ્ટ દુનિયામાં જીવી રહ્યા છીએ. એટલે, આપણે સખત દબાણનો સામનો કરવો પડે છે. એ કેટલા દુઃખની વાત કહેવાય! જાળમાં ભરાયેલું પક્ષી જેમ છૂટવા તરફડતું હોય, તેમ ચિંતાઓમાંથી બહાર આવવા આપણે ઘણી વાર સંઘર્ષ કરવો પડે છે. પણ, કોઈક વાર આપણે ચિંતાઓના બોજ નીચે કચડાઈ જઈએ છીએ. (નીતિ. ૧૨:૨૫) પરંતુ, આપણને શા માટે ચિંતાઓ થાય છે? કદાચ તમે કોઈ સ્નેહીજનને મરણમાં ગુમાવ્યું હશે. બની શકે કે, તમે ગંભીર બીમારી કે સતાવણીનો સામનો કરી રહ્યા હશો. અથવા કદાચ આર્થિક તંગીને લીધે ઘર ચલાવવા સંઘર્ષ કરી રહ્યા હશો. સમય વીતતો જાય તેમ, સતત દબાણને લીધે તમે કદાચ લાગણીમય રીતે ભાંગી જઈ શકો અને તમારી ખુશી છીનવાઈ જઈ શકે. જોકે, તમે ભરોસો રાખી શકો કે, યહોવા તમને મદદ કરવા તૈયાર છે.—યશાયા ૪૧:૧૦, ૧૩ વાંચો.
૩, ૪. (ક) બાઇબલમાં “હાથ” શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે? (ખ) કેવા સંજોગોમાં આપણા હાથ ઢીલા પડી જઈ શકે?
૩ બાઇબલમાં ઘણી વાર ગુણો અથવા વ્યક્તિનાં કાર્યોને શરીરનાં અંગો સાથે સરખાવ્યા છે. દાખલા તરીકે, બાઇબલમાં અનેક વાર “હાથ”નો ઉલ્લેખ થયો છે. જ્યારે એમ કહેવામાં આવ્યું હોય કે, કોઈક વ્યક્તિના હાથ મજબૂત કર્યા છે, ત્યારે એનો અર્થ આમ થઈ શકે: એ વ્યક્તિને ઉત્તેજન આપવામાં આવ્યું છે, બળવાન કરી છે અથવા કોઈ કામ માટે તૈયાર કરી છે. (૧ શમૂ. ૨૩:૧૬; એઝ. ૧:૬) એનો અર્થ એમ પણ થઈ શકે કે, વ્યક્તિનું વલણ સારું છે અને ભાવિ માટે તેની આશા દૃઢ છે.
૪ બીજા કિસ્સાઓમાં, બાઇબલ જણાવે છે કે વ્યક્તિના હાથ ઢીલા પડી ગયા છે. એનો અર્થ થાય કે, વ્યક્તિ નિરાશ થઈ ગઈ છે અથવા તેણે આશા ગુમાવી દીધી છે. (૨ કાળ. ૧૫:૭; હિબ્રૂ. ૧૨:૧૨) સતત તણાવ કે નિરાશાને લીધે કદાચ તમે થાકી જઈ શકો. અથવા યહોવા સાથેનો તમારો સંબંધ કમજોર પડી ગયો હોય એમ લાગે ત્યારે, તમે હિંમત હારી જઈ શકો. એવા સમયે તમને ક્યાંથી ઉત્તેજન મળશે? સંજોગો સામે લડતા રહેવા અને તમારી ખુશી પાછી મેળવવા તમને ક્યાંથી ઉત્સાહ અને હિંમત મળશે?
‘યહોવાનો હાથ એટલો ટૂંકો નથી કે બચાવી ન શકે’
૫. (ક) મુશ્કેલીઓ આવે ત્યારે આપણને કેવું લાગી શકે? પણ આપણે શું યાદ રાખવું જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૫ સફાન્યા ૩:૧૬, ૧૭ વાંચો. મુશ્કેલીઓ આવે ત્યારે આપણે હાથ ઢીલા પાડવાની, ડરવાની કે નિરુત્સાહ થવાની જરૂર નથી. આપણા પ્રેમાળ પિતા યહોવા અરજ કરે છે કે, આપણે “સર્વ ચિંતાઓ તેમના પર નાખી” દઈએ. (૧ પીત. ૫:૭) ઇઝરાયેલીઓની સંભાળ રાખી હતી તેમ, યહોવા આપણી પણ કાળજી રાખે છે. યહોવાએ તેઓને કહ્યું હતું: “યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે.” (યશા. ૫૯:૧) આ લેખમાં આપણે બાઇબલમાંથી ત્રણ જોરદાર અહેવાલો તપાસીશું. આપણે જોઈશું કે સખત મુશ્કેલીઓમાં પણ યહોવાને ખુશ કરી શકીએ માટે તે આપણા હાથ મજબૂત કરે છે; અને એમ કરવાની તેમની ઇચ્છા પણ છે.
૬, ૭. ઇઝરાયેલીઓએ જે રીતે અમાલેકીઓ પર જીત મેળવી, એમાંથી આપણને શું શીખવા મળે છે?
૬ ઇઝરાયેલીઓ મિસરની ગુલામીમાંથી આઝાદ થયા એના થોડા સમય પછી અમાલેકીઓએ તેઓ પર હુમલો કર્યો. પોતાનું રક્ષણ કરવા ઇઝરાયેલીઓએ કેવી યોજના બનાવી? મુસાએ એક બહાદુર સિપાઈ યહોશુઆને યુદ્ધમાં આગેવાની લેવા કહ્યું. પછી, મુસા પોતાના ભાઈ હારુન અને હૂર સાથે નજીકના એક પહાડ પર ગયા. ત્યાંથી તેઓ યુદ્ધ જોઈ શકતા હતા. શું એ ત્રણ લોકો યુદ્ધથી ડરીને ભાગી રહ્યા હતા? જરા પણ નહિ!
૭ ઇઝરાયેલીઓ અમાલેકીઓ વિરુદ્ધનું યુદ્ધ જીતી શકે માટે મુસાએ એક યોજના અમલમાં મૂકી. સાચા ઈશ્વર યહોવાની લાકડી તેમના હાથમાં હતી અને તેમણે એ આકાશ તરફ ઊંચી કરી. જ્યારે તે એમ કરતા, ત્યારે યુદ્ધ જીતવા યહોવા ઇઝરાયેલીઓના હાથ બળવાન કરતા. પણ, થાકને લીધે જ્યારે તેમના હાથ નીચે પડતા, ત્યારે અમાલેકીઓ જીત મેળવતા. એવામાં હારુન અને હૂરે તરત પગલાં ભર્યાં અને મુસાને મદદ કરી. ‘તેઓએ એક પથ્થર લઈને તેમની તળે મૂક્યો, ને તે પર મુસા બેઠા; અને હારુને તથા હૂરે ટેકો દઈને તેમના હાથોને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ; અને તેમના હાથ સૂર્યાસ્ત થતાં સુધી સ્થિર રહ્યા.’ આમ, યહોવાના બળવાન હાથને લીધે ઇઝરાયેલીઓ એ યુદ્ધ જીતી ગયા.—નિર્ગ. ૧૭:૮-૧૩.
૮. (ક) ઇથિયોપિયાનું સૈન્ય યહોવાના લોકો પર ચડી આવ્યું ત્યારે, આસાએ શું કર્યું? (ખ) આપણે કઈ રીતે રાજા આસાનું અનુકરણ કરી શકીએ?
૮ રાજા આસાના સમયમાં પણ પોતાના લોકોની મદદ માટે યહોવાએ પોતાના બળવાન હાથ લંબાવ્યા હતા. બાઇબલમાં ઘણાં સૈન્ય વિશે જણાવવામાં આવ્યું છે. પરંતુ, ઇથિયોપિયાના ઝેરાહનું સૈન્ય સૌથી મોટું હતું. તેના સૈન્યમાં દસ લાખ અનુભવી સૈનિકો હતા. એ સૈન્ય આસાના સૈન્ય કરતાં લગભગ બે ગણું હતું. એના લીધે શું આસા ચિંતા, ડર અને નિરાશામાં ડૂબી ગયા? શું તેમના હાથ ઢીલા પડી ગયા? બિલકુલ નહિ. આસાએ તરત જ યહોવા પાસે મદદ માંગી. બંને સૈન્યની સરખામણી કરીએ તો, ઇથિયોપિયા સામે જીત મેળવવી આસા માટે લગભગ અશક્ય હતું. પરંતુ, “ઈશ્વર માટે બધું જ શક્ય છે.” (માથ. ૧૯:૨૬) યહોવાએ પોતાના મહાન સામર્થ્યનો ઉપયોગ કર્યો અને ‘આસાને હાથે ઇથિયોપિયાના સૈન્યને હાર ખવડાવી.’ યહોવાએ આસાને જીત અપાવી, કારણ કે “તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.”—૨ કાળ. ૧૪:૮-૧૩; ૧ રાજા. ૧૫:૧૪.
૯. (ક) યરૂશાલેમની તૂટેલી દીવાલો જોઈને શું નહેમ્યા નિરુત્સાહ થઈ ગયા? (ખ) યહોવાએ નહેમ્યાની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો?
૯ હવે નહેમ્યાનો વિચાર કરો. તે યરૂશાલેમ પહોંચ્યા ત્યારે તેમણે શું જોયું? આજુબાજુના દુશ્મન દેશો યહુદીઓને ધમકી આપી રહ્યા હતા. એટલા માટે, યરૂશાલેમની દીવાલનું બાંધકામ બંધ પડ્યું હતું. શહેર સલામત ન હતું અને યહુદીઓ નિરાશ થઈ ગયા હતા. એ જોઈને નહેમ્યાને કેવું લાગ્યું? શું તે પણ યહુદીઓની જેમ નિરાશ થઈ ગયા? શું તેમના હાથ ઢીલા પડી ગયા? ના. મુસા, આસા અને બીજા વફાદાર ભક્તોની જેમ નહેમ્યાએ હંમેશાં યહોવા પર ભરોસો રાખ્યો. એ નાજુક ઘડીએ પણ નહેમ્યાએ મદદ માટે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ એનો જવાબ આપ્યો. યહોવાએ “મોટા પરાક્રમથી” તથા પોતાના “બળવાન હાથથી” યહુદીઓને મજબૂત કર્યા. (નહેમ્યા ૧:૧૦; ૨:૧૭-૨૦; ૬:૯ વાંચો.) યહોવા આજે પણ “મોટા પરાક્રમથી” તથા “બળવાન હાથથી” પોતાના ભક્તોને મજબૂત કરે છે. એ હકીકત પર શું તમને ભરોસો છે?
યહોવા તમારા હાથ બળવાન કરશે
૧૦, ૧૧. (ક) આપણા હાથ ઢીલા પડી જાય માટે શેતાન કેવા પ્રયત્નો કરે છે? (ખ) આપણને મજબૂત કરવા અને બળ આપવા યહોવા શાનો ઉપયોગ કરે છે? (ગ) યહોવાએ આપેલાં સૂચનોથી તમને કઈ રીતે ફાયદો થયો છે?
૧૦ શેતાન ક્યારેય પોતાના હાથ ઢીલા પડવા નહિ દે. તે આપણા પર હુમલા કરવાનું અને આપણું સેવાકાર્ય બંધ કરાવવા પ્રયત્નો કરતો રહેશે. તે જૂઠનો સહારો લે છે તેમજ સરકાર, ધર્મગુરુઓ અને સાચા ધર્મનો ત્યાગ કરનારા લોકોનો ઉપયોગ કરીને હુમલો કરે છે. તેનો ઇરાદો શો છે? તે ચાહે છે કે આપણે રાજ્યની ખુશખબર ફેલાવવાનું કામ બંધ કરી દઈએ. પરંતુ, એ કામમાં લાગુ રહેવા યહોવા આપણને મદદ કરી શકે છે અને તે એમ કરવા ચાહે પણ છે. પોતાની પવિત્ર શક્તિ દ્વારા તે આપણને બળવાન કરે છે. (૧ કાળ. ૨૯:૧૨) પરંતુ, જરૂરી છે કે શેતાન અને તેની દુષ્ટ દુનિયા સામે લડવા આપણે ઈશ્વરની પવિત્ર શક્તિ માંગીએ. (ગીત. ૧૮:૩૯; ૧ કોરીં. ૧૦:૧૩) બાઇબલમાંથી આપણને જે ઉત્તેજન મળે છે એ માટે પણ આપણે યહોવાના આભારી છીએ. જરા વિચારો કે, દર મહિને આપણાં સાહિત્યમાંથી આપણે કેટલું બધું શીખીએ છીએ. ઝખાર્યા ૮:૯, ૧૩ના શબ્દો યરૂશાલેમના મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે લખાયા હતા. (વાંચો.) પરંતુ, એ શબ્દો આજે પણ આપણને મદદ કરે છે.
૧૧ આપણને બળવાન કરવા યહોવા મંડળની સભાઓ, સંમેલનો અને બીજી શાળાઓ દ્વારા મદદરૂપ સૂચનો આપે છે. એ સૂચનો આપણને સારા ઇરાદાથી યહોવાની સેવા કરવા, યોગ્ય ધ્યેયો રાખવા અને મંડળની જવાબદારીઓ નિભાવવા મદદ કરે છે. (ગીત. ૧૧૯:૩૨) યહોવાનાં એ સૂચનોથી બળવાન થવા શું તમે આતુર છો?
૧૨. આપણા હાથ ઢીલા ન થઈ જાય, એ માટે આપણે શું કરવું જોઈએ?
૧૨ અમાલેકીઓ અને ઇથિયોપિયાના સૈન્યને હરાવવા યહોવાએ ઇઝરાયેલીઓને મદદ કરી. યરૂશાલેમની દીવાલનું બાંધકામ પૂરું કરવા તેમણે નહેમ્યા અને બીજા યહુદીઓને બળવાન કર્યા. એવી જ રીતે, પ્રચારમાં લાગુ રહેવા યહોવા આપણને બળવાન કરે છે. એટલે, વ્યક્તિગત ચિંતાઓ, વિરોધ અને લોકો ખુશખબરમાં રસ ન બતાવે છતાં આપણે એ કામમાં લાગુ રહી શકીએ છીએ. (૧ પીત. ૫:૧૦) આપણી મુશ્કેલીઓને દૂર કરવા યહોવા કોઈ ચમત્કાર નહિ કરે. આપણે પોતે મહેનત કરવાની છે. કઈ રીતે? આપણે દરરોજ બાઇબલ વાંચવાનું છે; સભાઓ માટે સારી તૈયારી કરવાની છે; કોઈ પણ સભા ચૂકવાની નથી; નિયમિત રીતે વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ કરવાની છે; તેમજ યહોવા પર આધાર રાખવા પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે. આપણને બળવાન કરવા અને ઉત્તેજન આપવા યહોવાએ ઘણી ગોઠવણ કરી છે. એ પરથી આપણું ધ્યાન ક્યારેય ફંટાવા ન દઈએ. જો આપણને લાગે કે યહોવાની સેવામાં આપણા હાથ ઢીલા પડી રહ્યા છે, તો તેમની પાસે મદદ માંગીએ. તે ચોક્કસ આપણને “શક્તિ” આપશે, જેનાથી આપણને “તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ” પણ મળશે. (ફિલિ. ૨:૧૩) પરંતુ, શું આપણે બીજાઓના હાથ બળવાન કરી શકીએ?
ઢીલા પડી રહેલા હાથને મજબૂત કરો
૧૩, ૧૪. (ક) પત્નીને ગુમાવ્યા પછી, એક ભાઈને કઈ રીતે બળ મળ્યું? (ખ) આપણે કઈ રીતે બીજાઓને બળવાન કરી શકીએ?
૧૩ આપણને ઉત્તેજન આપવા યહોવાએ જગત ફરતે પ્રેમાળ ભાઈ-બહેનો આપ્યાં છે. પ્રેરિત પાઊલે કહ્યું હતું: “ઢીલા પડેલા હાથ અને કમજોર ઘૂંટણોને મજબૂત કરો. તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરતા રહો.” (હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩) પ્રથમ સદીમાં ઘણાં ભાઈ-બહેનોને એકબીજા પાસેથી એવી મદદ મળી હતી. આજે પણ એ એટલું જ સાચું છે. ચાલો એક અનુભવ જોઈએ. આપણા એક ભાઈએ મરણમાં પોતાની પત્નીને ગુમાવી અને બીજા ઘણા દર્દનાક સંજોગોનો સામનો કર્યો. તે જણાવે છે: ‘હું શીખ્યો કે, આપણી ઉપર ક્યારે, કેટલી વાર અને કઈ સતાવણી આવે એની પસંદગી આપણા હાથમાં નથી. મારા માટે પ્રાર્થના અને વ્યક્તિગત અભ્યાસે લાઇફ જૅકેટ જેવું કામ કર્યું છે. એના લીધે, હું ચિંતાના દરિયામાં ડૂબી જવાથી બચી શક્યો છું. તેમ જ, ભાઈ-બહેનોના પ્રેમાળ સાથને લીધે મને ઘણી રાહત મળી છે. મુસીબત આવે એ પહેલાંથી જ યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવો કેટલો જરૂરી છે, એનો મને અહેસાસ થયો છે.’
૧૪ અમાલેકીઓ સામેના યુદ્ધ દરમિયાન હારુન અને હૂરે મુસાના હાથને ટેકો આપ્યો. આજે, આપણે પણ બીજાઓને મદદ અને ટેકો આપવાની રીતો શોધતા રહેવું જોઈએ. આપણાં અમુક ભાઈ-બહેનો વધતી ઉંમર, બીમારીઓ, કુટુંબ તરફથી સતાવણી, એકલતા કે સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ સહન કરી રહ્યાં છે. આપણે એવા યુવાનોને પણ બળવાન કરી શકીએ, જેઓ પર ખોટાં કામ કરવાનું કે દુનિયામાં નામ કમાવવાનું દબાણ છે. (૧ થેસ્સા. ૩:૧-૩; ૫:૧૧, ૧૪) રાજ્યગૃહમાં, પ્રચારમાં, ભેગા મળીને જમીએ ત્યારે અથવા ફોન પર વાત કરીએ ત્યારે બીજાઓમાં રસ બતાવીએ અને મદદ કરવાની બીજી રીતો શોધતા રહીએ.
૧૫. ઉત્તેજનકારક શબ્દોની આપણાં ભાઈ-બહેનો પર કેવી અસર થઈ શકે?
૧૫ ઇથિયોપિયાના મોટા સૈન્ય સામે રાજા આસાએ જોરદાર જીત મેળવી, એ પછી પ્રબોધક અઝાર્યાએ રાજાને અને લોકોને ઉત્તેજન આપતા કહ્યું: “તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો; કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.” (૨ કાળ. ૧૫:૭) એ શબ્દોથી આસાને સાચી ભક્તિ ફરી સ્થાપવા ઉત્તેજન મળ્યું. એવી જ રીતે, તમારા ઉત્તેજનકારક શબ્દોથી બીજાઓને યહોવાની સેવામાં લાગુ રહેવા અને ઉત્સાહ જાળવી રાખવા મદદ મળશે. (નીતિ. ૧૫:૨૩) યાદ રાખો, સભામાં ઉત્તેજન આપતા તમારા જવાબોથી ભાઈ-બહેનોને બળવાન થવા મદદ મળે છે.
૧૬. વડીલો કઈ રીતે નહેમ્યાનું અનુકરણ કરી શકે? ભાઈ-બહેનોએ તમને મદદ કરી હોય એવા અનુભવ જણાવો.
૧૬ યહોવાની મદદથી નહેમ્યા અને યહુદીઓ પોતાના હાથ બળવાન કરી શક્યા. તેઓએ બાવન દિવસમાં જ યરૂશાલેમની દીવાલનું બાંધકામ પૂરું કરી દીધું! (નહે. ૨:૧૮; ૬:૧૫, ૧૬) બીજાઓ કામ કરતા હતા ત્યારે, નહેમ્યા હાથ પર હાથ ધરીને બેસી રહ્યા ન હતા. યરૂશાલેમની દીવાલો બાંધવામાં તેમણે પણ બનતી મદદ કરી હતી. (નહે. ૫:૧૬) એવી જ રીતે, મંડળના વડીલો નહેમ્યાનું અનુકરણ કરી શકે. તેઓ રાજ્યગૃહ બાંધકામ અથવા એના સમારકામ અને સફાઈકામમાં મદદ કરી શકે. ચિંતામાં ડૂબી ગયેલાં ભાઈ-બહેનોની મુલાકાત લઈને અને પ્રચારમાં તેઓ સાથે કામ કરીને પ્રેમાળ વડીલો તેઓને બળવાન કરે છે.—યશાયા ૩૫:૩, ૪ વાંચો.
‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’
૧૭, ૧૮. મુશ્કેલીઓ અને ચિંતાઓ આવે ત્યારે તમે કઈ ખાતરી રાખી શકો?
૧૭ ભાઈ-બહેનોની સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે, આપણી એકતા વધારે મજબૂત થાય છે. એનાથી અતૂટ દોસ્તી બાંધવા મદદ મળે છે, તેમજ ઈશ્વરના રાજ્યના આશીર્વાદોમાં આપણો ભરોસો વધારે મક્કમ બને છે. બીજાઓના હાથ બળવાન કરીએ છીએ ત્યારે, તેઓને મુશ્કેલ પરિસ્થિતિ સહન કરવા અને ઉજ્જવળ ભાવિની આશા રાખવા મદદ કરીએ છીએ. એટલું જ નહિ, આપણા પણ હાથ બળવાન થાય છે અને ભાવિમાં મળનાર ઇનામ પર નજર રાખવા મદદ મળે છે.
૧૮ અગાઉના સમયમાં, યહોવાએ જે રીતે વિશ્વાસુ ભક્તોને મદદ કરી અને તેઓનું રક્ષણ કર્યું, એના પર મનન કરવાથી યહોવામાં આપણી શ્રદ્ધા અને ભરોસો મજબૂત થાય છે. તેથી, મુશ્કેલીઓ અને ચિંતાઓ આવે ત્યારે, ‘તમારા હાથ ઢીલા પડવા દેશો નહિ.’ તમે ખાતરી રાખી શકો કે, જો તમે મદદ માટે યહોવાને પ્રાર્થના કરશો, તો તે પોતાના બળવાન હાથોથી તમને મજબૂત કરશે; યહોવા તમારો હાથ પકડીને તમને નવી દુનિયામાં દોરી જશે!—ગીત. ૭૩:૨૩, ૨૪.