પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
“હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે, હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સંમુખ ચાલ્યો છું, . . . તેનું હમણાં તું સ્મરણ કર.”—૨ રાજા. ૨૦:૩.
૧-૩ “સંપૂર્ણ હૃદયથી” યહોવાની સેવા કરવાનો શો અર્થ થાય? દાખલો આપો.
આપણે બધા અપૂર્ણ છીએ અને ભૂલો કરીએ છીએ. પણ, યહોવાનો આભાર કે તેમણે ઈસુના બલિદાનની જોગવાઈ કરી છે અને તે આપણને માફી આપવા તૈયાર રહે છે. જો આપણે નમ્ર બનીને પાપોનો પસ્તાવો કરીએ, તો માફી માટે યહોવા પાસે જઈ શકીએ છીએ. આપણે ખાતરી રાખી શકીએ કે, યહોવા “આપણાં પાપ પ્રમાણે” આપણી સાથે વર્તશે નહિ. (ગીત. ૧૦૩:૧૦) તેમ છતાં, આપણે “સંપૂર્ણ અંતઃકરણથી,” એટલે કે પૂરા દિલથી તેમની ભક્તિ કરવી જ જોઈએ. (૧ કાળ. ૨૮:૯) અપૂર્ણ હોવા છતાં આપણે કઈ રીતે એમ કરી શકીએ?
૨ એ સવાલનો જવાબ મેળવવા, ચાલો આપણે રાજા આસા અને રાજા અમાસ્યાના જીવનની સરખામણી કરીએ. બંને રાજાએ સારાં કામ કર્યાં હતાં અને અપૂર્ણતાને લીધે ભૂલો પણ કરી હતી. પરંતુ, બાઇબલ જણાવે છે કે, “આસાનું અંતઃકરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.” (૨ કાળ. ૧૫:૧૬, ૧૭; ૨૫:૧, ૨; નીતિ. ૧૭:૩) તેમણે હંમેશાં યહોવાને ખુશ કરવાની કોશિશ કરી અને “સંપૂર્ણ અંતઃકરણથી” તેમની ભક્તિ કરી. જ્યારે કે, અમાસ્યાએ ‘ખરા અંતઃકરણથી ભક્તિ કરી નહિ.’ ઈશ્વરના દુશ્મનોને હરાવ્યા બાદ, એ જ દુશ્મનોની મૂર્તિઓ લાવીને એની ભક્તિ કરવા લાગ્યો.—૨ કાળ. ૨૫:૧૧-૧૬.
૩ “સંપૂર્ણ હૃદયથી” યહોવાની સેવા કરવાનો અર્થ થાય કે, ખરા દિલથી તેમને પ્રેમ કરવો અને હંમેશાં તેમની જ ભક્તિ કરવાની તીવ્ર ઇચ્છા હોવી. બાઇબલમાં, “હૃદય” શબ્દનો ઉપયોગ ઘણી વાર વ્યક્તિનાં વિચાર, ઇચ્છા, સ્વભાવ, વલણ, આવડત અને ધ્યેયો દર્શાવવા થયો છે. પાપી હોવા છતાં, આપણે સંપૂર્ણ હૃદયથી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. આપણે યહોવાની ભક્તિ મજબૂરી કે દબાણને લીધે નહિ, પણ સાચા પ્રેમથી પ્રેરાઈને કરીએ છીએ.—૨ કાળ. ૧૯:૯.
૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ ચાલો, આપણે યહુદાના ચાર વફાદાર રાજાઓના જીવન પર નજર કરીએ: આસા, યહોશાફાટ, હિઝકિયા અને યોશિયા. એનાથી આપણે વધુ સારી રીતે સમજી શકીશું કે, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો શો અર્થ થાય. ખરું કે, એ રાજાઓએ ભૂલો કરી હતી. પણ, તેઓએ સારાં કામ દ્વારા યહોવાને ખુશ કર્યા હતા. યહોવાએ જોયું કે, તેઓએ “સંપૂર્ણ હૃદયથી” તેમની ભક્તિ કરી છે. પણ, શાને આધારે કહી શકાય કે, તેઓએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી? આપણે કઈ રીતે એ રાજાઓને અનુસરી શકીએ?
આસાનું હૃદય “યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું”
૫. રાજા બન્યા પછી આસાએ શું કર્યુ?
૫ સમય જતાં, બે કુળનું યહુદાનું રાજ્ય ઇઝરાયેલ રાષ્ટ્રથી છૂટું પડ્યું. યહુદાની રાજગાદી સંભાળનાર ત્રીજા રાજા આસા હતા. રાજા બન્યા પછી, તેમણે યહુદામાંથી જૂઠી ઉપાસના અને ધિક્કારપાત્ર જાતીય કામને દૂર કરવાની મનમાં ગાંઠ વાળી. તેમણે મૂર્તિઓનો નાશ કર્યો અને મંદિરમાં અનૈતિક કામ કરતા પુરુષોને હાંકી કાઢ્યા. તેમણે પોતાની દાદીને “રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરાહ દેવીને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.” (૧ રાજા. ૧૫:૧૧-૧૩) આસાએ લોકોને ‘ઈશ્વર યહોવાની ઉપાસના કરવા અને તેમના નિયમ તથા આજ્ઞાઓ’ પાળવા ઉત્તેજન આપ્યું. બીજાઓ પણ યહોવાની ઉપાસના કરવા પ્રેરાય એ માટે આસાએ બનતું બધું કર્યું.—૨ કાળ. ૧૪:૪.
૬. ઇથિયોપિયાનું સૈન્ય યહુદા પર ચઢી આવ્યું ત્યારે, આસાએ શું કર્યું?
૬ આસાના રાજ્યકાળના પ્રથમ દસ વર્ષ યહુદામાં શાંતિ છવાયેલી હતી. પછી, ઇથિયોપિયાનું સૈન્ય ૧૦ લાખ સૈનિકો અને ૩૦૦ રથો લઈને યહુદા પર ચઢી આવ્યું. (૨ કાળ. ૧૪:૧, ૬, ૯, ૧૦) આસાએ શું કર્યું? તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને દુશ્મનો પર જીત મેળવવા પ્રાર્થના કરી. (૨ કાળવૃત્તાંત ૧૪:૧૧ વાંચો.) યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને તેમને જીત અપાવી. (૨ કાળ. ૧૪:૧૨, ૧૩) આનો વિચાર કરો, યહોવાએ અમુક વાર બેવફા રાજાઓને પણ દુશ્મનો પર જીત અપાવી હતી. શા માટે? પોતે સાચા ઈશ્વર છે એ સાબિત કરવા. (૧ રાજા. ૨૦:૧૩, ૨૬-૩૦) પરંતુ, આસાનો કિસ્સો અલગ હતો. તેમણે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો હતો, એટલે યહોવાએ તેમને જીત અપાવી હતી. જોકે, બીજા એક યુદ્ધ વખતે આસાએ મોટી ભૂલ કરી! યહોવાની મદદ લેવાને બદલે તેમણે સિરિયાના રાજા સામે હાથ ફેલાવ્યો. (૧ રાજા. ૧૫:૧૬-૨૨) છતાં, યહોવાએ તેમની ભૂલ નહિ, પણ તેમનું દિલ જોયું. આસાના “સર્વ દિવસોભર તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.” આપણે કઈ રીતે આસાના દાખલાને અનુસરી શકીએ?—૧ રાજા. ૧૫:૧૪.
૭, ૮. તમે કઈ રીતે આસાને અનુસરી શકો?
૭ આપણે કઈ રીતે જાણી શકીએ કે, આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી રહ્યા છીએ? એનો જવાબ મેળવવા આ સવાલ પર વિચાર કરો: “શું હું મુશ્કેલ સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળું છું? શું તેમના મંડળને શુદ્ધ રાખવા હું મક્કમ છું?” જરા વિચારો, પોતાની દાદીને રાજમાતાના પદ પરથી દૂર કરવા આસાને કેટલી હિંમતની જરૂર પડી હશે. અમુક વાર, તમારે પણ આસાની જેમ હિંમત બતાવવાની જરૂર પડે. દાખલા તરીકે, કુટુંબનું કોઈ સભ્ય કે ખાસ મિત્ર પાપ કરે અને પસ્તાવો ન બતાવે તો, તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. એ વ્યક્તિ સાથે કોઈ પણ રીતે સંગત ન રાખવા શું તમે મક્કમ રહેશો? તમારું દિલ તમને કેવો નિર્ણય લેવા પ્રેરશે?
૮ આસાની જેમ, અમુક વાર આપણને પણ કદાચ લાગે કે બધા આપણી વિરુદ્ધ છે. તમે યહોવાના સાક્ષી છો, એ માટે સાથે ભણતા વિદ્યાર્થીઓ કે શિક્ષકો કદાચ તમારી મજાક ઉડાવે. અથવા, તમે સંમેલનમાં જવા રજા લો છો અને વધુ પૈસા કમાવવા ઓવરટાઈમ નથી કરતા એ માટે, સાથી કર્મચારીઓ તમને મૂર્ખ ગણે. એવા સંજોગોમાં તમે શું કરશો? આસા રાજાની જેમ યહોવા પર આધાર રાખો, પ્રાર્થના કરો, હિંમત રાખો અને જે ખરું છે એ કરતા રહો. યાદ રાખો, ઈશ્વરે આસાને હિંમત આપી હતી, તમને પણ આપશે.
૯. ખુશખબર ફેલાવવાથી આપણે કઈ રીતે યહોવાને ખુશ કરી શકીએ છીએ?
૯ આસાએ ફક્ત પોતાનો જ વિચાર કર્યો નહિ. તેમણે બીજાઓને પણ “યહોવાની શોધ” કરવા ઉત્તેજન આપ્યું. આપણે પણ બીજાઓને યહોવાની ભક્તિ કરવા મદદ કરીએ છીએ. પ્રેમથી પ્રેરાઈને આપણે તેઓને ખુશખબર જણાવીએ છીએ, જેથી ભાવિમાં તેઓ પણ કાયમનું જીવન મેળવી શકે. આપણી એ મહેનત યહોવાના ધ્યાન બહાર જતી નથી. યહોવા અને લોકો પ્રત્યેનો એ સાચો પ્રેમ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે!
યહોશાફાટે યહોવાની શોધ કરી
૧૦, ૧૧. આપણે કઈ રીતે યહોશાફાટને અનુસરી શકીએ?
૧૦ રાજા યહોશાફાટ ‘પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યા.’ (૨ કાળ. ૨૦:૩૧, ૩૨) પિતાની જેમ, યહોશાફાટે લોકોને યહોવાની ભક્તિ કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. લોકોને ‘યહોવાના નિયમના પુસ્તકમાંથી’ શીખવવા તેમણે યહુદાના શહેરોમાં માણસો મોકલ્યા. (૨ કાળ. ૧૭:૭-૧૦) તે ઇઝરાયેલના ઉત્તરના રાજ્યમાં છેક એફ્રાઈમના પહાડી વિસ્તાર સુધી ગયા, જેથી લોકોના મન ‘ઈશ્વર યહોવા તરફ ફેરવી’ શકે. (૨ કાળ. ૧૯:૪) યહોશાફાટ રાજાએ “પોતાના ખરા અંતઃકરણથી યહોવાની શોધ” કરી.—૨ કાળ. ૨૨:૯.
૧૧ આપણે કઈ રીતે યહોશાફાટને અનુસરી શકીએ? યહોવા ચાહે છે કે, દુનિયાભરના લોકોને તેમના વિશે શીખવવામાં આવે. આપણે બધા એ કામમાં ટેકો આપી શકીએ છીએ. એ કામમાં દર મહિને સહભાગી થવાનો શું તમે ધ્યેય રાખ્યો છે? શું તમે લોકોને બાઇબલમાંથી યહોવા વિશે શીખવવા ચાહો છો? એ માટે શું તમે પ્રાર્થના કરો છો? જો તમે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરશો, તો યહોવા તમને મદદ કરશે. બીજાઓને બાઇબલમાંથી શીખવવા શું તમે આરામનો સમય જતો કરવા તૈયાર છો? યહોશાફાટે બીજાઓને યહોવાની ભક્તિ તરફ પાછા ફરવા મદદ કરી હતી. તેમની જેમ આપણે પણ ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને મદદ કરી શકીએ. અને જો મંડળના વડીલોના ધ્યાનમાં આવે કે કોઈ બહિષ્કૃત વ્યક્તિએ ખોટાં કામ છોડી દીધાં છે, તો તેની મુલાકાત લેવા અને મદદ કરવા ગોઠવણ કરી શકે.
૧૨, ૧૩. (ક) યહોશાફાટને મોટા સૈન્યથી ડર લાગ્યો ત્યારે, તેમણે શું કર્યું? (ખ) આપણે શા માટે યહોશાફાટની જેમ પોતાની કમજોરીઓ સ્વીકારવી જોઈએ?
૧૨ એક મોટું સૈન્ય યહુદા પર ચઢાઈ કરવા આવ્યું ત્યારે, આસાની જેમ યહોશાફાટે યહોવા પર આધાર રાખ્યો. (૨ કાળવૃત્તાંત ૨૦:૨-૪ વાંચો.) તેમને ડર તો લાગ્યો હતો, પણ મદદ માટે તેમણે “યહોવાની શોધ” કરી. પ્રાર્થનામાં તેમણે કબૂલ્યું કે તે પોતાની તાકાતથી દુશ્મનોને હરાવી શકતા નથી. તેમણે એ પણ જણાવ્યું કે, તેમને અને લોકોને ખબર નથી કે શું કરવું. યહોશાફાટને પૂરી ખાતરી હતી કે યહોવા તેઓને મદદ કરશે. તેમણે કહ્યું: “અમે તો તારી તરફ જોઈએ છીએ.”—૨ કાળ. ૨૦:૧૨.
૧૩ યહોશાફાટની જેમ કદાચ આપણને પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો ન સૂઝે અને કદાચ ડર પણ લાગે. (૨ કોરીં. ૪:૮, ૯) યાદ કરો, યહોશાફાટે શું કર્યું હતું. લોકોની સામે તેમણે યહોવાને પ્રાર્થના કરી અને કબૂલ્યું કે તેઓ કમજોર છે. (૨ કાળ. ૨૦:૫) કુટુંબના શિર પણ યહોશાફાટના દાખલાને અનુસરી શકે. મુશ્કેલ સંજોગોનો સામનો કરવા હિંમત મળે માટે યહોવાને આજીજી કરો. માર્ગદર્શન માટે તેમને પોકાર કરો. કુટુંબ સાથે પ્રાર્થના કરો ત્યારે, કમજોરીઓ સ્વીકારતા શરમાશો નહિ. તેઓ જોઈ શકશે કે, તમને યહોવા પર કેટલો ભરોસો છે. યહોવાએ યહોશાફાટને મદદ કરી હતી, તમને પણ કરશે.
હિઝકિયા ખરા માર્ગે ચાલતા રહ્યા
૧૪, ૧૫. હિઝકિયાએ કઈ રીતે યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખ્યો?
૧૪ હિઝકિયા પણ એક વફાદાર રાજા હતા અને “તે યહોવાને વળગી” રહ્યા. તેમના મૂર્તિપૂજક પિતાએ તેમના માટે સારો દાખલો બેસાડ્યો ન હતો. છતાં, તે ખરા માર્ગે ચાલ્યા. તેમણે જૂઠી ઉપાસના માટેના “ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરાહ મૂર્તિને કાપી નાખી.” તેમણે ‘મુસાએ બનાવેલા પિત્તળના સાપના ટુકડેટુકડા કરી નાખ્યા,’ કારણ કે ઇઝરાયેલીઓ એની ભક્તિ કરતા હતા. સ્પષ્ટ છે કે, હિઝકિયાનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. ‘યહોવાએ જે આજ્ઞાઓ મુસાને ફરમાવી હતી, એ તે પાળતા રહ્યા.’—૨ રાજા. ૧૮:૧-૬.
૧૫ હિઝકિયા રાજપદ પર હતા ત્યારે, આશ્શૂરના શક્તિશાળી સૈન્યે યહુદાને ઘેરી લીધું અને યરૂશાલેમનો નાશ કરવાની ધમકી આપી. આશ્શૂરના રાજા સાન્હેરીબે યહોવાની નિંદા કરી અને હિઝકિયાને પોતાને તાબે થવા દબાણ કર્યું. એ ભયાવહ સમયમાં તેમણે પૂરેપૂરી રીતે યહોવા પર આધાર રાખ્યો અને મદદ માટે પ્રાર્થના કરી. તે જાણતા હતા કે, દુશ્મનો કરતાં યહોવા અતિ ગણા શક્તિશાળી છે અને પોતાના લોકોને બચાવી શકે છે. (યશાયા ૩૭:૧૫-૨૦ વાંચો.) યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને એક દૂત મોકલીને આશ્શૂરના એક લાખ પંચાશી હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા.—યશા. ૩૭:૩૬, ૩૭.
૧૬, ૧૭. આપણે કઈ રીતે હિઝકિયાને અનુસરી શકીએ?
૧૬ પછીથી, હિઝકિયા મરણતોલ માંદા પડ્યા. એ મુશ્કેલ સંજોગમાં તેમણે યહોવાને કાલાવાલા કર્યા અને તેમણે કરેલા સારાં કામોને યાદ કરવા વિનંતી કરી. (૨ રાજાઓ ૨૦:૧-૩ વાંચો.) યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને તેમને સાજા કર્યા. બાઇબલમાંથી આપણે શીખીએ છીએ કે, યહોવા બીમારીમાંથી સાજા કરવા કે લાંબા આયુષ્ય માટે હવે એવા ચમત્કારો કરતા નથી. છતાં, હિઝકિયાની જેમ આપણે ભરોસો તો રાખી શકીએ કે યહોવા ચોક્કસ મદદ કરશે. આપણે તેમને કહી શકીએ: “હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે, હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સંમુખ ચાલ્યો છું, . . . તેનું હમણાં તું સ્મરણ કર.” શું તમને પૂરી ખાતરી છે કે, યહોવા હંમેશાં તમારી સંભાળ રાખશે, ખાસ કરીને માંદગીના બિછાના પર હો ત્યારે?—ગીત. ૪૧:૩.
૧૭ બીજી કઈ રીતે આપણે હિઝકિયાને અનુસરી શકીએ? બની શકે કે, આપણા જીવનમાં એવું કંઈક છે જે યહોવા સાથેની મિત્રતાને આડે આવે છે અથવા ભક્તિમાંથી ધ્યાન ફંટાવી દે છે. દાખલા તરીકે, અમુક લોકોએ માણસોને પોતાના ભગવાન બનાવી દીધા છે. અરે, તેઓ એવી પ્રખ્યાત હસ્તીઓ અને લોકો પાછળ પાગલ છે, જેઓને તેઓ સારી રીતે ઓળખતા પણ નથી. બીજા અમુક તેઓના ફોટા જોવા અને તેઓ વિશે વાંચવા કલાકો વેડફી નાંખે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો જોડે જોડાયેલા રહે છે. ખરું કે, એ દ્વારા કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલા રહેવામાં કંઈ ખોટું નથી. પરંતુ, સોશિયલ મીડિયા આપણો કીમતી સમય ખાઈ જઈ શકે. અરે, ઇન્ટરનેટ પર મૂકેલા આપણાં ફોટા અને કોમેન્ટને ઘણા લોકો વખાણે તો, આપણામાં કદાચ ઘમંડ આવી શકે. અને જો લોકો એના પર ધ્યાન ન આપે, તો આપણને માઠું લાગી જઈ શકે. જરા પ્રેરિત પાઊલ તેમજ આકુલા અને પ્રિસ્કિલાનો વિચાર કરો. શું તેઓએ બીજાઓની ઝીણી ઝીણી માહિતી જાણવા સમય વેડફ્યો હશે, ખાસ કરીને યહોવાના ભક્ત ન હોય એવા લોકો વિશે જાણવા? જરા પણ નહિ. બાઇબલ કહે છે કે, પાઊલે “સંદેશો ફેલાવવાનું કામ પૂરા ઉત્સાહથી” કર્યું. તેમ જ, પ્રિસ્કિલા અને આકુલાએ બીજાઓને “ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું.” (પ્રે.કા. ૧૮:૪, ૫, ૨૬) આપણે પોતાને પૂછી શકીએ: “મારા જીવનમાં માણસો ઈશ્વરનું સ્થાન ન લઈ લે, એની શું હું કાળજી રાખું છું? બિનજરૂરી બાબતોમાં સમય વેડફાઈ ન જાય, એનું શું હું ધ્યાન રાખું છું?”—એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.
યોશિયાએ યહોવાની આજ્ઞાઓ પાળી
૧૮, ૧૯. આપણે કઈ રીતે યોશિયા જેવા બની શકીએ?
૧૮ હિઝકિયાના વંશમાં થઈ ગયેલા રાજા યોશિયાએ પણ “પોતાના ખરા હૃદયથી” યહોવાની આજ્ઞાઓ પાળી. (૨ કાળ. ૩૪:૩૧) તરુણવયથી જ તેમણે “પોતાના પિતા દાઊદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી.” ૨૦ વર્ષના થયા ત્યારે, તેમણે યહુદામાંથી મૂર્તિઓનો નિકાલ કરવાનું શરૂ કર્યું. (૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩ વાંચો.) યોશિયાએ યહોવાને ખુશ કરવા ઘણું કર્યું. હકીકતમાં, યહુદાના બીજા રાજાઓ કરતાં તેમણે ઘણી વધારે મહેનત કરી. એક દિવસે, મુખ્ય યાજકને મંદિરમાંથી યહોવાના નિયમોનું પુસ્તક મળી આવ્યું. કદાચ એ મુસાના હસ્તે લખાયેલું હતું! યોશિયાના એક સેવકે એ વાંચી સંભળાવ્યું ત્યારે, યોશિયાને ખ્યાલ આવ્યો કે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવા હજી ઘણું કરવાની જરૂર છે. તેમણે બીજાઓને પણ યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું. પરિણામે, તેમના રાજ્યકાળમાં લોકો “પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.”—૨ કાળ. ૩૪:૨૭, ૩૩.
૧૯ બાળકો, તમે પણ યોશિયાની જેમ નાનપણથી જ યહોવા સાથે પાકી દોસ્તી કરી શકો છો. યોશિયા કદાચ તેમના દાદા મનાશ્શા પાસેથી યહોવાની દયા વિશે શીખ્યા હતા. તમે પણ કુટુંબમાં અને મંડળનાં વફાદાર ભાઈ-બહેનો સાથે દોસ્તી કરી શકો. તેઓ પાસેથી જાણો કે, કઈ રીતે યહોવાએ તેઓને દયા બતાવી છે. યાદ રાખજો કે, શાસ્ત્રના શબ્દોએ યોશિયાનું દિલ સ્પર્શી લીધું અને તેમને સારાં કામ કરવાની પ્રેરણા મળી. તમે બાઇબલ વાંચશો તો, તમને પણ સારાં કામ કરવાં પ્રેરણા મળશે. તમારી ખુશીમાં વધારો થશે. યહોવા સાથેની તમારી દોસ્તી વધુ ગાઢ બનશે. બીજાઓ યહોવા વિશે શીખી શકે માટે મદદ કરવાની તમારી ભાવના તીવ્ર બનશે. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૮, ૧૯ વાંચો.) બાઇબલના અભ્યાસ પરથી કદાચ તમારા ધ્યાનમાં આવે કે, ભક્તિના કોઈક પાસામાં તમારે સુધારો કરવાની જરૂર છે. એમ હોય તો, યોશિયાની જેમ સુધારો કરવા પગલાં ભરો.
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
૨૦, ૨૧. (ક) જે ચાર રાજાઓ વિશે આપણે જોઈ ગયા, તેઓમાં કઈ બાબત એકસરખી હતી? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૦ આ લેખમાં આપણે ચાર રાજાઓ વિશે જોયું, જેઓએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી. તેઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાની ઇચ્છા પૂરી કરવા તેઓ તત્પર હતા અને એ માટે તેઓએ પોતાનો જીવ રેડી દીધો. તેઓએ યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું. શક્તિશાળી દુશ્મનો અને પહાડ જેવા વિઘ્નો આવ્યા ત્યારે, તેઓએ યહોવા પર ભરોસો રાખ્યો. સૌથી મહત્ત્વનું તો, સાચા પ્રેમથી પ્રેરાઈને તેઓએ યહોવાની ભક્તિ કરી.
૨૧ અપૂર્ણ હોવાને લીધે એ રાજાઓથી ભૂલો થઈ હતી. પરંતુ, હૃદયના પારખનાર યહોવાએ જોયું કે તેઓનું ‘હૃદય સંપૂર્ણ’ હતું. આપણા વિશે શું? આપણાથી પણ ભૂલો થાય છે. પરંતુ, યહોવા આપણા દિલમાં ડોકિયું કરશે ત્યારે, શું તે કહી શકશે કે આપણું ‘હૃદય સંપૂર્ણ’ છે? આવતા લેખમાં ચર્ચા કરીશું કે, એ રાજાઓની ભૂલમાંથી આપણે શું શીખી શકીએ.