અભ્યાસ લેખ ૪૦
દિલથી પસ્તાવો કરવો એટલે શું?
‘હું પાપીઓને બોલાવવા આવ્યો છું.’—લૂક ૫:૩૨.
ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ
ઝલકa
૧-૨. (ક) બંને રાજામાં શું ફરક હતો? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
પ્રાચીન સમયમાં બે રાજા થઈ ગયા. એક રાજા ઇઝરાયેલના હતા અને બીજા રાજા યહૂદાના હતા. બંને રાજા અલગ અલગ સમયમાં થઈ ગયા. તેઓમાં ઘણી વાત સરખી હતી. તેઓએ ઈશ્વર વિરુદ્ધ કામ કર્યાં હતાં. તેઓના લીધે ઈશ્વરના લોકોએ ખોટાં કામ કર્યાં હતાં. તેઓએ મૂર્તિપૂજા અને ખૂન કર્યાં હતાં. પણ બંને રાજામાં એક મોટો ફરક હતો. એક રાજાએ મરતા સુધી ખરાબ કામ કર્યાં, જ્યારે કે બીજા રાજાએ પોતાની ભૂલ સ્વીકારી અને પસ્તાવો કર્યો. એટલે યહોવાએ તેમને માફ કર્યા. એ રાજાઓ કોણ હતા?
૨ ઇઝરાયેલના રાજા આહાબ અને યહૂદાના રાજા મનાશ્શા. એ રાજાઓના જીવનમાંથી શીખીશું કે દિલથી પસ્તાવો કરવાનો શું અર્થ થાય. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે દિલથી પસ્તાવો કરી શકીએ. (પ્રે.કા. ૧૭:૩૦; રોમ. ૩:૨૩) એ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણાથી પણ પાપ થઈ શકે છે અને ચાહીએ છીએ કે યહોવા આપણને માફ કરે. આ લેખમાં એ પણ જોઈશું કે પસ્તાવો કરવા વિશે ઈસુએ શું શીખવ્યું.
આહાબ રાજા
૩. આહાબ કેવો રાજા હતો?
૩ આહાબ ઇઝરાયેલનો સાતમો રાજા હતો. તેણે સિદોનના રાજાની દીકરી ઇઝેબેલ સાથે લગ્ન કર્યા હતા. એ લગ્નથી ઇઝરાયેલ રાજ્યને વેપાર-ધંધામાં ફાયદો તો થયો, પણ એનાથી નુકસાન વધારે થયું. ઇઝરાયેલીઓ યહોવા વિરુદ્ધ વધારે મોટાં પાપ કરવા લાગ્યા. ઇઝેબેલ રાણી બઆલની ભક્તિ કરતી હતી. તેણે આહાબ દ્વારા આખા રાજ્યમાં એ ભક્તિ ફેલાવી. એ ભક્તિ એટલી ખરાબ હતી કે બઆલના મંદિરમાં વેશ્યાઓ રાખવામાં આવતી અને બાળકોનાં બલિદાન ચઢાવવામાં આવતાં. ઇઝેબેલે યહોવાના ઘણા પ્રબોધકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. (૧ રાજા. ૧૮:૧૩) આહાબે પણ ઘણાં ખરાબ કામ કર્યાં હતાં. એટલે ‘યહોવાની નજરમાં આહાબ તેની અગાઉ થયેલા બધા રાજાઓ કરતાં સૌથી વધારે પાપી હતો.’ (૧ રાજા. ૧૬:૩૦) યહોવાને ખબર હતી કે આહાબ અને ઇઝેબેલ શું કરતા હતા, તેમ છતાં તેમણે દયા બતાવી. તેમણે ઇઝરાયેલના લોકોને ચેતવણી આપવા એલિયા પ્રબોધકને મોકલ્યા. પણ આહાબ અને ઇઝેબેલે તેમની વાત માની નહિ.
૪. યહોવાએ કઈ સજા ફરમાવી અને આહાબને કેવું લાગ્યું?
૪ આખરે યહોવાએ પગલાં ભરવાનું નક્કી કર્યું. તેમણે એલિયા દ્વારા આહાબ અને ઇઝેબેલને જણાવ્યું કે તેઓના આખા વંશનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. એ વાતથી આહાબને ઘણું દુઃખ થયું. એ ઘમંડી રાજા “નમ્ર બની ગયો.”—૧ રાજા. ૨૧:૧૯-૨૯.
૫-૬. શા પરથી કહી શકાય કે આહાબે દિલથી પસ્તાવો કર્યો ન હતો?
૫ ખરું કે આહાબ એ સમયે નમ્ર બન્યો. પણ તેણે પછી જે કર્યું, એનાથી ખબર પડે છે કે તેનો પસ્તાવો દિલથી ન હતો. આહાબે પોતાના રાજ્યમાં બઆલની ભક્તિ બંધ ન કરાવી. તેણે લોકોને યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન પણ ન આપ્યું. તેણે બીજાં એવાં ઘણાં કામો કર્યાં, જેનાથી ખબર પડે છે કે પોતે કરેલા પાપનો તેને કોઈ પસ્તાવો ન હતો.
૬ અમુક સમય પછી આહાબે સિરિયા સામે યુદ્ધ લડવા યહૂદાના રાજા યહોશાફાટ પાસે મદદ માંગી. યહોશાફાટ સારા રાજા હતા, એટલે તેમણે એ વિશે યહોવાના પ્રબોધકની સલાહ લેવાનું જણાવ્યું. આહાબને એ ન ગમ્યું એટલે તેણે કહ્યું: “એક માણસ છે જેના દ્વારા યહોવાની સલાહ પૂછી શકાય. પણ મને તેનાથી સખત નફરત છે. તે ક્યારેય મારા માટે સારું ભાવિ જણાવતો નથી. તે કાયમ મારું બૂરું જ બોલે છે.” જોકે પછીથી આહાબે હા પાડી અને તેઓએ મીખાયા પ્રબોધકની સલાહ લીધી. પ્રબોધકે જે જણાવ્યું એ આહાબ માટે ખરાબ સમાચાર હતા. આહાબે યહોવા પાસે માફી માંગવાને બદલે પ્રબોધકને કેદમાં નંખાવી દીધા. (૧ રાજા. ૨૨:૭-૯, ૨૩, ૨૭) તેણે પ્રબોધકને કેદમાં તો નંખાવી દીધા, પણ યહોવાની વાત પૂરી થતા રોકી શક્યો નહિ. એ યુદ્ધમાં આહાબ માર્યો ગયો.—૧ રાજા. ૨૨:૩૪-૩૮.
૭. યહોવાએ આહાબ વિશે શું કહ્યું?
૭ યુદ્ધ પછી યહોશાફાટ સહીસલામત પાછા ફર્યા. એ સમયે યેહૂ પ્રબોધક દ્વારા યહોવાએ જણાવ્યું કે તે આહાબ વિશે શું વિચારે છે. યેહૂએ યહોશાફાટને ઠપકો આપ્યો: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ? શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?” (૨ કાળ. ૧૯:૧, ૨) જરા વિચારો, જો આહાબે દિલથી પસ્તાવો કર્યો હોત તો યહોવાએ તેને દુષ્ટ કહ્યો ન હોત. અરે, તેનો સમાવેશ એવા લોકોમાં પણ થયો ન હોત જેઓ યહોવાને નફરત કરે છે. આમ સાફ જોવા મળે છે કે આહાબને પોતાની ભૂલનો અફસોસ તો હતો પણ તેણે ક્યારેય દિલથી પસ્તાવો કર્યો ન હતો.
૮. આહાબ રાજાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૮ આહાબ રાજાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? એલિયાએ આહાબના વંશ વિશે જે ભવિષ્યવાણી કરી એ સાંભળીને શરૂઆતમાં આહાબ નમ્ર બન્યો. પણ પછીથી તેનાં કાર્યોથી દેખાઈ આવ્યું કે તેણે દિલથી પસ્તાવો કર્યો ન હતો. પસ્તાવો કરવાનો અર્થ ફક્ત એ જ નથી કે પોતાની ભૂલ માટે અફસોસ કરવો. એ માટે બીજું પણ કંઈક કરવું પડશે. ચાલો એ વિશે મનાશ્શા રાજા પાસેથી શીખીએ.
મનાશ્શા રાજા
૯. મનાશ્શા કેવા રાજા હતા?
૯ આશરે બસો વર્ષ પછી મનાશ્શા યહૂદાના રાજા બન્યા. તેમણે કદાચ આહાબથી પણ વધારે ખરાબ કામો કર્યાં. તેમના માટે કહેવામાં આવ્યું: “તેણે યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો.” (૨ કાળ. ૩૩:૧-૯) મનાશ્શાએ જૂઠા દેવી-દેવતાઓ માટે વેદીઓ બાંધી. યહોવાના મંદિરમાં એક ભક્તિ-થાંભલો ઊભો કર્યો જે પ્રજનન દેવીની ભક્તિ માટે હતો. તેમણે જાદુટોણાં કર્યાં અને જોષ જોયા. ‘તેમણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા.’ તેમણે જૂઠા દેવી-દેવતાઓ માટે “પોતાના દીકરાઓને આગમાં બલિ ચઢાવી દીધા.”—૨ રાજા. ૨૧:૬, ૭, ૧૦, ૧૧, ૧૬.
૧૦. યહોવાએ મનાશ્શાને કઈ રીતે સુધાર્યા અને મનાશ્શાએ શું કર્યુ?
૧૦ યહોવાએ મનાશ્શાને ચેતવણી આપવા ઘણા પ્રબોધકો મોકલ્યા. પણ મનાશ્શાએ આહાબની જેમ તેઓનું સાંભળ્યું નહિ એટલે “યહોવા [યહૂદા] વિરુદ્ધ આશ્શૂરના રાજાના લશ્કરના મુખીઓને લઈ આવ્યા. તેઓ મનાશ્શાને આંકડીઓથી પકડીને તાંબાની બે બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયા.” મનાશ્શાએ પોતે કરેલાં કાર્યોનો કેદમાં વિચાર કર્યો. પછી ‘તે પોતાના બાપદાદાઓના ઈશ્વર આગળ એકદમ નમ્ર બની ગયા.’ એટલું જ નહિ તેમણે “પોતાના ઈશ્વર યહોવા પાસે દયાની ભીખ માંગી” અને ‘ઈશ્વરને કાલાવાલા કરતા રહ્યા.’ ધીરે ધીરે તેમનું મન બદલાયું અને તે યહોવાને “પોતાના ઈશ્વર” માનવા લાગ્યા.—૨ કાળ. ૩૩:૧૦-૧૩.
૧૧. બીજો કાળવૃત્તાંત ૩૩:૧૫, ૧૬માંથી કઈ રીતે ખબર પડે છે કે મનાશ્શાએ દિલથી પસ્તાવો કર્યો હતો?
૧૧ મનાશ્શાની પ્રાર્થનાઓથી યહોવા જોઈ શક્યા કે સાચે જ મનાશ્શાએ પોતાનું મન બદલ્યું છે. એટલે તેમણે મનાશ્શાને માફ કર્યા અને થોડા સમય પછી ફરી રાજા બનાવ્યા. રાજા બન્યા પછી તેમણે પોતાનાં કાર્યોથી બતાવ્યું કે તેમને સાચે જ પસ્તાવો છે. તેમણે જે કર્યું એ આહાબ રાજાએ કર્યું ન હતું. મનાશ્શા રાજાએ પોતાનામાં ફેરફાર કર્યો. તેમણે રાજ્યમાંથી જૂઠી ભક્તિ દૂર કરવા મહેનત કરી અને લોકોને સાચી ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું. (૨ કાળવૃત્તાંત ૩૩:૧૫, ૧૬ વાંચો.) એમ કરવું કંઈ સહેલું ન હતું, કેમ કે તેમણે યુવાનીથી ઘણાં ખરાબ કામો કર્યાં હતાં. એની અસર તેમના કુટુંબ, અધિકારીઓ અને લોકો પર પડી હતી. વૃદ્ધ થયા પછી તેમણે યહોવા પર વિશ્વાસ રાખ્યો અને હિંમતવાન બનીને પોતાની ભૂલોને સુધારવા મહેનત કરી. એની કદાચ તેમના પૌત્ર યોશિયા પર સારી અસર પડી, જે પછીથી એક સારા રાજા બન્યા.—૨ રાજા. ૨૨:૧, ૨.
૧૨. પસ્તાવો કરવા વિશે મનાશ્શાના દાખલામાંથી શું શીખવા મળે છે?
૧૨ આપણે મનાશ્શા રાજાના દાખલામાંથી શું શીખી શકીએ? તે નમ્ર બન્યા, એટલું જ નહિ તેમણે બીજું પણ કંઈક કર્યું. તેમણે યહોવાને પ્રાર્થના કરી અને દયાની ભીખ માંગી. તેમણે જીવનમાં ફેરફારો કર્યા અને પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો. તે યહોવાની ભક્તિમાં લાગુ રહ્યા. તેમણે બીજાઓને પણ એમ કરવા ઉત્તેજન આપ્યું. મનાશ્શાના દાખલામાંથી શીખવા મળે છે કે મોટાં મોટાં પાપ કર્યાં હોય, તેઓને પણ માફી મળી શકે છે. કારણ કે ‘યહોવા ભલા છે અને માફ કરવા તૈયાર છે.’ (ગીત. ૮૬:૫) પણ યહોવા ત્યારે જ માફ કરશે જો આપણે પોતાની ભૂલો માટે દિલથી પસ્તાવો કરીશું.
૧૩. પસ્તાવો કરવામાં શું સમાયેલું છે? દાખલો આપો.
૧૩ દિલથી પસ્તાવો કરવામાં પોતાની ભૂલ માટે અફસોસ બતાવવો જ પૂરતું નથી. ચાલો એને સમજવા એક દાખલો લઈએ. તમે મીઠાઈની દુકાનમાં ગુલાબજાંબુ લેવા જાઓ છો. પણ દુકાનદાર તમને ગુલાબજાંબુના બદલે ખાંડ આપે છે. શું તમે એ લેશો? ના. જો દુકાનદાર કહે કે “ગુલાબજાંબુ માટે ખાંડ તો જોઈએ જ ને, લઈ જાઓ ને!” શું તમે માની જશો? ના. એવી જ રીતે પોતાની ભૂલ માટે અફસોસ બતાવવો સારું છે, પણ એટલું જ પૂરતું નથી. યહોવા ઇચ્છે છે કે આપણે દિલથી પસ્તાવો કરીએ. એનો શું અર્થ થાય? એ સમજવા ચાલો ઈસુએ આપેલા ખોવાયેલા દીકરાનું ઉદાહરણ જોઈએ.
દિલથી કરેલો પસ્તાવો કઈ રીતે પારખી શકાય?
૧૪. કઈ રીતે ખબર પડે કે દીકરાને પોતાની ભૂલ માટે અફસોસ થયો?
૧૪ લૂક ૧૫:૧૧-૩૨માં ખોવાયેલા દીકરાનું ઉદાહરણ છે. દીકરો પિતાનું ઘર છોડીને “દૂર દેશ” ચાલ્યો ગયો. ત્યાં તે ખરાબ જીવન જીવવા લાગ્યો. તેના પર મુસીબતો આવી ત્યારે “તેની અક્કલ ઠેકાણે આવી.” તેને અહેસાસ થયો કે તે ખોટું કરી રહ્યો છે. તેને યાદ આવ્યું કે પિતાના ઘરે તે કેટલો ખુશ હતો. તેણે ઘરે પાછા જઈને પિતા પાસે માફી માંગવાનું નક્કી કર્યું. તેને પોતાની ભૂલ માટે અફસોસ થયો, એ સારી વાત હતી. પણ એટલું જ પૂરતું ન હતું, તેણે જીવનમાં ફેરફાર કરવાનો હતો.
૧૫. કઈ રીતે ખોવાયેલા દીકરાએ દિલથી પસ્તાવો કર્યો?
૧૫ ખોવાયેલા દીકરાને પોતાની ભૂલ માટે દિલથી પસ્તાવો થયો. એટલે તે લાંબી મુસાફરી કરીને ઘરે પાછો આવ્યો. પછી તેણે પિતાને કહ્યું: “મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તમારો દીકરો ગણાવાને લાયક નથી.” (લૂક ૧૫:૨૧) એનાથી ખબર પડે છે કે તે યહોવા સાથે સંબંધ સુધારવા માંગતો હતો. તેને સમજાયું કે પિતાને તેનાથી દુઃખ પહોંચ્યું છે. તે પિતા સાથે પણ પોતાનો સંબંધ સુધારવા માંગતો હતો. એટલે તે પિતાના ત્યાં મજૂર તરીકે કામ કરવા પણ તૈયાર હતો. (લૂક ૧૫:૧૯) ઈસુએ આપેલું ઉદાહરણ ફક્ત એક વાર્તા જ નથી. એમાંથી વડીલો ઘણું શીખી શકે છે. તેઓને એ પારખવા મદદ મળશે કે પાપ કરનાર વ્યક્તિને ખરો પસ્તાવો છે કે નહિ.
૧૬. વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે એ જાણવું વડીલો માટે કેમ અઘરું હોઈ શકે?
૧૬ વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ, એ જાણવું વડીલો માટે સહેલું નથી. શા માટે? કેમ કે તેઓ વ્યક્તિનું મન વાંચી શકતા નથી. તેઓને નિર્ણયો લેવા પુરાવાઓની જરૂર પડે છે. કોઈ વાર વ્યક્તિ પાપ કરવામાં બધી હદ પાર કરી દે છે. એટલે વડીલોને તેની વાત પર ભરોસો કરવો અઘરું લાગી શકે.
૧૭. (ક) દાખલો આપીને સમજાવો કે પોતાની ભૂલ માટે અફસોસ કરવો જ પૂરતું નથી. (ખ) બીજો કોરીંથીઓ ૭:૧૧ પ્રમાણે દિલથી પસ્તાવો કરવા શું કરવું જોઈએ?
૧૭ ધારો કે એક ભાઈ વર્ષો સુધી ઘણી વાર વ્યભિચાર કરે છે. તે પોતાની પત્ની, દોસ્તો અને વડીલોથી એ છુપાવે છે. આખરે તેમનું પાપ પકડાઈ જાય છે. વડીલો ભાઈ સાથે વાત કરે છે ત્યારે તે પોતાની ભૂલ માને છે અને તેમને અફસોસ થાય છે. પણ શું એટલું પૂરતું છે? ના. વડીલોએ બીજી ઘણી વાતો પર ધ્યાન આપવું જોઈએ. એ ભાઈએ એક વાર નહિ પણ ઘણી વાર પાપ કર્યું હતું. તેમણે જાતે ભૂલ સ્વીકારી ન હતી, કોઈએ તેમનું પાપ ખુલ્લું પાડ્યું હતું. વડીલોએ ધ્યાન આપવું જોઈએ કે વ્યક્તિનાં વિચારો અને કાર્યોમાં ફેરફાર થયો છે કે નહિ, તે પોતાની ભૂલ માટે દુઃખી છે કે નહિ. (૨ કોરીંથીઓ ૭:૧૧ વાંચો.) પોતાને બદલવા વ્યક્તિને ઘણો સમય લાગી શકે. પણ ત્યાં સુધી વડીલો કદાચ તેને મંડળમાંથી બહિષ્કૃત કરે.—૧ કોરીં. ૫:૧૧-૧૩; ૬:૯, ૧૦.
૧૮. (ક) બહિષ્કૃત વ્યક્તિ કઈ રીતે દિલથી પસ્તાવો કરી શકે? (ખ) એમ કરવાથી કેવો ફાયદો થશે?
૧૮ બહિષ્કૃત વ્યક્તિને દિલથી પસ્તાવો હશે તો તે નિયમિત સભાઓમાં જશે. તે વડીલોની સલાહ માનીને પ્રાર્થના કરશે અને બાઇબલનો જાતે અભ્યાસ કરશે. તે એવી બધી બાબતોથી દૂર રહેશે જે તેને ફરી પાપ કરવા લલચાવી શકે. જો તે યહોવા સાથે સંબંધ સુધારવા પ્રયત્ન કરશે તો યહોવા તેને માફ કરશે. એટલું જ નહિ વડીલો પણ તેને મંડળમાં પાછી લેશે. બધી વ્યક્તિઓના સંજોગો સરખા હોતા નથી. એટલે વડીલો દરેક કિસ્સો ધ્યાનથી તપાસશે. તેઓ કોઈનો કઠોર રીતે ન્યાય ન કરી બેસે એની કાળજી રાખશે.
૧૯. દિલથી પસ્તાવો કરવા વ્યક્તિએ શું કરવું જોઈએ? (હઝકિયેલ ૩૩:૧૪-૧૬)
૧૯ આપણે શીખી ગયા કે પાપ કરનાર વ્યક્તિએ પોતાની ભૂલ કબૂલવી એટલું જ પૂરતું નથી. ખરો પસ્તાવો કરવા વાણી-વર્તન અને વિચારોમાં પૂરેપૂરા ફેરફાર કરવા જોઈએ. ખોટાં કામો છોડી દેવાં જોઈએ. યહોવાના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવું જોઈએ. (હઝકિયેલ ૩૩:૧૪-૧૬ વાંચો.) યહોવા સાથે સંબંધ સુધારવા મહેનત કરવી જોઈએ.
પસ્તાવો કરવા મદદ કરો
૨૦-૨૧. જો આપણો કોઈ દોસ્ત પાપ કરે તો શું કરવું જોઈએ?
૨૦ ઈસુએ લોકોને શીખવવાની સાથે બીજું પણ એક મહત્ત્વનું કામ કર્યું. તેમણે કહ્યું: ‘હું પાપીઓને બોલાવવા આવ્યો છું કે તેઓ પસ્તાવો કરે.’ (લૂક ૫:૩૨) પણ જો ખબર પડે કે આપણા કોઈ દોસ્તે પાપ કર્યું છે તો શું કરવું જોઈએ?
૨૧ આપણે દોસ્તનું પાપ છુપાવવું ન જોઈએ. જો છુપાવીશું તો તેને જ નુકસાન થશે. એ પાપ છુપાવવાનો કોઈ ફાયદો નથી, કેમ કે યહોવા બધું જુએ છે. (નીતિ. ૫:૨૧, ૨૨; ૨૮:૧૩) એટલે આપણે દોસ્તને કહેવું જોઈએ કે તે વડીલોને બધું સાચેસાચું કહી દે. જો તે ન કહે તો આપણે વડીલોને કહેવું જોઈએ. એ જરૂરી છે, કેમ કે યહોવા સાથે એ દોસ્તનો સંબંધ ખતરામાં છે. એમ કરીએ છીએ ત્યારે આપણે તેની સાથે દોસ્તી નિભાવીએ છીએ.
૨૨. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૨ વ્યક્તિ કોઈ ગંભીર પાપ કરે અને લાંબા સમય સુધી કરતી રહે તો કદાચ વડીલો તેને મંડળમાંથી બહિષ્કૃત કરે. શું એનો અર્થ એવો થાય કે વડીલોને એ વ્યક્તિ માટે જરાય દયા નથી? હવે પછીના લેખમાં શીખીશું કે યહોવા પાપ કરનારને સુધારે છે ત્યારે કઈ રીતે એમાં તેમની દયા દેખાઈ આવે છે. એ પણ ચર્ચા કરીશું કે આપણે તેમની જેમ કઈ રીતે દયા બતાવી શકીએ.
ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’
a પોતે કરેલી ભૂલ માટે અફસોસ બતાવવો એ જ પસ્તાવો નથી. આપણે આહાબ રાજા, મનાશ્શા રાજા અને ખોવાયેલા દીકરાના ઉદાહરણમાંથી જોઈશું કે દિલથી પસ્તાવો કરવાનો શું અર્થ થાય. એ પણ જોઈશું કે પાપ કરનાર વ્યક્તિએ ખરેખર પસ્તાવો કર્યો છે કે નહિ, એ વડીલો કેવી રીતે જાણી શકે.
b ચિત્રની સમજ: આહાબ રાજા ગુસ્સામાં આવીને યહોવાના પ્રબોધક મીખાયાને કેદમાં નાખવાનો હુકમ કરે છે.
c ચિત્રની સમજ: મનાશ્શા રાજા મંદિરમાં ઊભી કરેલી મૂર્તિઓને તોડવા પોતાના માણસોને આદેશ આપે છે.
d ચિત્રની સમજ: ખોવાયેલો દીકરો લાંબી મુસાફરી કરીને થાકી ગયો છે. દૂરથી પોતાનું ઘર જોઈને તે ખુશ થાય છે.