અભ્યાસ લેખ ૧૫
‘બોલવામાં સારો દાખલો બેસાડીએ’
‘તું બોલવામાં વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.’—૧ તિમો. ૪:૧૨.
ગીત ૫૩ સંપીને રહીએ
ઝલકa
૧. આપણને બોલવાની ક્ષમતા કોણે આપી?
પ્રેમાળ પિતા યહોવાએ આપણને બોલવાની ક્ષમતા આપી છે. એ સાચે જ એક ખાસ ભેટ છે. પહેલા માણસ આદમને બનાવવામાં આવ્યો એ પછી તરત તે યહોવા સાથે વાતચીત કરી શક્યો. તે ભાષામાં નવા નવા શબ્દો પણ ઉમેરી શકતો હતો. એ ક્ષમતાને લીધે જ તે બધાં પ્રાણીઓને નામ આપી શક્યો. (ઉત. ૨:૧૯) જરા વિચારો, આદમ પહેલી વખત પોતાની સુંદર પત્ની હવા સાથે વાત કરીને કેટલો ખુશ થયો હશે!—ઉત. ૨:૨૨, ૨૩.
૨. (ક) બોલવાની ભેટનો કઈ રીતે ખોટો ઉપયોગ થવા લાગ્યો? (ખ) આજે લોકોની વાણી કેવી છે?
૨ માણસોને બનાવ્યા એના થોડા સમય પછી જ બોલવાની એ ખાસ ભેટનો ખોટો ઉપયોગ થવા લાગ્યો. શેતાને જૂઠું બોલીને હવાને છેતરી. એ જૂઠને લીધે બધા લોકો પાપ અને મરણની ખાઈમાં ધકેલાઈ ગયા. (ઉત. ૩:૧-૪) આદમે પોતાની ભૂલ માટે હવા અને યહોવાને દોષ આપ્યો. (ઉત. ૩:૧૨) કાઈને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો, એ પછી તે યહોવા સામે જૂઠું બોલ્યો. (ઉત. ૪:૯) કાઈનના વંશજ લામેખે લખેલી કવિતાથી ખબર પડે છે કે તેના સમયના લોકો બહુ ગુસ્સાવાળા અને હિંસક હતા. (ઉત. ૪:૨૩, ૨૪) આમ માણસે શરૂઆતથી જ બોલવાની ભેટનો ખોટો ઉપયોગ કર્યો. આજના લોકો વિશે શું? આજે નેતાઓ પોતાનાં ભાષણ અને વાતચીતમાં ખરાબ શબ્દો વાપરે છે. મોટા ભાગની ફિલ્મોમાં લોકો બિંદાસ ગાળો બોલે છે. સ્કૂલ હોય કે નોકરી-ધંધાની જગ્યા, બધે જ ખરાબ વાણી સાંભળવા મળે છે. આજે એવી વાણી લોકોનાં મને એકદમ સામાન્ય બની ગઈ છે. એનાથી દેખાઈ આવે છે કે દુનિયાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે.
૩. (ક) આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ લોકોના રંગે રંગાઈ જઈશું. આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ, એટલે એવું કંઈ બોલતા નથી, જેનાથી તેમને દુઃખ પહોંચે. આપણને મળેલી ભેટનો એ રીતે ઉપયોગ કરીએ, જેથી યહોવાને મહિમા મળે. આ લેખમાં આપણે જોઈશું કે કઈ રીતે પ્રચારમાં, સભાઓમાં અને રોજબરોજની વાતચીતમાં યહોવાને મહિમા આપી શકીએ. ચાલો સૌથી પહેલા એ જોઈએ કે યહોવા કેમ આપણી વાતચીત પર ધ્યાન આપે છે.
યહોવા આપણી વાતચીત પર ધ્યાન આપે છે
૪. માલાખી ૩:૧૬ પ્રમાણે યહોવા કેમ આપણી વાતચીત પર ધ્યાન આપે છે?
૪ માલાખી ૩:૧૬ વાંચો. આ કલમથી ખબર પડે છે કે યહોવા લોકોની વાતચીત પર ધ્યાન આપે છે. તેઓની વાતચીતથી દેખાઈ આવે છે કે તેઓનાં દિલમાં શું છે. જે લોકોની વાતોથી જોવા મળે છે કે તેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના નામનું મનન કરે છે, તેઓનાં નામ યહોવા “યાદગીરીના પુસ્તકમાં” લખે છે. ઈસુએ કહ્યું, “દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.” (માથ. ૧૨:૩૪) જો આપણે યહોવાને પૂરા દિલથી પ્રેમ કરતા હોઈશું, તો એ આપણી વાણીમાં દેખાઈ આવશે. યહોવા ચાહે છે કે જે લોકો તેમને પ્રેમ કરે છે, તેઓ હંમેશ માટેનું જીવન મેળવે.
૫. (ક) યહોવા ક્યારે આપણી ભક્તિથી ખુશ થાય છે? (ખ) ચિત્રમાં બતાવ્યું છે તેમ આપણે શું ન કરવું જોઈએ?
૫ જો આપણી વાણી સારી હશે તો યહોવા આપણી ભક્તિથી ખુશ થશે. (યાકૂ. ૧:૨૬) જે લોકો યહોવાને પ્રેમ કરતા નથી, તેઓ ગુસ્સો કરે છે, બડાઈઓ હાંકે છે અને કઠોર શબ્દોથી બીજાઓને દુઃખ પહોંચાડે છે. (૨ તિમો. ૩:૧-૫) પણ આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. આપણે તો યહોવાને આપણી વાણીથી ખુશ કરવા માંગીએ છીએ. આપણે ફક્ત સભામાં કે પ્રચારમાં જ નહિ, ઘરના લોકો સાથે પણ પ્રેમ અને આદરથી વાત કરવી જોઈએ. જો એમ કરીશું તો યહોવા આપણી ભક્તિથી ખુશ થશે.—૧ પિત. ૩:૭.
૬. કિમ્બરલીની સારી વાણીથી બીજી છોકરી પર કેવી અસર પડી?
૬ આપણી વાણીનો સારો ઉપયોગ કરીશું તો લોકો જોઈ શકશે કે આપણે યહોવાના ભક્તો છીએ. તેઓ ‘યહોવાની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક’ સાફ જોઈ શકશે. (માલા. ૩:૧૮) ચાલો કિમ્બરલીનો દાખલો જોઈએ.b તે અને તેના ક્લાસની છોકરી સાથે મળીને સ્કૂલનો એક પ્રોજેક્ટ કરી રહ્યા હતા. એ છોકરી જોઈ શકી કે કિમ્બરલી બીજી છોકરીઓ જેવી નથી. તે ચાડી-ચુગલી કરતી નથી, વાતે વાતે ગાળો બોલતી નથી, પણ બધા સાથે પ્રેમથી વાત કરે છે. એટલે એ છોકરીને જાણવું હતું કે કિમ્બરલી કેમ બીજાઓથી અલગ છે. તે બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગઈ. જ્યારે આપણી સારી વાણીને લીધે લોકો યહોવા વિશે શીખવા તૈયાર થાય છે, ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.
૭. આપણે વાણીનો કઈ રીતે ઉપયોગ કરવા માંગીએ છીએ?
૭ આપણી વાણીથી આપણે યહોવાને માન-મહિમા આપવા માંગીએ છીએ અને ભાઈ-બહેનોના પાકા દોસ્ત બનવા માંગીએ છીએ. આપણે કઈ રીતે ‘બોલવામાં સારો દાખલો બેસાડી શકીએ,’ એ વિશે ચાલો અમુક સૂચનો જોઈએ.
પ્રચારમાં સારો દાખલો
૮. પ્રચારમાં આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ?
૮ લોકો આપણા પર ગુસ્સે થાય કે આપણને ઉશ્કેરે ત્યારે તેઓ સાથે પ્રેમથી અને માનથી વાત કરીએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે લોકોએ તેમના પર ખોટા આરોપ મૂક્યા. તેઓ તેમને ખાઉધરો, દારૂડિયો અને સાબ્બાથનો નિયમ તોડનાર કહેતા હતા. અરે, તેઓએ તો ઈસુને શેતાન માટે કામ કરનાર અને ઈશ્વરની નિંદા કરનાર કહ્યા. (માથ. ૧૧:૧૯; ૨૬:૬૫; લૂક ૧૧:૧૫; યોહા. ૯:૧૬) પણ ઈસુએ ક્યારેય ગુસ્સે થઈને તેઓને વળતો જવાબ ન આપ્યો. આપણે પણ ઈસુના પગલે ચાલવું જોઈએ. (૧ પિત. ૨:૨૧-૨૩) પ્રચારમાં લોકો આપણા વિશે એલફેલ બોલે ત્યારે આપણે શાંત રહીએ, ઈંટનો જવાબ પથ્થરથી ન આપીએ. એમ કરવું કંઈ હંમેશાં સહેલું હોતું નથી. (યાકૂ. ૩:૨) ચાલો જોઈએ કે આપણને શાનાથી મદદ મળી શકે.
૯. પ્રચારમાં કોઈ આપણા પર ગુસ્સે થઈ જાય ત્યારે શું કરી શકીએ?
૯ પ્રચારમાં કોઈ આપણી સાથે કઠોર રીતે વાત કરે ત્યારે નિરાશ ન થઈએ. સેમભાઈ કહે છે, “હું હંમેશાં યાદ રાખું છું કે ઘરમાલિક યહોવા વિશે જાણે એ ખૂબ મહત્ત્વનું છે. તે આગળ જતાં જીવનમાં ફેરફાર કરી શકે છે.” અમુક વાર વ્યક્તિનો મૂડ સારો ન હોય અને આપણે એ સમયે તેનો દરવાજો ખખડાવીએ તો કદાચ તે ગુસ્સે થઈ જાય. આપણે એવા સમયે ટૂંકી પ્રાર્થના કરી શકીએ. લૂસિયાબહેન પણ એવું જ કરે છે. તે પ્રાર્થના કરે છે, જેથી યહોવા તેમને શાંત રહેવા અને જેમતેમ ન બોલી જવા મદદ કરે.
૧૦. પહેલો તિમોથી ૪:૧૩ પ્રમાણે આપણે શું કરતા રહેવું જોઈએ?
૧૦ સારા શિક્ષક બનીએ. તિમોથી લોકોને સારી રીતે શીખવતા હતા, તોપણ તેમણે પોતાની શીખવવાની કળા નિખારતા રહેવાની હતી. (૧ તિમોથી ૪:૧૩ વાંચો.) આપણે કઈ રીતે સારા શિક્ષક બની શકીએ? લોકોને શીખવવા આપણે સારી તૈયારી કરીએ. યહોવાએ આપણને ઘણી મદદ પૂરી પાડી છે. જેમ કે, વાંચવાની અને શીખવવાની કળા પુસ્તિકા અને સભા પુસ્તિકાનો “સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ” ભાગ. એનો સારો ઉપયોગ કરવાથી આપણને ઘણો ફાયદો થશે. જો સારી તૈયારી કરીશું, તો સેજેય ગભરાયા વગર હિંમતથી બોલી શકીશું.
૧૧. કઈ રીતે અમુક ભાઈ-બહેનો શીખવવાની કળા નિખારી શક્યાં છે?
૧૧ શીખવવાની કળા નિખારવા આપણે મંડળનાં ભાઈ-બહેનો પાસેથી શીખી શકીએ છીએ. આગળ આપણે સેમભાઈ વિશે જોઈ ગયા. તે ધ્યાનથી જુએ છે કે અમુક અનુભવી ભાઈ-બહેનો કઈ રીતે લોકોને શીખવે છે. પછી પોતે પણ એમ કરવાની કોશિશ કરે છે. તાનિયાબહેનનો વિચાર કરીએ. તે ધ્યાન આપે છે કે અનુભવી ભાઈઓ જાહેર પ્રવચન આપતી વખતે કઈ રીતે અલગ અલગ મુદ્દાઓ ચમકાવે છે. એનાથી બહેનને મદદ મળી છે. તેમને પ્રચારમાં લોકો સવાલો પૂછે ત્યારે તે સારી રીતે વાત કરી શકે છે અને તેઓને શીખવી શકે છે.
સભાઓમાં સારો દાખલો
૧૨. અમુકને શું કરવું અઘરું લાગે છે?
૧૨ આપણે બધા પૂરા જોશથી ગીતો ગાઈને અને સારા જવાબો આપીને સભામાં ભાગ લઈ શકીએ છીએ. (ગીત. ૨૨:૨૨) પણ અમુકને એમ કરવું અઘરું લાગે છે. જો તમને પણ એવું લાગતું હોય, તો તમે શું કરી શકો? બીજાં ભાઈ-બહેનોના અનુભવોથી તમને એ ડર દૂર કરવા મદદ મળશે.
૧૩. સભામાં પૂરા દિલથી ગાવા આપણે શું કરી શકીએ?
૧૩ પૂરા દિલથી ગાઈએ. આપણે યાદ રાખીએ કે સભામાં ગીતો ગાઈએ છીએ ત્યારે યહોવાને મહિમા આપીએ છીએ. સારાહબહેનને લાગે છે કે તેમનો અવાજ મધુર નથી. છતાં તે ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરવા માંગે છે. તે સભાની તૈયારી કરતી વખતે ગીતોની પ્રેક્ટિસ પણ કરે છે. તે વિચારે છે કે ગીતોના બોલ કઈ રીતે સભામાં જે શીખવવામાં આવશે, એની સાથે ગૂંથાયેલા છે. બહેન કહે છે, “હું ગીતોના બોલ પર ધ્યાન આપું છું. એટલે હું કેવું ગાઉં છું, એના પર મારું બહુ ધ્યાન જતું નથી.”
૧૪. જવાબ આપવામાં ગભરામણ થતી હોય તો શું મદદ કરી શકે?
૧૪ દરેક સભામાં જવાબ આપીએ. અમુકને સભામાં જવાબ આપવો બહુ અઘરું લાગે છે. અગાઉ જોઈ ગયા એ તાનિયાબહેન કહે છે: “ભલે બીજાને ખબર પડે કે ન પડે, જવાબ આપતી વખતે મને બહુ ગભરામણ થાય છે.” તાનિયાબહેન તોપણ સભામાં જવાબ આપવાની પૂરી કોશિશ કરે છે. તે સભાની તૈયારી કરતી વખતે યાદ રાખે છે કે પહેલો જવાબ નાનો અને ફકરામાંથી સીધો હોવો જોઈએ. તે કહે છે: “મારો જવાબ નાનો ને સાદો હશે તો એમાં કોઈ વાંધો નથી. અભ્યાસ ચલાવનાર ભાઈ પણ એ જ ચાહે છે કે બધા એવા જવાબો આપે.”
૧૫. આપણે જવાબ આપવા વિશે શું યાદ રાખવું જોઈએ?
૧૫ જે ભાઈ-બહેનો શરમાળ સ્વભાવનાં નથી, તેઓ પણ અમુક વાર જવાબ આપતા અચકાય છે. જુલિયેટબહેન કહે છે, “અમુક વખતે મને એવું લાગે છે કે મારો જવાબ કંઈ એટલો ખાસ નથી, બસ સાદો જ છે. એટલે હું જવાબ આપતા અચકાઉં છું.” આપણે યાદ રાખીએ કે યહોવા બસ એટલું જ ચાહે છે કે આપણે પૂરા દિલથી જવાબ આપીએ.c ચાલો એમ કરીને યહોવાનો મહિમા કરીએ અને ડરને હાવી થવા ન દઈએ. આપણી મહેનત જોઈને યહોવાનું દિલ ખુશ થશે.
રોજબરોજની વાતચીતમાં સારો દાખલો
૧૬. આપણે કેવું બોલવાનું ટાળવું જોઈએ?
૧૬ બીજાઓનું ‘અપમાન’ થાય એવું કંઈ ન બોલીએ. (એફે. ૪:૩૧) અગાઉ જોઈ ગયા કે ઈશ્વરભક્તોએ ક્યારેય ગાળો કે ખરાબ શબ્દો બોલવા ન જોઈએ. આપણે ધ્યાન રાખીએ કે જાણે-અજાણે એવું કંઈ ન બોલીએ, જેનાથી બીજાઓનું અપમાન થાય. દાખલા તરીકે, કોઈ સમાજ, જાતિ કે દેશના લોકો વિશે કંઈ ઘસાતું ન બોલીએ. વધુમાં આપણે ટોન્ટ મારીને બીજાઓને દુઃખી કરીએ નહિ. એક ભાઈ કબૂલે છે: “અમુક વાર હું મજાકમાં એવું કંઈક બોલી બેસતો, જેનાથી બીજાઓની લાગણીઓને ઠેસ પહોંચતી. મારી પત્ની અને બીજાઓને હું મારા શબ્દોથી દુઃખ પહોંચાડતો. હું એવું કંઈક બોલી બેસતો ત્યારે ખાનગીમાં મારી પત્ની એ વાત પર મારું ધ્યાન દોરતી. આટલાં વર્ષો દરમિયાન મારી પત્નીએ મને ઘણી મદદ કરી છે.”
૧૭. એફેસીઓ ૪:૨૯ પ્રમાણે આપણે કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપી શકીએ?
૧૭ બીજાઓને ઉત્તેજન મળે એવું બોલીએ. આપણે બીજાઓની ફરિયાદ ન કરીએ અને તેઓમાં વાંધાવચકા ન કાઢીએ, એના બદલે તેઓના વખાણ કરીએ. (એફેસીઓ ૪:૨૯ વાંચો.) ઇઝરાયેલીઓને ઘણા આશીર્વાદ મળ્યા હતા, તોપણ તેઓ વાતે વાતે કચકચ કરતા હતા. એક વ્યક્તિને કચકચ કરતા જોઈને બીજાઓ પણ એમ કરવા લાગી શકે. યાદ કરો, દસ જાસૂસોએ વચનના દેશ વિશે ખરાબ અહેવાલ આપ્યો ત્યારે ‘બધા ઇઝરાયેલીઓ મૂસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.’ (ગણ. ૧૩:૩૧–૧૪:૪) એટલે આપણે કચકચ કરવાને બદલે બીજાઓના વખાણ કરવા જોઈએ, જેનાથી બધા ખુશ થાય છે. ચાલો યિફતાની દીકરીનો દાખલો જોઈએ. તેની બહેનપણીઓ દર વર્ષે તેને મળવા આવતી ત્યારે તેના વખાણ કરતી હતી. એનાથી તેને ઉત્તેજન મળ્યું અને તે પોતાની સોંપણીમાં લાગુ રહી શકી. (ન્યા. ૧૧:૪૦) અગાઉ જોઈ ગયા એ સારાહબહેન કહે છે: “આપણે બીજાઓના વખાણ કરીએ છીએ ત્યારે, તેઓને ખાતરી મળે છે કે યહોવા અને ભાઈ-બહેનો તેઓને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ ઘણાં કીમતી છે.” એટલે બીજાઓના દિલથી વખાણ કરવા આપણે હંમેશાં તૈયાર રહીએ.
૧૮. (ક) ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨ પ્રમાણે આપણે કેમ સાચું બોલવું જોઈએ? (ખ) સાચું બોલવામાં શાનો સમાવેશ થાય છે?
૧૮ સાચું બોલીએ. જો આપણે યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ તો આપણે જૂઠું ન બોલીએ. યહોવા દરેક પ્રકારનાં જૂઠાણાં ધિક્કારે છે. (નીતિ. ૬:૧૬, ૧૭) જોકે આજે દુનિયામાં જૂઠું બોલવું એકદમ સામાન્ય થઈ ગયું છે. પણ આપણે જાણીએ છીએ કે યહોવાની નજરે એ ખોટું છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨ વાંચો.) આપણે સીધેસીધું જૂઠું તો બોલતા નથી, પણ જાણીજોઈને અધૂરી માહિતી ન આપીએ જેથી લોકોને ગેરસમજણ થાય.
૧૯. બીજી કઈ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ?
૧૯ ચાડી-ચુગલી ન કરીએ. (નીતિ. ૨૫:૨૩; ૨ થેસ્સા. ૩:૧૧) અગાઉ જોઈ ગયા એ જુલિયેટબહેન કહે છે: “જો કોઈ મારી આગળ બીજાઓની ચાડી-ચુગલી કરે તો મને જરાય ગમતું નથી. મારો એ વ્યક્તિ પરથી ભરોસો ઊઠી જાય છે. મને થાય કે શું ખબર કાલે ઊઠીને એ મારા વિશે પણ એવી જ વાતો ફેલાવે.” જો આપણને લાગે કે કોઈ ચાડી-ચુગલી કરી રહ્યું છે તો વાતને વાળી દઈએ અને સારા વિષય પર વાત કરવા લાગીએ.—કોલો. ૪:૬.
૨૦. આપણે શું કરતા રહેવું જોઈએ?
૨૦ આજકાલ દુનિયાના લોકોની વાણી સાવ ખરાબ થઈ ગઈ છે. એટલે યહોવા ખુશ થાય એવું બોલવા આપણે મહેનત કરવી જોઈએ. યહોવાએ આપણને બોલવાની ક્ષમતા આપી છે. એ તેમના તરફથી એક ખાસ ભેટ છે. આપણે જે રીતે બોલીએ છીએ એના પર તે ધ્યાન આપે છે. એટલે પ્રચાર, સભાઓ અને રોજબરોજની વાતચીતમાં એવું બોલીએ કે યહોવાને મહિમા મળે. એવું કરીશું તો તે ખુશ થશે અને આપણને આશીર્વાદ આપશે. યહોવા જલદી જ આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે આપણી વાણીથી યહોવાનો મહિમા કરવો સહેલું થઈ જશે. (યહૂ. ૧૫) પણ ત્યાં સુધી ચાલો આપણે નિર્ણય લઈએ કે ‘આપણા શબ્દોથી’ યહોવાના દિલને ખુશ કરતા રહીશું.—ગીત. ૧૯:૧૪.
ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ
a બોલવાની ક્ષમતા, એ તો યહોવા તરફથી એક ખાસ ભેટ છે. પણ દુઃખની વાત છે કે મોટા ભાગના લોકો એ ભેટનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આજે લોકોની વાણી દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તેઓની વચ્ચે રહીને આપણે કઈ રીતે એવી વાણી રાખી શકીએ, જેથી બીજાઓને ઉત્તેજન મળે અને યહોવા ખુશ થાય? આપણે કઈ રીતે પ્રચારમાં, સભાઓમાં અને રોજબરોજની વાતચીતમાં સારો દાખલો બેસાડીને યહોવાને ખુશ કરી શકીએ? આ લેખમાં આપણે એ સવાલોના જવાબ જોઈશું.
b અમુક નામ બદલ્યાં છે.
c જવાબ આપવા વિશે વધુ જાણવા જાન્યુઆરી ૨૦૧૯, ચોકીબુરજનો આ લેખ જુઓ: “સભામાં યહોવાની સ્તુતિ કરીએ.”
d ચિત્રની સમજ: પ્રચારમાં એક માણસ ગુસ્સે થઈ જાય છે તો ભાઈ પણ વળતો જવાબ આપે છે. એક ભાઈને ગીત ગાવાનો કંટાળો આવે છે. એક બહેન કોઈના વિશે ચાડી-ચુગલી કરે છે.