મારે નથી જીવવું—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
શાસ્ત્રમાંથી જવાબ
હા, બાઇબલમાં એ વિશે સરસ સલાહ આપી છે. “નિરાશ લોકોને દિલાસો આપનાર ઈશ્વરે” આપણને બાઇબલ આપ્યું છે. (૨ કોરીંથીઓ ૭:૬) ખરું કે બાઇબલ મનોવિજ્ઞાનનું પુસ્તક નથી. એમાં એ નથી જણાવ્યું કે આપણું મગજ કઈ રીતે કામ કરે છે અને નિરાશા કેમ આવે છે. પણ એની સલાહથી એવા ઘણા લોકોને દિલાસો મળ્યો છે, જેઓને આત્મહત્યાના વિચારો આવતા હતા. બાઇબલની સલાહથી તમને પણ મદદ મળી શકે છે.
બાઇબલમાં કઈ સલાહ આપવામાં આવી છે?
● તમારી લાગણીઓ જણાવો.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.
અર્થ: જ્યારે મનમાં નિરાશ કરી દેતા વિચારો આવે, ત્યારે આપણને બીજાઓની મદદની જરૂર પડે.
જો તમે તમારી લાગણીઓ બીજાઓને નહિ જણાવો, તો એ તમારા માટે બોજ બની જશે અને એ બોજ સહેવો અઘરું થઈ પડશે. પણ જો તમે તમારી લાગણીઓ બીજાઓને જણાવશો, તો તમારો બોજ હળવો થઈ જશે અને તમને સંજોગને હાથ ધરવાની નવી દિશા મળશે.
આવું કરો: આજે જ કોઈની સાથે વાત કરો. કદાચ કુટુંબના કોઈ સભ્ય કે ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરી શકો.a તમે તમારી લાગણીઓ કાગળ પર પણ લખી શકો.
● ડૉક્ટરની સલાહ લો.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.”—માથ્થી ૯:૧૨.
અર્થ: બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.
બની શકે કે કોઈ માનસિક બીમારીને લીધે આત્મહત્યાના વિચારો આવતા હોય. માનસિક બીમારી વિશે શરમાવાની જરૂર નથી, એનો ઇલાજ શક્ય છે.
આવું કરો: બની શકે એટલું જલદી ડૉક્ટર પાસે સારવાર લો.
● યાદ રાખો કે ઈશ્વરને તમારી ચિંતા છે.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી. . . . બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.”—લૂક ૧૨:૬, ૭.
અર્થ: ઈશ્વરની નજરે તમે ખૂબ કીમતી છો.
કદાચ તમને એકલું એકલું લાગતું હોય, પણ તમારા પર જે વીતી રહ્યું છે, એને ઈશ્વર સારી રીતે જાણે છે. ભલે તમારી જીવવાની ઇચ્છા મરી પરવારી હોય, પણ ઈશ્વરને તમારી ચિંતા છે. ગીતશાસ્ત્ર ૫૧:૧૭ કહે છે: “હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.” ઈશ્વર ચાહે છે કે તમે જીવો, કેમ કે તે તમને પ્રેમ કરે છે.
આવું કરો: ઈશ્વર તમને પ્રેમ કરે છે, એના પુરાવાઓ બાઇબલમાંથી તપાસો. દાખલા તરીકે, ચોકીબુરજ, જૂન ૨૦૧૬, પાનાં ૩-૫ પર આપેલો આ લેખ જુઓ: “યહોવા ‘તમારી સંભાળ રાખે છે.’”
● ઈશ્વરને પ્રાર્થના કરો.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પિતર ૫:૭.
અર્થ: ઈશ્વર ચાહે છે કે તમે તેમની આગળ તમારું દિલ ઠાલવી દો અને તેમને જણાવો કે તમને કેવું લાગે છે અને તમને શાની ચિંતા છે.
જેઓ મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને તે સહાય કરે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) કઈ રીતે? ઈશ્વર તેઓને મનની શાંતિ અને પરિસ્થિતિનો સામનો કરવા બળ આપે છે.—ફિલિપીઓ ૪:૬, ૭, ૧૩.
આવું કરો: આજે જ ઈશ્વરને પ્રાર્થના કરો. તેમને યહોવા નામથી બોલાવો અને તમારી લાગણીઓ જણાવો. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તેમની પાસે મદદ માંગો જેથી તમે હિંમત હારી ન જાઓ.
● બાઇબલમાં આપેલી ભાવિની આશા પર વિચાર કરો.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “એ આશા આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે.”—હિબ્રૂઓ ૬:૧૯.
અર્થ: જેમ એક વહાણ વાવાઝોડામાં આમતેમ ડોલા ખાય છે, તેમ તમારી લાગણીઓમાં પણ ચઢાવ-ઉતાર આવી શકે છે. પણ બાઇબલની આશા એક લંગર જેવી છે, જે તમને શાંત રહેવા મદદ કરશે.
બાઇબલની આશા કોઈ કલ્પના જ નથી, પણ એ ઈશ્વરનું વચન છે કે તે બહુ જલદી દુઃખ-તકલીફોનો અંત લાવશે.—પ્રકટીકરણ ૨૧:૪.
આવું કરો: બાઇબલની આશા વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીનો પાઠ ૦૨ જુઓ.
● એવું કંઈક કરો જેમાં તમને મજા આવે.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “આનંદી હૃદય ઉત્તમ દવા છે.”—નીતિવચનો ૧૭:૨૨.
અર્થ: જ્યારે મજા આવે એવું કંઈક કરીએ છીએ, ત્યારે આપણું દિલ ખુશ થાય છે.
આવું કરો: તમને મજા આવતી હોય એવું કંઈક કરો. દાખલા તરીકે, સંગીત સાંભળો, મનને આનંદ આપે એવું કંઈક વાંચો અથવા કોઈ શોખ કેળવો. બીજાઓને મદદ કરવાથી પણ ખુશી મળે છે, પછી ભલેને એ મદદ નાની કેમ ન હોય.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.
● તમારી તબિયત સાચવો.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? ‘શરીરની કસરત લાભ કરે છે.’—૧ તિમોથી ૪:૮.
અર્થ: જ્યારે આપણે કસરત કરીએ છીએ, પૂરતી ઊંઘ લઈએ છીએ અને પૌષ્ટિક ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણને ફાયદો થાય છે.
આવું કરો: ચાલવા માટે જાઓ, ૧૫ મિનિટ માટે પણ જાઓ.
● યાદ રાખો કે લાગણીઓ અને સંજોગો બદલાય છે.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “તમે જાણતા નથી કે કાલે તમારા જીવનમાં શું થશે.”—યાકૂબ ૪:૧૪.
અર્થ: ભલે એવું લાગતું હોય કે તમારી મુશ્કેલીનો કોઈ હલ નથી, પણ એ મુશ્કેલી જરૂર દૂર થશે.
ભલે આજે અંધકારનાં કાળાં વાદળો ઘેરાયાં હોય, કાલે આશાનું કિરણ જરૂર નીકળશે. એટલે મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ શોધો. (૨ કોરીંથીઓ ૪:૮) સમય જતાં તમારી મુશ્કેલી જરૂર દૂર થશે, એટલે જીવન ટૂંકાવી દેવાનો વિચાર માંડી વાળો.
આવું કરો: બાઇબલમાંથી એવા ઈશ્વરભક્તો વિશે વાંચો, જેઓ એટલા નિરાશ થઈ ગયા હતા કે મરી જવા માંગતા હતા. પણ સમય જતાં, તેઓએ ધાર્યું પણ ન હતું એ રીતે તેઓના સંજોગો બદલાયા અને તેઓએ પોતાના વિચારો બદલ્યા. ચાલો અમુક ઈશ્વરભક્તો વિશે જોઈએ.
શું બાઇબલમાં એવા લોકો વિશે જણાવ્યું છે, જેઓ મરવા માંગતા હતા?
હા, બાઇબલમાં એવા લોકો વિશે જણાવ્યું છે, જેઓએ કહ્યું હતું: “મારે મરી જવું છે.” એ માટે ઈશ્વરે તેઓને ઠપકો ન આપ્યો, પણ મદદ કરી. તે તમને પણ મદદ કરશે.
એલિયા
● તે કોણ હતા? એલિયા એક બહાદુર પ્રબોધક હતા. પણ અમુક વાર તે પણ નિરાશ થઈ ગયા. યાકૂબ ૫:૧૭ કહે છે: “એલિયા આપણા જેવા જ માણસ હતા.”
● તે કેમ મરવા માંગતા હતા? એક સમયે તે ખૂબ ડરી ગયા, તેમને લાગ્યું કે તે એકલા છે અને કંઈ કામના નથી. એટલે તેમણે આજીજી કરતા કહ્યું: “હે યહોવા, મારો જીવ લઈ લો.”—૧ રાજાઓ ૧૯:૪.
● તેમને શાનાથી મદદ મળી? એલિયાએ પોતાના દિલની એકેએક વાત ઈશ્વરને જણાવી. ઈશ્વરે કઈ રીતે તેમને મદદ કરી? તેમણે એલિયાની સંભાળ રાખી અને પોતે કેટલા શક્તિશાળી છે, એ બતાવ્યું. તેમણે એલિયાને ખાતરી કરાવી કે તે ખૂબ જ અનમોલ છે. તેમણે એલિયાને એક પ્રેમાળ અને વિશ્વાસુ સહાયક આપ્યા.
▸ એલિયા વિશે વાંચો: ૧ રાજાઓ ૧૯:૨-૧૮.
અયૂબ
● તે કોણ હતા? અયૂબ ખૂબ ધનવાન માણસ હતા અને તેમનું મોટું કુટુંબ હતું. તે વફાદારીથી સાચા ઈશ્વરની ભક્તિ કરતા હતા.
● તે કેમ મરવા માંગતા હતા? અચાનક અયૂબના જીવનમાં એક પછી એક ખરાબ બનાવો બન્યા. તેમણે પોતાની બધી માલ-મિલકત ગુમાવી. એક આફતમાં તેમનાં બધાં બાળકો મરી ગયાં. તેમને આખા શરીરે પીડા આપતાં ગૂમડાં થયાં. તેમના મિત્રોએ પણ બધી આફતો માટે અયૂબને જવાબદાર ગણ્યા. અયૂબે કહ્યું: “હું મારા જીવનથી કંટાળી ગયો છું; મારે હવે જીવવું જ નથી.”—અયૂબ ૭:૧૬.
● તેમને શાનાથી મદદ મળી? અયૂબે ઈશ્વરને પ્રાર્થના કરી અને બીજાઓ સાથે વાત કરી. (અયૂબ ૧૦:૧-૩) અલીહૂ નામના દયાળુ મિત્ર પાસેથી તેમને ઘણો દિલાસો મળ્યો. અલીહૂએ અયૂબને મદદ કરી, જેથી તે પોતાના સંજોગો પર યોગ્ય વિચાર કરી શકે. સૌથી મહત્ત્વનું, અયૂબે ખુશી ખુશી ઈશ્વરની સલાહ અને મદદ સ્વીકારી.
▸ અયૂબ વિશે વાંચો: અયૂબ ૧:૧-૩, ૧૩-૨૨; ૨:૭; ૩:૧-૧૩; ૩૬:૧-૭; ૩૮:૧-૩; ૪૨:૧, ૨, ૧૦-૧૩.
મૂસા
● તે કોણ હતા? મૂસા પ્રાચીન ઇઝરાયેલના આગેવાન અને વફાદાર પ્રબોધક હતા.
● તે કેમ મરવા માંગતા હતા? મૂસાના માથે ઘણી જવાબદારીઓ હતી, લોકો તેમનો વાંક કાઢ્યા કરતા હતા અને તે થાકી ગયા હતા. એટલે તેમણે ઈશ્વરને કહ્યું: “મને હમણાં જ મારી નાખો.”—ગણના ૧૧:૧૧, ૧૫.
● તેમને શાનાથી મદદ મળી? મૂસાએ ઈશ્વર આગળ પોતાનું દિલ ખોલ્યું. ઈશ્વરે બીજાઓને અમુક કામ સોંપ્યું, જેથી મૂસાના માથેથી બોજ હળવો થાય.
▸ મૂસા વિશે વાંચો: ગણના ૧૧:૪-૬, ૧૦-૧૭.
a જો આત્મહત્યાના વિચારો તમારા પર હાવી થઈ જાય અને વાત કરવા માટે કોઈ વ્યક્તિ હાજર ન હોય, તો એવી સંસ્થાનો સંપર્ક કરો જે આત્મહત્યાનો વિચાર ટાળવા મદદ કરતી હોય.