રોમનો
૬ તો પછી, આપણે શું કહીએ? શું આપણે પાપ કરતા રહેવું જોઈએ, જેથી અપાર કૃપા વધતી જાય? ૨ જરાય નહિ! પાપને લીધે આપણે મરણ પામ્યા હોવાથી, એમાં કઈ રીતે જીવતા રહી શકીએ? ૩ અથવા શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામેલા આપણે બધા તેમના મરણમાં પણ બાપ્તિસ્મા પામ્યા? ૪ તેથી, આપણે તેમના મરણમાં બાપ્તિસ્મા પામીને તેમની સાથે દફન કરાયા, જેથી ઈશ્વરના મહિમા દ્વારા જેમ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા, તેમ આપણે પણ એવું જ નવું જીવન જીવીએ. ૫ જો આપણે તેમની જેમ મરણ પામ્યા છીએ, તો ચોક્કસ આપણને તેમની જેમ મરણમાંથી ઉઠાડવામાં પણ આવશે અને આમ આપણે તેમની સાથે એકતામાં આવીશું. ૬ વળી, આપણે જાણીએ છીએ કે આપણો જૂનો સ્વભાવ તેમની સાથે વધસ્તંભ* પર જડવામાં આવ્યો હતો, જેથી પાપી શરીરનો આપણા પર કોઈ કાબૂ ન રહે અને આપણે પાપના દાસ ન રહીએ. ૭ કેમ કે જે મરણ પામ્યો છે, તે પોતાના પાપથી મુક્ત થયો છે.*
૮ વધુમાં, જો આપણે ખ્રિસ્ત સાથે મરણ પામ્યા છીએ, તો આપણને ભરોસો છે કે આપણે તેમની સાથે જીવીશું પણ ખરા. ૯ કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્ત, જેમને હવે મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે, તે ફરીથી મરનાર નથી; હવેથી મરણનો તેમના પર કોઈ અધિકાર નથી. ૧૦ તેથી, પાપનો અંત લાવવા ખ્રિસ્ત એક જ વાર મરણ પામ્યા, પણ જે જીવન તે જીવે છે, એ ઈશ્વર માટે જીવે છે. ૧૧ એવી જ રીતે, તમે પાપ માટે પોતાને મરેલા ગણો, પણ ઈશ્વર માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા પોતાને જીવતા ગણો.
૧૨ એટલે, પાપને તમારા નાશવંત શરીરોમાં રાજા તરીકે રાજ કરવા ન દો, નહિ તો તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો. ૧૩ પોતાના શરીરોને* દુષ્ટતાનાં હથિયારો તરીકે પાપને ન સોંપો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકોના જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો; વળી, તમારા શરીરોને* પણ ઈશ્વર આગળ સદાચારનાં હથિયારો તરીકે રજૂ કરો. ૧૪ તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ અપાર કૃપાને આધીન છો, એટલે પાપને તમારા પર રાજ કરવા ન દો.
૧૫ તો આપણે શું કહીશું? આપણે નિયમશાસ્ત્રને નહિ પણ અપાર કૃપાને આધીન છીએ એટલે શું આપણે પાપ કરવું જોઈએ? ચોક્કસ નહિ! ૧૬ શું તમે જાણતા નથી કે જો તમે કોઈની આજ્ઞા પાળવા માટે પોતાને દાસ તરીકે રજૂ કરો છો, તો તમે તેના દાસ બનો છો? તેથી, જો તમે પાપના દાસ છો તો મરણ પામશો, પણ જો તમે આજ્ઞાપાલનના દાસ છો તો નેક ગણાશો. ૧૭ તમે એક સમયે પાપના દાસ હતા, પણ ઈશ્વરનો આભાર કે તમને જે શિક્ષણ સોંપવામાં આવ્યું હતું, એનો તમે દિલથી સ્વીકાર કર્યો. ૧૮ હા, તમે પાપથી મુક્ત કરાયા હોવાથી સદાચારના દાસ બન્યા છો. ૧૯ તમારા પાપી શરીરની નબળાઈને લીધે, માણસોને સમજાય એમ હું બોલું છું; જેમ તમે પોતાના શરીરોને દાસ તરીકે દુષ્ટ કામો કરવા અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપ્યા, તેમ હવે પોતાના શરીરોને દાસ તરીકે પવિત્ર કામો કરવા સદાચારને સોંપી દો. ૨૦ કેમ કે તમે પાપના દાસ હતા ત્યારે તમે સદાચારથી મુક્ત હતા.
૨૧ તો પછી, એ સમયે તમારાં કામોનું પરિણામ શું હતું? એવાં કામો જેનાં વિશે તમે હમણાં શરમાઓ છો. એ કામોનું પરિણામ તો મરણ છે. ૨૨ પણ, હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના દાસ બન્યા છો. એટલે તમે પવિત્રતા પ્રમાણે ફળ ઉત્પન્ન કરો છો અને એનું પરિણામ હંમેશ માટેનું જીવન છે. ૨૩ કેમ કે પાપ જે મજૂરી ચૂકવે છે, એ મરણ છે; પરંતુ, આપણા પ્રભુ, ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.