પ્રેરિતોનાં કાર્યો
૧૦ હવે કાઈસારીઆમાં કર્નેલિયસ નામનો માણસ હતો. તે ઇટાલિયન કહેવાતી ટુકડીનો* લશ્કરી અધિકારી* હતો. ૨ તે ઘણો ધાર્મિક હતો. તે અને તેના ઘરના બધા લોકો ઈશ્વરનો ડર* રાખતા હતા. તે લોકોને ઘણું દાન આપતો હતો અને હંમેશાં ઈશ્વરને કરગરીને પ્રાર્થના કરતો હતો. ૩ એક દિવસ બપોરના ત્રણેક વાગ્યે*+ તેને દર્શનમાં ઈશ્વરનો દૂત દેખાયો. તેણે આવીને કહ્યું: “કર્નેલિયસ!” ૪ કર્નેલિયસ ડરી ગયો. તેણે તેની સામે જોઈને પૂછ્યું: “માલિક, શું થયું?” દૂતે તેને કહ્યું: “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તું ગરીબોને જે મદદ કરે છે એના પર તેમણે ધ્યાન આપ્યું છે.+ ૫ હવે યાફામાં માણસો મોકલ અને સિમોન જે પિતર કહેવાય છે તેને બોલાવ. ૬ તે માણસ, ચામડાનું કામ કરનાર સિમોનને ત્યાં મહેમાન છે, જેનું ઘર દરિયા કિનારે છે.” ૭ કર્નેલિયસની સાથે વાત કરનાર દૂત ગયો કે તરત તેણે પોતાના બે સેવકોને બોલાવ્યા અને પોતાની સેવામાં હાજર રહેતા સૈનિકોમાંથી એક સૈનિકને પણ બોલાવ્યો, જે ધાર્મિક હતો. ૮ તેણે તેઓને બધું જણાવ્યું અને યાફા મોકલ્યા.
૯ તેઓ મુસાફરી કરીને બીજા દિવસે શહેરની નજીક આવી પહોંચ્યા. બપોરના આશરે ૧૨ વાગ્યે* પિતર પ્રાર્થના કરવા ઘરના ધાબા પર ગયો. ૧૦ તે ઘણો ભૂખ્યો થયો હતો અને તેને કંઈક ખાવાનું મન થયું હતું. જમવાનું તૈયાર થઈ રહ્યું હતું એવામાં તેને દર્શન થયું.+ ૧૧ તેણે આકાશ ખુલ્લું થયેલું અને એક મોટી ચાદર જેવું કંઈક* પૃથ્વી પર આવતું જોયું. એને ચારે ખૂણેથી પકડીને નીચે લાવવામાં આવી રહ્યું હતું. ૧૨ એમાં પૃથ્વીનાં દરેક જાતનાં ચોપગાં પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ હતાં. ૧૩ પછી એક અવાજ સંભળાયો: “પિતર, ઊભો થા અને તેઓને મારીને ખા!” ૧૪ પણ પિતરે કહ્યું: “ના, ના, માલિક, જરાય નહિ. મેં કદી અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ ખાધી નથી.”+ ૧૫ તેને બીજી વાર અવાજ સંભળાયો: “ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને અપવિત્ર કહીશ નહિ.” ૧૬ ત્રીજી વાર એવું જ થયું અને તરત એ* ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યું.
૧૭ પોતે જોયેલા દર્શનનો શો અર્થ થાય, એ વાતને લઈને પિતર મૂંઝવણમાં હતો. એ જ વખતે, કર્નેલિયસે મોકલેલા માણસો સિમોનના ઘર વિશે પૂછતાં પૂછતાં દરવાજે આવ્યા.+ ૧૮ તેઓએ જોરથી બૂમ પાડીને પૂછ્યું કે સિમોન જે પિતર કહેવાય છે, તે શું અહીં રોકાયો છે. ૧૯ પિતર હજુ દર્શન વિશે વિચાર કરતો હતો એવામાં પવિત્ર શક્તિએ+ કહ્યું: “જો! ત્રણ માણસો તને શોધે છે. ૨૦ ઊઠ અને નીચે જા. કોઈ શંકા કર્યા વગર તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.” ૨૧ પછી પિતર નીચે એ માણસો પાસે ગયો અને કહ્યું: “તમે જેને શોધો છો એ હું છું. તમે શા માટે આવ્યા છો?” ૨૨ તેઓએ કહ્યું: “લશ્કરી અધિકારી કર્નેલિયસ+ નેક અને ઈશ્વરનો ડર રાખનાર માણસ છે. તેમના વિશે આખી યહૂદી પ્રજા સારું બોલે છે. ઈશ્વરે પોતાના પવિત્ર દૂત દ્વારા તેમને સૂચના આપી કે તે કોઈને મોકલીને તમને તેમના ઘરે બોલાવે અને તમારી વાત સાંભળે.” ૨૩ તેથી પિતરે તેઓને અંદર બોલાવ્યા અને તેઓને પોતાના મહેમાન તરીકે રાખ્યા.
બીજા દિવસે પિતર ઊઠ્યો અને તેઓની સાથે ગયો અને યાફાના અમુક ભાઈઓ પણ તેની સાથે ગયા. ૨૪ પછીના દિવસે તે કાઈસારીઆ પહોંચ્યો. કર્નેલિયસ તેઓની જ રાહ જોતો હતો. તેણે પોતાનાં સગાં-વહાલાં અને નજીકના મિત્રોને બોલાવ્યાં હતાં. ૨૫ પિતર જેવો અંદર ગયો કે તરત કર્નેલિયસ તેને મળ્યો. તેણે ઘૂંટણિયે પડીને પિતરને નમન કર્યું. ૨૬ પિતરે તેને ઊભો કરતા કહ્યું: “ઊભો થા, હું પણ તારી જેમ એક માણસ જ છું.”+ ૨૭ તે તેની સાથે વાત કરતો કરતો અંદર ગયો અને તેણે ઘણા લોકોને ભેગા થયેલા જોયા. ૨૮ તેણે તેઓને કહ્યું: “તમે સારી રીતે જાણો છો કે એક યહૂદી માટે બીજી જાતિના લોકોની સંગત રાખવી કે હળવું-મળવું નિયમ વિરુદ્ધ છે.+ છતાં, ઈશ્વરે મને દેખાડ્યું કે મારે કોઈ માણસને અપવિત્ર કે અશુદ્ધ કહેવો નહિ.+ ૨૯ એટલે મને બોલાવવામાં આવ્યો ત્યારે, કોઈ આનાકાની કર્યા વગર હું આવ્યો. હવે મારે જાણવું છે કે તમે મને શા માટે બોલાવ્યો છે.”
૩૦ કર્નેલિયસે કહ્યું: “આજથી ચાર દિવસ પહેલાં આ જ સમયે, બપોરના ત્રણેક વાગ્યે* હું મારા ઘરમાં પ્રાર્થના કરી રહ્યો હતો. એ વખતે મારી આગળ ઊજળાં કપડાં પહેરેલો એક માણસ આવ્યો. ૩૧ તેણે કહ્યું: ‘કર્નેલિયસ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ગરીબોને જે મદદ કરે છે એના પર તેમણે ધ્યાન આપ્યું છે. ૩૨ યાફામાં માણસો મોકલ અને સિમોન જે પિતર કહેવાય છે તેને બોલાવ. તે માણસ, ચામડાનું કામ કરનાર સિમોનને ત્યાં મહેમાન છે, જેનું ઘર દરિયા કિનારે છે.’+ ૩૩ તરત જ, મેં તને બોલાવવા માણસો મોકલ્યા અને તું આવ્યો એ ઘણું સારું કર્યું. હવે યહોવાએ* જે જણાવવાની તને આજ્ઞા કરી છે, એ બધું સાંભળવા અમે બધા લોકો ઈશ્વર આગળ ભેગા થયા છીએ.”
૩૪ એ સાંભળીને પિતરે બોલવાનું શરૂ કર્યું અને કહ્યું: “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+ ૩૫ પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.+ ૩૬ તેમણે ઇઝરાયેલના દીકરાઓને શાંતિની ખુશખબર જણાવી,+ જે શાંતિ ઈસુ ખ્રિસ્ત દ્વારા શક્ય બની છે. ઈસુને જ બધા પર અધિકાર છે.+ ૩૭ યોહાને બાપ્તિસ્માનો પ્રચાર કર્યો, એ પછી ગાલીલથી+ લઈને આખા યહૂદિયામાં જે વાત ફેલાઈ ગઈ એ તમે જાણો છો. ૩૮ એ વાત નાઝરેથના ઈસુ વિશે છે. ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા+ અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી* હેરાન થયેલા લોકોને સાજા કર્યા.+ તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.+ ૩૯ યહૂદીઓના પ્રદેશ અને યરૂશાલેમમાં તેમણે જે સર્વ કામો કર્યાં, એના અમે સાક્ષીઓ છીએ. પણ તેઓએ તેમને વધસ્તંભે* જડીને મારી નાખ્યા. ૪૦ ઈશ્વરે તેમને ત્રીજા દિવસે જીવતા કર્યા+ અને લોકો આગળ પ્રગટ કર્યા.* ૪૧ જોકે, ઈશ્વરે તેમને બધા લોકો આગળ નહિ, પણ પહેલેથી પસંદ કરેલા સાક્ષીઓ આગળ પ્રગટ કર્યા. એ સાક્ષીઓ તો અમે છીએ. ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા, એ પછી અમે તેમની સાથે ખાધું-પીધું હતું.+ ૪૨ તેમણે આજ્ઞા પણ કરી હતી કે બધા લોકોને અમે પ્રચાર કરીએ અને પૂરેપૂરી સાક્ષી આપીએ+ કે જીવતા અને મરેલા લોકો પર જેમને ઈશ્વરે ન્યાયાધીશ ઠરાવ્યા છે, તે એ જ છે.+ ૪૩ બધા પ્રબોધકોએ ઈસુ વિશે સાક્ષી આપી હતી+ કે, જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકશે તેને એ નામમાં પાપોની માફી મળશે.”+
૪૪ પિતર હજુ તો એ વિશે વાત કરતો હતો એવામાં સંદેશો સાંભળનારા બધા પર પવિત્ર શક્તિ આવી.+ ૪૫ પિતર સાથે આવેલા યહૂદી શિષ્યોને* નવાઈ લાગી, કેમ કે પવિત્ર શક્તિનું દાન બીજી પ્રજાઓના લોકોને પણ આપવામાં આવી રહ્યું હતું. ૪૬ તેઓએ એ લોકોને અલગ અલગ ભાષાઓમાં બોલતા અને ઈશ્વરને મહિમા આપતા સાંભળ્યા.+ એટલે પિતરે કહ્યું: ૪૭ “આપણી જેમ એ લોકોને પણ પવિત્ર શક્તિ મળી છે. તો પછી તેઓને પાણીથી બાપ્તિસ્મા લેતા કોણ રોકી શકે?”+ ૪૮ એમ કહીને પિતરે ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી.+ પછી તેઓએ પિતરને અમુક દિવસો રોકાઈ જવાની વિનંતી કરી.