નિર્ગમન
૧૫ એ સમયે મૂસા અને ઇઝરાયેલીઓએ યહોવા માટે આ ગીત ગાયું:+
“હું યહોવા માટે ગાઈશ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+
તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.+
૨ યાહ* મારું બળ અને મારી તાકાત છે, કેમ કે તેમણે મારો ઉદ્ધાર કર્યો છે.+
તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ.+ તે મારા પિતાના ઈશ્વર છે,+ હું તેમનો મહિમા ગાઈશ.+
૩ યહોવા શક્તિશાળી યોદ્ધા છે.+ યહોવા તેમનું નામ છે.+
૪ તેમણે રાજાના રથોને અને તેના સૈન્યને સમુદ્રમાં નાખી દીધાં,+
તેના બાહોશ સૈનિકોને લાલ સમુદ્રમાં ડુબાડી દીધા.+
૫ તોફાની મોજાઓએ તેઓને ઢાંકી દીધા. પથ્થરની જેમ તેઓ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા.+
૬ હે યહોવા, તમારો જમણો હાથ મહાશક્તિશાળી છે,+
હે યહોવા, તમારો જમણો હાથ દુશ્મનોના ચૂરેચૂરા કરી શકે છે.
૭ તમારી સામે થનારને તમે તમારી મહાન શક્તિથી પાડી શકો છો,+
તમારો ક્રોધ આગની જેમ ભભૂકી ઊઠે છે અને તેઓને સૂકા ઘાસની જેમ ભસ્મ કરી નાખે છે.
૮ તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રનું પાણી ભેગું થઈ ગયું,
પાણી થંભીને દીવાલ થઈ ગયું,
સમુદ્રની લહેરો સ્થિર થઈ ગઈ.
૯ દુશ્મને કહ્યું: ‘હું પીછો કરીશ! હું તેઓને પકડી પાડીશ!
મન ધરાય ત્યાં સુધી હું તેઓની લૂંટ વહેંચી લઈશ!
હું મારી તલવાર ઉગામીશ! મારા હાથે તેઓને હરાવી દઈશ!’+
૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+
તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+
તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે.
૧૨ તમે તમારો જમણો હાથ લાંબો કર્યો અને પૃથ્વી તેઓને ગળી ગઈ.+
૧૩ અતૂટ પ્રેમને* લીધે તમે તમારા છોડાવેલા લોકોને માર્ગ બતાવ્યો,+
તમે પોતાના બળથી તેઓને તમારા પવિત્ર નિવાસસ્થાન સુધી દોરી જશો.
૧૪ એ સાંભળીને+ લોકો થરથર કાંપશે,
અતિશય પીડા પલિસ્તીઓને ઘેરી વળશે.
કનાનના બધા રહેવાસીઓના હાંજા ગગડી જશે.+
૧૬ તેઓ પર ડર અને ભય છવાઈ જશે.+
તમારા શક્તિશાળી હાથને લીધે તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.
હે યહોવા, જ્યાં સુધી તમારા લોકો પસાર ન થાય,
૧૭ હે યહોવા, જે જગ્યા તમે તમારા રહેઠાણ માટે તૈયાર કરી છે,
હે યહોવા, જે પવિત્ર નિવાસસ્થાન* તમે તમારા હાથે બાંધ્યું છે,
એટલે જે પર્વત તમારી માલિકીનો છે, એના પર તમે તેઓને લાવીને વસાવશો.+
૧૮ યહોવા સદાને માટે રાજા તરીકે રાજ કરશે.+
૧૯ જ્યારે ઇજિપ્તના રાજાના રથો અને ઘોડેસવારો સમુદ્રમાં ઊતર્યા,+
ત્યારે યહોવાએ સમુદ્રનું પાણી પાછું વાળીને તેઓ પર ફેરવી દીધું.+
પણ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્રને પેલે પાર ગયા.”+
૨૦ પછી હારુનની બહેન મરિયમ, જે એક પ્રબોધિકા હતી, તેણે પોતાના હાથમાં ખંજરી લીધી. તેની જેમ બીજી સ્ત્રીઓ પણ ખંજરી વગાડતાં વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ગઈ. ૨૧ પુરુષોના ગીત પછી મરિયમે ગાયું:
“યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+
તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.”+
૨૨ ત્યાર બાદ, મૂસા ઇઝરાયેલીઓને લાલ સમુદ્રથી દૂર લઈ ગયો. તેઓ શૂરના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા અને એમાં તેઓએ ત્રણ દિવસ મુસાફરી કરી. પણ તેઓને ટીપુંય પાણી મળ્યું નહિ. ૨૩ તેઓ મારાહ* નામની જગ્યાએ આવી પહોંચ્યા.+ પણ તેઓ ત્યાંનું પાણી પી શક્યા નહિ, કેમ કે એ કડવું હતું. એટલે મૂસાએ એ જગ્યાનું નામ મારાહ પાડ્યું. ૨૪ લોકો મૂસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓએ કહ્યું: “હવે અમે શું પીએ?” ૨૫ તેથી મૂસાએ યહોવાને પોકાર કર્યો.+ યહોવા તેને એક નાના ઝાડ પાસે દોરી ગયા. મૂસાએ એ નાનું ઝાડ પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠું થઈ ગયું.
એ બનાવ પછી ઈશ્વરે તેઓ માટે નિયમો અને કાયદાઓ ઘડ્યા. ત્યાં ઈશ્વરે તેઓની કસોટી કરી કે તેઓ તેમનું માનશે કે નહિ.+ ૨૬ ઈશ્વરે કહ્યું: “તમે તમારા ઈશ્વર યહોવાની વાત પૂરા દિલથી માનજો, તેમની નજરમાં જે ખરું છે એ જ કરજો, તેમની આજ્ઞાઓ પર ધ્યાન આપજો અને તેમના બધા નિયમો પાળજો.+ જો તમે એમ કરશો, તો હું તમારા પર એવી કોઈ બીમારી નહિ લાવું, જે હું ઇજિપ્તના લોકો પર લાવ્યો હતો.+ હું યહોવા તમને તંદુરસ્ત રાખીશ.”+
૨૭ એ પછી તેઓ એલીમ પાસે આવી પહોંચ્યા, જ્યાં પાણીના ૧૨ ઝરા અને ખજૂરીનાં ૭૦ ઝાડ હતાં. તેઓએ ત્યાં પાણી પાસે છાવણી નાખી.